તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ કુદરતની બક્ષિસ ગણાય છે કાજુના સોનેરી દાણા

  • શ્રીલેખા યાજ્ઞિક

કાજુ નામ પડતાંની સાથે જ આપણાં મોંમાં પાણી આવી જાય. કેમ બરાબર ને? કાજુ કતલી તહેવાર હોય કે શુભ પ્રસંગ પ્રત્યેક વ્યક્તિની મનપસંદ મીઠાઈ ગણાય છે. મસાલા દૂધ હોય કે સેવનો દૂધપાક કાજુનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. શિયાળો આવે તેમ આહાર તજજ્ઞો સૂકા મેવાનું સેવન કરવાની સલાહ આપતાં હોય છે. કેમ કે જે કુદરતી પ્રોટીન આપણને સૂકા-મેવામાંથી મળી રહે છે. તે અન્ય સપ્લીમેન્ટ કે દવામાંથી મળવું મુશ્કેલ છે. કૅડબરી કે અન્ય ચૉકલેટ લંચબૉક્સમાં ભરી આપવાને બદલે બાળકોને સૂકોમેવો ભરી આપવો વધુ યોગ્ય છે. કાજુમાંથી વિવિધ મીઠાઈની સાથે અનેક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે.

તારીખ 23મી નવેમ્બરનો દિવસ ભારતમાં ‘કાજુ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કાજુની ખેતી કરતાં ખેડૂતોની મહેનતને બિરદાવવી. આપણાં દેશમાં જ પાકતાં વિવિધ પ્રકારના કાજુનો આનંદ માણવો. ભારતમાં કાજુની ખેતી દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. કાજુની ખેતી વખતે ખાસ સંભાળ રાખવાની આવશ્યક્તા રહે છે.

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ગોવામાં મોટા પ્રમાણમાં કાજુની ખેતી થાય છે. કાજુની ખેતીની વાત કરીએ તો તેનાં છોડ કે બીજને સૌ પ્રથમ એક નાના કુંડા કે નર્સરીમાં ગોઠવવામાં આવે છે. લગભગ 12 થી 18 માસમાં છોડ થોડો મોટો થાય ત્યારબાદ તેને ખેતરમાં કાયમી જગ્યામાં રોપવામાં આવે છે. ત્રણથી પાંચ વર્ષના ગાળામાં તે વૃક્ષ બનીને ફળ આપવા લાગે છે. વૃક્ષ આઠથી બાર વર્ષનું થાય ત્યારબાદ તેમાં કાજુનો મબલખ પાક મળવા લાગે છે.

કાજુના બીજ પોર્ટુગીઝ લોકો બ્રાઝિલથી ભારતમાં લાવ્યા હતા, કાજુની વિવિધતાની વાત કરીએ તો ભારતીય કાજુ, તાન્ઝાનિયન, વિએટનામી, ઈન્ડોનેશિયન કાજુ વગેરે ગણાવી શકાય. ભારતમાં પણ ખાસ ગોવાના કાજુ કદમાં મોટા તથા સ્વાદમાં મીઠાશ પડતાં મખમલી હોય છે. કૉલમ કાજુ પણ ભારતીયોમાં લોકપ્રિય ગણાય છે. કેરળના શહેર કૉલમના નામ ઉપરથી કાજુને કૉલમ કાજુની ઓળખ મળી છે. પાકકલામાં ખાસ કૅક-બિસ્કીટ, ટોસ્ટ વગેરે બનાવવા માટે કૉલમ કાજુનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે.

તાન્ઝાનિયન કાજુ સ્વાદમાં મુલાયમ તેમ જ ઓછી મીઠાશ ધરાવતાં હોય છે. દેશ-વિદેશમાં તેની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. વિએટનામી કાજુની ખાસિયત જોઈએ તો કદમાં થોડા નાના પરંતુ સ્વાદમાં મીઠાશ ધરાવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ વાનગી બનાવવામાં તથા સુકામેવાના વિવિધ દાણાની ભેળ બનાવવામાં કરવામાં આવે છે.

ઈન્ડોનેશિયન કાજુની ખેતી મુખ્યત્વે બાલીમાં થતી જોવા મળે છે. બાલીના કાજુ તેના આકાર તથા સ્વાદને કારણે લોકોમાં અતિ પ્રિય બની ગયા છે. વેપારની દૃષ્ટિએ જોઈએ તો ભારત કાજુની નિકાસમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જમ્બો કાજુનો 1કિલોનો ભાવ જોઈએ તો સરેરાશ 1300 થી 1400ની આસપાસ જોવા મળે છે. નાના કદના કાજુનો ભાવ 700થી 800ની આસપાસ જોવા મળે છે.

કાજુ વિશે અનેક ગેરમાન્યતા પ્રવર્તતી રહે છે. જેમ કે કાજુ ખાવાથી કૉલેસ્ટ્રોલ વધી જશે. કાજુ ખાવાથી મોટાપો આવશે. હાલમાં યુવાવર્ગ દેશી વાનગી તેમ જ દેશી ઓસડિયાનો દીવાનો બનવા લાગ્યો છે. જેમાં કાજુ વિશેની ખોટી વાતોને નકારવાનો સમય આવી ગયો છે. ‘અતિ સર્વત્ર વર્જયેત્:’ કોઈપણ વસ્તુનો અતિરેક માનવી માટે નુકસાનકારક ગણાય છે. તો ચાલો કાજુના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણીને તેનો ઉપયોગ આહારમાં કરીએ.

કાજુમાંથી બનતી વિવિધ વાનગી જોઈએ તો કાજુકતલી, કાજુની ચિક્કી, કાજુ પૂરી, ખારા કાજુ, કાજુનો ઉપયોગ ગાજરનો હલવો, દૂધીનો હલવો, મોહનથાળ કે અડદિયા પાકમાં કરી શકાય છે. કૅક, બિસ્કીટ, પંજાબી શાક તેમજ ગુજરાતી વિવિધ શાકમાં જેવા કે કાજુ-કારેલાંમાં કરવામાં આવે છે. કાજુ પુલાવ, કાજુ બટર સ્પ્રેડ, દક્ષિણ ભારતમાં તો કાજુના પકોડા બનાવવામાં આવે છે. તો ગોવામાં કાજુમાંથી ખાસ પ્રકારનું પીણું ‘ફેની’ તથા કાજુનો સૂપ બનાવવામાં આવે છે. હવે તો બજારમાં વિવિધ સ્વાદમાં કાજુ મળવા લાગ્યા છે. જેમાં મરી, ચાટ મસાલા, ફુદીના કે ચાઈનીઝ મસાલાની સાથે ગળ્યા કાજુનો સમાવેશ થાય છે.

કાજુના સ્વાસ્થ્યવર્ધક લાભ
લોહીને શુદ્ધ રાખે છે
કાજુમાં આયર્ન તથા કૉપર બંનેની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. આયર્ન લોહીને સ્વસ્થ તથા કોશિકાને વધારવામાં મદદ કરે છે. જેથી શરીરમાં ઑક્સિજન યોગ્ય રીતે પહોંચવામાં મદદ મળે છે. આયર્ન લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. જે ઍનિમિયાની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. તેથી કાજુનું સેવન પ્રમાણભાન રાખીને કરવું જરૂરી છે.

ડાયાબિટીઝમાં લાભકારી
કાજુની ગણતરી પોષક તત્ત્વોના ખજાના તરીકે થાય છે. જેમાં સૌથી વધુ મેગ્નેશ્યિમ ગણી શકાય. મેગ્નેશ્યિમને ડાયાબિટીઝનો સાથી ગણવામાં આવે છે. તેનું કારણ લોહીમાં રહેલાં ગ્લુકોઝને સંતુલિત કરવામાં મદદ કરે છે. લોહીમાં ગ્લુકોઝની માત્રા નિયંત્રિત કરવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

પ્રાકૃતિક રોગપ્રતિકારક શક્તિ વધારનાર
આજથી લગભગ 30થી 40 વર્ષ પહેલાંની વાત કરીએ તો દાદી-નાની શિયાળામાં ખાસ સૂકા મેવાનો ઉપયોગ કરીને વિવિધ વસાણા, કાજુકતલી બનાવતાં હતાં. વળી ઘરના પ્રત્યેક સભ્યને વહેલી સવારે માપસર સૂકો મેવો ખાવા મળે તેવી ગોઠવણ કરતાં. જેમાં કાજુનો સમાવેશ અચૂક જોવા મળતો. કાજુને ઝિંકનું પાવરહાઉસ ગણવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે આવશ્યક ખનીજ ગણાય છે. જે ચેપી બીમારીથી શરીરને બચાવે છે. તેથી હવે વિદેશી મોંઘા પૂરક પાઉડર કે ગોળીને તિલાંજલી આપીને સૂકામેવાનો સ્વાદ માણીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ આપોઆપ વધવા લાગશે.

હૃદય માટે વરદાન સમાન
કાજુમાં બાયોઍક્ટિવ મૈક્રોન્યૂટ્રિઅન્ટસ્ જેવી કે સારી ફેટસ્ તથા ઍન્ટિઓક્સિડન્ટ સમાયેલું હોય છે. જે આપણાં બ્લડપ્રેશરને તથા કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જે લાંબેગાળે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે.

કેસર-કાજુ-ખજૂર શક્તિવર્ધક બૉલ્સ

સામગ્રી: 250 ગ્રામ ટુકડા કાજુ, 200 ગ્રામ ખજૂરનો માવો, 100 ગ્રામ સૂકા નાળિયેરનું ખમણ, 8-10 તાંતણાં દૂધમાં પલાળેલી કેસર, 1 નાની ચમચી એલચી-જાયફળનો ભૂકો. ઘી જરૂર મુજબ.

બનાવવાની રીત: 1 ચમચી ઘીમાં કાજુના ટુકડાને સાંતળી લેવાં. ખજૂરના બીજ કાઢીને તેના માવાને તે જ ઘીમાં સાંતળીને મુલાયમ બનાવી લેવો. કાજુના ટુકડા થોડાં નાના કરી લેવાં. જેથી ખાવામાં સરળતા રહે. ખજૂરના માવામાં એલચી-જાયફળનો ભૂકો ભેળવવો. બધું જ બરાબર ભેળવીને નાના બૉલ્સ બનાવી લેવાં. કોપરાના છીણમાં દૂધમાં પલાળેલી કેસરવાળું મિશ્રણ ભેળવવું. કાજુ-ખજૂરના બૉલ્સને કેસરવાળા કોપરાના છીણમાં રગદોળવા. શિયાળામાં શરીરને પૂરતી શક્તિ આપવાની સાથે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ મળી રહેશે.

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
કાજુ ખાવાથી વજન ફટાફટ વધી જશે. તે માન્યતા ખોટી છે. સપ્રમાણ માત્રામાં એટલે કે દિવસના 5-6 નંગ કાજુનું સેવન કરવું હિતાવહ છે. સૂકો મેવો ખાતી વ્યક્તિ માટે વ્યાયામ આવશ્યક બની જાય છે. જે શરીરમાં વધતી ચરબીને રોકવામાં મદદ કરે છે.

કાજુમાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે આપના શરીરમાં રહેલી ચરબી, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ વધારે છે. કાજુમાં સમાયેલું ફાઈબર વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ફાઈબર કૅલેરીના સેવનને ઘટાડવામાં મદદ કરે છે. કાજુમાં ચરબી તથા પ્રોટીન બંને વધુ માત્રામાં છે. તેથી તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થા, ત્વચા, વાળ માટે ગુણકારી

કાજુમાં મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન ઈ, કૅલ્શિયમ જેવા પોષક ગુણો સમાયેલાં છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં, ગર્ભસ્થ શિશુના વિકાસમાં, ત્વચાને ચમકદાર બનાવવામાં તથા વાળની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. કાજુનું સેવન ખાલી પેટ કરવું હિતાવહ છે. કેમ કે કાજુની તાસીર ગરમ હોય છે. જેથી ઠંડીમાં તેનું સેવન કરવું યોગ્ય ગણાય છે.

કાજુને પલાળીને ખાવાથી તેના વધુ લાભ મેળવી શકાય છે. કેમ કે પાણીમાં પલાળીને રાખેલાં હોવાથી પાણી કાજુની ગરમી શોષી લે છે. ભૂખ્યા પેટે કાજુનું સેવન પ્રમાણભાન રાખીને કરવું હિતાવહ ગણાય છે.

હાડકાંની મજબૂતાઈ માટે લાભકારી
કાજુમાં મેગ્નેશિયમ તથા કૅલ્શિયમની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે હાડકાંના વિકાસ તથા મજબૂતાઈ માટે ગુણકારી ગણાય છે. કૅલ્શિયમ તથા મેગ્નેશિયમ શરીરને વિવિધ રોગથી બચાવવામાં મદદ કરે છે.

આપણ વાંચો:  ફોકસઃ ત્વચાની ચમકથી લઈને વાળની વૃદ્ધિ સુધી… આ પાંચ કાર્યમાં એરંડા તેલની કમાલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button