તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : શવાસન હૃદય ને જ્ઞાનતંત્રને બળવાન તથા કાર્યક્ષમ બનાવે છે

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(દશ) યોગાસનના અભ્યાસને પરિણામે શું થાય છે, તે અંગે યોગસૂત્રકાર કહે છે:

ततो द्वन्द्वानभिघातः| – योगसूत्र; २-२९

‘તેના અભ્યાસથી દ્વન્દ્વોના આઘાતમાંથી મુક્તિ મળે છે.’

આ વિધાન વિશેષત: ધ્યાનોપયોગી યોગાસનોને લાગુ પડે છે.

સુખ-દુ:ખ, ઠંડી-ગરમી આદિ દ્વન્દ્વો છે. તેમનાથી આપણાં શરીર- મન પર સતત આઘાત લાગ્યા કરે છે. પરિણામે આપણી ચેતના શરીર- મન સાથે સતત જોડાયેલી રહે છે. ભગવાન પતંજલિ કહે છે કે ધ્યાનોપયોગી આસનોના અભ્યાસથી આ દ્વન્દ્વોના આઘાતમાંથી મુક્તિ મળે છે. આમ બનવાથી આપણી ચેતનાના ઊર્ધ્વગમનમાં સહાય મળે છે.

(4) યોગમાં શવાસન અને મકરાસન જેવા શિથિલીકરણાત્મક આસનો (Relaxing postures) પણ છે. આ આસયોના અભ્યાસથી શરીર અને મનને થોડા સમયમાં ઘણો આરામ મળે છે. ઊંઘથી પણ વધુ ગહન આરામ સાચી રીતે કરેલું શવાસન આપે છે.

शवासनं श्रान्तिहरं चित्तविश्रान्तिकारकम् | हठप्रदीपिका ; १.३२

‘શવાસન શરીરના થાકને દૂર કરે છે. તે ચિત્ત માટે પણ વિશ્રાન્તિકારક છે.’

શરીર તથા ચિત્તને ગહન આરામ પ્રદાન કરીને શવાસન હૃદય અને જ્ઞાનતંત્રને બળવાન અને કાર્યક્ષમ બનાવે છે. ચિત્તને સમતા અને શાંતિ પ્રદાન કરે છે.

આ ઉપરાંત સમતાયુક્ત મનોવલણ અને સમર્પણ ભાવની કેળવણી માટે પણ શવાસનનું પ્રદાન નોંધપાત્ર છે.

શવાસન પ્રથમ દૃષ્ટિએ સહેલું અને સરળ દેખાય છે, પરંતુ હકીકત તેનાથી ઊલટી છે.

શવાસન જો હસ્તગત કરવામાં આવે તો તેનાથી અન્ય આસનોના અભ્યાસમાં ઘણી સહાયતા મળે છે. શવાસન દરમિયાનની મનોશારીરિક અવસ્થા જો સાધક અન્ય આસનોના અભ્યાસ દરમિયાન પણ જાળવી શકે તો તે તે આસન દ્વારા આંતરિક અવસ્થામાં પ્રવેશ કરવાનું ઘણું સરળ બની શકે છે. જેમ કુશળ સંગીતકાર ગાન વખતે અનેક સ્વરોમાં આરોહ-અવરોહણ કરે છે, પરંતુ તેના પાયામાં ‘સા’ રહેલો છે, તેમ શવાસન અન્ય આસનો માટે ‘સા’ બની શકે તેમ છે.

યોગાસનોના અભ્યાસ દરમિયાન પ્રયત્ન શૈથિલ્ય અને અનંત સમાપત્તિ સિદ્ધ થાય તો તે આસનનો અભ્યાસ ગહન બને છે. શવાસનના અભ્યાસથી આ બંનેનો અમલ કરવાની ચાવી હસ્તગત થાય છે.

આ રીતે શવાસનના અભ્યાસથી સર્વ યોગાસનોના અભ્યાસમાં ગહનપ્રવેશ માટે સહાયતા મળી શકે તેમ છે.

  1. આસન-સિદ્ધિ:
    કોઈપણ યોગાસન ક્યારે સિદ્ધ થયું ગણાય તે વિશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.

આપણે જોઈએ કે આસન-સિદ્ધિનું યથાર્થ સ્વરૂપ શું છે.

એક માન્યતા એવી પ્રવર્તે છે કે કોઈ પણ આસનમાં ત્રણ કલાક સુધી રહી શકાય, એટલે તે આસન સિદ્ધ થયું ગણાય. આ માન્યતા ભૂલભરેલી અને ગેરમાર્ગે દોરનારી છે.

ધ્યાનોપયોગી આસનમાં સાધકે ધ્યાન આદિના અભ્યાસ માટે દીર્ધકાલ પર્યંત બેસવાનું હોય છે, તે સાચું છે અને કોઈ સાધક દીર્ધકાલીન અભ્યાસ પછી આટલો લાંબો સમય કોઈ એક ધ્યાનોપયોગી યોગાસનમાં સરળતાથી બેસી શકે, તેમ બની શકે છે. પરંતુ ધ્યાનોપયોગી આસન સિવાયનાં આસનોમાં આટલો લાંબો ગાળો અર્થાત્ ત્રણ કલાક પર્યંત રહેવું બરાબર નથી. આમ છતાં કોઈ હઠપૂર્વક કોઈ આસનમાં ત્રણ કલાક રહે તો આસનસિદ્ધિને બદલે શરીર-મનની વિકૃત્તિ જ જન્મે, તે વિશે કોઈ શંકા નથી. દૃષ્ટાંતત: કોઈ સાધક શીર્ષાસનમાં ત્રણ કલાક રહે તો, તેથી તેના મગજને અને આંખને નુકસાન થવાનું છે.

સાચી વાત તો એ છે કે પ્રત્યેક આસનમાં રહેવાની પોતાની ભિન્ન ભિન્ન સમયમર્યાદા છે. આ સમયમર્યાદાનું પાલન કરવું તે જ સાધારણ રીતે યોગ્ય છે.

અન્ય આસનોના પ્રમાણમાં ધ્યાનોપયોગી આસનોની સમયમર્યાદા ઘણી વધુ છે, એ વાત સાચી છે, પરંતુ તે પણ સુખપ્રદ હોય, કષ્ટપ્રદ નહિ, એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ.

તો હવે આપણી સમક્ષ પ્રશ્ન આવે છે- આસન સિદ્ધ ક્યારે થયું ગણાય?

આ વિશે ભગવાન પતંજલિએ આપેલી સૂત્ર જ સાચો રાહ બતાવે છે. જો કે તેમણે આ સૂત્ર ધ્યાનોપયોગી આસનોને ખ્યાલમાં રાખીને આપ્યું હશે, એમ લાગે છે; આમ છતાં આ સૂત્ર અન્ય આસનોને પણ લાગુ પાડવામાં કોઈ ભૂલ થવાનો સંભવ નથી.
ભગવાન પતંજલિએ આસનસિદ્ધ માટે આ સૂત્ર આપ્યું છે.

प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् | योगसूत्र; २-४८
‘પ્રયત્ન ઓછો થવાથી (Effortlessness) અને અનંત પર ધ્યાન કરવાથી તે (આસન) સિદ્ધ થાય છે.’

આમ ભગવાન પતંજલિ આસનની સિદ્ધિ માટે બે શરતો મૂકે છે- પ્રયત્નશૈથિલ્ય અને અનંત પર ધ્યાન.

આસનમાં આયાસ વિના, સહજ સરળભાવે રહી શકાય એટલે પ્રયત્નશૈથિલ્ય સિદ્ધ થયું ગણાય. આ અવસ્થામાં ચેતના શરીર-મનથી ઉપર ઊઠીને આકાશ જેવા વ્યાપ્ત પદાર્થનું ધ્યાન કરી શકે એટલે અનંતસમાપત્તિ સિદ્ધ થઈ ગણાય. દીર્ધકાલ પર્યંત આસનનો નિયમિત અભ્યાસ કરવાથી આ બંને લક્ષણો સિદ્ધ થાય છે. સાધક પોતે જ અનુભવે છે કે જે તે આસનના અભ્યાસ દરમિયાન આંતરકિ અવસ્થામાં પ્રવેશી શકે છે. સાધક પોતે અનુભવે છે કે આંતરિક અને બાહ્ય, બંને રીતે આસન હસ્તગત થયું છે. આમ બને ત્યારે આસન સિદ્ધ થયું છે, તેમ કહી શકાય.

  1. આસનોનું વર્ગીકરણ:
    યોગાસનોનું વર્ગીકરણ કરવાની અનેક પદ્ધતિઓ છે. અહીં આપણે વર્ગીકરણ કરવાની યથાશક્ય સર્વ પદ્ધતિઓ જોઈએ.

આપણ વાંચો:  મોજની ખોજ: સાચી વાત પુરવાર કરવા પણ ખોટાં કામ કરવા પડે…

(1) શરીરની અવસ્થાને આધારે:
(A) ચત્તા સૂઈને કરવાનાં આસનો
(B) ઊંધા સૂઈને કરવાનાં આસનો
(C) બેસીને કરવાનાં આસનો
(D) ઊભા રહીને કરવાનાં આસનો
(E) શરીરની વિપરીત અવસ્થામાં કરવાનાં આસનો (TOPSYTURVY POSTURES)

(2) શરીરના વળાંકની દિશાને આધારે-
(A) આગળ વળવાનાં આસનો
(B) પાછળ વળવાના આસનો
(C) બંને બાજુ વળવાનાં આસનો
(D) શરીરને મરડવાનાં આસનો

(3) હેતુને આધારે:
(A) ધ્યાનોપયોગી આસનો
(B) સંવર્ધનાત્મક આસનો

સમતુલાત્મક આસનો વળાંકાત્મક
આસનો
(4) આસાનના કેન્દ્રને આધારે:
(A) મસ્તકકેન્દ્રી આસનો
(B) નાભિકેન્દ્રી આસનો
(C) કરોડકેન્દ્રી આસનો
(D) હાથપગદેન્દ્રી આસનો

(5) કઠિનતાને આધારે:

(A) સરળ આસનો
(B) મધ્યમ આસનો
(C) કઠિન આસનો
(D) ખૂબ કઠિન આસનો

(6) સર્વગ્રાહી દૃષ્ટિકોણને આધારે:

(A) વિપરીત અવસ્થાનાં આસનો (TOPSYTURVY POSTURES)
(B) આગળ વળવાનાં આસનો
(C) પાછળ વળવાનાં આસનો
(D) બાજુમાં વળવાના આસનો
(E) શરીરને મરડવાનાં આસનો (TWISTING POSTURES)
(F) શરીરને ખેંચાણ આપવાનાં આસનો (STRETCHING POSTURES)
(G) ઊભા રહીને કરવાનાં આસનો
(H) પગ પર સમતુલાત્મક આસનો
(I) હાથ પર સમતુલાત્મક આસનો
(J) અન્ય સમતુલાત્મક આસનો
(K) ચત્તા સૂઈને કરવાનાં આસનો
(L) ઊંધા સૂઈને કરવાનાં આસનો
(M) બેસીને કરવાનાં આસનો
(N) ધ્યાનાપયોગી આસનો
(O) આરામપ્રદ આસનો
(P) કઠિન આસનો
(Q) પ્રકીર્ણ આસનો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button