તરોતાઝા

મોજની ખોજ : અરે, તમે ભીષ્મપ્રતીજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે?!

  • સુભાષ ઠાકર

પ્લેનમાં પ્રવેશતાં જ દરવાજે ઊભેલી એરહોસ્ટેસે જેવું ‘વેલકમ સર’ કીધું ને હું માં અંબેના સોગંધ ખાઈને કહું છું કે સોરી, લખું છું કે તમારા આખાયે જીવનકાળમાં વાઈફ તો શું પણ તમારી સગી સાળીએ પણ મારકણું સ્મિત નઇ આપ્યું હોય એવું મીઠું સ્મિત આપ્યું ને મારું રોમેન્ટિક મન મોર બની થનગાટ કરવા લાગ્યુ. મારું હૈયું ઊછળી ઉછળીને ગાવા લાગ્યું ‘આજ નાચે રે ઉમંગ અંગે અંગમાં રે લોલ.’

અપરિચિત ચહેરો જોઈ હૃદય આટલું ગાંડુ કેમ બની જતું હશે? જે પવિત્ર ભાવના વર્ષો સુધી ધરબી રાખેલી એ એક સ્ત્રી સુખ-મુખની કલ્પના માત્રથી પચીસ સેક્ધડમાં લુપ્તપ્રાય શું કામ થાતી હશે? મારી જેમ બધાને થતું હશે?’ આવા વિચારો સાથે પ્લેનમાં પ્રવેશ્યા. ધીરે ધીરે પુરુષમંડળ સલૂનમાં દાઢી કરાવવા બેઠા હોય એમ ને નારીજગત મહિલા ગેરેજ એટલે કે બ્યુટી પાર્લરમાં આઈ-બ્રો કરાવવા બેઠી હોય એમ ટપોટપ ગોઠવાયા..સરોજે મને પૂછયું ‘સુભાષ, દરવાજા પાસે પેલી બાઈ આપણી સામે કેમ હસી? એ આપણને ઓળખે છે?’

‘હાસ્તો’ મારી છટકી ‘ગયા ભવમાં આપણે બંને ભાઈ-બહેન હતાં ને એ આપણી ‘બા’ હતી…..વાઆઆઆત કરે છે!. અરે, આ સ્માઇલ એની બિઝનેસ સ્ટાઈલ છે. જેથી ગ્રાહક ખેંચાય.’

બારી પાસે બેઠેલી સરોજે મને પૂછયું:

‘સુભાષ હું તો પહેલી વાર વિમાનમાં બેસું છું. મને કહે કે વિમાન પહેલી વાર ઉપર જાય પછી કેવું લાગતું હશે?’

‘બકા, વિમાન ઉપર જાય ત્યારે નીચેના માણસો કીડી જેવડા દેખાય’ મેં કીધું.

‘અરે, આ તો માણસો જેવું… કોઈ ધનથી, પદથી, પ્રતિષ્ઠાથી કે નસીબથી પણ ઉપર આવ્યું તો નીચેના બધા કીડીઓ જેવા દેખાય.’ પછી મૂંડી ફેરવી બોલી:

‘સુભુ, તારી વાત એકદમ સાચી નીચે બધા માણસો કીડીઓ જેવા જ દેખાય છે.’

મેં પણ જિરાફની જેમ ડોક લાંબી કરી બારીમાંથી જોયું ને મને આશ્ર્ચર્ય, આંચકો ને આઘાત લાગ્યો મેં કીધું :

‘હે અલ્પબુદ્ધિ,એ કીડી જ છે, વિમાન ક્યાં હજી ઊપડ્યું છે?’ મા કસમ, મિત્રો… મારી ટાલમાં બચેલા સાડાત્રણ વાળના સોગંધ ખાઈને કહું છું જો બારી ખુલ્લી હોત તો મેં એને ધડ કરતી બહાર ફેંકી દીધી હોત.’

એટલામાં ઝૂમઝૂમઝૂમઝૂમ.. કરતી ફ્લાઇટ શરૂ થઈ, પણ ત્રીસ સેક્ધડમાં તો સરોજ અચાનક ભડકી :

‘હું જઉ છું પાઈલોટની કેબિનમાં.. આપણે છેતરાયા છીએ, ફસાયા છીએ….આ લોકો હવામાં ઉડવાના પૈસા લઈ વિમાન જમીન પર કેમ ચલાવે છે?’

‘અરે મારી ગજગામિની..શાંત થા હજી ટેકઓફ તો થવા દે….ટેકઓફ થયા પછી સિંગાપોર સુધી હવામાં જ રેવાનુ છે.’

થોડીવારમાં હોસ્પિટલમાં દર્દીને સ્ટ્રેચર પર લાવતા હોય એમ ચાની ટ્રોલી આવી ને પેલી હસીને બોલી :

‘વોટ યુ વોન્ટ સર?’

મનમાં થયું : ગગી., મારે જે જોઈએ છે એ તારી પાસે જાહેરમાં કેમ મંગાય? એટલે વિક્ટરીનો ‘વી’ બતાવી ‘ટી’ બોલ્યા
ે ‘ટુ કપ ટી…’એને કીધું
‘સુભાષ એ તમને કપટી કહે છે ને તમે હા પાડી? તમારા પેટમાં કયુ કપટ છુપાયેલું છે?’

‘અરે મારી મા, પ્યોર ગુજરાતીમાં બે કપ ચા થાય. સમજી?’

એટલામાં મગમાં ચા હાજર. પણ કપમાં કાઢી તો ફિનાઇલ છે કે ચા ખબર જ ન પડી, પણ વાઈફ કોને કીધી? એ તો કબજિયાતનો દર્દી દિવેલ પીતો હોય એમ ‘ચાનો અનાદર ન થાય,પૈસા ખર્ચ્યા છે’ એવા ભાવથી પી ગઈ, ત્યાંતો પેલી દૂધના ક્રીમનું ને સાકરનું પેકેટ આપી ગઈ. હવે? સરોજે આજુબાજુ જોયું ને મને કોઈ જોતું નથીને એ જોઈ સાકર ને ક્રીમ ભેગા કરી મંદિરમાં કોપરા સાકરના પ્રસાદની જેમ ફાકડો મારી ગઈ પછી મને કહે : ‘હવે પેટમાં ચા તૈયાર, સુભુ, જો તો, મોઢા પર ક્યાંય સાકરનો દાણો ચોટયો નથીને..? નઇતર હાઇ- વેના ટ્રાફિકની જેમ મોઢા પર કીડીઓ ફરશે..’

એટલામાં પેલી પાછી આવી ને બોલી : ‘સર. યુ વોન્ટ મોર સુગર?’ મનમાં બોલ્યો : ‘લલ્લી, તારા બોલવામાં એટલી મીઠાશ છે કે આખા ફ્લાઇટની સાકર પણ ફિક્કી લાગે..’

કલાક પછી પાછી ટ્રોલી આવી ને વાઈફને પૂછ્યું :

‘આર યુ વેજિટેરિયન?’

‘નો મેડમ, આઈ એમ નોટ વેજિટેરિયન, આઈ એમ સરોજ ઠાકર’

મને થયું ધરતી મારગ આપે તો મા સીતાની જેમ સમાઈ જઉ પણ ધરતીના બદલે નીચે લોખંડનુ તળિયું હોવાથી વિચાર માંડી વાળ્યો.

‘અરે, એ પૂછે છે કે તું શાકાહારી છે? મેડમ, વી બોથ આર વેજિટેરિયન.’

‘સર, યુ વોન્ટ કોક વીથ લંચ?’

સરોજની કમાન છટકી ‘એય કોકની સગલી, લાજશરમ છે કે નઇ? વોટ ડુ મીન બાય કોક? આ 60 વર્ષનો 60 કિલોનો ધણી ચોમાસામાં ઠૂઠવાયેલા કબૂતર જેવો બેઠો છે ને તું કોક માટે પૂછે છે? ખબરદાર, બીજીવાર અગર સેમ થિંગ વિલ હેપન આઈ વિલ નોટ ટોયલેટ… આઈ મીન ટોલરેટ. યોર મધર-ફાધર ગીવન ધિસ ટાઈપ ઓફ સંસ્કાર… કોક સાથે?’

આપણ વાંચો:  આહારથી આરોગ્ય સુધી : કેલ્શિયમ ઘટવાનું કારણ એસીડીટી છે…

પેલી ગગીની આંખો તો સરકસમાં મોતના કૂવામાં ફરતા સ્કૂટરની જેમ ગોળ ગોળ ફરવા લાગી ને મને પણ ઝનઝનઝનઝન કરતો ઝાટકો લાગ્યો ને દૂધમાં કેસર નાખ્યું હોય એવી લાલ ટસર મારી સફેદ આંખમાં ડોકિયું કરવા લાગી.

મેં સમજાવી: ‘જો બકા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અરે કોક એટલે કોકાકોલા.’

‘એ મને નહિં તમારી સગલીને સમજાવો… આખું બોલે અથવા ગુજરાતીમાં એને કોકનો અર્થ સમજાવો ને હે મારા સાસુમાના દેવના દીધેલ મારા વર, પ્લીઝ તમે ન કરો એની ફેવર.’

સરોજના મગજે ગરમી પકડી

‘સૂરું. આજ પછી તને ક્યારેય વિમાનમાં સાથે નઇ રાખું આજ એવી ભીષ્મપ્રતિજ્ઞા લઉં છું’

‘બસ તમે આટલી નાની બાબતમાં ભીષ્મને વચ્ચે ન લાવો તમે ભીષ્મપ્રતિજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે? આઈ નો કે પેલીને ભેટ આપ્યા વગર ભેટવાનું મન થાય પણ માઇન્ડ વેલ, બાજુ વાળાના ફ્રીઝમાં ઠંડું પાણી ભલે પીવા મળે પણ ઘરના માટલાના સ્વાદ સામે એ પણ પાણી ભરે..સમજ્યા કે નઈઈઈ …?!’

શું કહો છો ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button