તરોતાઝા

ફોક્સ: ઉનાળામાં શું બનાવ્યું?

-ખુશ્બુ મુલાણી ઠક્કર

આજની પેઢી બધી વસ્તુ રેડી કેવી રીતે મળે તે શોધતી જ હોય છે. બહારની વસ્તુઓ રેડી તો હોવી જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવી જોઈએ. કોઈની પાસે ઘરે બનાવવાનો ટાઈમ નથી. જયારે ઘણી મહિલાઓ હજી પણ ઘરમાં જ ઘણી વસ્તુઓ બનાવે છે. તેમને શોખ તો ખરો જ પણ સાથે સાથે ઘરનાઓને ચોખ્ખી વસ્તુ ખવડાવવાનો આગ્રહ. તેમને આ ઉંમરે કંટાળો પણ નથી આવતો, ઇન્ફેકટ પૌત્ર અને પૌત્રી ખાતા હોય એટલે બમણા ઉત્સાહથી નવી નવી વસ્તુઓ બનાવે. મુંબઈ સમાચારે અમુક મહિલાઓ સાથે આ બાબતે વાત કરી છે. ચાલો જાણીએ તેઓ કઈ કઈ વસ્તુ ઘરે બનાવે છે.

થાણે વેસ્ટમાં રહેતા 67 વર્ષીય ઉમા ઠક્કર તો જાણે ઉનાળાની રાહ ન જોતા હોય. તેઓનું પ્લાનિંગ જાન્યુઆરી મહિનાથી જ ચાલુ થઇ જાય કે આ વખતે શું શું બનાવવાનું છે. તેમને જયારે પૂછવામાં આવ્યું કે તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો? ત્યારે તેઓએ જણાવ્યું કે, ‘હું અથાણાં, બટેટા અને સાબુદાણાની વેફર્સ, સીઝનલ જામ, શરબત , ટોમેટો કેચ અપ, ચાટ મસાલો,. મુડગાપુડી ચટણી, ડ્રાય ગાર્લિક પાઉડર, કોથમીરની ડ્રાય ચટણી વગેરે ઘરે જ બનાવું છે. તેઓને આ બધું બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો તે જણાવતા ઉમાબેન કહે છે કે, મારા લગ્ન થયાં ત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતાં હતાં અને પહેલા એવી કોઈ જ સિસ્ટમ નહોતી કે ખાવાનું બહારથી મંગાવી શકીયે અને ઓવરઓલ થોડી ફાઇનાન્શિયલી પણ ખેંચ રહેતી હોય એટલે એમ વિચાર આવ્યો કે ઘરમાં બનાવીએ તો થોડી કરકસર પણ થશે. ઉમાબેન આગળ જણાવતાં કહે છે કે, આ બધું બનાવવા માટે ખૂબ જ ધીરજ અને પ્લાનિંગ જોઈએ. બહારની બનાવેલી વેફર્સ જાણે કઈ રીતે બનાવી હશે તે કોને ખબર છે. ક્યું તેલ વાપર્યું હશે તે કોને ખબર છે. તેથી જો ઘરે બનાવી હોય તો આપણને મનનો સંતોષ થાય કે વસ્તુઓ ઘરે જ બનાવી છે તેથી ચોખ્ખી તો છે. હું હર ઉનાળામાં બટેટા અને સાબુદાણાની વેફર્સ તો બનાવું જ છું.

ઉમાબેન જણાવતાં કહે છે કે, આ બધું કરવા માટે એક પ્લાનિંગની જરૂર છે. કશું પણ બનાવવા સમયનો ભોગ આપવો પડે છે.

મેં સૌથી પહેલા બટેટાની વેફર્સ બનાવવાનું ચાલુ કર્યું. હું 2 કે 3 દિવસની વેફર્સ એક સાથે તળી લઉં છું, જેથી કરી લોયાનું તેલ પણ પૂરું થઈ જાય. મારા ઘરમાં બધાંને જ જમવા સાથે કઈ સાઈડ પર જોઈએ ત્યારે આ વેફર્સ ખુબ જ સારી લાગે છે. અને હવે તો મારી 10 વર્ષની પૌત્રી વિહાના પણ મને વેફર્સ બનાવવામાં મદદ કરે છે. ઉમાબેન આગળ જણાવતાં કહે છે કે, આશરે 10 કિલો બટેટામાં 2.5 કિલો જેટલી વેફર્સ થાય છે. વેફર્સની સાથે સાથે મારા અથાણાં બનાવવાનો પણ કાર્યક્રમ ચાલુ જ હોય છે. લાડવા કેરી આવી નથી કે અથાણાં કર્યા નથી. ઉમાબેન આગળ ઉમેરે છે કે, આ તો થઇ ઉનાળાની વાત. હું આખા વર્ષમાં પણ ઘણી ખાવાની વસ્તુઓ ઘરે જ બનાવું છે, જેમકે ટોમેટો કેચઅપ

મને બહારના પ્રિઝર્વેટિવ્સ વાળા ટોમેટો કેચપ ગમતા નથી. મારી પૌત્રી વિહાનાને ઘણી વસ્તુમાં ટોમેટો કેચઅપ વગર ચાલે નહીં એટલે હું ઘરે જ બનાવું છું. સાથે સાથે જામ પણ બનાવું છું. સીઝનલ ફ્રૂટ જે મળે તેમાંથી હું જામ બનાવું છું. જામ તો એક સાથે બનાવી કાચની બોટલમાં આખા વર્ષનો સ્ટોર કરું છું. ફ્રીઝમાં રાખવાથી વસ્તુઓ બગડતી નથી. આ બધા સાથે ફ્લેવરવાળા શરબત બનાવું છું. મારુ સૌથી લોકપ્રિય શરબત લેમન જીંજર છે. શરબતના સીરપ હું ફ્રિજમાં રેડી રાખું છે. જયારે પીવું હોય ત્યારે સિરપમાં પાણી મિક્સ કરો એટલે શરબત રેડી. આ બધું શોખ વગર અધૂરું છે. મને હંમેશાં કઈંક નવું શીખવાનો કે નવું કઈંક બનાવવાનો ખૂબ જ શોખ છે.

ઉમાબેન વધુ કહે છે કે, મારો નાનો દીકરો હાર્દિક કેનેડા રહે છે. તેની માટે હું ચાટ મસાલો અને મુડગાપુડી ચટણી ઘરે જ બનાવું છું. આજકાલના રેડી ટુ ઈટ જમાનામાં મેં કોથમીરની ડ્રાય ચટણી બનાવી કે જયારે ખાવી હોય ત્યારે તેમાં પાણી ઉમેરો એટલે ચટણી રેડી. ગ્રીન ચટણીમાં જે વસ્તુઓ ઉમેરવાની હોય તે બધી જ વસ્તુઓ મેં ઉનાળામાં તડકે નાખી હતી. અને ત્યાર બાદ તેને મિક્સ કરી હતી જેથી વસ્તુ બગડે નહિં. આવી જ રીતે મેં લસણને સૂકવીને તેને પીસી નાખ્યું અને થઇ ગયો ગાર્લિક પાઉડર. જયારે પણ ઘરમાં સલણ ખલાસ થઇ જાય ત્યારે આ ગાર્લિક પાઉડર ખૂબ જ કામ લાગે છે.

મેથીને સુકવીએ એટલે કસૂરી મેથી થઇ જાય. આ રીતે જે ઘરમાં થઇ શકે તે હું ઘરમાં જ બનાવું છું. ઉમાબેને વધુ જણાવ્યું કે, એક દિવસ મારી પૌત્રી વિહાનાને શ્રીખંડ ખાવાની ઈચ્છા થઇ એટલે મેં ઘરે શ્રીખંડ પણ બનાવ્યો. ક્યારેક સાંજના કઈ સુજે નહિ કે શું બનાવવું છે તો હું ઘરે પનીર બનાવી તેની પનીર ભુરજી ડિનર માટે બનાવું છું. સમય સુચકતા અને ક્રિએટિવિટી સાથે તમે પણ ઘણું બધું કરી શકો. બસ મનમાં એક ધગશ હોવી જોઈએ કે મારે કૈંક નવું શીખવું છે અને કંઈક નવું કરવું છે. આ બધું તમે પણ કરી શકો. સમય સુચકતા અને ક્રિએટિવિટી સાથે તમે ઘણું બધું કરી શકો. બસ મનમાં એક ધગશ હોવી જોઈએ કે મારે કૈક નવું શીખવું છે અને કંઈક નવું કરવું છે.

આ પણ વાંચો…..ફોક્સ : ક્યાં ગઇ કેનેડીની હત્યાની સાક્ષી રહસ્યમય ‘બાબુશ્કા’ લેડી..?

પાર્લા વેસ્ટમાં રહેતા 72 વર્ષીય રમીલા ગાલા કહે છે કે, તેઓ 25 વર્ષથી અથાણાં બનાવે છે. મને પહેલેથી ખૂબ જ શોખ હતો અથાણાં બનાવવાનો. પહેલા માત્ર હું પરિવાર માટે જ અથાણાં બનાવતી. જયારે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે મારો આગ્રહ હોય કે તેઓ પણ મારા બનાવેલા અથાણાં ચાખે. એક વખત મારા ભાભી ઉનાળામાં મારા ઘરે આવ્યાં હતાં ત્યારે મારું તાજું બનાવેલું અથાણું તેમને ચાખવા આપ્યું અને તેમને ખૂબ જ ભાવ્યું. એટલે મેં તેમને થોડું ઘરે લઇ જવા આપ્યું. તેમણે તેમના પાડોશીને ખવડાવ્યું અને તેમણે અથાણાંની માગણી કરી. ત્યારે મને વિચાર આવ્યો કે કે જો મારા અથાણાં સહુને આટલા ભાવે છે તો હું અથાણાં બનાવીને વેચું? ત્યારે એટલી હિંમત નહતી. એટલે મેં મારા પતિને પૂછ્યું કે આવું કઈ કરી શકાય? મારા પતિએ મને સાથ આપ્યો અને મેં અથાણાં વહેંચવાનું ચાલુ કર્યું. શોખ સાથે ઘરમાં થોડી આવક થશે એનો પણ વિચાર આવ્યો એટલે ક્યારેય પાછું વાળીને જોયું નથી. જયારે કોઈ ગમતા કામને વ્યવસાય બનાવી લઈએ ત્યારે કંટાળો કે થાક લાગતો નથી.

અથાણાં બનવવાની શરૂઆત ક્યારે કરો છો એ વાતનો જવાબ આપતા રમીલા બેન કહે છે કે, હોળી જાય પછી હું અથાણાં બનાવવાની શરૂઆત કરું છું. માર્કેટમાં મારો કેરીવાળો ભૈયો ફિક્સ જ છે. કેરી આવી નથી કે તેણે મારી પાસ બોણી કરાવી નથી.

જેટલી પણ મોંઘી કેરી હોય મારા ઘરે લાડવા કેરીની 21 કિલોની ગુણી આવી જ જાય. મારો એક સિદ્ધાંત છે કે, અથણામાં વપરાતો મારો માલ મોંઘો અને સારો હોવો જોઈએ. કોઈ ભેળસેળ મને પસંદ નથી. ગોળની32કિલોની ભીલી હું ખાસ બોમ્બેથી મંગાવું છું. સાકર પણ હું 32 કિલો એક સાથે લઇ આવું છું જેથી વારે વારે મસાલા લેવા જવું પડે નહિ.

રમીલા બેન આગળ જણાવતાં કહે છે કે, હું 4 ટાઈપના અથાણાં બનાવું છે, જેમકે , છુન્દો , ગોળકેરી , મિક્સ અને ખાટું કેરીનું અથાણું. 25 વર્ષ પહેલા જયારે મેં અથાણાં બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે મેં 5 કિલો થી કરી હતી. અત્યારે હું 150 થી 200 કિલો જેટલું અથાણું વેચું છું કોઈપણ જાહેરાત વગર માત્ર ને માત્ર માઉથ પબ્લિસિટીની મદદથી. મારું અથાણું કોઈ ખાય અને પાછું માગે નહિ એવું બને જ નહિં, આ આત્મવિશ્વાસ મને મારા પરિવારના સહયોગ અને વારંવાર આવતા જતા ઓર્ડરથી મળ્યો છે. મારું સૌથી લોકપ્રિય અથાણું એટલે મીઠું અથાણું કે જેમાં, કેરી, ગુંદા , ટીંડોરા અને ખારેક નાખું છું. ઘણા તો એમ જ કહે કે અમને ખારેકવાળું અથાણું આપો.

આજના સમયમાં બધાને કૈંક નવું જોઈએ છે પણ ઓથેન્ટીસીટી છોડવી નથી. ગમે તેટલો જમાનો આગળ કેમ નથી આવ્યો પણ થેપલા સાથે છુન્દો જ જોઈએ. આ વખતે સિઝનનો મેં ચોથી વાર છુન્દો કર્યો. છુન્દો તડકે લેવા મુકવા માટે મેં માણસ રાખ્યો છે. ગોળકેરીની ડિમાન્ડ પણ એટલી જ છે. આપણા ગુજરાતીઓના ઘર અથાણાં વગર અધૂરા. જેમકે ખીચડી સાથે કેરીનું ખાટું અથાણું જ જોઈએ. ચાર જાતના જ અથાણાં બનાવું છું. પણ જેટલા બનાવું તેટલા પૂરા થઇ જાય છે. મારા અથાણાં તો આઉટ ઓફ ઇન્ડિયા પણ જાય છે. મને તો જાન્યુઆરી મહિનાથી જ ઓર્ડર આવવા માંડે છે. મારા અથાણાંના પેકિંગ 1 કિલો અને 1/2 કિલોની પ્લાસ્ટિકની બરણીમાં પેક કેરીને રાખું છું .

આ પણ વાંચો…..ફોક્સ પ્લસ : રોજની કઈ ૮ આદત કિડનીને પહોંચાડે છે નુકસાન?

અથાણાની સાવચેતી કેવી રીતે રાખવી તે બદલ રમીલા બહેન કહે છે કે, મારા બનાવેલા અથાણાં તમે બારે માસ બહાર રાખી શકો, ભીની ચમચી નાખવી નહિ, અથાણાં લઈને બરણીનું ઢાંકણું સરખી રીતે બંધ કરવું. મારા અથાણાંની હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી. હું હંમેશાં સરખું રાયનું તેલ નાખું છું અને સાથે સાથે મેથીના , રાયના અને ધાણાના કુરિયા નાખું છે. મારો માલ હંમેશાં ચોખ્ખો વાપરું એવો જ મારો આગ્રહ હોય છે .

આ પરથી એ તારણ નીકળે કે, કામ અને ઉંમરને કોઈ નિસ્બત નથી. જો કૈંક કરી છૂટવાની કે કૈંક શીખવાની ધગશ હોય તો શોખને પણ વ્યવસાય બનાવી શકાય, મહિલા મલ્ટી ટાસ્કર છે. તમારી પાસે કોઈ એવી એક ખૂબી તો હશે જ કે તમેં તેને વ્યવસાયમાં બદલી શકો. જરૂર છે માત્ર પોતાનામાં ડૂબકી લગાવી પોતાની જાતને શોધવાની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button