
-શ્રીલેખા યાજ્ઞિક
આપણાં આયુર્વેદમાં ભોજનને યોગ્ય માત્રામાં, યોગ્ય મોસમમાં, યોગ્ય સમયે ગ્રહણ કરવાના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જો આપ મોસમ પ્રમાણે અનાજ-શાકભાજી-ફળોનો ઉપયોગ કરો તો આપનું સ્વાસ્થ્ય બારે માસ તંદુરસ્ત રહે તેની ખાતરી આપવામાં આવે છે. ક્યારે શું ખાવું તેનો ખ્યાલ કઈ રીતે રાખી શકાય? તે માટે બજારમાં એક લટાર મારવી આવશ્યક બની જાય છે. આયુર્વેદના ગ્રંથમાંથી જાણકારી મેળવવી કે વડીલોની શિખામણ કે નુસખા કારગર હોય છે. માન્યું કે બજારમાં હવે બારેમાસ મોટાભાગના ફળ-શાકભાજી મળી રહે છે. તેમ છતાં મોસમી ફળની ઓળખ આપ બજારમાં એક લટાર મારવાથી મેળવી લેશો. શિંગોડા બે પ્રકારના મળે છે. એક સૂકા જેનો ઉપરી રંગ કાળો હોય છે. બીજા લીલા જેનું બહારી પડ લીલું હોય છે. અંદરથી તે સફેદ રંગના જ હોય છે, પરંતુ સ્વાદમાં થોડી મીઠાશ ધરાવે છે. ચોમાસામાં ખાસ મળે છે. કુદરતે અન્ય ફળોની સરખામણીમાં શિંગોડાનો જરા હટકે આકાર બનાવ્યો છે. ‘ત્રિકોણ’ જેથી સંસ્કૃતમાં તેને ‘ત્રિકોણફળ’ કહેવામાં આવે છે. હૃદયનો આકાર ધરાવતું શિંગોડાનું ફળ દેખાવમાં મનમોહક લાગે છે. તળાવમાં ઊગતાં હોવાથી તેને ‘જળફળ’ કહેવામાં આવે છે.
શિંગોડાનું વાનસ્પતિક નામ ટ્રાપાનટાન્સ કિસ્મ બાઈસ્પાઈનોસા છે. અંગ્રેજીમાં તેને વૉટર ચેસ્ટનટ કે વૉટર કેલટ્રોપસ્ કહેવામાં આવે છે. શિંંગોડાને ભારતની અન્ય ભાષામાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં સિંઘાડા કે સિંહાડા, તમિળમાં ચિમકારા, તેલુગુમાં કુબ્યક્મ, બંગાળીમાં પાનિફલ, ક્ધનડમાં સગાડે, ઓરિયામાં પાની સિંગાડા, પંજાબીમાં ગૉનરી, મરાઠીમાં સિઘાડે કે સિંગાડા, મલયાલમમાં કરીમપોલમ, ઉર્દૂમાં સિંઘારા.
શિંગોડાની તાસીર જોઈએ તો મધુર, ઠંડી, વાત-પિત્તને ઘટાડનારી, કફને દૂર કરનારી, રૂચિ વધારનારી, મોટાપાને દૂર કરનાર, વીર્યને વધારનાર તથા ઘટ્ટ બનાવનારી, હાડકાંને મજબૂત બનાવનારી ગણાય છે.
100 ગ્રામ શિંગોડામાં સમાયેલાં પોષક તત્ત્વોની વાત કરીએ તો તેમાં કૅલરીની માત્રા 131 ગ્રામ, સોડિયમ 27 મિલિગ્રામ, પોટેશિયમ 715 મિલિગ્રામ, કુલ કાર્બોહાઈડ્રેટની માત્રા 28 ગ્રામ સમાયેલી જોવા મળે છે. તેમાં વિટામિન સી, વિટામિન ડી, વિટામિન બી-6, આયર્ન, કૅલ્શિયમ, મૈગ્નેશિયમ, કોબાલામિન તથા પ્રોટીનની માત્રા 2 ગ્રામ જેટલી હોય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર હોવાને કારણે તેનું સેવન કરવાથી ફ્રી-રેડિકલ્સથી બચાવે છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : મોરૈયો છે તંદુરસ્તી માટે સુપરફૂડ…
લીલા શિંગોડાના સ્વાસ્થ્યવર્ધક લાભ
શરીરની નબળાઈને દૂર કરવામાં ગુણકારી:
અનેક વખત મોસમમાં બદલાવને કારણે કે ભોજનમાં અરૂચિ, અનિયમિતતા કે પછી અત્યંત કડક રીતે ઉપવાસ કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. આવા સંજોગોમાં લીલા શિંગોડાનું સેવન ગુણકારી ગણાય છે. કેમ કે શિંગોડામાં ફેટનું પ્રમાણ હોતું નથી. તેમાં સારા પ્રમાણમાં પોટેશિયમના ગુણો તથા આયર્નના ગુણો સમાયેલાં છે જેથી તેનું સેવન કરવાથી શરીરને સ્ફ્ૂર્તિ મળી જાય છે.
શરીરના સોજા માટે લાભદાયી: શિંગોડામાં ફાઈસેટિન, ડાયોસ્મેટિન, લ્યૂટોલિન, ટેક્ટોરિજિનિનની સાથે ઍન્ટિ – ઑક્સિડન્ટ સમાયેલું છે. જે શરીરમાં ડૅડ સેલ્સની મરામત કરીને સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : 100 ગ્રામ શિંગોડામાં પોટેશિયમનું પ્રમાણ 715 મિલીગ્રામ હોવાને કારણે બ્લડપ્રેશરને ઘટાડવામાં બહુ ઉપયોગી ગણાય છે. વળી સોડિયમની અસરને ઘટાડે છે. જેથી બ્લડપ્રેશર ઘટે છે. વળી ખરાબ કૉલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડવામાં સહાયક બને છે. તેથી જ હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે હૃદય આકારના શિંગોડાના ફળનું સેવન અત્યંત ગુણકારી ગણાય છે.
માનસિક તાણ ઘટાડવામાં મદદરૂપ : શિંગોડાનું સેવન કરવાથી માનસિક તણાવ અમુક હદ સુધી ઘટે છે. તેનું મુખ્ય કારણ શિંગોડામાં વિટામિન બી-6ની માત્રા વધુ છે. જે માનસિક તાણ તથા વ્યક્તિના મનોભાવને સુધારવામાં મદદ કરે છે. તેમજ ગાઢ નિંદર લાવવામાં ગુણકારી ગણાય છે.
કૅન્સરના ખતરાને ઘટાડે છે: શિંગોડામાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે. જે શરીરને ફ્રી-રેડિકલ્સની સામે લડવામાં મદદ કરી શકે છે. વળી જર્નલ ઑફ ફૂડ સાયન્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ શિંગોડાનું સેવન ફ્રી-રેડિકલ્સના પ્રભાવને ઘટાડવામાં ઉપયોગી હોવાથી કૅન્સર જેવી ગંભીર બીમારીના ખતરાથી બચાવે છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…
પાચનતંત્રને સુધારે છે : શિંગોડામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેથી જ શિંગોડાને ખાવાથી અપચાની તકલીફથી છુટકારો મેળવી શકાય છે. પેટ સંબંધિત સમસ્યા ધરાવતાં દર્દી માટે શિંગોડાનું સેવન અત્યંત લાભદાયક ગણાય છે.
પ્રજનન શક્તિ તથા હૉર્મોનલ સમતુલનને સુધારવામાં ગુણકારી : શરીરનું હૉર્મોનલ બેલેન્સ અસંતુલિત બને ત્યારે શરીરમાં અનેક સમસ્યા ઊભી થાય છે. શિંગોડાનું સેવન કરવાથી તેમાં સુધારો લાવી શકાય છે. પ્રજનન શક્તિ વધારવામાં શિંગોડાનું સેવન લાભકારક ગણાય છે. કાચા શિંગોડામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન તથા ખનીજ પર્યાપ્ત પ્રમાણમાં સમાયેલું છે. જે પ્રજનન શક્તિને વધારવામાં તથા હૉર્મોનલ સંતુલનને સુધારવામાં ગુણકારી ગણાય છે.
શિંગોડાની ખેતી ભારતમાં બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ વગેરે રાજ્યોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. શિંગોડા માટે એવું કહેવાય છે કે તે ફ્કત છ માસમાં ખેડૂતને મોટો લાભ કરાવી આપે છે. તેની ખેતી માટે તળાવ, જળાશયો કે 2-3 ફૂટ પાણી ભરાયેલું રહેતું હોય તેવું સ્થળ ઉત્તમ ગણાય છે. કેમ કે શિંગોડાની ખેતી માટે કીચડયુક્ત તળિયું વધુ સારો પાક મેળવવામાં મદદ કરે છે.
વેલાને ફેલાવાની પૂરતી જગ્યા મળી રહે તો પાક વધુ મેળવી શકાય છે. હાલમાં તો ખેડૂતો શિંગોડાની સાથે મખાણા તથા માછલી પાલન એકસાથે કરીને ત્રણેમાંથી કમાણી કરી લે છે. લીલા, લાલ જાંબુડી રંગના મિશ્રણ ધરાવતાં શિંગોડા ભારતમાં પાકે છે. જેમાં કાનપુરી, જૌનપુરી, દેશી મોટા, દેશી નાના વગેરે પ્રકાર જોવા મળે છે.
શિંગોડાંનું સલાડ
સામગ્રી: 1 મોટો બાઉલ લીલા તાજા શિંગોડા, 1 મોટો બાઉલ કાકડી, 2 ચમચી શેકેલી સિંગ, મરી પાઉડર સ્વાદાનુસાર, 1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ.
બનાવવાની રીત: સૌ પ્રથમ લીલા શિંગોડાને છોલીને બે ટૂકડામાં કાપી લેવાં. તેને બરફના પાણીમાં રાખવા. કૂણી કાકડીના એક સમાન ટુકડા કરી લેવાં. હવે એક બાઉલમાં કાપેલાં શિંગોડા તથા કાકડી લેવી. તેમાં શેકેલાં શિંગદાણા ભેળવવાં. ઉપરથી ખાંડ, લીંબુનો રસ, સંચળ પાઉડર તથા મરી પાઉડર ભેળવીને બરાબર હલાવી લેવું. સ્વાદિષ્ટ શિંગોડા-કાકડીનો સલાડ ઠંડો સર્વ કરવો.