તંદુરસ્તી-મનદુરસ્તી: શું છે સમાપત્તિ?

- ભાણદેવ
શરીર સપ્તધાતુનું બનેલું છે. આ સપ્તધાતુ આ પ્રમાણે છે – રસ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ અને વીર્ય. આ સાતે ધાતુમાં ત્રણ તત્ત્વો છે – વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફની વિષમ અવસ્થા રોગનું કારણ છે અને સમ અવસ્થા સ્વાસ્થ્યનું કારણ છે. સાતે ધાતુમાં ત્રણે તત્ત્વો સમ અવસ્થામાં હોય તે અવસ્થાને `ધાતુ સામ્ય’ કહેવામાં આવે છે. સાતે ધાતુમાંથી કોઈ પણ એક કે અધિકમાં વાત, પિત્ત કે કફમાંના કોઈ પણ એક કે અધિક દૂષિત થાય તો તે અવસ્થાને ધાતુની વિષમ અવસ્થા અર્થાત્ ધાતુવૈષમ્ય કહેવામાં આવે છે.
ધાતુસામ્ય આરોગ્યનું અને ધાતુવૈષમ્ય રોગનું કારણ છે. શરીરને ધાતુવૈષમ્યથી મુક્ત કરીને ધાતુસામ્ય સિદ્ધ કરવું તે માત્ર આરોગ્ય માટે જ નહિ, પરંતુ યોગાભ્યાસ માટે પણ અનુકૂળ ભૂમિકા છે.
ભગવાન પતંજલિ યોગની વ્યાખ્યા આપે છે- योगश्चित्तवृत्तिनिरोध: । योगसूत्र ; 1.2
`યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ.’ ચિત્તની વૃત્તિઓ શાંત થાય એટલે યોગ સિદ્ધ થાય છે.
ભક્તિમાર્ગે પ્રેમ દ્વારા, જ્ઞાનમાર્ગે આત્મચિંતન દ્વારા અને યોગમાર્ગે પ્રાણસંયમ દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ સિદ્ધ થાય છે.
આપણા સમર્થ અધ્યાત્મપુરુષોએ જોયું કે જ્યાં સુધી શરીરમાં ધાતુસામ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓનો નિરોધ સિદ્ધ કરવાનું કાર્ય ઘણું દુષ્કર છે. સપ્ત – ધાતુની સમ અવસ્થાને ચિત્તની સમતુલા સાથે સંબંધ છે. ધાતુસામ્ય ચિત્તની નિરુદ્ધ અવસ્થામાં ઘણી મૂલ્યવાન સહાય આપે છે અને ધાતુવૈષમ્ય ચિત્તની વૃત્તિઓને ચંચળ બનાવે છે.
આ દર્શનને સ્વીકારીને યોગપથમાં પ્રારંભમાં ધાતુસામ્ય સિદ્ધ કરવાનો સમર્થ કાર્યક્રમ છે. શોધન કર્મ દ્વારા આ ધાતુસામ્ય સિદ્ધ કરવામાં ઘણી સહાયતા મળે છે. શોધન કર્મ અને યોગાસન આદિ અન્ય યોગાભ્યાસ દ્વારા ધાતુસામ્ય સિદ્ધ થાય છે અને પછી ઊચ્ચ યોગાભ્યાસ સાધક માટે સુકર અને અનુકૂળ બને છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : બંધ – મુદ્રા ને શોધન કર્મ…
(IV) યોગાભ્યાસ દરમિયાન સાધક ક્યારેક વ્યાધિઓનો ભોગ થઈ પડે, તેમ બને છે. આ વખતે જાણકારની સલાહ પ્રમાણે શોધનકર્મો દ્વારા રોગનિવારણ કરી શકાય છે. આમ શોધન કર્મો યૌગિક ચિકિત્સાનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આ બધી રીતે જોઈને આપણે કહી શકીએ કે શોધન કર્મો સાક્ષાત્ યોગસાધન નથી, પરંતુ એક મૂલ્યવાન સહાયક યોગસાધન છે.
(3) યૌગિક શોધન કર્મોનું વિશિષ્ટ સ્વરૂપ:
આયુર્વેદ એક સમર્થ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદમાં પણ શોધન કર્મનું સ્થાન છે અને ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આયુર્વેદમાં શોધન કર્મને પંચકર્મ કહેવામાં આવે છે. બસ્તિ, વમન, વિરેચન, સ્નેહન અને સ્વેદન – આ પાંચ આયુર્વેદનાં શોધન કર્મો છે. યૌગિક શોધન કર્મ અને આયુર્વેદનાં પંચકર્મમાં કેટલીક ભિન્નતાઓ રહેલી છે. યૌગિક શોધન કર્મોનું સ્વરૂપ આયુર્વેદનાં પંચકર્મની તુલનાએ ઘણું વિશિષ્ટ છે.
(I) આયુર્વેદના શોધન કર્મમાં સામાન્યત: ઔષધિનો ઉપયોગ થાય છે. યૌગિક શોધન કર્મમાં ઔષધિઓનો ઉપયોગ કરવમાં આવતો નથી. દા.ત. આયુર્વેદમાં વમન ઔષધિની સહાયથી કરાવવામાં આવે છે. વળી વિરેચનમાં પણ વિરેચક ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે. યૌગિક વમનમાં અને યૌગિક વિરેચન અર્થાત્ શંખપ્રક્ષાલનમાં ઔષધિનો ઉપયોગ કરવામાં આવતો નથી
(II) આયુર્વેદમાં શોધન કર્મનો હેતુ રોગનિવારણ કે શારીરિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ છે. યૌગિક શોધન કર્મ તેથી આગળ વધીને નાડીશોધન અને આખરે આધ્યાત્મિક વિકાસને દૃષ્ટિ સમક્ષ રાખે છે. આમ યૌગિક શોધન કર્મનો હેતુ વધારે સૂક્ષ્મ અને વધારે વ્પાયક છે.
(III) આયુર્વેદના પંચકર્મ અર્થાત્ શોધન કર્મની તુલનાએ યૌગિક શોધન કર્મોનો વિકાસ ઘણો વધુ છે. સ્વરૂપની દૃષ્ટિએ પણ યૌગિક શોધનકર્મો વધુ ઊંડા છે અને સંખ્યાની દૃષ્ટિએ પણ યૌગિક શોધન કર્મો વધુ છે. ઘેરંડસંહિતામાં એકવીસ શોધન કર્મોનું વર્ણન છે. ષટ્કર્મસંગ્રહમાં અનેક વિશિષ્ટ શોધન કર્મોનું વર્ણન જોવા મળે છે.
(IV) આયુર્વેદિક શોધન કર્મોની તુલનાએ યૌગિક શોધન કર્મો વધુ કઠિન છે અને વિશેષ અભ્યાસ દ્વારા જ હસ્તગત કરી શકાય છે.
(V) આયુર્વેદિક શોધન કર્મો દરદીઓ માટે છે અને યૌગિક શોધન કર્મો સાધકો માટે છે.
(VI) યોગિક શોધન કર્મનું શરીરસંશોધકમૂલ્ય આયુર્વેદિક શોધન કર્મ કરતાં વધુ છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એક સમર્થ અધ્યાત્મસાધન છે…
(VII) જે શોધન કર્મ બંનેમાં સમાન છે, તેમનાં સ્વરૂપમાં પણ બંનેમાં ભિન્નતા છે. દા.ત. આયુર્વેદમાં બસ્તિક્રિયામાં પાણીને બહારના દબાણથી અંદર પસાર કરવામાં આવે છે. યૌગિક બસ્તિકર્મમાં નૌલિકર્મ દ્વારા પાણીને અંદર ખેંચવામાં આવે છે અને નૌલિકર્મ દ્વારા જ પાણીને અંદર ઘુમાવવામાં આવે છે.
આપણે જોઈ ગયા તે પ્રમાણે આયુર્વેદિક વિરેચનમાં ઔષધિપ્રયોગથી રેચનકર્મ કરાવવામાં આવે છે. શંખપ્રક્ષાલન યૌગિક વિરેચનપ્રયોગ છે. તેમાં નૌલિ અને આસનો દ્વારા વિરેચનની ક્રિયા સિદ્ધ કરવામાં આવે છે.
(4) યૌગિક શોધન કર્મોનું વર્ગીકરણ:
યૌગિક શોધન કર્મોના મુખ્ય છ પ્રકાર છે, તેથી યૌગિક શોધન કર્મને ષટ્કર્મ પણ કહેવામાં આવે છે. આ ષટ્કર્મ પેટા પ્રકારો સહિત અહીં પ્રસ્તુત છે.
(I) કપાલ ભાતિ
કપાલભાતિના ત્રણ પ્રકારો છે –
· કપાલ ભાતિ
· વ્યુત્ક્રમ કપાલ ભાતિ
· શીત્ક્રમ કપાલ ભાતિ
(II) નૌલિ
(III) ત્રાટક
(IV) નેતિ
નેતિના બે પ્રકાર છે –
· જલનેતિ
· સૂત્રનેતિ
(V) બસ્તિ
બસ્તિના બે પ્રકાર છે –
· જલબસ્તિ
· શુષ્કબસ્તિ
(VI) ધૌતિ
ધૌતિના ચૌદ પ્રકાર છે-
· વાતસાર · મૂલશોધન
· વારિસાર · દંતમૂલશોધન
· અગ્નિસાર · કર્ણશોધન
· દંડધૌતિ · જિહ્વામૂલશોધન
· વમનધૌતિ · કપાલરંન્ધ્રશોધન
· ગજકરણી · બાધીક્રિયા
· વસ્ત્રધૌતિ · વાયુભક્ષણ
આમ પ્રધાનત: યૌગિક શોધન કર્મોની સંખ્યા 21 છે.
- સમાપન:
સ્વરૂપત: જોઈએ તો બંધ, મુદ્રા કે શોધન કર્મોનો ઉલ્લેખ પતંજલિપ્રણિત રાજયોગ અર્થાત્ અષ્ટાંગયોગમાં જોવા મળતો નથી. આમ છતાં રાજયોગના સાધકો પણ આ ક્રિયાઓના અભ્યાસ દ્વારા લાભાન્વિત થઈ શકે છે. આ પ્રકારનો સમન્વય ભારતીય અધ્યાત્મ પરંપરામાં સર્વદા માન્ય અને આવકાર્ય ગણાયો છે. હા, આ સમન્વય વસ્તુત: સમન્વય બનવો જોઈએ, ખીચડી નહિ. બંધ અને મુદ્રા, સૂક્ષ્મ ક્રિયાઓ છે અને વિશેષત: યોગમાર્ગના યાત્રીઓ માટે છે. પરંતુ શોધન કર્મોનું સ્વરૂપ તો એવું છે કે તેમના દ્વારા કોઈપણ અધ્યાત્મપથના પથિક લાભાન્વિત થઈ શકે છે. એટલું જ નહિ પરંતુ અન્ય કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ કેટલાક સરલ શોધન કર્મોના વિનિયોગ દ્વારા લાભાન્વિત થઈ શકે છે. હા,એટલું અવશ્ય જોવું જોઈએ કે આ શોધન કર્મોનું શિક્ષણ અધિકારી વ્યક્તિ પાસે લેવું જોઈએ અને તેમનો અભ્યાસ પણ યથાવિધિ અને કાળજીપૂર્વક કરવો જોઈએ.
(4) અસ્મિતાનુગત સમાધિ:
અસ્મિતા (Sense of ‘I’ness) પર એકાગ્રતા કરવાથી તેમાંથી મુક્ત થવાય છે અને સાધક સમાધિમાં પ્રવેશ પામે છે. સમાધિના આ સ્વરૂપને અસ્મિતાનુગત સમાધિ કહે છે. આ સમાધિ દરમિયાન સાધક પાંચ કોશથી મુક્ત થવાના દ્વાર પર આવી ગયો હોય છે. અહીં સાધક સંપ્રજ્ઞાતથી ઉચ્ચ સમાધિમાં પ્રવેશ માટેના દ્વાર પર અવસ્થિત થાય છે.
વિતર્ક, વિચાર આનંદ અને અસ્મિતા – આ ચારે ચિત્તની અવસ્થા છે. તે અવસ્થાઓ પર ધારણા-ધ્યાન કરવાથી સાધક તેમાંથી મુક્ત થાય છે. પરિણામે સાધક સમાધિમાં પ્રવેશે છે. તેથી અહીં ચારેની પાછળ `અનુગત’ શબ્દ મૂકવામાં આવ્યો છે. અનુગત એટલે પાછળ પાછળ આવનારી.
સંપ્રજ્ઞાત સમાધિ પછી આવનાર સમાધિના ઉચ્ચ સ્વરૂપો વિશે વિચાર કરીએ તે પહેલાં પતંજલિએ દર્શાવેલ એક વિશિષ્ટ અવસ્થા વિચેર વિચાર કરી લઈએ. આ વિશિષ્ટ અવસ્થા તે – સમાપત્તિ.
- સમાપત્તિ અને તેના પ્રકારો:
(1) સમાપત્તિ એટલે શું?
ચિત્ત કોઈ પણ વિષય સાથે એકરૂપ થાય એટલે ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. ચિત્તની આ અવસ્થાને સમાપત્તિ કહે છે. સમાપત્તિમાં ચિત્તનું વિષય સાથે તાદાત્મ્ય હોય છે. સમાધિ અને સમાપત્તિમાં ભિન્નતા એ છે કે સમાધિમાં ચિત્ત વિષયથી મુક્ત બને છે અને સમાપત્તિમાં ચિત્ત વિષય સાથે એકરૂપ બને છે. બંનેમાં વૃત્તિનિરોધ હોવા છતાં બંનેના સ્વરૂપમાં ભિન્નતા છે. સમાપત્તિમાં વિષય ચાલુ હોય છે. સમાધિમાં વિષય ખરી પડે છે. સમાપત્તિ વસ્તુત: ધ્યાન અને સમાધિની વચ્ચેની અવસ્થા છે.
સમાપત્તિની વ્યાખ્યા આપતાં ભગવાન પતંજલિ કહે છે-
क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतु-ग्रहण-ग्राह्येषु तत्स्थतदजनतासमापति:॥ – यो. सू.; 1-41
`પારદર્શક મણિની પેઠે, જે ચિત્તની વૃત્તિઓ ક્ષીણ થયેલી છે તેવા ચિત્તની ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકરૂપ અવસ્થાને સમાપત્તિ કહેવામાં આવે છે.
જેવી રીતે પારદર્શક મણિને અન્ય કોઈ રંગીન પદાર્થ પર મૂકવામાં આવે તો તે રંગીન પદાર્થ સાથે મણિની એકરૂપતા થાય છે. મણિમાં આવે છે. મણિની પારદર્શકતાને કારણે આમ બને છે. તેવી રીતે ધારણા – ધ્યાનમાં અભ્યાસથી પરિશુદ્ધ થયેલ ચિત્ત જ્યારે કોઈ વિષય પર એકાગ્ર બને ત્યારે તેની સાથે તેનું તાદાત્મ્ય સધાય છે.
સાધારણ ચિત્તમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી અલગ અલગ રહે છે. જ્યારે પરિશુદ્ધ ચિત્તમાં આ ત્રણે એકરૂપ બની જાય છે. પરિણામે વૃત્તિનિરોધ આપોઆપ સિદ્ધ થાય છે. આ અવસ્થાને સમાપત્તિ કહે છે. સમાપત્તિ સારી રીતે પડી જવું. આ અવસ્થામાં વૃત્તિઓ સારી રીતે બંધ પડી જાય છે, તેથી તેને સમાપત્તિ કહે છે.
(2) સમાપત્તિના પ્રકારો: સમાપત્તિના ચાર પ્રકારો છે:
(I) સવિર્તક:
तत्र शब्दार्थज्ञानविकल्पैः सडकीर्णा सवितर्का समापति:। – यो. सू.; 1-42
`શાબ્દિક જ્ઞાન, યથાર્થજ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન- આ ત્રણે વિકલ્પોથી સંકીર્ણ થયેલી સમાપત્તિને સવિતર્ક સમાપત્તિ કહે છે.
‘(ક્રમશ:)
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…