તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામના અભ્યાસથી ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
પ્રાણમય શરીરમાં ઘટતી આ ચારે ઘટનાઓ આધ્યાત્મિક વિકાસ માટે અને શરીર-મનના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી જ નહિ, પરંતુ અનિવાર્ય છે.
ઉપરોક્ત ચારે હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ ખૂબ મૂલ્યવાન છે. વસ્તુત: પ્રાણાયામના અભ્યાસનો હેતુ જ આ છે.
આ હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ કઈ રીતે ઉપયોગી બને છે, તે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં મૂકવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. પ્રાણમય શરીર અને તેની ગતિવિધિ વિશે વૈજ્ઞાનિક ગણાય તેવો ખાસ અભ્યાસ થયો પણ નથી. પરંતુ શાસ્ત્ર અને હજારો વર્ષનો, અસંખ્ય યોગીઓનો અનુભવ સાક્ષી પૂરે છે કે ઉપરોક્ત હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ અજોડ સાધન છે.
(ડ) બ્રહ્મચર્ય માટે:
બ્રહ્મચર્યના પાલનથી યોગસાધનામાં ઘણી સહાયતા મળે છે. તે સાથે એ જાણવું આવશ્યક અને રસપ્રદ છે કે યૌગિક ક્રિયાઓના અભ્યાસથી બ્રહ્મચર્યના પાલનમાં સહાય મળે છે.
પ્રાણાયામ, શીર્ષાસન, સર્વાંગાસન, વિપરીતકરણી, વજ્રાસન, ઉડ્ડિયાન, નૌલિ અને અશ્ર્વિનીમુદ્રા બ્રહ્મચર્યપાલનમાં ઉપયોગી થાય તેવી ક્રિયાઓ છે. બીજી અનેક બાબતોની જેમ આ બાબતમાં પણ આ બધી ક્રિયાઓમાં પ્રાણાયામ શિરમોર સાધન છે, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે.
પ્રાણના નિમ્નગામી પ્રવાહો વ્યક્તિને ભોગ તરફ ખેંચી જાય છે, એ જ પ્રાણના પ્રવાહો જ્યારે ઊર્ધ્વગામી બને ત્યારે સાધક ભોગમાંથી છૂટીને યોગ તરફ અગ્રેસર થાય છે. પ્રાણના આ પ્રવાહોને ઉલટાવવા માટે પ્રાણાયામ ચાવીરૂપ સાધના બની શકે તેમ છે. આ ચાવીનો ઉપયોગ કુશળ અને અનુભવી શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે જ કરવાનો હોય છે.
(ઇ) શારીરિક ક્ષેત્રે:
(I) એક એવી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે પ્રાણાયામ દરમિયાન શરીરને વધુ ઑક્સિજન મળે છે. ભસ્રિકા પ્રાણાયામના પ્રથમ ભાગ સિવાય કોઈ પ્રાણાયામમાં આમ બનતું નથી. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે પ્રાણાયામ દરમિયાન અભ્યાસી સામાન્ય શ્વ્સોચ્છ્વાસ કરતાં પણ ઓછો ઑક્સિજન લે છે, કારણ કે દર મિનિટે સામાન્ય શ્વાસોચ્છ્વાસના આવર્તનો કરતાં પ્રાણાયામનાં આવર્તનો ઘણાં ઓછાં થાય છે.
પ્રાણાયામ દ્વારા શ્વસનતંત્રને અને સમગ્ર શરીરને જે ફાયદો થાય છે, તે બીજી રીતે થાય છે. પ્રાણાયામ અભ્યાસીના શ્વાસનતંત્રને એવી રીતે તૈયાર કરે છે કે પ્રાણાયામના અભ્યાસ કાળ પછી આખા દિવસ દરમિયાન અભ્યાસી સામાન્ય કરતાં વધુ ઑક્સિજન લઈ શકે છે. શ્વસનતંત્રની કાર્યક્ષમતા કાયમી ધોરણે વધી જાય છે. આ બહુ મહત્ત્વપૂર્ણ ઘટના છે.
પ્રાણાયામ દ્વારા શ્વસનતંત્રની આ કેળવણી કેવી રીતે થાય છે?
- રેચક અને પૂરક દરમિયાન ફેફસાંને સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં વધુ સારો મસાજ મળે છે, તેથી તેમની કાર્યક્ષમતા વધે છે. વળી શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઉદરપટલ અને છાતીનાં સ્નાયુઓ પણ લાંબા અને ઊંડા રેચકપૂરકના અભ્યાસથી વધુ કાર્યક્ષમ બને છે. આમ બનવાથી શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં કાયમી ધોરણે વધારો થાય છે.
- પ્રાણાયામના અભ્યાસથી અભ્યાસીને ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે. આ ટેવ અભ્યાસકાળ સિવાય પણ આખા દિવસ દરમિયાન ચાલુ રહે છે.
- ઊંડા પૂરક અને રેચક કુંભકના અભ્યાસથી ફેફસાંમાં રહેલા બંધ વાયુકોશો ખૂલે છે અને એકવાર ખૂલા થયેલા આ વાયુકોશો અભ્યાસના સાતત્યથી કાયમી ધોરણે ખૂલા જ રહે છે. પરિણામે ફેફસાંની વાયુધારણ કરવાની શક્તિ વધે છે.
- પ્રાણાયામ દરમિયાન ઊંડા રેચકથી ફેફસાં સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં વધુ ખાલી થાય છે. આમ બનવાથી કાર્બન ડાયોક્સાઈડથી દૂષિત થયેલો વાયુ વધુ પ્રમાણમાં બહાર કાઢી શકાય છે અને ઊંડા પૂરકને પરિણામે વધુ પ્રમાણમાં ઑક્સિજન અંદર લઈ શકાય છે. પ્રાણાયામના અભ્યાસ પછી પણ શ્વસનતંત્રની આ ટેવ ચાલુ રહે છે. આ રીતે પ્રાણાયામ દ્વારા સમગ્ર શરીરતંત્રનું શોધન થાય છે.
(II) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન હૃદયને સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં વધુ સારી રીતે મસાજ મળે છે. પરિણામે હૃદયની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
ભસ્રિકા જેવા પ્રાણાયામના અભ્યાસથી શરીરના છેક દૂર દૂરના કોશો સુધી પર્યાપ્ત પ્રમાણમાં લોહી પહોંચે છે. વળી ધમનીઓ અને રક્તવાહિનીઓને પર્યાપ્ત શોધન, મસાજ અને વ્યાયામ મળી રહેતાં તેમની કાર્યક્ષમતા વધે છે.
(III) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્ર્વાસોચ્છ્વાસની ગતિ મંદ પડે છે, પરંતુ તેથી ઊલટું મગજના રુધિરાભિસરણની ગતિ વધે છે, કારણ કે એમ નોંધાયું છે કે કાર્બન ડાયોક્સાઈડના સંચયથી મગજના રુધિરાભિસરણમાં વધારો થાય છે. આમ થતાં પ્રાણાયામના અભ્યાસથી મગજની અને પરિણામે જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
(IV) શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધતાં, તે ત્રણેની અસરથી અંત:સ્રાવીતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં પણ અચૂક સુધારો થાય છે.
(V) પ્રાણાયામના અભ્યાસથી હોજરી, આંતરડાં, કાળજું, પેનક્રિયાસ વગેરેને સારો મસાજ મળે છે અને પેટના સ્નાયુઓને વ્યાયામ મળે છે. પરિણામે ઉત્સર્ગતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
આમ, પ્રાણાયામના અભ્યાસથી શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, જ્ઞાનતંત્ર, અંત:સ્રાવીતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્ગતંત્ર અને કાંઈક અંશે સ્નાયુતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં વધુ ઊંડો અને વધુ સ્થાયી સુધારો થાય છે. આનો અર્થ એમ થયો કે પ્રાણાયામના અભ્યાસથી સમગ્ર શરીરના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં અપ્રતિમ સુધારો થાય છે.
સ્વામી કુવલયાનંદજીએ ઉચિત રીતે જ કહ્યું છે-
No Physical exercise can have even one hundredth of efficacy of Pranayam.
“(શરીર સ્વાસ્થ્યની બાબતમાં પણ) શારીરિક શિક્ષણની કોઈ પણ પદ્ધતિ પ્રાણાયામના સોમા ભાગની પણ ક્ષમતા ધરાવતી નથી.”
આ બધું છતાં આપણે અહીં ફરીથી એ હકીકતનું સ્મરણ કરીએ કે પ્રાણાયામનો ઉદ્દેશ શારીરિક સ્વાસ્થ્ય નહિ, પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. શારીરિક સ્વાસ્થ્ય તો પ્રાણાયામના અભ્યાસની આડપેદાશ છે.
- પ્રાણાયામ વિષયક વૈજ્ઞાનિક સંશોધન:
પ્રાણાયામ દ્વારા થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. વળી આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહિ, એ પણ સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક ક્ષેત્રની ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક સંશોધનનું કાર્ય ખૂબ જ મર્યાદિત કક્ષાનું જ રહેવાનું. આમ છતાં પ્રાણાયામ વિશે જે કાંઈ વૈજ્ઞાનિક સંશોધન થયું છે, તે અહીં પ્રસ્તુત છે.
(1) રેચક-પૂરકમાં શ્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્ર્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઈડ મગજના રક્તાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે. મગજના રક્તાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વસ્થ્યમાં ખૂબ સુધારો થાય છે. શરીરની ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરતાં મગજના કેન્દ્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર તેની અનુકૂળ અસર થાય છે.
(2) કાર્બન ડાયોક્સાઈડનો સંચય મગજ માટે ઉત્તમ પ્રશાંતકનું કાર્ય કરે છે. તેનાથી માનસિક શાંતિ માટેની અનુકૂળ પરિસ્થિતિ તૈયાર થાય છે.
(3) પ્રાણાયામ દરમિયાન શરીરને મળતાં ઑક્સિજનના પ્રમાણમાં ઘટાડો થાય છે, પરંતુ આ ઘટાડો એટલો ધીમો ધીમો થાય છે કે શરીર આ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે. એટલે જો પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કરવામાં આવે તો શરીરમાં ઓછા ઑક્સિજનથી કામ ચલાવવાની અને પ્રાપ્ત ઑક્સિજનનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની એક વિશેષ શક્તિ પેદા થાય છે. આ બહુ મહત્ત્વનો, મૂલ્યવાન અને મૂલગામી સુધારો છે.
અહીં એ નોંધવું પણ ઉપયોગી થશે કે અંતરંગયોગના અભ્યાસ દરમિયાન શ્વાસોચ્છ્વાસનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે અને ક્વચિત બંધ પણ પડી જાય છે. જો પ્રાણાયામના અભ્યાસથી શરીર ઉપરોક્ત રીતે તૈયાર ન થયું હોય તો તેના પર વિપરીત અસર થવાનો પૂરો સંભવ છે. એથી ઊલટું પ્રાણાયામના અભ્યાસથી શરીર ઓછા ઑક્સિજનથી ચલાવી લેવા માટે તૈયાર થયું હોય તો તે આ મુશ્કેલીથી બચી જાય છે.
(4) શરીરના ભિન્ન ભિન્ન તંત્રોમાં જ્ઞાનતંત્ર એક એવું તંત્ર છે કે જે વ્યક્તિની માનસિક ક્રિયાઓ સાથે સૌથી વધુ સંબંધ ધરાવે છે. પરિણામે મન:સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનતંત્રની કેળવણી બહુ મૂલ્યવાન અને આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ સર્વોત્તમ સાધન છે, એમ જરા પણ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. આ વિશેની કેટલીક હકીકતો આપણે જોઈ ગયા છીએ. થોડી વધુ વિગતો અહીં જોઈએ:
(I) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્વાસની આપલે ખૂબ ધીમે ધીમે થાય છે અને કુંભકમાં તો શ્વાસ બંધ પડી જાય છે. આમ બનવાથી પ્રાણાયામ દરમિયાન સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં કાંઈક વિશિષ્ટ પ્રકારના સંદેશાઓ શ્વસનતંત્રનાં અવયવોમાંથી મગજ સુધી મોકલવામાં આવે છે. વળી મગજ તરફથી થતી પ્રતિક્રિયાનું સ્વરૂપ પણ સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં પ્રાણાયામમાં તદ્દન જુદું જ હોય છે.
પ્રાણાયામના અભ્યાસ દરમિયાન જ્ઞાનતંત્રની આ વિશિષ્ટ અને નવી રીતની ક્રિયાપ્રતિક્રિયા સતત થયા જ કરે છે. પરિણામે પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી જ્ઞાનતંત્રની કાર્યપ્રણાલિનું નવસંસ્કરણ થાય છે. આ નવસંસ્કરણ (Reconditioning)ની અસર વ્યક્તિના માનસિક બંધારણ પર સાનુકૂળ સ્વરૂપે થાય છે. તેમ થવાથી આધ્યાત્મિક વિકાસમાં સહાય મળે છે.
(II) શ્વાસોચ્છ્વાસની ક્રિયા અર્ધ ઐચ્છિક અને અર્ધ અનૈચ્છિક છે. પ્રાણાયામમાં આપણે આ ક્રિયા વધુ ને વધુ ઐચ્છિક બનાવી રહ્યા છીએ. આમ થવાથી પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી અનૈચ્છિક જ્ઞાનતંત્ર પર ઐચ્છિક જ્ઞાનતંત્રનું આધિપત્ય વધે છે. (ક્રમશ:)
આપણ વાંચો: ફાઈનાન્સના ફંડાઃ પાવર ઑફ ઍટર્ની વિશે આ જરૂર જાણી લો…