તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : હઠયોગ માટે સૌથી મહત્ત્વનું છે કુંડલિની જાગરણ

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
યોગમાં અનેક પ્રકારના યોગાસનો છે. જો વ્યક્તિના શારીરિક કઢંગાપણાનું નિરીક્ષણ કરી તેને આવશ્યક એવાં યોગાસનોનો અભ્યાસ ઉચિત રીતે અને લાંબા સમય સુધી કરવામાં આવે તો તે વ્યક્તિનું શારીરિક કઢંગાપણું તો દૂર કરી શકાય. એટલું જ નહિ પણ તેની સાથે સંબંધિત મનોસ્થિતિમાં પણ સુધારણા થઈ શકે છે. દા.ત. કેટલીક વ્યક્તિઓ ચાલતી વખતે કે બેસતી વખતે એક બાજુનો ખભો નીચે નમેલો રાખે છે. આવા પ્રકારની વ્યક્તિ વિરુદ્ધ દિશામાં વળવાનું ચક્રાસન આપવામાં આવે તો ફાયદો થાય છે.

Deformity of the body and deformity of the mind are related and deformity of the mind can be treated up to some extent by removing deformity of the body.

(શરીરના કઢંગીપણાને મનના કઢંગીપણા સાથે સંબંધ છે. શરીરના કઢંગીપણાને દૂર કરવાથી મનના કઢંગીપણાને અમુક હદ સુધી દૂર કરી શકાય છે.)

આ વિશે નિશ્ર્ચિત કાર્યક્રમ આપી શકાય, તે માટે ઘણાં નિરીક્ષણ, પ્રયોગો, સંશોધનો અને અનુભવની આવશ્યકતા છે.

આપણે આગળ જોઈ ગયા છીએ કે યોગાસનનો અભ્યાસ કરતી વખતે શરીરની સ્થિતિ સમરૂપ (Symmetrical) રહેવી ઘટે. આમ હોવાનું કારણ ઉપરોરક્ત હકીતના વર્ણનથી વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

(4) યોગાસનના અભ્યાસ દરમિયાન શરીરના સ્નાયુઓનું વિશિષ્ટ પદ્ધતિથી ખેંચાણ થાય છે અને તે જ રીતે વિશિષ્ટ પદ્ધતિથી તેં ખેંચાણ ચાલુ રાખવામાં આવે છે તથા તે ખેંચાણને વિશિષ્ટ રીતે દૂર કરવામાં આવે છે.

આ આખી પ્રક્રિયા દરમિયાન સ્નાયુઓમાંથી જ્ઞાનતંતુઓના સંદેશાઓ મગજ તરફ જાય છે. આ સંદેશાઓને વિશિષ્ટ પદ્ધતિથી પ્રતિક્રિયા આપવામાં આવે છે. આ પ્રક્રિયાને પરિણામે આપણા જ્ઞાનતંત્રના પ્રતિક્રિયા- બંધારણ ((Reflex arc)નું નવસંસ્કરણ (Reconditioning) થાય છે.

સાધારણ રીતે આપણું મગજ જે સંદેશાઓની તીવ્ર અને તુરત અનાવશ્યક પ્રતિક્રિયા આપે છે, એવા જ સંદેશાઓઓને શાંતિથી ઝીલતા અને શાંત પ્રતિક્રિયા આપતા અને અનાવશ્યક પ્રતિક્રિયા ન આપતાં આપણું મગજ યોગાસનના અભ્યાસથી શીખે છે.

કેટલાયે સંદેશા જે સાધારણ રીતે મગજ સુધી પહોંચે છે, તેનો પ્રત્યુત્તર મગજને બદલે કરોડરજ્જુ જ આપી દે છે, તેવી તાલીમ જ્ઞાનતંત્રને મળે છે. પરિણામે મગજના મહત્ત્વનાં કેન્દ્રો પરનો બોજ ઘટે છે, જે માનસિક શાંતિ માટે ઉપરાકર બને છે.

જ્ઞાનતંત્રને માનસિક અવસ્થા સાથે ગાઢ સંબંધ છે અને જ્ઞાનતંત્રનું આ રીતે નવસંસ્કરણ થતાં તેની માનસિક બંધારણ પર ઘણી અસર થાય છે.

(S>) આધ્યાત્મિક વિકાસમાં યોગાસનનું પ્રદાન:

યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે. યોગાસન
યોગનું એક અંગ છે. યોગના અંગ તરીકે સ્વાભાવિક રીતે જ યોગાસનનું મુખ અધ્યાત્મ તરફ જ છે. અને આધ્યાત્મિક વિકાસમાં પણ યોગાસનનનું પ્રદાન ક્યાં સ્વરૂપનું છે અને યોગાસન આ પ્રદાન કઈ રીતે આપે છે, તે હવે આપણે જોઈએ:

(1) કુંડલિની જાગરણ હઠયોગની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. કુંડલિનીના જાગરણ માટે હઠયોગમાં યોગાસન, પ્રાણાયમ અને મુદ્રાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમમાં યોગાસનનું પણ પ્રદાન છે. હઠયોગ પ્રદીપિકા, ઘેરંડસિંહિતા આદિ હઠયોગના પ્રમાણભૂત ગ્રંથોમાં કુંડલિનીના જાગરણમાં આસનોના પ્રદાન અંગે વારંવાર ઉલ્લેખો જોવા મળે છે. ખાસ કરીને પશ્ર્ચિમતાનાસન, મત્સ્યેન્દ્રાસન, પહ્માસન, સિદ્ધાસન આદિ આસનો આમાં વિશેષ ઉપયોગી છે.

(2) કુંડલિની જાગરણ સાધકના જીવનમાં બનતી ભારે મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેનાથી સાધકના જીવન અને સાધનામાં આમૂલ ક્રાંતિ સર્જાય છે. સમગ્ર ચેતનાના રૂપાંતરની આ પ્રક્રિયા છે. આટલી મોટી ઘટના ઘટે એટલે સાધકનાં શરીર, પ્રાણ અને ચિત્તમાં આમૂલ પરિવર્તન થવા માંડે છે અને તે દરમિયાન સાધકનાં શરીર પર ભારે મોટો બોજો આવી પડે છે. આ બોજો ઝીલી શકે તેવી તૈયારી ન હોય તો સાધકનું શરીર અનેક વિકૃતિઓનો ભોગ થઈ પડે છે. અને શરીર કાયમી ધોરણે વિકૃત અવસ્થામાં સરી પડે તેવી પણ શક્યતા રહેલી છે. આ જ રીતે પ્રાણમય શરીર પણ તૈયાર બને તે પણ આવશ્કય છે જ, અન્યથા પ્રાણમય શરીર પણ વિકૃતિઓનો ભોગ બની શકે છે. તે જ રીતે ચિત્તશુદ્ધિ પણ આવશ્કય છે, અન્યથા ચિત્ત પણ અનેક વિકૃતિઓનો ભોગ બની શકે છે.

આ પૂર્વતૈયારીને જ યૌગિક પરિભાષામાં નાડીશોધન કહેવામાં આવે છે. નાડીશોધન પછી જ પ્રાણાયામનો ગંભીર અભ્યાસ અને કુંડલિની જાગરણ માટે પ્રયત્ન કરવાનું વારંવાર સૂચવવામાં આવેલ છે. તેનું કારણ એ જ છે કે તો જ સાધકનાં શરીર-પ્રાણ-મન કુંડલિની જાગરણનો બોજ ઝીલી શકે.

નાડીશોધન માટે યોગમાં વિશેષત: નાડીશોધન પ્રાણાયામ સૂચવવામાં આવે છે, પરંતુ તેની સાથે યોગાસનનો અભ્યાસ પણ ખૂબ ઉપયોગી છે. આ વિશે સૌ એકમત છે.

આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો કુંડલિની જાગરણના બોજને ઝીલી શકે તેવાં મજબૂત, મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓ યોગાસનના અભ્યાસથી થઈ શકે છેે.

(3) પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ જેવા આગળના અભ્યાસ માટે સાધકે લાંબા સમય સુધી સ્થિરભાવે બેસવાનું હોય છે. સાધારણ રીતે આપણે જે અવસ્થામાં બેસીએ છીએ તેમાં હલનચલન વિના લાંબા સમય સુધી સુખપૂર્વક બેસી શકાતું નથી. આ હકીકત થોડા નિરીક્ષણથી સમજી શકાય તેમ છે. લાંબા સમય સુધી હલનચલન વિના, સુખપૂર્વક બેસી શકાય તેનાં ધ્યાનોપયોગી યોગાસનો છે.

પદ્માસન, સિદ્ધાસન, સમાસન, સ્વસ્તિકાસન- આ ચાર પ્રમુખ ધ્યાનોપયોગી યોગાસનો છે.

આ ધ્યાનોપયોગી યોગાસનો પણ સાધકના આધ્યાત્મિક વિકાસમાં સહાયક બની શકે છે.

હવે આપણે જોઈએ કે આ ધ્યાનોપયોગી યોગાસનો શું કરે છે?

(i) ધ્યાન આદિ ઉચ્ચ યોગાભ્યાસ માટે કોઈ એક સ્થિર આસનમાં દીર્ઘસમય સુધી બેસવાનું હોય છે. ધ્યાનોપયોગી યોગાસનો આ કાર્ય સારી રીતે કરી શકે છે. કોઈપણ ધ્યાનોપયોગી યોગાસન ઉચ્ચ યોગાભ્યાસ માટે એક ઉપયુક્ત આસન બની શકે છે.

(ii) ધ્યાનોપયોગી યોગાસનમાં બેસતી વખતે કરોડરજ્જુ સીધી અવસ્થામાં રહે છે અને પેટનાં અવયવો પરનું દબાણ દૂર થાય છે. પરિણામે શરીરમાં પ્રયત્ન શૈથિલ્યનો અનુભન થાય છે. આમ બનવાથી ચેતનાને શરીરથી મુક્ત થવામાં મદદ મળે છે.

(iii) ધ્યાનોપયોગી યોગાસનોની અવસ્થા દરમિયાન શરીરનાં બાહ્ય અંગોનું કોઈ હલનચલન કરવામાં આવતું નથી. વળી શ્વાસોચ્છ્વાસ અને હૃદયની ગતિ પણ મંદ પડે છે. આમ બનવાથી પણ ચેતનાને શરીરથી મુક્ત થવામાં મદદ મળે છે.

(iv) ધ્યાનોપયોગી યોગાસનોની અવસ્થા દરમિયાન નાભિપ્રદેશમાં લોહીનું વધુ પ્રસરણ થાય છે. તેનાથી કુંડલિની જાગરણની ઘટનામાં સહાય મળે છે.

(v) ધ્યાનોપયોગી યોગાસનોની અવસ્થામાં પાંચ ઘટનાઓ ઘટે છે:

  • શરીરનો પાયો પહોળે બને છે.
  • પગ વિશિષ્ટ રીતે ગોઠવાય છે.
  • પેટના અવયવો પરનું દબાણ દૂર થાય છે.
  • કરોડરજ્જુ સીધી અવસ્થામાં રહે છે.
  • સમગ્ર શરીર દીર્ઘકાળ પર્યંત સ્થિર અવસ્થામાં રહે છે.

આ પાંચ ઘટનાઓ દ્વારા શરીર-પ્રાણ અને ચિત્તની એવી અવસ્થાનું નિર્માણ થાય છે કે જે ઉચ્ચ યોગાભ્યાસ માટે ખૂબ ઉપયોગી નીવડે છે.

આપણ વાંચો:  મોજની ખોજ : અરે, મૌનને પણ ક્યારેક બોલવા દો…

(vi) યોગાસનના અભ્યાસને પરિણામે શું થાય છે, તે અંગે યોગસૂત્રકાર કહે છે:

ततो द्वन्द्वानभिघातः| – योगसूत्र; २-२९

‘તેના અભ્યાસથી દ્વન્દ્વોના આઘાતમાંથી મુક્તિ મળે છે.’(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button