તંદુરસ્તી-મનદુરસ્તી: અતિ અલ્પ ખોરાક: યોગાભ્યાસી માટે બરાબર નથી

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
સાદો ગુજરાતી ખોરાક યોગાભ્યાસી માટે બરાબર છે. માત્ર થોડા ફેરફાર આવશ્યક છે:
મરચાં, મસાલા અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
મિષ્ટાન્ન અને તળેલા પદાર્થો ઓછાં લેવા જોઈએ.
લસણ અને ડુંગળી વર્જ્ય ગણવાં જોઈએ.
ખોરાક પ્રમાણસર લેવો જોઈએ.
સામાન્ય રીતે આપણે આવશ્યક્તા કરતાં વધારે ખોરાક લેતા હોઈએ છીએ. અધ્યાત્મપથના પથિક માટે જ નહિં સૌ માટે મિતાહાર જ ઉચિત છે.
મંદાગ્નિવાળા લોકોએ બહુ પ્રોટીનવાળા ખોરાક ઓછા લેવા.
બધા જ પ્રકારનાં માદક દ્રવ્યો વર્જ્ય છે.
ચા-કૉફી ન લેવાય તો ઉત્તમ. લેવાં જ પડે તો બહુ ન લેવાય તેની કાળજી રાખવી. ધૂમ્રપાન તથા તમાકુનું સેવન વર્જ્ય છે.
અતિ અલ્પ પ્રમાણમાં ખોરાક લેવાની પદ્ધતિ યોગાભ્યાસી માટે બરાબર નથી. માત્ર દૂધ કે માત્ર ખીચડી કે એવા પ્રયોગો યોગાભ્યાસીએ કરવા નહિ, સમતોલ, સાત્ત્વિક અને સાદો આહાર પ્રમાણસર લેવો જોઈએ.
યોગાભ્યાસની અમુક વિશિષ્ટ અવસ્થામાં માત્ર દૂધ લેવાનું સૂચવાયું છે, પરંતુ તે અપવાદરૂપ સજોગોમાં, વિશિષ્ટ અભ્યાસ વખતે અને થોડા કાળ માટે જ છે. તે યૌગિક આહારની સર્વમાન્ય પદ્ધતિ નથી.
- યૌગિક ક્રિયાઓના અભ્યાસ વખતે પેટ ખાલી હોય તે આવશ્યક છે. થોડું દૂધ લીધા પછી અડધા કલાકે, હળવો નાસ્તો લીધા પછી દોઢ કલાકે અને ભોજન કર્યા પછી સાડાચાર કલાકે યોગાભ્યાસ કરી શકાય. યોગાભ્યાસ પછી અડધા કલાક બાદ ભોજન કરી શકાય.
- યોગાભ્યાસ પહેલાં, દરમિયાન કે પછી મલમૂત્રના વેગ રોકવા નહિ.
- સામાન્ય રીતે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ યોગાભ્યાસ કરી શકે. માસિક ધર્મ દરમિયાન કઠિન આસનો ન કરવા. સગર્ભાવસ્થા દરમિયાન જાણકારના માર્ગદર્શન વિના યોગાભ્યાસ ન કરવો.
સામાન્ય રીતે મયૂરાસન, શલભાસન અને કુકુટ્ટાસન કે જેમાં ખભાના સાંધા પર ખૂબ દબાણ આવતું હોય તેવા આસનો સ્ત્રીઓએ ન કરવા.
- બહુ નાની વયના બાળકોને યોગાભ્યાસ ન કરાવવો. યૌગિક ક્રિયાઓને ખૂબ સરળ સ્વરૂપ આપીને તેમને બાળકોને અનુરૂપ રચવામાં આવે તો તેમનો અભ્યાસ નાના બાળકો પણ કરી શકે છે.
બાળકો રમત ખાતર કે દેખાદેખીથી યોગાભ્યાસ ન કરે તેની કાળજી રાખવી. બાળકોને શીર્ષાસન, મયૂરાસન, શલભાસન, શોધન કર્મો કે પ્રાણાયામ આપવામાં ઉતાવળ ન કરવી.
- યોગાભ્યાસને અંતે થાક ન લાગવો જોઈએ, પરંતુ સ્ફૂર્તિ અનુભવાવી જોઈએ. યોગાભ્યાસ સુખપ્રદ હોવો જોઈએ, કષ્ટપ્રદ નહિ. પ્રારંભમાં થોડો શ્રમ અનુભવાય, તે સ્વાભાવિક છે.
- માંદગી કે અશક્ત અવસ્થા દરમિયાન યોગાભ્યાસ બંધ રાખવો.
- કેટલીક બીમારીઓની સારવારમાં યૌગિક ક્રિયાઓનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ તેમ કરી શકાય.
- યોગાભ્યાસમાં બહુ ચોકસાઈ, નિયમિતતા, ધૈર્ય અને હિંમતની જરૂર છે. ‘ઉતાવળે આંબા ન પાકે’ અને Roma was not built within a day આ કહેવતો યાદ રાખવી.
યોગાભ્યાસની શરીર-મન પર અસર બહુ ધીમે અને લાંબા ગાળે જોવા મળે છે. આમ હોવાથી ત્વરિત પરિણામોની આશા ન રાખવી.
યોગાભ્યાસ નિયમિત થાય તે આવશ્યક છે. બહુ અનિયમિત યોગાભ્યાસ નુકસાન કરી શકે છે.
- યોગાસનોના અભ્યાસ દરમિયાન વચ્ચે વચ્ચે શવાસન કરવું અને અંતે પણ શવાસન કરવું.
- પ્રારંભમાં ખૂબ સરળ યૌગિક ક્રિયાઓ ઓછી સંખ્યામાં અને અલ્પ પ્રમાણમાં કરવી. સંખ્યા અને સમયનું પ્રમાણ ધીમે ધીમે વધારવા. સરળ ક્રિયાઓથી કઠિન ક્રિયાઓ તરફ જવું.
- કોઈ કારણસર લાંબા સમય સુધી યોગાભ્યાસ બંધ રહ્યો હોય તો ફરી પ્રારંભ કરતી વખતે હળવી શરૂઆત કરવી અને ધીમેધીમે અભ્યાસ વધારવો.
- પ્રત્યેક યૌગિક ક્રિયાને અમુક મર્યાદા હોય છે. કોઈ શારીરિક મુશ્કેલી હોય તેમને અમુક ક્રિયાઓ કરવાની હોતી નથી. યોગાભ્યાસીએ યૌગિક ક્રિયાઓ સમજતી વખતે આ મુદ્દાને પણ બરાબર સમજી લેવો જોઈએ.
આ વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો અહીં પ્રસ્તુત છે:
હૃદયની નબળાઈ, લોહીનું ઊંચું દબાણ, કાન વહેવો અને આંખની કેશવાહિનીઓ નબળી હોય તેમણે શીર્ષાસન ન કરવું.
પેટમા દર્દ હોય તેમણે ધનુરાસન, ભુજંગાસન અને મયૂરાસન ન કરવા.
કમરનો દુખાવો હોય તેમણે પશ્ર્ચિમતાનાસન, હલાસન ન કરવાં.
કબજિયાત હોય તેમણે પશ્ર્ચિમતાનાસન અને યોગમુદ્રા દીર્ઘકાળ પર્યંત ન કરવાં.
- યોગાભ્યાસ કરતી વખતે ચિત્ત શાંત હોય તે આવશ્યક છે. ઈષ્ટદેવને પ્રાર્થના કર્યા બાદ યોગાભ્યાસનો પ્રારંભ કરવો.
- કુંડલિની જાગરણ માટે હઠયોગમાં કેટલાક ઉગ્ર અને કૃત્રિમ ઉપાયો પ્રયોજવામાં આવે છે. આ માર્ગ ઘણો જોખમી છે. સાધકે કુંડલિનીના જાગરણ માટે આ ઉગ્ર ઉપાયો યોજવા કરતાં સૌમ્ય માર્ગ પસંદ કરવો હિતાવહ છે.
- ધારણા-ધ્યાન આદિ અંતરંગ યોગમાં પ્રવેશ થયા પછી બહિરંગ યોગાભ્યાસનું પ્રમાણ ઘટાડીને અંતરંગ યોગાભ્યાસ તરફ વિશેષ ધ્યાન આપવું.
- જેમ ફૂટેલા ઘડામાં પાણી ટકતું નથી તેમ યમનિયમયુક્ત સદાચારી જીવનચર્યા વિના યોગ કદી સિદ્ધ થઈ શકતો નથી. નિષ્ઠાપૂર્વક યમનિયમયુક્ત જીવન જીવવું જોઈએ.
- સાધકે પરમ સત્ય તરફ ધ્યાન રાખવું. સાધકે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના રવાડે ચડવું નહિ.
- સાધકે થોડી ઘણી અનુભૂતિને ધ્યેયસિદ્ધિ માનીને અટકી જવું નહિ.
- યોગાસનોના અભ્યાસ દરમિયાન સામાન્યત: શ્ર્વાસોચ્છ્વાસ સ્વાભાવિક ગતિથી ચાલુ રાખવો જોઈએ. કેટલાક શિક્ષકો પૂરક, કુંભક અને રેચક સાથે યોગાસનોનો અભ્યાસ કરવાનું સૂચવે છે, પરંતુ આ રીત બરાબર નથી.
શ્ર્વાસોચ્છ્વાસ રોકવાને બદલે સ્વાભાવિક ક્રમથી ચાલુ રાખવા જોઈએ.
આમ છતાં શલભાસન, મયૂરાસન જેવા કેટલાક કઠિન આસનો પ્રારંભમાં શ્ર્વાસ રોકીને કરવાથી સરળતા રહે છે, પરંતુ આવા આસનો પણ આખરે તો, જયારે લાંબા સમય માટે ધારણ કરી રાખવા હોય ત્યારે શ્ર્વાસોચ્છ્વાસની ગતિ સ્વાભાવિક ક્રમમાં ચાલુ રાખવી તે જ બરાબર છે. વળી ભુજંગાસન જેવાં કેટલાક આસનોમાં શરીર ઊંચકતી વખતે પૂરક કરવામાં આવે અને પાછા મૂળ અવસ્થામાં આવતી વખતે રેચક કરવામાં આવે તો અનુકૂળતા રહેશે.
- યોગાભ્યાસ કરતી વખતે શરીરમાં ધ્રુજારી થાય, આચકા લાગે, શ્ર્વાસોચ્છ્વાસ ટૂંકા થઈ જાય વગેરે લક્ષણો સારા નથી. આવું થાય ત્યારે યોગાભ્યાસ બંધ કરવો અને જાણકારની સલાહ લેવી.
- શરીરમાં દાહ થાય તો કઠિન આસનો ન કરવા; કુંભકનો અભ્યાસ થોડા વખત માટે મુલતવી રાખવો. શીતલી કે સિત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરવો. શંખપુષ્પી જેવી શામક ઔષધિનું સેવન કરવું.
- સાધન કરતાં વચ્ચે બીમારી આવે તો વૈદ્યકીય સારવાર લેવી. યૌગિક બીમારી છે, તેમ માની ચિકિત્સામાં પ્રમાદ કરવો નહિ.
- પ્રત્યેક યૌગિક ક્રિયાને તેના અભ્યાસની એક નિશ્ર્ચિત સમયમર્યાદા હોય છે. આ સમયમર્યાદાનું પાલન કરવું આવશ્યક છે. કોઈ પણ યૌગિક ક્રિયા હદથી વધારે સમય માટે ન કરવી. દા.ત. શીર્ષાસન એક કલાક સુધી કરવામાં આવે તો યોગને બદલે રોગ જ થાય. અને બસ્તિ કે ગણેશક્રિયા નિત્ય કરવામાં આવે તો લાભને બદલે હાનિ જ થાય.
- યોગાભ્યાસ વખતે યૌગિક ક્રિયાઓનો અભ્યાસ એક નિશ્ર્ચિત ક્રમમાં કરવામાં આવે તે આવશ્યક છે. આ ક્રમ અને તેની પાછળની દૃષ્ટિ જાણકાર પાસેથી સમજી લેવી જોઈએ. સાધારણ રીતે યોગાભ્યાસ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાય તે રીતે ક્રમ ગોઠવવો જોઈએ. પ્રારંભમાં યોગાસન, પછી મુદ્રા અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ અને છેલ્લે જપ-ધ્યાન માટે બેસવું જોઈએ. વળી આસનો અને પ્રાણાયામ ક્યા ક્રમથી કરવાં તે સમજીની તદ્નુસાર અભ્યાસ કરવો જોઈએ.
- ‘હઠયોગ પ્રદીપિકા’માં સ્વાત્મારામે સાધકે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક છ છ બાબતો સૂચવી છે, જે યાદ રાખવા જેવી છે.
અતિ આહાર, વધુ પડતો શ્રમ, વૃક્ષા બોલવું, નિયમોનો દુરાગ્રહ, જનસંપર્ક અને ચંચળતા-આ છ (દોષો)થી યોગ નષ્ટ થાય છે.
‘ઉત્સાહથી, સાહસથી, ધીરજથી, તત્ત્વજ્ઞાનથી, નિશ્ર્ચયથી અને જનસંપર્કના ત્યાગથી – આ છ (ગુણો)થી રોગ સિદ્ધ થાય છે.’
(ક્રમશ:)
આપણ વાંચો: આરોગ્ય પ્લસ: હાડકાના રોગ