તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ સર્વ પ્રકારના ડાયાબિટીસને મટાડતી શિયાળાની પાવરફુલ વનસ્પતિ…

  • ડૉ. હર્ષા છાડવા

ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિના કાલખંડમાં ખેતી અને હસ્તશિલ્પ અર્થવ્યવસ્થાઓ ઝડપથી મશીન નિર્માણ પ્રધાન અર્થવ્યવસ્થામાં બદલાઈ ગઈ. આ મશીન નિર્માણ ક્રાંતિ દુનિયાના લગભગ બધા જ ભાગમાં ફેલાઈ ગઈ. આ આર્થિક પરિવર્તન એ કામ કરવાનો અને વસ્તુઓ ઉત્પાદનની બધી જ રીત બદલાઈ ગઈ.

હાથથી અને મહેનતથી બનતી વસ્તુઓ મશીનથી ઉત્પાદિત થવા લાગી. આ ઔદ્યોગિક જગત ચલાવવા શ્રમિકોની જરૂર પડી. શ્રમિકો મશીનથી ઉત્પાદીત વસ્તુઓ બનાવવા લાગ્યા. જેથી લોકોને લાગ્યું અમારું કામકાજ સરળ થઈ ગયું છે. મહેનત ઓછી અને ઉત્પાદન વધુ. આ ક્રાંતિએ લોકોનું સ્વાસ્થ્ય છીનવી લીધું. પરિવહનની વ્યવસ્થાએ લોકોનું ચાલવાનું છીનવી લીધું.

લોકો ગામડાઓ છોડી આર્થિક રીતે સધ્ધર થવા શહેરોમાં વસ્યા. જેના કારણે ખેતીવાડીનું સાચું કામકાજ પણ ઔદ્યોગિક રીતે થવા લાગ્યું. ખાતર પણ મશીનોથી અને કેમિકલવાળા બનવા લાગ્યા. ચિકિત્સા ક્ષેત્રે ટેકનોલોજી આવી. દવાઓ કેમિકલથી બનવા લાગી. જેના કારણે પ્રાકૃતિક ઔષધિય પ્રત્યે સુગ પેદા થઈ. આનું પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. ક્યારેક કોઈ બીમાર પડતું પણ આજે ઘરના દરેક સભ્ય લગભગ માંદા જ છે.

ઔદ્યોગિક વિકાસના કારણે લોકોનો વ્યવહાર બદલાયો. સંબંધોની અવગણના થવા લાગી. સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ આની વ્યાપક અસર થઈ છે. શહેરીકરણ અને કામકાજના કારણે બાહ્ય ભોજન પણ મશીનોના આધારે બનવા લાગ્યા.

હાથથી અને મહેનતથી બનતી વસ્તુઓના કારણે લોકો શારીરિક, માનસિક અને સામાજિક રીતે ખૂબ જ મજબૂત હતા. ઔદ્યોગિક મશીનોએ આ બધું છીનવી લીધું છે. મશીનોથી કામકાજ હવે બદલી શકવાના નથી. આપણે ખાનપાનનો સુધારો અવશ્ય કરી શકીએ છીએ. હજી સુધી બજારમાં સારા ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ છે. સ્વાદના ચટાકાનો વિચાર ન કરવો.

સારું સ્વાદિષ્ટ ભોજન બનાવાની પદ્ધતિ પર ધ્યાન દેવું જરૂરી છે. જેથી નાની સામાન્ય બીમારીને જો શરૂઆતથી રોકી દેવામાં આવે તો મોટી વ્યાધિથી બચી શકાય છે. શરૂઆત લગભગ શરીરમાં ગ્લુકોઝ (સાકર) વધી જવાથી થાય છે. પાચક રસોમાં ખામી ઉત્પન્ન થતાં તે ખરાબ રીતે શરીરમાં અણુઓના સ્ત્રવણ અવરોધે છે. શરીરની તાસીર મુજબ અલગ અલગ રોગોમાં પરિણમે છે. લોકો તરત જ રિપોર્ટ કઢાવી દવાઓનો આશરો લે છે. જેના કારણે ખરાબી દબાઈ જાય છે અને થોડો સમય પછી તે વધુ વકરે છે.

હાલના સમયમાં જોઈએ તો ડાયાબિટીસ ઘણા પ્રકારે શરીરમાં ઘર કરી રહ્યું છે. નોન ઈન્સ્યુલીન ડીપેન્ટડેન્ટ ડાયાબિટીસ આ વ્યાધિમાં શારીરિક મહેનત ઓછી હોવાના કારણે સેલમાં ગ્લુકોઝનો ભરાવો થાય છે. સમય રહેતા શારીરિક મહેનત (ચાલવાનું વધારે) કરવાથી આ તકલીફમાં સુધારો જલદી થઈ જાય છે. શરીર ભારે લાગતું હોય તો જલદીથી ચાલવાનો પ્રયોગ વધારી દેવો જોઈએ.

ઈન્સ્યુલીન ડીપેન્ટડેન્ટ ડાયાબિટીસ-સામાન્ય રીતે આ ટાઈપના ડાયાબિટીસ બહુ જ નાની ઉંમરમાં આવી જાય છે. આમાં પેન્ક્રીયાઝના બીટા-સેલ ઘણાં કારણોને લીધે નકામા થઈ જાય છે. આનું કારણ છે કે નાની વયમાં (બાળકોને) જરૂરિયાત કરતા વધુ સાકરનો ખાવામાં વપરાશ. રિફાઈન્ડ તેલથી બનતી ચિપ્સ, આઈસક્રીમ, બિસ્કિટ, હેલ્થ ડ્રિંક, અન્ય બજારૂ વસ્તુઓ. જાતજાતના કોલ્ડ ડ્રિંક, સોડા નાખેલી બજારૂ કે ઘરની આઈટમો. કફની કે શરદીની દવાઓના કારણે આ વ્યાધિ હવે વધુ જણાઈ રહી છે.

ઈન્સ્યુલીન રજિસ્ટેન્ટ ડાયાબિટીસ- આ વ્યાધિમાં બહારથી આવેલા ઈન્સ્યુલીનનો કોઈપણ રિસ્પોન્સ નથી મળતો. હેવી ઈન્સ્યુલીન આપવાથી પણ બ્લડ સુગર વધતું જ જાય છે. ઘણાંને મેં જોયું છે કે તે ત્રીસ યુનિટ સવારના અને ત્રીસ યુનિટ સાંજના લે છે પણ બ્લડ સુગર ત્રણસોની આસપાસ જ રહે છે. ઘણીવાર પગમાં કે હાથમાં સડો થઈ જાય છે તે કાપવા પડે છે. ચામડી સ્પોંજી થઈ જાય છે.

સલયુરેશન ઑફ બોડી સેલ બાય સુગર-(બોડી સેલનું સંતૃપ્તિકરણ) શરીરના કોષો સુગરને (ગ્લુકોઝ)ને ગ્રહણ કરવામાં અસ્વસ્થ છે કારણ કે શરીરમાં સુગરનો સ્ટોક પૂરતો છે. આમાં કોઈ ડાયાબિટીસ નથી પણ ઘણીવાર રક્ત શર્કરાનું પ્રમાણ સામાન્યથી અધિક હોય છે. (પ્રી-ડાયાબિટીસ) આ અવસ્થા ઉપવાસથી જલદી ઠેકાણે આવે છે. ખાનપાન રીફાઈન્ડ થયેલ વસ્તુઓનું ન હોવું જોઈએ.

લેથેરેજી ઑફ બી-સેલ ટુ પ્રોડક્સ ઈન્સ્યુલીન-બી-સેલની સુસ્તીને કારણે ઈન્સ્યુલીનની પ્રતિક્રિયામાં અવરોધ. આ વ્યાધિમાં ગ્લુકોઝ કોશિકામાં નથી જતું તે લોહીમાં રહી જવાને કારણે લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય છે. જેને ટાઈપ-ટુ ડાયાબિટીસ કહેવાય છે. સુસ્તી, થકાવટ આમાં વધુ જણાય છે. આની ટકાવારી લોકોમાં વધુ છે. વજન ઘણુંય વધી જાય છે.

આ તકલીફની સારવાર જો લયબદ્ધ (સારી રીતે) ન કરવામાં આવે તો લાંબે ગાળે હૃદયનો હુમલો, કિડનીનું ડાયાલિસીસ, પગ સડવા, આંખોમાં મોતીયો, કાનમાં સંભળાવાનું ઓછું (કાનમાં મશીન બેસાડવું) વગેરે જીવનભર રહે છે. ધીરે ધીરે શરીર નિષ્ક્રિય થાય પછી અલ્ઝાઈમર અને કંપવાત આવી જાય છે. કોલેસ્ટ્રોલની વ્યાધિ પણ સાથે સાથે વધે. જેના કારણે ગોઠણના ઑપરેશન થવા, પગના તળિયામાં અતિ બળતરા થવી વગેરે.

બહારના ઈન્સ્યુલીન લેવાના કારણે કિડની-ડાયાબિટિસ-ડાયાબિટિસમાં બહારથી ઈન્સ્યુલીન કે મેટફોર્મિન દવાઓ લેવાના કારણે કિડનીના નેફ્રામ અકાર્યક્ષમ થાય છે. યુરિનનું ફિલ્ટરેશન થતું નથી જેના કારણે કિડની ફેલ્યોર કે ડાયાલિસીસ પર જવું પડે છે. કિડનીમાં બોમેન કેપ્સ્યુલનું નાનું સ્ટ્રકચર આવેલું છે તેનું બગડી જવું.

ચામડીના ઘણાં દર્દો પણ ઘણીવાર ડાયાબિટીસના કારણે થાય છે. ચામડી કાળી પડવી. લગભગ આ વ્યાધિ આઈસક્રીમ કે ડેઝર્ટ વધુ ખાવાથી થાય છે. આઈસક્રીમ પણ નકલી ઘી, રિફાઈન્ડ તેલ અને સોલ્વન્ટથી બને છે. તેમાં વપરાતા રંગો એ બધા હેવી કેમિકલથી બને છે.

આ શિયાળાની ઋતુમાં મળતી શાકભાજીઓનો ઉપયોગ કરી આ બીમારીને જલદીથી દૂર કરી શકાય છે. લીંબુ, બીજોરાને બાફીને ખાવા (કશું નાખ્યા વગર). પાલક, તાંદળજો ભાજી, ચંદન બથુવા ભાજી, સૂવા ભાજી, ભારંગી ભાજી રસ, લીલું જીરું નાખીને લ્યો. બેબીકોર્ન સાંતળી લો. અલ્કોઝના પાન, બીટના પાન, મૂળા પાન, મેથી ભાજીનો રસનો ઉપયોગ કરવો.

વટાણા, તૂરિયા, ગલકા, પીળા કેપ્સીકમ, દૂધીની છાલ, વગેરેની ચટણીઓ લો. (રાંધેલા શાકભાજી ઓછા લેવા), ચટણીઓ વધુ ખાવ. સફરજન, પેરૂ, પેર, પરપોટાની ચટણી લો. આમળાં, સ્ટાર ફ્રૂટ, કાચા ટમેટાની ચટણી લો.

અન્ય ઘણીય શાકભાજીનો ઉપયોગ ભોજનમાં વ્યવસ્થિત કરો. અનાજ વીસથી ત્રીસ ટકા જેટલું રાખો. વધુ પાંદડાવાળી ભાજીના રસોનો ઉપયોગ કરો. સલાડ લો. સલાડને શાકભાજીની ચટણીથી મેરીનેસન કરી વધુ ખાવ. શક્કરિયાનો ઉપયોગ ખૂબ કરો જે શરીરને મજબૂત બનાવે છે. સુગર જલદી ઓછી કરે છે.

ડાયાબિટીસમાં દવાઓ લેવી, ઈન્સ્યુલીન લેવાની આદતના કારણે રોજ રોજ ડોઝ વધતો જાય છે અને ઘણી બધી એલર્જીક પરિસ્થિતિ ઊભી થાય છે. આંખો અને હાડકાંના સ્નાયુઓને વધુ અસર થાય છે. જેના કારણે વ્યક્તિ શારીરિક રીતે બીજાના આધારે રહેવું પડે છે જે ખૂબ જ દુ:ખદાયી છે.

આપણ વાંચો:  સ્વાસ્થ્ય સુધાઃ જાણો છો કાર્તિકી પૂર્ણિમા પકોડી પૂનમ તરીકે કેમ ઓળખાય છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button