તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ અરૂગલા એક સ્વાદિષ્ટ પત્તેદાર ભાજીની જાણી લઈએ ખૂબી

  • શ્રીલેખા યાજ્ઞિક

ભારતીય તહેવારો અને તેમાં પણ દિવાળીના દિવસો હોય ત્યારે ઘર-સજાવટની સાથે રસોઈઘરમાંથી મધઝરતી વાનગીઓની સોડમ આવવા લાગે છે. દિવાળીમાં ચટાકેદાર ફરસાણ તથા મધમીઠી મીઠાઈઓ ખાવાનો આનંદ અનેરો હોય છે. અનેક વખત દિવાળી બાદ વજન વધી ગયું હોય છે. દિવાળી બાદ અંગ્રેજી નવા વર્ષને વધાવવા વજનને નિયંત્રણમાં રાખવું જરૂરી બની જાય છે.

જો વજનને નિયંત્રણમાં રાખવું હોય તો અત્યારથી જ વિવિધ પત્તેદાર શાકભાજી ખાવાની શરૂઆત કરવી જોઈએ. શું આપે અરૂગલા ભાજીનું નામ સાંભળ્યું છે? મેથી-પાલક-તાંદળજો-સરસવ-સૂવાની ભાજીથી આપણે જાણકાર છીએ. અરૂગલા ભાજી કે રોકેટ ભાજીનો આપણે વધુ ઉપયોગ કરતાં નથી. અન્ય ભાજી જેવાં જ પત્તેદાર ભાજીના ગુણો આ રોકેટ ભાજીમાં સમાયેલાં છે. તેનો ઉપયોગ સલાડ, શાક કે અન્ય ચાટની વાનગીમાં ઉપરથી સજાવટમાં કરી શકો છો.

અરૂગલાને રોકેટ, રૂકોલા, તારામીરા, સફેદ મીર્ચ, રોક્વેટ વગેરે નામથી ઓળખવામાં આવે છે. સરસવની ભાજીની જેમ અરૂગલા ભાજી પણ તેના ચટપટા સ્વાદ તથા સ્વાસ્થ્ય લાભ માટે ખાસ ખવાય છે. હજી લોકોમાં અન્ય ભાજીની સરખામણીમાં તે વધુ પ્રચલિત નથી બની. વૈજ્ઞાનિક નામ એરૂકા વેસિકેરિયા છે.

અરૂગલા ક્રૂસિફેરસ બૈસિસેકી વેજિટેબલ પરિવારનો હિસ્સો ગણાય છે. પત્તા-કોબી, બ્રોકલી જેવાં શાક સાથે તેને સરખાવામાં આવે છે. તેનો ઉપયોગ શાક બનાવીને કરી શકાય છે પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ સલાડ તરીકે કાચી ખાવામાં કરવામાં આવે છે. તેની સ્મુધી બનાવી શકાય છે. ઈટાલિયન વાનગી જેવી કે પિત્ઝા કે પાસ્તામાં તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. જે વાનગીનો સ્વાદ વધારવામાં મદદ કરે છે.

અરૂગલાના એક કપ પાનમાં 20-25 કૅલરી, 3 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 2.5 ગ્રામ પ્રોટીન, દોઢ ગ્રામ ફાઈબર હોય છે. તે વિટામિન સી, વિટામિન ઈ તથા વિટામિન કેનો ભંડાર ધરાવે છે. વળી અનેક ખનીજ તત્ત્વો પણ સમાયેલાં છે. જેવા કે આયર્ન, ઝિંક, મેગ્નેશ્યિમ, કૅલ્શ્યિમ, પોટેશ્યિમ, પ્રોટીન તથા ફોસ્ફરસ જેવા વિવિધ પોષત તત્ત્વો સમાયેલાં છે. અરૂગલાના લીલાછમ પાનમાં સ્વાસ્થ્ય માટે ગુણકારી તેવાં ઍન્ટિઓક્સિડન્ટ, ફાઈબર તથા ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે. તેના પાન જેટલાં ગુણકારી છે તેટલાં જ ગુણકારી તેના ફૂલ તથા તેલ ગણાય છે.

અરૂગલા કે આગુર્લા એક પ્રકારની સલાડની ભાજી ગણાય છે. કેટલાંક યુવા-સંપન્ન ખેડૂતો દ્વારા આ ભાજીની ખેતી થતી જોવા મળે છે. ગારધિર કે ભૂમધ્ય સાગરીય સલાડના પાન તરીકે અરૂગલા ઓળખાય છે. વર્તમાન સમયમાં જીમનેશ્યિમમાં જતાં યુવાવર્ગમાં બૉડીબિલ્ડીંગનો શોખ વધવા લાગ્યો છે. તેમના દ્વારા અરૂગલા પાનનું સેવન લોકપ્રિય બનવા લાગ્યું છે. શરીરના અનેક સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઊણપ પૂર્ણ કરવામાં મદદ કરે છે.

ભારતનાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઑક્ટોબરના અંતિમ સપ્તાહમાં તેનું વાવેતર શરૂ કરવામાં આવે છે. તેની ખેતી માટે 10થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી હોય છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા રાજ્યો અરૂગલાના પાનની ખેતીમાં સૌથી મોટા ઉત્પાદક તરીકે આગળ આવેલાં છે. અમેરિકા તથા કૅનેડામાં અરૂગલાના પાનની માગ સતત વધતી જાય છે. હાઈબ્રીડ પાનની ખેતી ખેડૂતોમાં વધુ લોકપ્રિય બની છે. કેટલીક જાત જોઈએ તો એસ્ટ્રો, રેડ ડ્રેગન, રૉકેટ તથા સ્લૉબોલ્ટ, વસાબી વગેરે ગણાવી શકાય. અરૂગલા પાનની ખેતીની ખાસ વિશિષ્ટતા એ છે કે તેની ખેતી 40થી 50 દિવસમાં પૂર્ણપણે તૈયાર કરી શકાય છે.

રૉકેટ ભાજીના સ્વાસ્થ્યવર્ધક લાભ:

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી: તહેવારોમાં સુંદર દેખાવું પ્રત્યેક વ્યક્તિને પસંદ હોય છે. તેમાં શરીર સુડોળ હોય તો તમારું વ્યક્તિત્વ વધુ ખીલી ઊઠે છે. તેના માટે થોડી મહેનત કરવી પડે છે. ભોજનમાં થોડું ધ્યાન આપવામાં આવે તો તેનો ફાયદો અવશ્ય મળે છે. અરૂગલા ભાજીનું સેવન કરવાથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. કેમ કે આ ભાજીમાં કૅલરીની માત્રા ઓછી હોવાની સાથે ફાઈબરનું પ્રમાણ વધુ છે. જેથી તારામીરા ભાજીનું સેવન ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે વજનને ઘટાડવામાં મદદ કરે છે.

ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર: તારામીરા કે રૉકેટ ભાજીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે જૂની બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. શરીરને વિવિધ પોષક તત્ત્વો મળવાથી અરૂગલા ભાજીનું સેવન પ્રમાણભાન રાખીને કરવું ઉત્તમ ગણાય છે. વિટામિન કેની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. એક અધ્યયનથી જાણવા મળ્યું હતું કે અરૂગલાના પાનનો રસ ઉંદરને આપવાથી તેમની કોશિકામાં ઍન્ટિ-ડાયાબિટીક પ્રભાવ જોવા મળ્યો હતો.

કૅલ્શ્યમથી ભરપૂર: સફેદ મિર્ચ તરીકે ઓળખાતી અરૂગલા ભાજીમાં કૅલ્શ્યિમનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે. જે હાડકાંની તંદુરસ્તી માટે લાભકારી ગણાય છે.

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: ડાયાબિટીસની સમસ્યા ધરાવતી વ્યક્તિ માટે અરૂગલા ભાજીનું સેવન ગુણકારી ગણાય છે. પત્તેદાર શાકનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો ઘટી શકે છે. અરૂગલામાં ભરપૂર માત્રામાં ફાઈબર સમાયેલું હોય છે. ફાઈબર યુક્ત આહાર બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ઈન્સ્યુલિન રેસિસ્ટન્ટને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ: જેમનું બ્લડપ્રેશર વધુ રહેતું હોય તેમને માટે અરૂગલા ભાજીનું સેવન કરવું લાભકારી ગણાય છે. આ ભાજીનું સેવન શક્તિવર્ધક ગણાય છે. કેમ કે તેમાં શરીર માટે આવશ્યક ખનીજ તત્ત્વો સમાયેલાં છે, જે લોહીમાં કૅલ્શ્યિમ તથા મેગ્નૈશ્યિમની માત્રા વધારવામાં મદદ કરે છે.

આંખોની રોશની માટે લાભકારી: સતત મોબાઈલના ઉપયોગને કારણે આંખોની વિવિધ સમસ્યા બાળકોથી લઈને પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળે છે. આંખોમાં બળતરા, ઝાંખપ કે દૂરનું ધૂંધળું દેખાવું વગેરે ગણાવી શકાય. અરૂગલાના પાનમાં વિટામિન એની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે રેટિનાની સુરક્ષા માટે લાભકારી ગણાય છે. લ્યૂટિન, જેક્સૈન્થિલ હોય છે જે વધુ પડતાં પ્રકાશથી આંખોને બચાવવામાં મદદ કરે છે. ઓમેગા-3 મોતિયાબિંદુના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે.

અરૂગલા પાનનો સલાડ
સામગ્રી: 1 મોટો બાઉલ અરૂગલાના તાજા પાન બરફના પાણીમાં રાખવા, 1 નાની વાટકી લાલ દ્રાક્ષ, 1 નાની વાટકી સફરજનના ટુકડા, 1 નાની વાટકી પનીર, 1 નાની વાટકી પર્મિશન ચીઝ, 10-12 નંગ શેકેલી બદામ, સ્વાદાનુસાર સંચળ, 1 નંગ લીંબુનો રસ, 1 નાની ચમચી મરી પાઉડર, 1 નાની ચમચી ચાટ મસાલો, 1 નાની ચમચી દળેલી ખાંડ. 1 નાની ચમચી ઑલિવ ઓઈલ.

બનાવવાની રીત: સૌ પ્રથમ બદામને શેકી લેવી. લાલ દ્રાક્ષના બે ટુકડા કરી લેવાં. સફરજનને મધ્યમ આકારમાં કાપી લેવાં. હવે એક બાઉલમાં સફરજન, દ્રાક્ષ, પનીર, બદામ, ચીઝ વગેરે ભેળવીને તેની ઉપર અરૂગલાના તાજા પાન ગોઠવવાં. તેની ઉપર સંચળ, લીંબુનો રસ, દળેલી ખાંડ, ઑલિવ ઓઈલ વગેરે ભેળવવું. મિશ્રણને બરાબર હલાવી લેવું. તાજા સ્વાદિષ્ટ ચટપટા ઠંડા સલાડનો સ્વાદ માણવો. એક વખત સ્વાદ માણશો તો વારંવાર અચૂક બનાવવાનું આપને મન થશે તેની ગેરેંટી.

આપણ વાંચો:  મોજની ખોજઃ ઘરડા ઘરમાં શોભે…. ઘરડાઘરમાં નઈ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button