તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યુત્ક્રમ કપાલભાતિ

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. કપાલભાતિ દરમિયાન પેટ સિવાય અન્ય અંગનું હલનચલન ન થાય તેની કાળજી રાખો. માથું કે છાતી સ્થિર રાખો. ચહેરા પર વિકૃત રેખાઓ ન પડે તેની કાળજી રાખો.
  2. એક પરંપરા મુજબ કપાલભાતિ દરમિયાન શ્ર્વાસનળીના છેડા (લહશિિંંશત)ને સહેજ સંકોચવામાં આવે છે. આ પદ્ધતિમાં પણ શ્ર્વસન માર્ગમાં એટલું ઓછું સંકોચન કરવામાં આવે છે કે વાયુના માર્ગમાં અવરોધ થતો નથી. માત્ર અવાજમાં થોડો ફેર પડે છે.
  3. પ્રાણયામનો અભ્યાસ કરનાર સાધકે સામાન્યવત: પ્રાણાયામ શરૂ કરતાં પહેલાં કપાલભાતિનો થોડો અભ્યાસ કરવો. તેમ કરવાથી પ્રાણાયામ સારી રીતે થઈ શકશે.
  4. કપાલભાતિનો અભ્યાસ સવાર-સાંજ થાય છે, બપોરે નહીં.
  5. કપાલભાતિનું મુખ્ય અને પ્રચલિત રૂપ ઉપર વર્ણવ્યા મુજબ છે, પરંતુ આ સિવાય બીજાં બે સ્વરૂપોનું વર્ણન પણ ધેરંડ સંહિતામાં મળે છે.

2) વ્યુત્ક્રમ કપાલભાતિ

(1) નામ:

વ્યુત્ક્રમ એટલે ઊલટો ક્રમ. સામાન્યત: આપણે મોઢેથી પાણી પીએ છીએ, પરંતુ વ્યુત્ક્રમ કપાલભાતિમાં નાકથી પાણી ખેંચવામાં આવે છે તેથી તેને વ્યુત્ક્રમ કપાલભાતિ કહે છે.

(2) પદ્ધતિ:

1) પગ થોડા પહોળા રાખો. ઊભો રહો. થોડા આગળ નમો.

2) કાચના પ્યાલામાં સ્વચ્છ નવસેકું પાણી લો. પ્યાલો નસકોરાના મૂળ પાસે ગોઠવો.

3) માથું ઊંચું કરો. સાથે સાથે પ્યાલો પણ ઉપર વાળો. પાણી ધીમે ધીમે નાકમાં જાય તેવી રીતે પ્યાલો અને મસ્તક ગોઠવો.

4) નાક દ્વારા ખૂબ ધીમે ધીમે જાળવીને શ્ર્વાસ અંદર ખેંચો. ધીમે ધીમે પાણી નાક દ્વારા અંદર આવવા દો.

5) પાણી પેટમાં ઉતારવાનું નથી. નાક દ્વારા પાણી અંદર જાય એટલે મુખ દ્વારા એવી ક્રિયા કરો કે પાણી પેટમાં જવાને બદલે મુખમાં પાછું આવે. આ રીતે મુખમાં આવતું પાણી બહાર કાઢતાં જાઓ.

6) આ રીતે આશરે અડધો પ્યાલો નાકમાંથી લઈ મુખ દ્વારા બહાર આવવા દો.

(3) વિશેષ નોંધ:

1) આ ક્રિયા દરમિયાન પાણી મુખ દ્વારા બહાર કાઢવાનું છે. તેથી આ ક્રિયા દરમિયાન ચોકડીમાં ઊભા રહો અથવા શરીરની સામે મોટું વાસણ ગોઠવો. અથવા બહાર પ્રાંગણમાં પણ આ ક્રિયા કરી શકાય છે.

2) ઊભા ઊભા ન ફાવે તો બેસીને પણ આ ક્રિયા કરી શકાય છે, પરંતુ ઊભા રહેવું વધારે અનુકૂળ છે.

3) પ્યાલો નસકોરાનાં મૂળ પાસે કંઈક દબાવીને ગોઠવો. જેથી નાક અને પ્યાલા વચ્ચેથી પાણી ઢોળાય નહીં. તે માટે ધાતુના પ્યાલા કરતાં કાચનો પ્યાલો વધુ અનુકૂળ છે. કેમ કે ધાતુનો પ્યાલો દબાવીને ગોઠવવામાં આવે તો ચામડીમાં પીડા કરી શકે છે.

4) નાકમાંથી ખેંચેલું પાણી મુખ દ્વારા બહાર કાઢવાને બદલે પેટમાં ઉતારી જવાની પણ એક ક્રિયા છે. તેને આયુર્વેદમાં ઉષ:પાન કહે છે.

5) અભ્યાસ હસ્તગત થયા પછી નવ સેકા પાણીને બદલે અનુકૂળ હોય તેઓ સામાન્ય ઠંડું પાણી પણ લઈ શકે છે.

6) સામાન્યત: આ ક્રિયા સવારે કરવાની છે.

(4) સાવચેતી :

1) આ ક્રિયા શરૂ કરતાં પહેલાં નાક-મુખ સારી રીતે સાફ કરવા.

2) પ્રારંભમાં પાણી થોડું અને ધીમે ધીમે પીઓ. નાકથી પાણી ખેંચવામાં થોડી પણ ઉતાવળ થશે તો પાણી ઉપર ચડશે અને નાકમાં બળતરા થશે તેમજ આંખમાં પાણી આવી જશે.

3) મોઢું અને પ્યાલો ઊંચાં ગોઠવવા. જેથી પાણીને અંદર લેવા માટે અંદરથી વધુ ખેંચાણ ન કરવું પડે.

4) પ્રારંભમાં શરદી થવાનો ભય છે. હિંમત અને ધીરજ રાખવી અને સાવધાન પણ રહેવું.

5) આ ક્રિયા પૂરી થયા બાદ નાક-મોં બરાબર સાફ કરવાં. આંખો પર ઠંડું પાણી છાંટવું.

6) આ ક્રિયા પછી નાકમાં રહી ગયેલું બધું પાણી બહાર નીકળી જાય તેની કાળજી રાખવી, અન્યથા શરદી થવાનું જોખમ છે. આ માટે મસ્તકને આગળ નમાવી સહેજ ત્રાસું કરી ઊભા રહેવું. બંને બાજુ આ રીતે કરવું. પણ થોડીવાર કપાલભાતિ કરવી.

7) થોડું પાણી પ્યાલામાંથી ઢોળાય તો વાંધો નહીં. છતાં પાણી ન ઢોળાય તે ઉત્તમ છે.

8) જેઓને નાકમાંથી પાણી વહેવાની કે શરદીની કાયમી તકલીફ રહેતી હોય તેમણે આ ક્રિયા જાણકારનાં માર્ગદર્શન હેઠળ જ કરવી.

(5) વ્યુત્ક્રમ કપાલભાતિથી શું થાય છે?

1) આંખના સ્વાસ્થ્ય માટે આ ક્રિયા ઉત્તમ છે.

2) શિરદર્દમાં આ ક્રિયાથી રાહત થાય છે.

3) નાકમાં મસાની તકલીફ હોય તો તે માટે આ ક્રિયા ઉત્તમ ઉપાય છે.

4) કફ અને પિત્તજન્ય પ્રકોપ આ ક્રિયાથી શાંત થાય છે.

5) કફદોષનું નિવારણ થતાં ચહેરા પર ચમક આવે છે એ અર્થમાં આ કપાલભાતિ છે.

  1. શીતક્રમ કપાલભાતિ
  1. નામ:

આ શોધનકર્મમાં શી….ઈ….ઈત્ એવા અવાજ સાથે મુખથી પાણી ખેંચવાનું હોય છે. તેથી તેને શીતક્રમ કપાલભાતિ કહે છે.

  1. પદ્ધતિ:
  1. બંને પગ પહોળા રાખી ઊભા રહો.
  2. પ્યાલામાં નવસેકું સ્વચ્છ પાણી લો. પાણી શી….ઈ….ઈત્ એવા અવાજ સાથે મુખમાં ખેંચો. ચા પીતા હોઈએ તેવી રીતે પાણી અંદર ખેંચવાનું છે. આ રીતે પાણીથી આખું મુખ ભરી દો. પાણી પેટમાં નીચે ઊતરવાનું નથી.
  3. માથું ઊંચો કરો. પાણી ગળા તરફ જશે.
  4. પાણીને ઉપર નાક તરફ ચડાવવાનું છે એવી જાગૃતિ સાથે, અન્નનળીનું મુખ બંધ કરી માથું નીચું કરો. પાણીમાનો કેટલોક ભાગ મોઢામાં જ રહેશે પરંતુ કેટલોક ભાગ નાકમાં ઉપર ચડી, નસકોરા દ્વારા બહાર આવશે. આ રીતે વારંવાર કરો.

(3) વિશેષ નોંધ :

1) વ્યુત્ક્રમ અને શીતક્રમ કપાલભાતિમાં ભેદ એટલો છે કે વ્યુત્ક્રમ કપાલભાતિમાં નાકમાં પાણી ખેંચીને મુખદ્વારા બહાર કાઢવામાં આવે છે. જ્યારે શીતક્રમ કપાલભાતિમાં પાણી મુખથી ખેંચીને નાક દ્વારા બહાર કાઢવામાં આવે છે.

2) વ્યુત્ક્રમ કપાલભાતિ કરતાં આ ક્રિયા કઠિન છે. તેથી અભ્યાસ ધીમે ધીમે વધારવો.

3) આ ક્રિયાથી પ્રારંભમાં નાક અને આંખોમાં ઘણી બળતરા થાય છે.

4) આ ક્રિયા ઊભા ઊભા કરવાની રીત સારી છે. તેમ ન જ ફાવે તો બેસી પણ શકાય.

5) આ ક્રિયા ચોકડીમાં કે પ્રાગંણમાં રહીને કરી શકાય અથવા આગળ મોટું વાસણ મૂકીને પણ કરી શકાય છે.

ફુલાવો પેટી ઢીલું છોડો. પેટ આપોઆપ અંદર આવશે. આ થયો ઉડ્ડિયાન બંધ. જ્યાં સુધી ઉડ્ડિયાન બંધ ધારણ કરો ત્યાં સુધી શ્ર્વાસ બહાર જ રહેશે.

ઉડ્ડિયાન એ નૌલિ માટેની પ્રાથમિક ક્રિયા છે. નૌલિ ત્યાર પછીનું સોપાન છે. એટલે ઉડ્ડિયાનનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી જ નૌલિ ક્રિયાનો પ્રારંભ કરવો.

(2) મધ્યનૌલિ:

ઉડ્ડિયાન ધારણ કર્યા પછી બીજું સોપાન મધ્યનૌલિનું છે. પેટના ઊભા બે સ્નાયુઓ છે. આ બંને સ્નાયુઓને પેટના અન્ય ભાગથી છૂટા પાડી આગળ લેવાની ક્રિયાને મધ્યનૌલિ કહે છે. મધ્યનૌલિ નીચેની રીતે કરી શકાય છે. ત્યાં એકાગ્ર થાઓ. આ બંને સ્નાયુઓને બહારની બાજુએ દબાવો. આ દરમિયાન પેટનો અન્ય ભાગ એટલે કે આ બંને સ્નાયુઓની બંને બાજુનો ભાગ અંદર ઢીલી અવસ્થામાં જ રહેશે. આ બંને સ્નાયુઓ બહાર પૂરેપૂરા નીકળે ત્યારે મધ્યનૌલિ થઈ ગણાય.

(ક્રમશ:)

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ કપાલભાતિ એક શોધનકર્મ હોવા છતાં એનું આધ્યાત્મિક મૂલ્ય ઘણું છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button