તરોતાઝા

મોજની ખોજઃ આવો, તમને લઇ જઉ 2126ના ભારતમાં…

સુભાષ ઠાકર

જો ભાઈ, બધાને ખબર જ છે કે અત્યારનો આપણો આખોય ફાલ સો વર્ષ પછી આ પૃથ્વી પર હાજર નહીં હોય. પાછળ આવતી પેઢી માટે ફરજિયાત જગ્યા કરવી જ પડે. આ સનાતન સત્ય હોવા છતાં આપણી બુદ્ધિની ટપ્પી ન પડે એવા સો વર્ષના ગીત ગીતકાર માથામાં પછાડે ત્યારે મારી આંખમાં ઝળઝળિયાં આવી જાય છે…

જુઓ, ‘સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ, ઓર કલ ભી રહેગા’… અલ્યા, તારો ઉપાડ જ ખોટો છે તારા બાપા પણ નહોતા જન્મ્યા ને તું 100 વર્ષનું લઇ મંડી પડ્યો… પછી આવ્યું ‘સો બાર જનમ લેંગે’ ને ‘જનમ જનમ કા સાથ હૈ નિભાનેકો સો સો બાર મૈને જનમ લિયે.’

અલ્યા, તું તો માણસ છે કે ભૂત? આ બધું એક ભવમાં પતાવી કેમ નથી દેતો? એક સીધુંસાદુ વાક્ય કે ‘હું તને પ્રેમ કરું છું કે તું મને ચાહે છે.’
એટલુ સાંભળવા સો સો ભવ સુધી રાહો જોવાની. આ બધું સાંભળી બાપુ સુભાષાનંદને પણ સો વર્ષ પછીના જીવનની ખતરનાક આગાહી કરવાનું મન થયું… તો આવો, જઈએ 2026ની સાલમાં…

એ વખતે પેટ્રોલપંપ પરનું બોર્ડ ‘પેટ્રોલ એક ટીપું (10ગ્રામ) 3070.05, ડીઝલ બે ટીપા 9915.21, રાંધણગેસની 400 ગ્રામની બાટલી 1470.50…
એ જમાનામાં ચંબુ એકવાર સાઈકલ લઇ પેટ્રોલપંપ પર પહોંચ્યો ને પેટ્રોલપંપવાળો ચમક્યો ‘હજી તો સાઈકલ હવાથી ચાલે છે. તું પેટ્રોલનું શું કરીશ?’

‘શું કરીશ? જ્યુસ બનાવીશ, દાળ બનાવીશ, પેટ્રોલસૂપ બનાવી ટાયરમાં ભરીશ. તું આપને ટોપા, સીલબંધ શીશી ખૂણામાં પડી હોય તો ધનિકોમાં મારી ગણતરી થાય.’
‘એના કરતાં તારા શેઠ પાસે પગાર વધારો માગ તો સાચો ધનિક બની જઈશ.’
બીજા દિવસે ચંબુએ શેઠને કીધું : ‘શેઠ, હવે મારો પગાર વધારો.’

‘કેમ ભાઈ? કઈ ખુશાલીમાં? હમણાં પાંચ વર્ષ પહેલા મહીને સિત્તેર લાખ તો વધારી પાંચ કરોડ તો કર્યા. એટલી વારમાં ફરી આ વધારો?!’

‘અરે શેઠ, પાંચ કરોડમાં ઘર તો શું બાથરૂમ પણ ચાલતું નથી. મોંઘવારી કેટલી? સાલુ, ત્રણ ભીંડાના પંદરસો, બટેટા કિલોના ત્રણ હજાર. શેઠ, બાપુજીને ડોકટરે લીલા શાકભાજી ખાવાનું કીધેલું છે પણ પોષાતુ નથી એટલે બાપુજીને છેતરી લીલા કાચના ચશ્માં પહેરાવી જમાડીએ છીએ. અને આમ તો વધારો ન માગત પણ હવે તો છોકરાઓને પણ ખબર પડી ગઈ…’

‘કઈ?’ શેઠનું મોઢું પાંજરાપોળની ગાય જેવું થઇ ગયું.
‘એ જ કે હવે બધાના ઘરમાં માણસો બે ટંક જમે છે.’
‘અરે બાપરે, માર્યા ઠાર, પણ મેં તો તને કે તારા પરિવારને ક્યારેય જમાડ્યા નથી તો વાત લીક થઇ ક્યાંથી?’
શેઠનો અવાજ ગળામાં પોપકોર્ન અટકી ગઈ હોય એવો થઈ ગયો.

‘ન જ પડત… શેઠ, પણ પરમ દિવસે પાડોશીએ અમને રાત્રે ડીનર માટે બોલવ્યા અને ભોજનમાં આખા તરબૂચના ભજીયા ને તીખા ગુલાબજાંબુ ને કઢીનો શીખંડ ખવડાવ્યા ત્યારે બે ટંક ભોજનનો ભાંડો ફૂટી ગયો.’

‘ચાલો જે થયું એ. પણ હજી એ ખબર નથી પડીને કે અમે બે ટંકના ભોજન સિવાય પણ વચ્ચે વચ્ચે ચા-નાસ્તો પણ કરીએ છીએ. અને ચંબુ આવી અજબ-ગજબ વાનગીના નામ કાઢ્યા ક્યા તગારામાંથી?’

‘પેટના તગારામાંથી, અને બીજું શેઠ, હવે ઘરમાં ઓક્સિજનનું મીટર પણ મુકાવાનુ છે.’
‘ઓક્સિજનનું મીટર?’શેઠ ચમક્યાં.

‘એમ ચમકો નઈ… વીજળીના અને પાણીના મીટરની જેમ નવા કાયદા પ્રમાણે કુટુંબદીઠ 2700 શ્વાસ ફ્રી પછીવધારાના શ્વાસનો ચાર્જ શ્વાસમીટર બતાવશે. અરે શેઠ, અમારા બાળકોને તો મોંઘવારીનો અર્થ પણ ખબર નથી એટલે કાલે ‘2126નું ભારત’ નામનું મ્યુઝિયમ જોવા લઇ જવાનો છું. ત્યાં સુધી મારા પગાર વધારા વિષે વિચારો.’ એટલું કહી ચંબુ નીકળી ગયો.

બીજા દિવસે ચંબુ એના ટેણીયાને મ્યુઝિયમમાં લઇ ગયો ને સમજાવવા લાગ્યો. ‘જો બેટા, આ પાંચ હજારનો સિક્કો, આ દસ હજારનો, આ ચાલીસ હજારનો. હવે બંધ થઇ ગયા, એ તો હવે પચાસ હજારની નોટથી શરૂઆત થાય છે. મારા બાપુ ને તારા દાદાએ તો પાંચ દસ ને પચીસના સિક્કા જોયેલા પછી ધીરે ધીરે ડાયનોસરની જેમ લુપ્ત થઈ ગયા.’ મ્યુઝિયમમાં જરા આગળ વધ્યા ને ટેણીયાએ પૂછ્યું ‘બાપુ, આ આરસના ટુકડા અહીં શું કામ…’

‘બેટા, એ આરસ નથી પણ ખાંડ છે જેને જોઈ મોઢામાં પાણી આવતું પછી આંખમાંથી આવતું. ડાયાબિટીસના દર્દીઓ વધ્યા પછી હવે બજારમાંથી અદ્રશ્ય થઇ ગઈ. હવે આ પીળા ટપકાં દેખાય છે એ દાળનો દાણો કહેવાતો ને આ સફેદ ટુકડા એ ચોખા તરીકે ઓળખાતો… હવે ઈશ્વરોમાં જેમ રાધા-કૃષ્ણ કે લક્ષ્મી-નારાયણની જોડી, માણસોમાં લૈલા-મજનુ ને હીર-રાંઝા જેટલી જ ભોજનમાં દાળ-ભાતની લોકપ્રિય જોડી…દાળ જો જુદી દેખાય તો ભાતની દશા ચોયણી વગરના કુર્તા જેવી થઇ જતી.

ચોખા દાળ સાથે ભળે તો ખીચડી બનતી ને કંકુ સાથે ભળે તો ઈશ્વરની પૂજામાં વપરાતો. બેટા, જગતમાં તમે કોની સાથે ભળો છો એ તમારી સાચી ઓળખાણ ગણાશે. હવે એ દાળભાત બિચારા તમારી આ પીત્ઝા, બર્ગર ને મેગીની દુનિયામાં ક્યાં ખોવાઈ ગયા ખબર નથી.’

‘પણ પપ્પા, તમે કેમ પીત્ઝા ખાતા નથી?’

‘બકા, પીત્ઝા ખાવા ટ્રાય કર્યો ને તારી મમ્મીની નજર પડી ને હસતા હસતા બોલી ‘મુકી દો, કૂતરું ચપ્પલ ચાવતું હોય એવુ લાગે છે’ બસ, એ દિવસથી પીત્ઝા ગયા. બેટા, જમાનો કેટલો આગળ વધી ગયો 2126માં હવે ખીચડીની કેપ્સ્યુલ, દાળભાત રોટલી શાકની ટેબ્લેટ, મીઠાઈનું સીરપ, ને ફરસાણનું ચાટણ બજારમાં મળે છે.

પહેલાં એક જમાનામાં ડોકટરો ભૂખ લાગે એ માટે દવા આપતા પણ હવે મોંઘવારીમાં ભૂખ લાગે તો ખાય શું એટલે ભૂખ ન લાગે એની દવા આપે છે. જો બેટા, ગરીબ હોય કે ધનવાન બન્નેના વિચાર સરખા ધનવાન એમ વિચારે કે શું કરીએ તો ભૂખ લાગે ને ગરીબ એમ વિચારે કે ભૂખ લાગે પણ શું કરીએ?’
શું કહો છો?

આ પણ વાંચો…મોજની ખોજઃ હવે દુભાય એવી લાગણીઓ ક્યાં બચી છે…?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button