તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તીઃ કપાલભાતિ એક શોધનકર્મ હોવા છતાં એનું આધ્યાત્મિક મૂલ્ય ઘણું છે…

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- કપાલભાતિમાં રેચક દરમિયાન ઝડપથી બહાર આવતી હવા નાકની દીવાલ સાથે ઘસાતાં એક પ્રકારનો અવાજ થશે, પરંતુ પૂરકમાં આવો અવાજ નહિવત્ થશે.
- કપાલભાતિમાં એક રેચક-પૂરકમાં આશરે 1/2 સેકંડ લાગશે. રેચક કરતાં પૂરકમાં ત્રણ ગણો સમય લાગશે. એટલે કે 1/2 સેકંડમાં રેચક 1/8 સેકંડ અને પૂરક 3/8 સેકંડ લાગશે.
- પ્રારંભમાં એક આવર્તનમાં અગિયાર રેચક-પૂરક કરવા. બે આવર્તન વચ્ચે એક મિનિટનો આરામ કરવો. આ આરામના સમય દરમિયાન શ્વાસોચ્છ્વાસ સામાન્ય ગતિથી ચાલશે. આરામ પછી બીજા આવર્તનમાં એજ રીતે અગિયાર રેચક-પૂરક કરવા. આ રીતે કુલ ત્રણ આવર્તનનો કરવાં. દર અઠવાડિયે દરેક આવર્તનમાં નવા અગિયાર રેચક પૂરક ઉમેરતાં જવા.
આ સંખ્યા એક આવર્તનમાં એક મિનિટે એક-સોવીશ રેચક-પૂરક સુધી પહોંચાડવી. આવા ત્રણ આવર્તનો સવાર-સાંજ કરી શકાય છે. એક આવર્તનમાં જેટલા રેચક-પૂરક કરવાના છે. તેમાં વચ્ચે અટકવાનું નથી. આ પ્રમાણ સામાન્ય સ્વરૂપનું છે. તેમાં યથાશક્તિ થોડો વધારો ઘટાડો કરી શકાય છે. - સામાન્યત: કપાલભાતિના અભ્યાસમાં પ્રગતિ થતાં મૂલબંધ આપોઆપ લાગી જાય છે, પરંતુ એમ ન થાય તે પાછળથી મૂલબંધ ઉમેરી શકાય છે.
(5) સાવચેતી :
- કપાલભાતિ શ્વાસની ક્રિયા છે અને તેની તીવ્રતા પણ ઘણી છે. આ ક્રિયા દરમિયાન આપણે શરીરના નાજુક અવયવો સાથે કામ લઇએ છીએ. એટલે કે ઉતાવળથી પ્રમાણ વધારવું નહીં. કેમ કે એમ કરવામાં જોખમ છે. પોતાની શક્તિથી થોડું ઓછું પ્રમાણ રાખવું, વધુ નહીં.
- કપાલભાતિની પદ્ધતિ પૂરેપૂરી સમજ્યા વિના ગલત રીતે કરવામાં ઘણું જોખમ છે. એટલે પદ્ધતિ યથાર્થ હોય તે અનિવાર્ય છે.
- પેટની બીમારી હોય, હૃદયની તકલીફ હોય, લોહીના દબાણની ફરિયાદ હોય કે શ્વસનતંત્રના અવયવોની બીમારી હોય તેમણે સામાન્યત: કપાલભાતિનો અભ્યાસ ન કરવો. અસ્થમા જેવા રોગમાં કપાલભાતિ ઉપાય તરીકે અપાય છે, પરંતુ ત્યારે પણ કપાલભાતિ સારા જાણકારના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઇએ.
- કપાલભાતિમાં ધ્યાન :
કપાલભાતિ એક શોધનકર્મ હોવા છતાં એનું આધ્યાત્મિક મૂલ્ય ઘણું છે. આ ક્રિયાનો આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગ કરવા માટે સાધકે તેની સાથે ઉપયુક્ત ધ્યાન પણ જોડવું જોઇએ. જેથી ચિત્તની વૃતિ અને શારીરિક ક્રિયા વચ્ચે થયેલો સમન્વય આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય.
જયારે સાધક આઘાતપૂર્વક રેચક કરે ત્યારે તેનું એવું ચિંતન કરવું કે મૂલાધારમાં રહેલ સુષુપ્ત કુંડલિની પર દરેક રેચકથી તે આઘાત કરે છે. આઘાતથી કુંડલિની શક્તિ જાગૃત થાય તેવી અભીપ્સા કરવી. એ આવર્તન વચ્ચેના આરામના સમય દરમિયાન પણ આ ચિંતન ચાલું રાખવું.
(7) કપાલભાતિથી શું થાય છે ?
- કુંડલિની જાગરણ અને તેના દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે કપાલભાતિ ઉપયોગી સાધન છે.
- કપાલભાતિના અભ્યાસથી કુંભક કરવાની શક્તિ વધે છે. તે સાધકના શરીરને પ્રાણાયામ માટે સક્ષમ બનાવે છે.
- કપાલભાતિ શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રાણવાયુ આપે છે. યોગમાં એવી એકપણ ક્રિયા નથી જેમાં શરીરને કપાલભાતિ જેટલો પ્રાણવાયુ મળી શકે.
- કપાલભાતિ એક ઉત્તમ શોધનકર્મ છે. તે શ્વસનતંત્રનું ઉત્તમ રીતે શોધન કરે છે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર શરીરના એક એક ભાગનું તેનાથી શોધન થાય છે. કપાલભાતિના અભ્યાસથી દેહસ્થ મલ દૂર થતાં ચહેરા પર ચમક આવે છે. એ માન્યતા સત્ય છે.
- કપાલભાતિ શરીરના કફજન્ય રોગો દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. શરદી, અસ્થમા જેવા કફના રોગોમાં કપાલભાતિનો નિષ્ણાતની દેખરેખ નીચે ઉપયોગ થઇ શકે.
- કપાલભાતિ પેટના અવયવો અને પેટના સ્નાયુઓને કાર્યક્ષમ અને સ્વસ્થ બનાવે છે.
- કપાલભાતિથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને કબજિયાત દૂર થાય છે.
- કપાલભાતિથી શ્વસનતંત્રના અવયવો કાર્યક્ષમ અને સ્વસ્થ બને છે.
- કપાલભાતિથી રુધિરાભિસરણ તંત્રની કાર્યક્ષમતા ખૂબ વધે છે. કપાલભાતિના અભ્યાસ દરમિયાન શરીરના દૂરદૂરના ભાગોને પણ પ્રચુર માત્રમાં રક્ત મળે છે.
- કપાલભાતિ જ્ઞાનતંત્રના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં ખૂબ ઉપયોગી છે.
- નાડીશોધન માટે કપાલભાતિ ઉત્તમ સાધન છે.
- મગજમાં રહેલ શ્વસન કેન્દ્રને શાંત કરવામાં કપાલભાતિનો મૂલ્યવાન ફાળો છે. તેથી કપાલભાતિ પછી તુરત પ્રાણાયામ કરવામાં આવે તો પ્રાણાયામ સારી રીતે કરી શકાય છે.
(8) વિશેષ નોંધ :
- આધ્યાત્મિક હેતુ માટે કપાલભાતિનો અભ્યાસ કરનાર સાધક શરીર, મનથી સક્ષમ હોય તો લાંબા અભ્યાસ પછી તે એક આવર્તનમાં બસો રેચક-પૂરક સુધી પહોંચી શકે છે.
- ભસિકા પાણાયામનો અભ્યાસ કરનાર સાધકે કપાલભાતિનો અલગ અભ્યાસ કરવાની જરૂર નથી. કેમ કે કપાલભાતિ તેમાં આવી જાય છે.
- કપાલભાતિ પદ્માસન વાળીને કરવામાં આવે ત્યારે પદ્માસનમાં જાલંધર બંધ કે નાસાગ્ર દૃષ્ટિને સ્થાન નથી. હાથ-ઢીંચણ પર દૃઢતાથી ગોઠવવાનો છે તે ખ્યાલમાં રાખવું. (ક્રમશ:)
આ પણ વાંચો…યોગ મટાડે મનના રોગ: સાધક પોતાની જાતને પૂછે છે, હું કોણ છું? તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ આ



