સ્વાસ્થ્ય સુધા: પોષણ-મૂલ્યોથી સમૃદ્ધ સૌથી વજનદાર ફળ ફણસ

- શ્રીલેખા યાજ્ઞિક
ફણસનું નામ સાંભળતાં આપણી બારાખડીની યાદ અચૂક આવી જાય …. કેમ કે બાળપણથી આપણે ‘ફ…ફણસનો…ફ’ સાંભળતાં આવ્યા છીએ. ફણસના ફળને વિશ્ર્વનું સૌથી વજનદાર ફળ ગણવામાં આવે છે. કેમ કે એક ફળનું વજન સરેરાશ 55 કિલોની આસપાસ જોવા મળે છે. એશિયામાં ફણસનો વપરાશ તથા ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ઉષ્ણકટિબંધીય ફળ તરીકે તે જાણીતું છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા તથા ફિલિપાઈન્સમાં ફણસની ખેતી તથા ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. ભારતનું તમિળનાડુમાં આવેલું પનરૂતિ ગામ રસમધુરાં ફણસની રાજધાની ગણાય છે. અન્ય રાજ્યોમાં ઓરિસ્સા, કેરળ, આસામ, પશ્ર્ચિમ બંગાળ તથા મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ફણસનાં પોષણમૂલ્યોની વાત કરીએ તો તેમાં વિટામિન સી, વિટામિન બી-6, ફાયબર, પોટેશ્યિમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. તેથી પાચન સુધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારનાર ફળમાં ફણસનો સમાવેશ થાય છે. હૃદયની તંદુરસ્તીની સાથે ઍન્ટિ-ઑક્સિડન્ટનું પ્રમાણ હોવાથી તે ત્વચાનું કોમળપણું જાળવી રાખવામાં મદદ કરે છે.
ફણસને અંગે્રજીમાં જૅકફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ફણસની ખેતી હજારો વર્ષથી થતી આવી છે. તેના વૃક્ષને તેમજ ફળને પવિત્ર માનવામાં આવે છે. તાજેતરમાં મૅંગ્લોર… બૅંગલૂરુમાં ‘જૅકફ્રૂટ ફેસ્ટિવલ’ ઊજવવામાં આવ્યો હતો. જેમાં ફણસમાંથી બનતાં વિવિધ પદાર્થની સજાવટ કરવામાં આવી હતી. જેમ કે ફણસની જલેબી, ફણસનો આઈસક્રીમ, ફણસનો મિલ્કશૅક, ફણસના માલપુઆ, ફણસના ભજિયાં, ફણસની વેફર.. એકલાં ફણસની જ વાનગીઓ નિહાળીએ તો ફણસ ન ભાવતું હોય તેમને પણ અવશ્ય પસંદ પડવા લાગે. ફણસ માનવ-જીવનના આરોગ્ય માટે કેટલું સમૃદ્ધ છે તે વિષે ખાસ માહિતી આપવામાં આવે છે. ફણસના વૃક્ષના લાકડાનો ઉપયોગ ધાર્મિક વિધિમાં તથા ફર્નિચર બનાવવામાં કરવામાં આવે છે. સંગીતનાં સાધનો બનાવવામાં ફણસના વૃક્ષનું લાકડું ઉપયોગી ગણાય છે.
ફણસના સ્વાદની વાત કરીએ તો પાઈનેપલ તથા કેળાને ભેગા કરીને ખાતા હોઈએ તેવો લાગે છે. પાકેલું ફણસ સ્વાદમાં અત્યંત મીઠું મધુરું લાગે છે. વળી રસદાર ફળને કાપવામાં આવે ત્યારે અત્યંત મીઠી સુગંધ પ્રસરે છે. ફણસને કાચું તથા પોકલું તેમ બંને રીતથી ખાઈ શકાય છે. કાચા ફણસનું શાક, અથાણું, વેફર કે કરી બનાવવામાં આવે છે. જ્યારે પાકા ફણસમાંથી જલેબી, આઈસક્રીમ, સ્મૂધી, માલપુઆ, મિલ્કશૅક, બીરિયાની, કબાબ, ટિક્કી જેવી અનેક વાનગી બનાવી શકાય છે.
ફણસના સ્વાસ્થ્યવર્ધક લાભ
પોષક તત્ત્વોથી ભરપૂર: પાકા ફણસમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશ્યિમ, ડાયેટરી ફાઈબર જેવા પોષક ગુણો સમાયેલાં છે. ફણસમાં કૅલ્શ્યિમ, થાઈમીન, રાઈબોફ્લેવિન, આયર્ન, નિયાસિન, ઝિંક જેવાં સત્ત્વો સમોયલાં છે. જે શરીરને માટે લાભકારક ગણાય છે. વળી ફણસમાં કૅલરીનું પ્રમાણ ઓછું હોય છે. જેથી ફણસ ખાવાથી વજન વધી જવાની ચિંતા રહેતી નથી. નાસ્તામાં ફણસનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. કેમ કે ફણસમાં રેસવેરેટ્રોલ નામક ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય છે. વળી ઍન્ટિ-ઈન્ફેલેમેટરી ગુણ હોવાને કારણે વધતાં વજનને રોકવામાં મદદ કરે છે.
આંખો માટે ફાયદાકારક: ફણસમાં વિટામિન એ તથા વિટામિન સીની માત્રા ભરપૂર છે. વળી આ બંને પોષક તત્ત્વો આંખો માટે ફાયદાકારક ગણાય છે. આંખોની કાળજી યોગ્ય રીતે લેવા માટે આહારમાં વિટામિન સી તથા વિટામિન એની સાથે બિટાકેરોટીનનો સમાવેશ કરવો જોઈએ.
હાડકાંને મજબૂત બનાવવામાં ગુણકારી: હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહે તે માટે કૅલ્શ્યિમ, ફોસ્ફરસ, કૉપર, ઝિંક વગેરેની આવશ્યક્તા શરીરને પડે છે. ફણસમાં ઉપરોક્ત બધા જ ન્યૂટ્રિઅન્ટસ્ સમાયેલાં છે. જે હાડકાંની મજબૂતાઈ માટે જરૂરી છે. તેથી ફણસનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
કૅન્સરનો ખતરો ઘટાડે છે: ફણસમાં અનેક પ્રકારના ફાઈટોન્યૂટ્રિઅન્ટસ્ જોવા મળે છે. ફણસમાં ઍન્ટિહાઈપરટેંસિવ, ઍન્ટિકૅન્સર, ઍન્ટિ-ઍજિંગ, ઍન્ટિ-અલ્સર તત્ત્વ સમાયેલાં હોય છે. જે શરીરમાં કૅન્સર સેલને બનતાં રોકે છે. તથા પેટના અલ્સરમાં ગુણકારી ગણાય છે.
ત્વચા માટે ગુણકારી: ફણસમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની સાથે વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી છે. જેથી બંને પોષક તત્ત્વો ત્વચાને તંદુરસ્ત રાખવા માટે ગુણકારી ગણાય છે. ફણસ માટે એવું કહેવાય છે કે તેના સેવનથી વધતી વયની અસરોથી બચી શકાય છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: ફણસમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જે પાચનને ધીમું કરવામાં મદદ કરે છે. લોહીમાં શર્કરાની માત્રાને વધતી રોકે છે. ફણસનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફણસનો ઉપયોગ કરી શકાય છે.
પાચનક્રિયા સુધારે છે: ફણસમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી ફણસનું પ્રમાણભાન રાખીને સેવન કરવાથી સારા બૅક્ટેરિયાની માત્રા શરીરમાં વધે છે. પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ફણસ કેસરી
સામગ્રી :10 નંગ બી કાઢેલાં ફણસ, 8 નંગ આખા કાજુ, 1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ, અડધો કપ રવો, 4 ચમચી ચોખ્ખું ઘી, 4-5 તાંતણા કેસરના દૂધમાં પલાળેલાં, 1 વાટકી ખાંડ, બદામ-પિસ્તાની કતરણ 1 ચમચી.
આપણ વાંચો: 11 વર્ષના ઈન્ડોનેશિયાના ટેણિયાએ મુંબઈ પોલીસને પણ બની દિવાની, જુઓ વાયરલ વીડિયો
બનાવવાની રીત : સૌ પ્રથમ ફણસના બી કાઢી લેવાં. 2 ફણસના નાના ટુકડાં કરી લેવાં. બાકીના ફણસનો મિક્સરમાં માવો બનાવી લેવો. એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરવું. તેમાં કાજુ સાંતળી લેવાં. સૂકી દ્રાક્ષ સાંતળી લેવી. તેને એક વાટકીમાં કાઢી લેવી. તેમાં અડધો કપ રવો શેકવો. રવો સોનેરી થાય તથા સુગંધ આવવા લાગે એટલે તેમાં ફણસનો માવો ભેળવવો. કેસરના તાંતણાને ઉમેરવાં. જરૂર જણાય તો થોડું ગરમ દૂધ ઉમેરવું. ફણસના ટુકડાં ઉમેરીને બરાબર ભેળવવું. થોડું સિઝવા લાગે ત્યારબાદ ખાંડ ઉમેરવી. ધીમી આંચ ઉપર રાખવું. કાજુ-સૂકી દ્રાક્ષ ભેળવવાં. બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ગરમા-ગરમ પિરસવો. ફણસનો રંગ શિરામાં કેસરી રંગ મનમોહક લાગશે. તથા સ્વાદ પણ મનભાવન લાગે છે. ફણસની મોસમમાં અચૂક બનાવવા જેવો છે ફણસ કેસરી.