ફોકસ પ્લસઃ ભારતીય રસોડાના સુગંધિત ધબકાર…

રાજકુમાર `દિનકર’
ભારતીય ગૃહિણીના રસોડાની શાન એટલે મસાલા. મસાલા જ ભોજનને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવે છે એટલેજ એમ કહી શકાય કે, ભારતીય રસોઈનું સૌંદર્ય તેના મસાલાઓમાં વસેલું છે. મસાલા માત્ર સ્વાદ જ વધારતા નથી, પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી પણ છે. આપણા રસોડામાં 20થી વધુ મુખ્ય મસાલા રોજિંદા ઉપયોગમાં લેતા હોઈએ છીએ જેમ કે જીરું, ધાણા, હળદર, લવિંગ, એલચી, તજ, મેથી, મરી, રાય, તલ, કસૂરી મેથી, હીંગ, કોથમીર બીજ, જાયફળ, જાવિત્રી, ગરમ મસાલો, લાલ મરચું, કાળા મરી તથા વિવિધ મિશ્ર મસાલાઓ.
દરેક મસાલાની સુગંધ, સ્વાદ અને ગુણધર્મ અલગ હોય છે, જે ખાણીપીણીને વિશેષ બનાવે છે. આ મસાલાઓને ધ્યાન રાખીને સાચવવા પણ પડે છે નહિ તો મસાલા જલદી ખરાબ થઇ જશે. જો યોગ્ય કાળજી ન લેવામાં આવે તો મસાલાની સોડમ અને તાજગી નથી રહેતી. ચાલો જાણીયે મસાલાની કાળજી કઈ રીતે કરી શકાય અને તેના ફાયદા શું છે ?
મસાલા કેવી રીતે સાચવવા?
મસાલાનું સાચું ભંડારણ તેના સ્વાદ અને ગુણોને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
- હવા ન ઘૂસી શકે તેવા એરટાઇટ ડબ્બામાં મસાલા રાખવા જોઈએ જેથી ભેજ અંદર ન જાય.
- સૂર્યપ્રકાશથી દૂર રાખવાથી તેના રંગ અને સુગંધ બગડતી નથી.
- પાઉડર મસાલા જેમ કે હળદર, લાલ મરચું, ધાણા પાવડર ને ઠંડકવાળી, સુકી જગ્યાએ રાખવા જોઈએ.
- આખા મસાલા (દાલચીની, લવિંગ, મરી વગેરે) પાઉડર કરતાં વધુ સમય ટકે છે, તેથી જરૂર હોય ત્યારે જ પીસવા.
- મસાલાના ડબ્બા વાપરતી વખતે હંમેશાં સૂકી ચમચીનો ઉપયોગ કરવો જોઈએ જેથી ભેજ ન ચડે.
- લાંબા સમય સુધી સ્ટોર કરતા મસાલા સાથે થોડાં મગફળીના દાણા અથવા સાકરનો ટુકડો રાખવાથી ભેજ શોષાઈ જાય છે.
- મસાલાને ફ્રિજમાં ન રાખવા. ફ્રિજમાં રાખવાથી મસાલામાં ભેજ લાગી જાય છે તેથી પાણી પાણી થઇ જાય છે.
- મસાલાને હંમેશાં પીસીને રાખવા એથી તે લાંબા સમય સુધી ટકી રહે છે અને તેમાં જીવાત થતી નથી. મસાલા પીસીને તેમાં લવિંગ નાખી દેવા જેથી તે જળવાઈ રહે.
- ઓરિગેનો, કસૂરી મેથી અને ફુદીનાના પાનને સૂકી જગ્યામાં રાખવા. ભીની જગ્યામાં રાખવાથી તેની ફ્રેશનેસ નહિ જળવાઈ…
મસાલાના ફાયદા
મસાલા માત્ર ભોજનનો સ્વાદ વધારતા નથી, પરંતુ સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે.
હળદર: પ્રાકૃતિક એન્ટી-ઈન્ફ્લેમેટરી, ચામડી અને રોગપ્રતિકારક શક્તિ માટે ઉત્તમ.
જીરું: પાચનક્રિયા સુધારે, ગેસ અને એસિડિટી ઘટાડે.
મરી: શરીરમાં ગરમાશનું સંચન કરે અને ઠંડી-ઉધરસમાં લાભદાયી.
લવિંગ: દાંતના દુખાવા, ગળાના ઈન્ફેક્શન માટે જૂનું ઘરેલું ઉપચાર
એલચી: મોઢાની દુર્ગંધ દૂર કરે અને પાચન સુધારે.
દાલચીની: શુગર કંટ્રોલમાં મદદરૂપ અને હૃદયના આરોગ્ય માટે સારી.
મેથી: બ્લડ શુગર નિયંત્રણ, પાચનમાં મદદ અને વાળ માટે લાભદાયી.
ભારતીય પરંપરામાં મસાલાઓને માત્ર સ્વાદનું સાધન નહીં, પરંતુ પ્રાકૃતિક ઔષધિ માનવામાં આવે છે. યોગ્ય રીતે સાચવેલા અને યોગ્ય માત્રામાં વપરાયેલા મસાલા આપણા આરોગ્યને સુધારે, રોગપ્રતિકારક શક્તિ વધારે અને દરેક ભોજનને વધુ વિશિષ્ટ બનાવે છે.



