ચાલો, આપણી આવક ને સંપત્તિને બીજા સાથે વહેંચીએ

ગૌરવ મશરૂવાળા
આર્થિક સલાહકાર હોવાના નાતે મને મારા કલાયન્ટ, વાચકો તેમ જ શ્રોતાઓ તરફથી એક પ્રશ્ર્ન અવારનવાર પુછાતો હોય છે કે કમાયેલી સંપત્તિ પેઢીઓ સુધી ચાલે તે માટે શું કરવું જોઈએ. મારો સ્ટાન્ડર્ડ જવાબ આ હોય છે: ‘ઉદાર જીવે દાન કરો.’ દાયકાઓથી સંપત્તિ ધરાવતી વ્યક્તિઓ, પરિવારો, કૉર્પોરેટ ગૃહો, સમુદાયો અને સોસાયટીઓ હંમેશાં એ હોય છે જેમણે પોતાની સંપત્તિ સમાજને પાછી આપી હોય છે.
મહાન અકબર મોગલ સામ્રાજ્યનો લોકપ્રિય રાજવી હતો. એ વિજેતા હતો, ચતુર પ્રશાસક હતો, પણ એ પોતાની ન્યાયપ્રિયતા માટે સૌથી વધારે જાણીતો હતો. એણે ગાયકો, સંગીતકારો અને અન્ય કલાકારોની કાળજી લીધી હતી, તેમની કળાને ઉત્તેજન આપ્યું હતું. એના રાજમાં મોગલ સામ્રાજ્યનો ખૂબ વિકાસ થયો હતો. આની સામે હવે મોગલ રાજવી ઔરંગઝેબના શાસનકાળને જુઓ. એણે પણ ઘણા વિજયો મેળવ્યા હતા, એ પણ સારો પ્રશાસક હતો, પણ એ અસલામતીમાં જીવતો હતો અને કોઈના પર ભરોસો મૂકી શકતો નહોતો. એ વારસામાં ક્રૂરતા મૂકતો ગયો. એણે પોતાના ભાઈઓથી શી રીતે છુટકારો મેળવ્યો હતો અને સગા પિતાને કારાવાસમાં પૂરી દીધા હતા તે ઈતિહાસ હંમેશાં યાદ રાખશે. ઔરંગઝેબ પછી મોગલ સામ્રાજ્યના અંતનો આરંભ થઈ ગયો હતો.
બે પ્રકારનાં ઉદ્યોગગૃહો હોય છે. પહેલો પ્રકાર એવાં ઉદ્યોગગૃહોનો જેની સંપત્તિ પેઢીઓ સુધી ટકી રહે છે. આવાં ઉદ્યોગગૃહોની એકતા અને અખંડિતતા પણ જળવાઈ રહેલી હોય છે. સમાજમાં એમની ભારે પ્રતિષ્ઠા હોય છે. લોકો એમને માનની નજરે નિહાળતાં હોય છે. ઘણાં ઉદ્યોગગૃહો આ શ્રેણીમાં સ્થાન પામે છે.
બીજો પ્રકાર એવાં ઉદ્યોગગૃહોનો છે જે ફ્કત પોતાના માટે સંપત્તિ ઊભી કરે છે. એક પણ અપવાદ વગર આ તમામ ઉદ્યોગગૃહોની અધોગતિ થઈ છે અથવા એમણે લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. આ સિદ્ધાંત જ્ઞાતિઓને પણ લાગુ પડે છે. જે જ્ઞાતિના લોકો સગાંસંબંધીઓને મદદ કરે છે તેમનો ખુદનો પણ સારો વિકાસ થાય છે. શહેરમાં સારી રીતે ગોઠવાઈ ગયેલા લોકો વતનમાંથી પોતાના જ્ઞાતિબંધુઓને તેડાવતાં હોય છે અને જ્યાં સુધી તેઓ પગભર ન થઈ જાય ત્યાં સુધી મદદ કરતાં રહે છે. આવા ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. આવી જ્ઞાતિઓનો ખૂબ વિકાસ થાય છે.
વિન્સ્ટન ચર્ચિલે યોગ્ય જ કહ્યું છે કે, ‘આપણને જે કંઈ મળે છે તેનાથી આપણો નિર્વાહ ચાલે છે, પણ આપણે અન્યોને જે આપીએ છીએ એનાથી આપણું જીવન ઘડાય છે.’
અમુક લોકો ઈશ્ર્વરના નામે પોતાની સંપત્તિ અન્યો સાથે વહેંચતા હોય. ઈશ્ર્વર હંમેશાં આવા લોકોની શોધમાં હોય છે. ઈશ્ર્વર તેમનો ઉપયોગ પોતાના વાહક તરીકે કરે છે. ઈશ્ર્વર તેમને સંપત્તિ આપતો રહે છે કે જેથી તેઓ અન્યો સાથે વહેંચતાં રહે. સંપત્તિ ભગવાનના નામે વહેંચાય તે મહત્ત્વનું છે.
જે લોકો કશાકની તરફેણની અપેક્ષાથી, મહત્ત્વ મેળવવા માટે, ખુદના નામને આગળ કરવા માટે કે અહમ્ સંતોષવા માટે લોકોમાં સંપત્તિ વહેંચે છે તે ઉપર વર્ણવ્યા એવા બીજા પ્રકારનાં ઉદ્યોગગૃહો જેવા છે. નાનપણમાં આપણે સૌએ વડીલો પાસેથી ઉપદેશ મેળવ્યો હોય છે કે દાન એવી રીતે કરવું કે જમણા હાથથી દાન કરીએ તો ડાબા હાથનેય ખબર ન પડે.
આપણે સૌએ સમાજ પાસેથી ઘણું લીધું છે – પ્રેમ, હૂંફ, સંપત્તિ, મોભો, સંબંધો, કારકિર્દી, જ્ઞાન અને બીજું કેટલુંય. આપણી માલિકીની ચીજો અથવા જેનો આપણે લાભ ઉઠાવીએ છીએ એવી કેટલીય વસ્તુઓનું અસ્તિત્વ હોત ખરું જો આપણે જંગલમાં જીવતા હોત તો? જો માણસો કે સમાજ જ ન હોત તો આપણે જે કંઈ હાંસલ કર્યું છે તે કેવી રીતે અને ક્યાં મળી શકત?
આપણે સમાજને કશુંક આપીએ છીએ ત્યારે ખરેખર તો સમાજનું ઋણ ઉતારતાં હોઈએ છીએ – બૅન્કમાંથી લૉન લીધાં પછી એના હપ્તા ભરીએ છીએ એમ જ. જેમ આપણે બૅન્કની લૉનના હપ્તા ચૂપચાપ ભરીએ છીએ તેવું સમાજનું ઉધાર પણ ચૂપચાપ ઉતારવું જોઈએ.
ઘણીવાર લોકો સમાજનું ઉધાર ચૂકવવાનું કામ પાછળ ઠેલ્યા કરતા હોય છે. કાં તો એમને મોટી રકમથી શરૂઆત કરવી હોય છે અથવા તો તેમને ઉત્તેજન આપવા યોગ્ય વ્યક્તિઓ કે કાર્યક્ષેત્ર મળતાં નથી. કોઈક વળી કેવળ ઈન્કમ ટૅક્સ બચાવવા માગતા હોય છે. ટૂંકમાં, લોકો પાસે જાતજાતનાં બહાનાં હાજર હોય છે. દર મહિને અમુક રકમ એક યા બીજા પ્રકારની સમાજસેવા માટે અલાયદી રાખવાનો નિર્ણય કરો. આ રકમને ‘ભગવાનનો ભાગ’ એવું નામ આપો. આ ખયાલ આપણા માટે કંઈ નવો નથી. યોગ્ય વ્યક્તિ ન મળે ત્યાં સુધી રકમને ભેગી થવા દો અને પછી યોગ્ય સમયે તે વહેંચી દો.
યોગિક વેલ્થ
કમાવાનું ઉધાર લેવાનું કે રોકાણ કરવાનું અંતિમ ધ્યેય તો વાપરવાનું જ હોય છે – પછી વર્તમાનમાં વાપરીએ કે ભવિષ્યમાં, ખર્ચ એવી રીતે કરો કે જેથી આખરે સંપત્તિનું સર્જન થઈ શકે.


