તરોતાઝા

મોજની ખોજઃ તમે સરદાર નથી, પણ અસરદાર છો!

  • સુભાષ ઠાકર

‘અરે ઠાકર’ ચંબુ બોલ્યો: ‘આ 31 ઓક્ટોબરે આપણા સરદાર પટેલના દોઢસોમા જન્મદિવસે એમના વિરાટકાય પૂતળા સામે માણસમાંથી પૂતળા બનેલા બીજા દેશભક્તો ભગતસિંહ, ચંદ્રશેખર, ટીળક, સુભાષચંદ્ર બોઝ, શાસ્ત્રીજી અને બીજા કેટલાય શહીદોએ મોરચો માંડ્યો. બધાના મગજમાં એક જ વિચાર કે સરદારનું આવડુ મોટું તોતિંગ પૂતળું? નજીક જઈ ઉપર જોઈએ તો પહેરેલી ટોપી નીચે પડી જાય.

બધા પૂતળાઓ સરદારના પૂતળા સામે હૈયાવરાળ કાઢવા લાગ્યા: ‘વલ્લભ શેઠ, અમે પણ તમારી જેમ દેશને આઝાદી અપાવવા દેહભક્તિ કે દેવભક્તિ છોડી દેશભક્તિ કરી-કરીને તૂટી ગયા છીએ. અમે કઈ રમી રમીને મરી નથી ગયા તો પણ અમારામાંથી કોઈનું દસ ફૂટથી મોટું પૂતળું જ નથી. એક્ચ્યુઅલી આ લોકોએ અમને મામા બનાવ્યા છે’

સરદાર જરા હસ્યા ‘એમ હસો નઈ’ કોઈ બોલ્યું ‘અને સૌથી વધુ સરદાર પંજાબમાં હોવા છતાં સરદારનુ (આપનું) પૂતળું ગુજરાતમાં શું કામ?’ ‘એ મને નઈ મોદીજીને પૂછો. સાલુ મને એમ કે મારું વિરાટ પૂતળું જોઈ તમારું ‘મન મોર બની થનગાટ કરશે’ પણ તમારું મન તો કાગડો બની કકળાટ કરે છે. વેરી બેડ વ્હાલીડાઓ.’

‘એવું નથી અમારા વલ્લભપ્રભુ’ સુભાષ બોઝ બોલ્યા: ‘ખરેખર તો આપ સરદાર નથી પણ અસરદાર છો. તો મેં પણ કઈ ડોક્ટરની જેમ નહોતું કીધું ‘આપ મુજે ખૂન દો મૈ આપકો રિપોર્ટ દુંગા’ મેં તો દેશને સૂત્ર આપેલું કે ‘આપ મુજે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા.’

‘મેં પણ જીદ કરી કીધેલું સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એ લઈને જ જંપીશ’ ટીળક બોલ્યા

‘હા મને ખબર છે, પણ મારા પુતળા બાબતે હું શું કરું? હું તો દોઢસો વર્ષ પહેલાં પરમાત્મા પાસે આવ્યો ત્યારે મારા ખાતામાં માત્ર 256 રૂપિયા જ હતા પણ મોદીને શી ખબર એવું શું સુજ્યું ને શું કામ ઊપડ્યું કે મારી આવી જાયન્ટ મૂર્તિ બનાવી.

હું સાવ સીધો સાદો માણસ. મેં તો વડા પ્રધાનપદની સત્તા પણ છોડેલી પૂછો આ બાપુને…. આ રીતે કેવડિયામાં 3000 કરોડ કાવડિયા એટલે કે રૂપિયા ખર્ચ્યા તો જીવ તો મારોય બળે છે. આઈ નો કે પ્રેરણા તો 30 રૂપિયાના પુસ્તકમાંથી પણ લેવાય.’

ત્યાં તો એક અજાણ્યો શહીદ થઇ ગયેલો વીર સૈનિક ભડકેલ મૂડમાં બોલ્યો: ‘અરે વલ્લભજી અમે કેટલાય શહીદોએ દેશ માટે કુટુંબનું, જીવનનું, શરીરનું બલિદાન આપી દીધું પણ એ માટે કોઈએ ગંભીર નોધ નથી લીધી.’ આટલું બોલતા ધોધમાર રડી પડ્યો

‘જો બકા’ સરદારની મૂર્તિ બોલી: ‘ડોન્ટ ક્રાય…જો તારા જેવા સૈનિકોની નોંધ લે તો પેલા નેતાઓનું શું થાય? જરા વિચાર અને શહીદ થયા પછી કોઈ નોંધ લે કે ન લે શું ફરક પડે છે? હમણાં ક્યાં નીચે જવાનું છે તો હવે મેલ માથાકૂટ … ને હવે બધા ધ્યાનથી સાંભળો: તમે બધા જ સાચા છો પણ બધાના આવા વિરાટ પૂતળાં બને તો માંડ માંડ પાટે ચડેલો દેશ પાછો દેવાળિયો થઈ જાય, સમજ્યા? છતાં બીજીવાર મોદી આવશે તો તમારી વાત કરીશ, બસ? ચાલો, હવે છૂટા પડશું. મારે થોડું કામ છે’ એટલું બોલી મૂર્તિ ચુપ થઇ ગઈ.

‘વાહ ચંબુડા, વાહ તું તો સોલીડ વાત લઇ આવ્યો.’

‘અરે વાહની ક્યાં માંડે છે ઠાકરિયા…મને પણ આ 182 મીટરનું વિરાટ પૂતળું જોઈ તુત ઊપડ્યું કે દેશ માટે નઈ પણ કુટુંબ માટે બાપુજીએ જો ભોગ આપ્યો હોય તો આપણે પણ એટલીસ્ટ 182 ઈંચનુ પ્લાસ્ટિકનું નાનકડું પૂતળું પણ ન બનાવીએ તો ધિક્કાર છે આપણા જીવતરને…. એટલે ચાર રસ્તા વચ્ચે ચોકમાં બાપુજીનું મીની સાઈઝનું પુતળું મૂકી સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.

ગમે એમ તોયે અમારા પરિવારના નાના સરદાર જ કહેવાયને? પણ એમાં લોચો એ પડ્યો કે બધાને બોલાવ્યા ને પૂતળા માટે જેવી બાપુજીએ દોરી ખેંચી ને પડદો ઊંચકાયો ને પોતાના જ પૂતળાને જોઈ જોરદાર ચમક્યા ને ભડક્યા: ‘બેટા આ શું? તમે બધાએ આખી જિંદગી મને પૂતળાની જેમ જ રાખ્યો છે. હું એટલે મુવેબલ પૂતળું.

તો પછી આ પૂતળા પાછળ રૂપિયા ખર્ચવાનું કારણ? ને બેટા, એકાદ હાથરૂમાલ પૂતળાના નાક પર અંકિત કર્યો હોત તો ગુંગળામણ ઓછી થાત ને આંસુ લુંછવા પણ કામ આવત. એની વે, બેટા જીવતાજીવત પૂતળું બનાવ્યું તો કેટલા ખર્ચ્યા?’

‘ખાસ કઈ નઈ બાપુ માત્ર 15 લાખમાં પત્યું. આપણને પોષાય એટલા ખર્ચ્યા. આ તો તમારા પ્રોવિડન્ટ ફંડમાં જે પડ્યા હતા એનો સદુપયોગ બીજું શું?’

‘બાપરે… અરે એ 15માંથી દસ પણ તે મને આપ્યા હોત તો આખી જિંદગી પૂતળાની જગ્યાએ હું જીવતો ઊભો રહ્યો હોત!’ આટલું બોલી કોઈ જોઈ ન જાય એમ બાપુએ આંખ લૂંછી નાખી.

‘ઠાકર, બાપુજીના જવાબથી મારી છટકી અરે સરદારને તેમનું આ તોતિંગ પૂતળું જોવા ન મળ્યું ને મેં તો બાપુજી પોતે પોતાના દર્શન કરી શકે એટલે જીવતા જ…પણ આવા લાગણી વગરના બાપુજીને શું કરવાના? આઈ નો, આવા બાપુજી માટે કોઈ ટિકિટના 350 ન ખર્ચે પણ બાપુને સરદારની કક્ષાએ લઇ જવા હોય તો માત્ર 35 રૂપિયા ટિકિટ રાખવાની ને દરેક દર્શનાર્થીના હાથમાં એક બિલોરી કાચ આપી દેવાનો એટલે નાના બાપુ પણ વિરાટ દેખાય.’

‘ચંબુ, બિલોરી કાચમાંથી પૂતળું તો જોઈ શકાય પણ અંદરનું હૈયુ દેખાય? કોઈને સરદારના પૂતળાની અંદર સિમેન્ટ-લોખંડની આરપાર એક લોખંડી પુરુષ દેખાય છે? દેશની એકતા માટેનો એમનો ત્યાગ દેખાય છે? આપણે તો નામ આપી દીધું ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પણ આંખો બંધ કરીને વિચારો કે આ દેશમાં યુનિટી છે ખરી?’
શું કહો છો?

આપણ વાંચો:  તંદુરસ્તી-મનદુરસ્તીઃ ધ્યાનનો વિષય ધ્યેય કહેવાય છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button