ફોકસઃ શું છે ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ? | મુંબઈ સમાચાર
તરોતાઝા

ફોકસઃ શું છે ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ?

  • અનુ આર.

એક સમય એવો હતો જ્યારે હાઈ-એન્ડ ટેક્ની ગેજેટવાળી લાઇફસ્ટાઇલને ડ્રીમ લાઇફસ્ટાઇલ માનવામાં આવતી હતી. ઈન્ટરનેટ ઑફ થિંગ્સ આધુનિકતાનો પર્યાય હતો.

આજે તો એ સ્ટેટસ સિમ્બલ નથી રહી. વર્તમાનમાં ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ ડ્રીમ સ્ટેટસ સિમ્બલ છે. આ એક પરિવર્તન છે. આજે જ્યાં ન્યૂ ટ્રેન્ડ લાઇફસ્ટાઈલની ચર્ચા થઈ રહી છે, એમાં પ્રથમ સ્થાને આવે છે ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ. એટલે કે સંપૂર્ણ રીતે ‘કચરા મુક્ત’ જીવન.

લંડન, ન્યૂયોર્ક, ટોકિયોથી માંડીને પેરિસ સુધી આની ચર્ચા ચાલી રહી છે. આ એક કાલ્પનિક ટ્રેન્ડ નથી, પરંતુ ભવિષ્યની સૌથી અગત્યની પહેલ છે. ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલનો અર્થ છે કે તમારી લાઈફમાં કચરાનું કોઈ નામોનિશાન ન હોય. જો આ સપનું સાકાર થાય તો ગંદકી અને બીમારી દૂર ભાગી જશે. ના તો સમુદ્રમાં પ્લાસ્ટિકનું સામ્રાજ્ય ખડકાશે અને ના તો જંગલોનું નિકંદન નીકળશે. સાથે જ ના તો કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ થશે.

ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલનો સંબંધ જીવનના દરેક ક્ષેત્ર સાથે છે, જેમ કે ખાણીપીણી, ફેશન, ખરીદી વગેરે ક્ષેત્ર. ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલના કારણે આપણે આપણી તમામ જરૂરતોમાં ઘટાડો કરવાનો રહેશે. એના માટે રિડ્યુસ્ડ, રિયુઝ્ડ, રિસાઈકલ અને રિફ્યુઝ આ મંત્રને અપનાવવાનો રહેશે. વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરવો. જૂની વસ્તુઓને નવો ઓપ આપીને નવી બનાવવી. બિનઉપયોગી વસ્તુઓને લાઈફથી હંમેશાં માટે દૂર કરવી.

દૈનિક જીવનમાં એનો અર્થ
ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલનો દૈનિક જીવનમાં અર્થ એ છે કે જીવન એવું જીવો કે જેમાં કચરો આવવાની શક્યતા નહીંવત થઈ જાય. ઉદાહરણ તરીકે…
-ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકને બદલે રિયુઝેબલ બોટલ અને બેગનો ઉપયોગ.
-ડબ્બામાં બંધ વસ્તુઓને બદલે છૂટક વસ્તુઓનો ઉપયોગ કરવો.

  • ફેશન પ્રમાણે નહીં પરંતુ લાંબા સમય સુધી સાચવી શકાય એવાં કપડાં પહેરો.
    -ફૂડ વેસ્ટને કમ્પોસ્ટ ખાતર બનાવો. તૂટેલી ચીજોનું સમારકામ કરીને ફરીથી ઉપયોગમાં લાવો. આ પહેલને ઑફિસ, સ્કૂલ, સાર્વજનિક સ્થળો અને યાત્રા દરમિયાન પણ ઉપયોગમાં લેવી જોઈએ.

મોટાં-મોટાં શહેરોમાં ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે દુનિયાને જો પ્રલયથી બચાવવી હોય તો આ લાઇફસ્ટાઈલ અપનાવવી જોઈએ.

આજે પ્લાસ્ટિકનું પ્રદૂષણ એટલી હદે વકર્યું છે કે હવે આપણા અસ્તિત્વ પર પણ જોખમના વાદળ મંડરાઈ રહ્યાં છે. યુનાઈટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ મુજબ દર વર્ષે 40 કરોડ ટન પ્લાસ્ટિક બને છે અને એમાંથી પચાસ ટકાનો ઉપયોગ એક વખત થાય છે અને બાદમાં એને ફેકવામાં આવે છે.

આ પ્લાસ્ટિક કચરો નદીઓ મારફત દરિયામાં પહોંચે છે, જે માછલીઓ, સમુદ્રી જીવો, વનસ્પતિઓ અને માનવ માટે ખતરનાક બને છે. આટલું જ નહીં પ્લાસ્ટિકના ઉત્પાદન, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટના કારણે ભારે માત્રામાં કાર્બન ઉત્સર્જન થાય છે. કચરો સડવાથી મીથેન જેવો ગૅસ બને છે. એથી આવી આફતોથી બચવું હોય તો ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ અપનાવવી જોઈએ.

આજે આપણે જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એનાથી કુદરતી સંસાધનોનો અંધાધૂંધ વપરાશ થઈ રહ્યો છે. એને કારણે સંસાધનોની પણ અછત ઊભી થઈ રહી છે. એથી એને બચાવવું પણ જરૂરી છે. એવામાં આ ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ પર્યાવરણને બચાવવા માટે પણ અગત્યની છે. સોશ્યલ મીડિયામાં પણ એની જ ચર્ચા છે.

આજે દુનિયામાં એવા ઘણાં લોકો છે જે પર્યાવરણપ્રેમી હોવાથી આવી લાઇફસ્ટાઈલને જીવનમાં ઉતારી છે. આવા લોકો તેમના જીવનમાં શૂન્ય કચરા જીવનશૈલીને અપનાવીને લોકો માટે ઉદાહરણ બન્યા છે.

મોટાં શહેરો જેવા કે દિલ્હી, બેંગલૂરુ, પુણે, મુંબઈ અને ચેન્નઈમાં અનેક યુવાઓ પ્લાસ્ટિક રહિત સામાન ખરીદે છે. તેઓ પોતાના માટે કપડાં થ્રીફ્ટમાંથી ખરીદે છે અને ફૂડ કમ્પોસ્ટ કરે છે. ભારત સહિત દુનિયામાં એવા કેટલાય પરિવાર છે જે પ્લાસ્ટિક-મુક્ત જીવન જીવે છે.

સાથે જ પોતાનાં બાળકોને પોતાનાં કપડાં અને રમકડાં અન્ય બાળકો સાથે શૅર કરવાનું પણ શીખવે છે. જૂના સામાનનું સમારકામ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાની કળા તેમનામાં રોપે છે.

વિશ્વભરમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિના રૂપમાં ઊભરેલી સ્ટાર્ટઅપ કલ્ચરે પણ ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ પર ભાર મૂક્યો છે. સાથે જ પોતાના સ્ટાફને પણ કિચન અને વૉશરૂમમાં ઝીરો વેસ્ટની સુવિધા આપી છે.

ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ આપણા જીવનના ધોરણને સુધારવામાં પણ મદદ કરે છે. એનાથી માનસિક સુકૂન મળે છે. ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલથી આપણા જીવનમાં ‘મિનિમલિઝમ’ પર ફોકસ કરાવે છે. એનાથી આર્થિક બચત તો થાય જ છે પરંતુ સાથે જ બેફામ થતાં ખર્ચાઓ પર પણ નિયંત્રણ આવે છે.

સૌથી મોટો ફાયદો એ થાય છે કે પ્લાસ્ટિક અને કેમિકલ પેકેજિંગથી ભોજનમાં માઈક્રોપ્લાસ્ટિક્સ અને ટોક્સિન્સનો ઘટાડો થાય છે. સાથે જ તાજા, સ્થાનિક અને ઓર્ગેનિક પદાર્થો પર ધ્યાન વધે છે. તદઉપરાંત એક દિલાસો રહે છે કે આપણે ધરતીને ઓછામાં ઓછુ નુકસાન પહોંચાડ્યું છે. એનાથી એક પ્રકારનો ગર્વ અને સંતોષ થાય છે.

આપણ વાંચો:  મોજની ખોજઃ …ને હું માણસમાંથી લેખક બન્યો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button