તંદુરસ્તી-મનદુરસ્તી : પ્રાણાયામની કેટલીક ભ્રામક વ્યાખ્યા… | મુંબઈ સમાચાર

તંદુરસ્તી-મનદુરસ્તી : પ્રાણાયામની કેટલીક ભ્રામક વ્યાખ્યા…

  • ભાણદેવ

(ભાગ-6)

  1. પ્રસ્તાવ :

આધુનિક માનસની એ એક વિશિષ્ટતા છે કે તે પ્રત્યેક સાધનનો બૌદ્ધિક ખુલાસો માગે છે. અમે પ્રાણાયામ શા માટે કરીએ? પ્રાણાયામ શું કરે છે? પ્રાણાયામ શું છે? પ્રાણાયામમાં એવું શું છે કે જે તેને અધ્યાત્મસાધન
બનાવે છે? – આવા અનેકવિધ પ્રશ્ર્નો આધુનિક માનસ ઉપસ્થિત કરે છે. કોઈ પણ સાધનના સ્વરૂપને શક્ય હોય તેટલી હદે સમજી લેવામાં આવે તે બરાબર જ છે. તે પ્રમાણે પ્રાણાયામના સ્વરૂપને પણ યથાશક્ય સમજવાનો પ્રયત્ન કરીએ.

યૌગિક સાધનક્રમમાં પ્રાણાયામનું વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અધ્યાત્માભિમુખ બનીને યુક્તિપૂર્વક કરેલો પ્રાણાયામનો અભ્યાસ સાધકના આધ્યાત્મિક ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે, એટલું જ નહીં, પરંતુ શરીર-મનનાં સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા માટે પણ પ્રાણાયામનું મૂલ્ય ઓછું નથી.

પ્રાણાયામનો અભ્યાસ કરનારે સમજી લેવું જોઈએ કે પ્રાણાયામ કરતી વખતે શરીરનાં હૃદય, ફેફસાં અને જ્ઞાનતંત્ર જેવાં નાજુક અવયવો સાથે કામ કરવાનું છે. આથી પણ ઊંડી દૃષ્ટિથી જોઈએ તો પ્રાણાયામ પ્રાણમય શરીરના પ્રવાહોના નિયમનની ક્રિયા છે.

તેથી અયુક્ત પ્રાણાયામ સાધકનાં શરીર-પ્રાણ-મનને ખૂબ નુકસાનકારક બની શકે છે. ઉચિત પદ્ધતિથી પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે તો પ્રાણાયામ અગ્નિ જેવા પાવક છે, પરંતુ તેમ કરવામાં ચૂક થાય તો પ્રાણાયામ અગ્નિથી પણ વધુ દાહક છે.
હઠયોગ પ્રદીપિકામાં સ્વાત્મારામે ઉચિત રીતે જ નોંધ્યું છે-

प्राणायामेन युक्तेन सर्वरोगक्षयो भवेत् |
अयुकताभ्यासयोगेन सर्वरोगसमुद्भवः ॥
-हठप्रदीपिका; २-१६

‘પ્રાણાયામના યુક્ત (યોગ્ય) અભ્યાસથી સર્વ રોગનો નાશ થાય છે, પરંતુ અયુક્ત (અયોગ્ય) પ્રાણાયામના અભ્યાસથી સર્વરોગની ઉત્પત્તિ થાય છે.’

આમ હોવાથી યોગપથના પથિકે પ્રાણાયામના અભ્યાસનો પ્રારંભ કરતા પહેલાં પ્રાણાયામના સ્વરૂપને યથાર્થત: સમજી લેવું જોઈએ. અભ્યાસીએ સમજી લેવું જોઈએ કે પ્રાણાયામ શું છે અને શું નથી. અભ્યાસીએ એ પણ સમજી લેવું જોઈએ કે પ્રાણાયામ કરવાની યથાર્થ પદ્ધતિ શું છે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં પ્રાણાયામનું શું પ્રદાન છે અને તે કાર્ય પ્રાણાયામથી કેવી રીતે સિદ્ધ થાય છે.

અહીં આપણે આ સર્વ પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરીએ.

2.પ્રાણાયામ વિશેના ભ્રામક ખ્યાલોનું નિરસન:

સમગ્ર યોગની બાબતમાં બન્યું છે તેમ પ્રાણાયામ વિશે પણ કેટલાક ભ્રામક ખ્યાલો વ્યાપેલા છે. તેથી પ્રાણાયામ શું છે, તે સમજતાં પહેલાં આ ભ્રામક ખ્યાલોનું નિરસન થવું આવશ્યક છે.

(અ) પ્રાણાયામ શ્ર્વાસોચ્છ્વાસનો વ્યાયામ નથી. એ વાત સાચી છે કે આપણે પ્રાણાયામમાં શ્ર્વસનક્રિયાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ પ્રાણાયામ અને શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામમાં મૂલત: જ ભિન્નતા છે. આ ભિન્નતા આપણે અગાળ જોઈશું.

(રૂ) ગમે તે રીતે શ્ર્વાસને લાંબો વખત રૂંધવાથી કોઈક ચમત્કારિત અનુભવો થાય છે અને આધ્યાત્મિક વિકાસ પણ થાય છે, તેવો ખ્યાલ કેટલાક લોકોના મનમાં પ્રવર્તે છે.

આ ખ્યાલ માત્ર ભ્રામક જ નથી, પરંતુ ઘાતક પણ છે. એ વાત સાચી છે કે પ્રાણાયામમાં શ્ર્વાસને રોકવામાં આવે છે, પરંતુ શ્ર્વાસનું રુંધન અને કુંભક એક નથી જ. શ્ર્વાસને ગમે તેમ રોકવાથી પ્રાણાયામ બનતો નથી. તેમ કરવાથી તો શરીર-મનની બીમારી મળે છે.

(ઇં) પ્રાણાયામના અભ્યાસથી અસાધારણ અને ચમત્કારિક શારીરિક-માનસિક શક્તિઓ પ્રાપ્ત થાય છે, એવા ભ્રમમાંથી પણ મુક્ત થવાની જરૂર છે.

પ્રાણાયામના અભ્યાસથી શરીર-મનને લાભ થાય છે, તે સાચું છે; પણ એથી યે વધુ સાચું એ છે કે પ્રાણાયામના અભ્યાસથી સાધકના આધ્યાત્મિક વિકાસનો માર્ગ પ્રશસ્ત બને છે.

પ્રાણાયામ ચમત્કારો સર્જવાની વિદ્યા નથી અને પ્રાણાયામનો એ હેતુ પણ નથી.

  1. પ્રાણ એટલે શું?

પ્રાણાયામમાં ‘પ્રાણ’ શબ્દ પ્રધાન છે. પ્રાણાયામ પ્રાણની કેળવણી ઘટના છે. આમ હોવાથી પ્રાણાયામના સ્વરૂપને યથાર્થત: સમજવા માટે આપણે પહેલાં ‘પ્રાણ’નો અર્થ બરાબર સમજી લેવો જોઈએ-પ્રાણ એટલે શું?

‘પ્રાણ’ શબ્દ બે અર્થમાં વપરાય છે. પ્રથમ અર્થ પ્રમાણે, પ્રાણ એટલે વાયુ. આપણે શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયામાં અને તેથી પ્રાણાયામમાં પણ વાયુને બહાર કાઢીએ છીએ, અંદર લઈએ છીએ અને અંદર કે બહાર રોકીએ છીએ. આ વાયુ માટે યૌગિક ગ્રંથોમાં ‘પ્રાણ’ શબ્દનો પ્રયોગ થાય છે. આ પ્રાણનો પ્રથમ અર્થ છે.

આપણ વાંચો:  મોજની ખોજ : અરે, તમે ભીષ્મપ્રતીજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે?!

પ્રાણનો બીજો અર્થ વધુ સૂક્ષ્મ છે. આપણું સ્થૂળ શરીર પંચમહાભૂતોનું બનેલું છે, જેને અન્નમયકોશ કહે છે. તૈત્તરીય ઉપનિષદમાં આવા પાંચ કોશનું કથન છે. અન્નમયકોશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ અને આનંદમયકોશ-આ પાંચ કોશ છે. આ પાંચ કોશ ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મ છે. આમાંનો પ્રાણમયકોશ પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણનો બનેલો છે. આ પ્રાણમય કોશ અને તેમાં વહેતાં શક્તિના સૂક્ષ્મ પ્રાણમય પ્રવાહોના અર્થમાં પણ ‘પ્રાણ’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘પ્રાણ’ શબ્દના આ બંને અર્થો વચ્ચે વિરોધ નથી, કારણ કે આ સૂક્ષ્મ પ્રાણશક્તિ અને શ્ર્વાસોચ્છ્વાસમાં આવતાંજતાં વાયુને પરસ્પર ગાઢ સંબંધ છે. એક સૂક્ષ્મ છે અને બીજો સ્થૂળ છે. સ્થૂળ વાયુ વસ્તુત: સૂક્ષ્મ પ્રાણશક્તિનો બહારનો સ્થૂળ છેડો છે.

‘પ્રાણ’ શબ્દના આ બંને અર્થમાં બીજો અર્થ જ ‘પ્રાણ’ શબ્દનો ખરો અર્થ છે. સરળ ભાષામાં કહીએ તો પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણથી જ અનુપ્રાણિત થઈને સ્થૂળ ભૂમિકા પર શરીર અને સૂક્ષ્મ ભૂમિકા પર ચિત્ત ક્રિયાશીલ બની શકે છે. પ્રાણ વસ્તુત: શરીર અને ચિત્તને જોડનારી કડી છે અને બંનેને અનુપ્રાણિત કરનારી શક્તિ છે.

ઉપનિષદોમાં કોઈક-કોઈક સ્થાને ‘પ્રાણ’ શબ્દ પ્રત્યક આત્માના અર્થમાં પણ વપરાયેલો જોવા મળે છે, પરંતુ આપણે અહીં તે અર્થનો વિચાર કરતા નથી; કારણ કે યોગશાસ્ત્રમાં પ્રાણનો તે અર્થ ક્યાંય લેવાયેલો જોવા મળતો નથી.

યોગશાસ્ત્રમાં પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણનું વર્ણન જોવા મળે છે:

પાંચ પ્રાણ   કર્મ                  સ્થાન
  1. પ્રાણ શ્ર્વાસોચ્છ્વાસ નાભિથી હૃદય
  2. અપાન ઉત્સર્ગ નાભિથી ગુદા
  3. સમાન પાચન, પોષણ નાભિ
  4. વ્યાન પરિનયન સમગ્ર શરીર
  5. ઉદાન ઉન્નયન કંઠ

हृदि प्राणो वसेन्नित्यमपानो गुह्यमण्डले |
समानो नाभिदेशे तु उदानः कण्ठमध्यगः॥
व्यानो व्यापी शरीरे प्रधानः पंचवायवः ॥
-गोरक्षसंहिता; ३०

પાંચ ઉપપ્રાણ    કર્મ
  1. નાગ ઓડકાર
  2. કૂમ સંકોચન
  3. કૃકર ક્ષુધા-તૃષ્ણા
  4. દેવદત્ત નિદ્રા-તંદ્રા
  5. ધનંજય ફૂલાવું

(ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button