તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…

- ભાણદેવ
પ્રાણાયામ શું છે?
પ્રાણાયામ= પ્રાણ + આયામ = પ્રાણનું નિયમન. પ્રાણાયામ માટે પ્રાણસંયમ, પ્રાણસંયમનં આદિ શબ્દોનો ઉપયોગ પણ થાય છે. બધા શબ્દોનો અર્થ સરખો જ છે.
આપણે જોઈ ગયા છીએ કે પ્રાણ શરીર અને ચિત્તને જોડનારી કડી છે. ચિત્તની વૃત્તિઓનો ચિત્તની જ ભૂમિકા પર નિરોધ સાધવો દુષ્કર છે. તેથી જો પ્રાણનો નિરોધ સાધી શકાય તો તેના દ્વારા ચિત્તનો નિરોધ હાથવગો બને છે. પરંતુ પ્રશ્ર્ન એ છે કે પ્રાણનો નિરોધ સાધવો કેવી રીતે?
આપણા શરીરમાં સતત વહેતો શ્ર્વાસ શરીરની અંદર રહેલાં પ્રાણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. એટલું જ નહીં પણ બ્રાહ્યશ્ર્વાસ શરીરની અંદર રહેલ પ્રાણનો બાહ્ય છેડો છે, એમ કહી શકાય. ‘હઠયોગનું સ્વરૂપ’માં પ્રાણાયામ વિશે વિચારતી વખતે આપણે પ્રાણાયામના સ્વરૂપ અને મહત્તાને સમજાવતી એક કથા જોઈ છે.
જો શ્વાસરૂપી બાહ્ય છેડો પકડી શકાય તો તેના દ્વારા અંદરનો પ્રાણ હાથમાં આવી શકે તેમ છે. યોગવિદ્યાની, વિશેષત: પ્રાણાયામની આ એક રહસ્યપૂર્ણ ચાવી છે. પ્રાણાયામ દ્વારા સાધક પ્રથમ શ્વાસનો સંયમ સિદ્ધ કરે છે; શ્વાસના સંયમ દ્વારા ચિત્તવૃત્તિઓનો નિરોધ સિદ્ધ કરે છે. આમ પ્રાણાયામમાં બહિરંગ રીતે શ્વાસનો નિરોધ સાધવામાં આવતો હોવા છતાં, તે માત્ર શ્ર્વાસનિરોધ કે શ્વાસાયામ નથી, પરંતુ ચિત્તનિરોધ સિદ્ધ કરવાની સાધના છે.
પ્રાણાયામને સમજવાની ચાવી અહીં છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ જો આ સરળ પણ મહત્ત્વપૂર્ણ હકીકત સમજી લે તો પ્રાણાયામની મહત્તા અને સ્વરૂપ તેના મનમાં સ્પષ્ટ બની શકે. પ્રાણાયામના સ્વરૂપને સમજવાની વાત અહીં પૂરી થતી નથી. હજુ એક મહત્ત્વપૂર્ણ હકીકત સમજવી આવશ્યક છે.
હઠયોગ શરીરને એક ખૂબ મૂલ્યવાન અને ખૂબ રહસ્યપૂર્ણ સાધન માને છે. આ પંચભૂતાત્મક શરીર ચૈતન્યનું અધિષ્ઠાન છે અને આત્મપ્રાપ્તિનું સાધન બની શકે તેમ છે. હઠયોગમાં શરીરને તિરસ્કારની દૃષ્ટિથી નહીં, પરંતુ રહસ્યોદધાટનના દ્વાર તરીકે જોવામાં આવે છે.
હઠયોગની મૂળભૂત ધારણાઓમાંની એક ધારણા એ છે કે સામાન્યત: આપણા શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ કુંડલિની શક્તિનું જો જાગરણ થાય તો સાધકના જીવનમાં તેનાથી આમૂલ ક્રાન્તિ આવી શકે તેમ છે; આધ્યાત્મિક રૂપાંતર સિદ્ધ થઈ શકે તેમ છે; જે અમૂલ્ય ખજાનાથી આપણે વંચિત રહીએ છીએ તે ખજાનો હાથવગો બની શકે તેમ છે.
કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે. કુંડલિની પ્રાણશક્તિ છે. પ્રાણાયામના અભ્યાસથી આ પ્રાણસ્વરૂપ સુષુપ્ત કુંડલિનીનું જાગરણ થાય છે અને સાધક સમક્ષ ચેતનાના ઉદ્ઘાટનનુ દ્વાર ખુલ્લું થાય છે.
પ્રાણાયામ શું છે, શા માટે છે અને પ્રાણાયામનું ખરું સ્વરૂપ શું છે; તે હકીકતનો ખ્યાલ ઉપરોક્ત હકીકતથી આવશે.
ઉપરોક્ત બંને ધારણાઓમાંથી પ્રથમ ધારણા પ્રાણાયામ વિશેની રાજયોગની ધારણા છે અને બીજી ધારણા પ્રાણાયામ વિશેની હઠયોગની ધારણા છે. એક જ સાધનને જોવાના આ બે દૃષ્ટિબિંદુ છે. બંને વચ્ચે કોઈ વિરોધ નથી. આમ છતાં દૃષ્ટિબિંદુની ભિન્નતાને કારણે સાધનાના સ્વરૂપમાં, માનસિક વલણમાં અને સાધનાનાં સ્થાન, તીવ્રતા અને મહત્તામાં પણ જે ભિન્નતા આવશે તે તો આવશે જ.
પ્રાણાયામનું સ્વરૂપ
પ્રાણાયામમાં ત્રણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
(1) પૂરકમાં શ્વાસ અંદર લેવામાં આવે છે.
(2) આંતર કુંભક કે બહિર્કુંભકમાં શ્ર્વાસને અંદર કે બહાર રોકવામાં આવે છે.
(3) રેચકમાં શ્ર્વાસ બહાર કાઢવામાં આવે છે.
એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે શ્ર્વાસ અંદર લેવાથી, રોકવાથી કે બહાર કાઢવાથી પૂરક, કુંભક અને રેચક બનતા નથી. તે માટે તેમાં બીજાં ત્રણ તત્ત્વો ઉમેરવાં જોઈએ:
(1) પ્રાણસંયમ અને પ્રાણોત્થાનનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખવું જોઈએ.
(2) પ્રાણાયામની પ્રક્રિયા દરમિયાન સતત એક વિશિષ્ટ મનોવલણ જાળવી રાખવું જોઈએ.
(3) શ્વાસ અંદર લેવાની, રોકવાની અને બહાર કાઢવાની ક્રિયા એક વિશિષ્ટ પદ્ધતિથી થવી જોઈએ.
युक्तं युक्तं त्यजेद्वायु युक्तं युक्तं च पूरयेत |
युक्तं युक्तं बध्नीयादेवं सिद्धिमवाप्नुयति् ॥
ह. प्र. ; २-१८
‘યોગ્ય પદ્ધતિથી વાયુ બહાર કાઢવો; યોગ્ય પદ્ધતિથી વાયુ અંદર લેવો અને યોગ્ય પદ્ધતિથી વાયુ ધારણ કરવો- આ પ્રમાણે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.’
પ્રાણાયામની વ્યાખ્યા કરવાનું કાર્ય કઠિન છે, પરંતુ આટલા વિવરણ પછી હવે આપણે પ્રાણાયામની વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ-
‘પ્રાણાયામ એટલે પ્રાણસંચય અને પ્રાણોત્થાનનો હેતુ સિદ્ધ કરવા માટે એક વિશિષ્ટ મનોવલણપૂર્વક ઉપયુક્ત પદ્ધતિથી શ્વાસનાં પૂરણ, સ્તંભન અને રેચનની પ્રક્રિયા.’
આપણ વાંચો: આહારથી આરોગ્ય સુધીઃ માઇગ્રેનની સમસ્યાઓ…