તંદુરસ્તી-મનદુરસ્તી: ધારણા અંતરંગયોગનું પ્રથમ સોપાન…

- ભાણદેવ
અંતરંગ યોગ
- પ્રસ્તાવ:
પ્રત્યેક અધ્યાત્મપથ બે પ્રધાન વિભાગમાં વહેંચાયેલો હોય છે. આ બે વિભાગ છે – બહિરંગ (exoteric) અને અંતરંગ (esoteric). આ જ રીતે યોગપથ બે વિશાળ વિભાગમાં વહેંચાયેલો છે – બહિરંગ યોગ અને અંતરંગયોગ. રાજયોગના આઠ અંગો છે. તેમાંના પ્રથમ પાંચને અર્થાત્ યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારને બહિરંગ યોગ અને ધારણા, ધ્યાન અને સમાધિને અંતરંગ યોગ કહેવામાં આવે છે. હઠયોગમાં આસન, પ્રાણાયામ અને મુદ્રાને બહિરંગ યોગ અને સમાધિને અંતરંગ યોગ ગણવામાં આવે છે.
આપણે બહિરંગ યોગ વિશે પર્યાપ્ત વિચાર કર્યો છે. હવે અહીં આપણે અંતરંગ યોગ વિશે વિચાર કરશું. અહીં આપણે ભગવાન પતંજલિ દ્વારા દર્શાવેલ અષ્ટાંગ યોગ અર્થાત્ રાજયોગને દૃષ્ટિ સમક્ષ રાખીને અંતરંગ યોગનો વિચાર કરીએ છીએ.
એક રીતે જોઈએ તો અષ્ટાંગ યોગ વસ્તુત: સાધકના વ્યક્તિત્વનાં ભિન્નભિન્ન પાસાંઓમાં થતી નિરોધની જ સાધના છે. યમ-નિયમમાં વર્તનનો નિરોધ છે. આસનમાં શારીરિક ભૂમિકાનો વિરોધ છે. પ્રાણાયામમાં શ્ર્વાસ અને પ્રાણનો નિરોધ છે. પ્રત્યાહારમાં ઈન્દ્રિયોનો નિરોધ છે. આમ બહિરંગ યોગના અભ્યાસથી વિકસતો વિરોધ અંતરંગ યોગમાં સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. અંતરંગ યોગમાં ચિત્તવૃત્તિનો નિરોધ સિદ્ધ થાય છે, જેનાથી સાધક સમાધિ અવસ્થામાં પ્રવેશ કરે છે.
યોગ સાધનામાં અનેકાગ્રતામાંથી એકાગ્રતામાં આગળ વધે છે. બહિરંગ યોગના અભ્યાસથી એકાગ્રતામાં બાધારૂપ પરિબળો પર સંયમ સિદ્ધ થાય છે. યમનિયમના અભ્યાસથી આવેગો અને ઈચ્છાઓ પર સંયમ આવે છે.
આસનના અભ્યાસથી સ્થૂળ શરીરમાં ઊભી થતી બાધાઓ દૂર થાય છે. શરીરનો યથાર્થ સંયમ સિદ્ધ થાય છે.
પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય શરીરમાં ઊભી થતી બાધાઓનું નિરસન થાય છે. પ્રત્યાહારની સાધનાની ઈન્દ્રિયોની વિષયોમાંથી નિવૃત્તિ થાય છે.
આમ બહિરંગ યોગના પર્યાપ્ત અભ્યાસ વિના અંતરંગ યોગમાં પ્રવેશ થતો નથી અને પ્રવેશ થાય તો તેમાં ટકી શકાતું નથી કે આગળ વધી શકાતું નથી. અષ્ટાંગ યોગનાં આઠે અંગોમાં ક્રમિક વિકાસનો સંબંધ છે. આમ હોવાથી પ્રારંભનાં અંગોના પર્યાપ્ત અભ્યાસ વિના આગળના અંગોમાં નિશ્ર્ચયાત્મક વિકાસ સાધી શકાતો નથી.
ઘણા સાધકો વર્ષોથી ધ્યાનનો અભ્યાસ કરતાં હોય પરંતુ તેમનો તેમાં ખાસ વિકાસ થયેલો જોવા મળતો નથી. આમ થવાનું કારણ એ હોય છે કે તેમણે બહિરંગ યોગનો પર્યાપ્ત અભ્યાસ કર્યો નથી, અંતરંગ યોગની પર્યાપ્ત તૈયારી કરી નથી.
બીજી એક હકીકત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. યૌગિક દૃષ્ટિબિંદુથી જોઈએ તો બહિરંગ યોગના પર્યાપ્ત અભ્યાસ વિના અંતરંગ યોગમાં પ્રવેશ શરીર તથા મન માટે જોખમી પુરવાર થઈ શકે છે.
હવે આપણે અષ્ટાંગ યોગના વિચાર કરીએ. અષ્ટાંગ યોગનાં અંતિમ ત્રણ અંગો અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિને અંતરંગ યોગ ગણવામાં આવે છે.
- ધારણા-ધ્યાન-સમાધિ:
(1) ધારણા :
ધારણા અંતરંગ યોગનું પ્રથમ સોપાન છે.
देशबन्धश्चित्तस्य धारणा | – यो. सू. , ३-१
‘ધારણા એટલે ચિત્તનું કોઈ એક દેશવિશેષમાં સ્થિર રહેવું.’
બહિરંગ યોગના પ્રયાપ્ત અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાનમાં એકાગ્ર થાય તેને ‘ધારણા’ કહેવામાં આવે છે.
આધુનિક મનોવિજ્ઞાનનો એવો મત છે કે મન કોઈ એક વિષય પર થોડી ક્ષણોથી વધુ વખત સ્થિર રહી શકે જ નહીં. મન એક સતત પરિવર્તનશીલ ગતિ છે. મન એક પ્રવાહ છે. વળી આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે એક જ વિષય પર એકાગ્ર લાગતું મન વાસ્તવમાં તે વિષયનાં ભિન્ન ભિન્ન અંગો કે પાસાંઓ પર બદલાતું રહે છે. પરંતુ યૌગિક મનોવિજ્ઞાન માને છે કે યોગાભ્યાસથી પરિશુદ્ધ થયેલું ચિત્ત બહુ લાંબા સમય સુધી એક જ વિષય પર એકાગ્ર રહી શકે છે. બંનેના મતમાં ભિન્નતાનું કારણ એ છે કે આધુનિક મનોવિજ્ઞાન સાધારમ મન વિશે કહે છે અને યૌગિક મનોવિજ્ઞાન યોગીના ચિત્ત વિશે કહે છે. યોગના મત પ્રમાણે પરિશુદ્ધ ચિત્તનું એક જ વિષયમાં લાંબા સમય સુધી એકાગ્ર થવું શક્ય છે. તેથી યૌગિક મત પ્રમાણે ધારણા અને ધ્યાન, સમાધિ આદિ આગળનાં યોગાંગ પણ શક્ય છે.
ધારણાના વિષયો પાંચ સ્વરૂપના હોય છે:
(ઈં) બાહ્યવિષયો – મૂર્તિ, ચિત્ર, ઓમ્કાર વગેરે.
(ઈંઈં) મનોમય – ઉપરોક્ત વિષયો મનોમય સ્વરૂપ ધારણ કરે છે.
(ઈંઈંઈં) શરીરનાં અંગો – નાસાગ્ર, ભ્રૂમધ્ય વગેરે.
(ઈંટ) શરીરાન્તવર્તી – હૃદય, આજ્ઞાચક્ર વગેરે.
(ટ) અતીન્દ્રિય અનુભવો – નાદશ્રવણ, જ્યોતિદર્શન, દિવ્યસ્પર્શ વગેરે.
ધારણામાં એકાગ્રતા હોય છે. આમ છતાં આ એકાગ્રતા ધ્યાન કે સમાધિ જેટલી ઊંડી કે સંપૂર્ણ હોતી નથી. ધારણામાં ચિત્તની સૂક્ષ્મ ગતિ કાંઈક અંશે ચાલુ રહે છે. સાધકનો પ્રયત્ન સતત આ ગતિમાંથી મુક્ત રહીને એકાગ્ર રહેવાનો હોય છે.
ધારણા બે પ્રકારની હોય છે – કરેલી ધારણા અને થયેલી ધારણા. કરેલી ધારણામાં સાધક કોઈ વિષય પસંદ કરે છે અને તેની એકાગ્રતા કરે છે. ધારણા તેનો સંકલ્પ છે, તેનો પ્રયત્ન છે. થયેલી ધારણા કરવામાં નથી આવતી પણ થાય છે. સાધક કશુંક અનુભવે છે. પ્રાણાયામ, જપ આદિ સાધનાથી સાધકને નાદશ્રવણ, જ્યોતિદર્શન, શરીરાન્તર્વર્તી ભાગોમાં સ્પર્શતી સંવેદના કે એવો કોઈ અનુભવ થાય છે. આમ બને ત્યારે સાધકનું ચિત્ત આપોઆપ જ તેમાં રહે છે. ધારણા કરવી પડતી નથી, પણ ધારણા થાય છે. કરેલી ધારણા કરતાં થયેલી ધારણા ચડિયાતી છે.
ભગવત્પ્રેમને પરિણામે ભક્તની ભગવદ્વિગ્રહ પર જે ધારણા થાય છે તે પણ થયેલી ધારણા છે અને તેથી ઉત્તમ ધારણા છે.
(2) ધ્યાન :
तत्र प्रत्ययैकतानता ध्यानम् | – यो. सू. , ३-२
‘તે જ વિષયમાં પ્રત્યયનું એકધારાપણું એટલે ધ્યાન.’
ધારણા માટે પસંદ કરેલા વિષયમાં ચિત્તની ગતિ એકધારી વહ્યા કરે તે અવસ્થાને ધ્યાન કહે છે.
આ સૂત્રનો અર્થ સમજવા માટે ‘પ્રત્યય’ શબ્દનો અર્થ સમજવો આવશ્યક છે. અહીં ‘પ્રત્યય’ શબ્દ પારિભાષિક છે. કોઈ પણ વિષયનું જ્ઞાનેન્દ્રિય દ્વારા આકલન થતાં ચિત્તમાં તદ્વિષયક વ્યાપાર થાય છે, તેને ‘પ્રત્યય’ કહે છે.
ધારણામાં આ પ્રત્યયની ધારા અખંડ નથી. અન્ય વિષયના પ્રત્યયો ચિત્તમાં કાંઈક અંશે બાધારૂપ બને છે. અલબત્ત, ધારણામાં પણ ચિત્ત મહદ્અંશે તો એક જ વિષયમાં બંધાયેલું રહે છે, પરંતુ તેમાં પ્રત્યયની એકતાનતા સિદ્ધ થઈ હોતી નથી. જ્યારે પ્રત્યયની ધારા તૈલધારાવત્ અખંડ એક જ વિષયમાં વહેવા માંડે ત્યારે તે અવસ્થાને ‘ધ્યાન’ કહેવામાં આવે છે. ધારણામાં સાધક એક જ પસંદ કરેલ વિષયમાં જ પ્રત્યયની અખંડ ધારા વહ્યા કરે તે માટે પ્રયત્નશીલ છે, ધારણામાં તે સિદ્ધ થાય છે. ધારણા જ વિકસીને ધ્યાન બને છે.
(3) સમાધિ :
तदेवार्थमात्रनिर्भासं स्वरुपशून्यमिव समाधिः| – यो.सू., ३-३
‘તે જ ધ્યાનમાં જ્યારે ધ્યેયમાત્રનો જ ભાસ થાય અને પોતાનું ભાન શૂન્ય જેવું થઈ જાય ત્યારે તે અવસ્થાને ‘સમાધિ’ કહે છે.’
આ દૃશ્યમાન જગતની પાછળ જે પરમ સત્ય રહેલ છે, તેમાં પ્રવેશ કરવાનું દ્વાર સમાધિ છે. સમાધિથી સાધકનો ચતુર્થ પરિમાણમાં પ્રવેશ થાય છે. સમાધિ અગિયારમી દિશાનું મહાદ્વાર છે.
પરમ સત્ય અને આ દૃશ્યમાન જગત વચ્ચે એક દીવાલ છે. આ દીવાલ એટલે અંગત અહંકારી ચેતના. અહંકાર જ આ દીવાલ ઊભી કરે છે, જ્યારે આ પડદો હટી જાય છે, ત્યારે સાધક સત્ય ચેતનામાં પ્રવેશ કરે છે. આ અંગત
અહંકારી ચેતના સત્યદર્શનમાં કેવી રીતે બાધારૂપ બને છે અને તે બાધા દૂર થતાં શું થાય છે, તે સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ.
(ક્રમશ:)
આપણ વાંચો: મોજની ખોજ : બોલો, પોતે બનાવેલી જેલમાં પોતે જ પુરાયો…



