તંદુરસ્તી-મનદુરસ્તીઃ ધ્યાનનો વિષય ધ્યેય કહેવાય છે

- ભાણદેવ
 
(ગતાંકથી ચાલુ)
જ્યારે એક સાચો સંગીતકાર ઉત્તમ સંગીતનું નિર્માણ કરે છે, ત્યારે તે અંગત અહંકારી ચેતનામાંથી તેમ કરતો નથી, તેમ કરી શકે નહીં, જ્યારે તે સ્વકેન્દ્રી અને સ્વભાનવાળી આ અહંકારની મનોદશામાંથી મુક્ત થાય તે ક્ષણોમાં જ તે ખરેખર ઉત્તમ સંગીતનું નિર્માણ કરી શકે છે.
તેમ જ એક વૈજ્ઞાનિક કુદરતનાં રહસ્યો સમજવા માટે તન્મય થઈને પ્રયત્નશીલ હોય છે, જ્યારે તે થોડી ક્ષણો માટે પણ આ અંગત અહંકારી ચેતનામાંથી મુક્ત બને છે, ત્યારે પ્રકૃતિનાં રહસ્યો તેની પાસે ખુલ્લાં થઈ જાય છે. આ જ હકીકત યોગીને વધુ સાચા અર્થમાં અને વધુ સાચી રીતે લાગુ પડે છે.
સમાધિમાં પ્રવેશ દરમિયાન આ ઘટના બને છે, તેને અહીં સૂત્રમાં ‘સ્વરૂપશુન્યમિવ’ દ્વારા સૂચિત કરેલ છે. શૂન્ય એટલે ન હોવાપણું કે ખાલીપણું. સમાધિમાં સાધક પોતાના સ્વભાવથી મુક્ત બને છે.
સ્વભાન (Self-Consciousness) સંપૂર્ણપણે ચાલ્યું જતું નથી, કારણ કે સમાધિ અવસ્થામાંથી પાછા આવતાં ફરીથી તે ‘સ્વભાન’ આવે છે. આ હકીકત સૂચિત કરવા માટે અહીં શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીં જે વર્ણન છે, તે પ્રારંભિક પ્રકારની સમાધિનું વર્ણન છે, નિર્બીજ સમાધિ કે કૈવલ્યનું નહીં.
‘”અર્થમાત્રનિર્ભાસ’ માં બે મુદ્દાઓ કહેવામાં આવ્યા છે.
ધ્યાનનો વિષય ધ્યેય કહેવાય છે. સમાધિ અવસ્થામાં ધ્યાતા (અહંકારી ચેતનાનું સ્વભાન) વિલીન થાય છે. માત્ર ધ્યેય જ ભાસમાન રહે છે. ધારણા અને ધ્યાનમાં ત્રિપૂટી છે – ધ્યેય, ધ્યાતા અને ધ્યાન. સમાધિમાં આ ત્રિપૂટી તૂટી જાય છે. ધ્યાતા વિલીન થતાં માત્ર ધ્યાયે જ ભાસમાન થાય છે. ‘માત્ર’ શબ્દ દ્વારા આ હકીકત સૂચિત થાય છે.
“અર્થ’ શબ્દ પણ અહીં વિશેષ અર્થમાં વપરાયો છે. ધ્યેય પદાર્થ સામાન્ય અહંકારી ચેતનાની અવસ્થામાં આપણી સમક્ષ જે સ્વરૂપે પ્રગટ થાય છે, તેના કરતાં સમાધિ અવસ્થામાં આપણી સમક્ષ જે સ્વરૂપે પ્રગટ થાય છે, કારણ કે દ્વૈતનો પડદો હટતાં નવી ચેતનાનો ઉદય થાય છે. તેના પ્રકાશમાં ધ્યેય પદાર્થ તેના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે.
આ મૂળ સ્વરૂપને અહીં ‘અર્થ’ શબ્દ દ્વારા સૂચિત કરવામાં આવેલ છે. સમાધિ અવસ્થામાં આ અર્થ જ માત્ર ભાસમાન થાય છે. ધારણા અને ધ્યાન દરમિયાન જે વિષય હતો તે જ વિષય હવે તદ્ન ભિન્ન-સ્વરૂપે ચેતના સમક્ષ પ્રગટે છે, કારણ કે દૃષ્ટા વિલીન થવાથી તેની જગ્યાએ નવી ચેતનાનો ઉદય થયો હોય છે.
યૌગિક સાધનપથ પર જે આધ્યાત્મિક વિકાસ થાય છે તે વિકાસની ક્રમિકતા આ રીતે મૂકી શકીય-
સામાન્ય ચેતના, ધારણા, ધ્યાન, સમાધિ. આ ક્રમિક વિકાસને પાંચ લક્ષણો દ્વારા સૂચવી શકાય.
(I) ચિત્તની એકાગ્રતામાં બાધારૂપ વિઘ્નો ક્રમે ક્રમે ઘટતાં જાય છે અને સમાધિમાં તે બિલકુલ નથી.
(II) સ્વનું ભાન (Self Consciousness) ક્રમે ક્રમે ઘટતું જાય છે અને સમાધિમાં તે બિલકુલ નથી.
(III) ધ્યાતા અને ધ્યેયનું દ્વૈત ક્રમે ક્રમે ઘટતું જાય છે. સમાધિમાં આ દ્વૈત બિલકુલ રહેતું નથી.
(IV) બાહ્ય જગત સાથેનો ઈન્દ્રિગત સંબંધ ઓછો થતો જાય છે. સમાધિમાં તે બિલકુલ રહેતો નથી.
(V) સાધક ક્રમે ક્રમે મનસાતીત પ્રદેશમાં પ્રવેશતો જાય છે. સમાધિમાં તે મનમાંથી સંપૂર્ણ બહાર નીકળી મનસાતીત પ્રદેશમાં જ પહોંચી જાય છે.
ચિત્તનો ઈન્દ્રિયો દ્વારા જગત સાથેનો સંબંધ સમાધિમાં રહેતો નથી, તેથી બેભાન અવસ્થા કે તેને મળતી અવસ્થાને પણ લોકો સમાધિ ગણી લે છે. સમાધિમાં બાહ્ય જગતનું ભાન રહેતું નથી, તે સાચું છે, પરંતુ બાહ્ય જગતનું ભાન ન રહેવું તે સમાધિનું મૂળભૂત લક્ષણ નથી. બાહ્ય જગતનું ભાન ચાલ્યું જાય એટલે સમાધિ સિદ્ધ થાય તેવું નથી. ઊંઘ, એનેસ્થેસિયાની અવસ્થા કે તીવ્ર વેદનાથી આવેલી બેભાનાવસ્થામાં પણ બાહ્ય જગતનું ભાન રહેતું નથી, પરંતુ આ અવસ્થાઓ સમાધિ કરતાં તદ્ન ભિન્ન પ્રકારની અને સાવ નિમ્ન કોટિની છે.
કોઈ વ્યક્તિ સમાધિનાં બાહ્ય લક્ષણોનું અનુકરણ કરવાનું કોઈક રીતે શીખી લે તો બાહ્ય અવસ્થાની દૃષ્ટિએ તે સમાધિમાં હોય તેમ લાગે છે, પરંતુ આંતરિક રીતે તેનો સમાધિમાં પ્રવેશ ન હોય તેમ બને. આ અવસ્થાને જડ સમાધિ કહે છે. ખરેખર તો ‘જડતા’ જ કહેવું જોઈએ. આવા પ્રકારની અવસ્થાનું આધ્યાત્મિક મૂલ્ય કશું નથી. સમાધિનું ખરું લક્ષણ બાહ્ય જગતના ભાનનો લોપ નથી. આંતરચેતનાની અવસ્થા પરથી જ નક્કી થઈ શકે કે વ્યક્તિ સમાધિમાં છે કે નહીં!
આપણી અધ્યાત્મ પરંપરા પ્રમાણે સમાધિની યથાર્થતા જાણવા માટે સાત લક્ષણો છે:
(I) સમાધિ દરમિયાન ચહેરા પર તેજ છવાય જાય છે. સમાધિ સિવાયની ઊંઘ, એનેસ્થેસિયા આદિ બેભાનાવસ્થા દરમિયાન ચહેરો ફિક્કો પડી જાય છે.
(II) સમાધિ દરમિયાન સાધક પ્રગાઢ શાંતિ અને તીવ્ર આનંદ અનુભવે છે.
(III ) સમાધિ દરમિયાન આંતરિક જાગૃતિ ટકી રહે છે. બાહ્ય અને આંતરિક, બંને પ્રકારની જાગૃતિનો લોપ થાય તો તે બેભાનવસ્થા છે.
(IV) સમાધિ દરમિયાન સાધક જે આસનમાં બેઠા હોય તે આસન છૂટે નહીં, શરીર લથડી ન પડે, ઊંઘમાં આસન છૂટી જાય, શરીર લથડી પડે.
(V) સમાધિ દરમિયાન શ્ર્વાસોચ્છ્વાસની ગતિ મંદ અને સૂક્ષ્મ બની જાય છે.
(VI) સમાધિ દરમિયાન સાધક ઉચ્ચ ચેતનામાં પ્રવેશ કરે છે.
(VII) સમાધિમાંથી પાછો આવનાર સાધક બદલાઈને પાછો ફરે છે, સાધક ઉચ્ચ ચેતનાનું જ્ઞાન સાથે લઈને પાછો ફરે છે. સમાધિ સાધકના જીવનનું રૂપાંતર સિદ્ધ કરે છે.
ભ્રામક સમાધિ કે નિદ્રા આદિ બેભાનાવસ્થાથી સમાધિ ઉપરોક્ત રીતે જુદી પડે છે. આ લક્ષણો દ્વારા સમાધિની યથાર્થતા જાણી શકાય છે.
સમાધિ અધ્યાત્મભવનનું દ્વાર છે, મહાદ્વાર છે, સુવર્ણ દ્વાર છે. આમ છતાં સમાધિ અધ્યાત્મયાત્રાની આખરી અવસ્થા પણ નથી. સમાધિ પછી પણ અધ્યાત્મપથની ઘણી યાત્રાઓ બાકી રહે છે. (ક્રમશ:)
આપણ વાંચો: ફાઈનાન્સના ફંડાઃ NRI માટે પાવર ઑફ ઍટર્નીનું કેટલું મહત્ત્વ?
 


