તરોતાઝા

ફોકસઃ બાળકોને શુગર સ્માર્ટ બનાવો…

નીલમ અરોરા

તું તારૂ હોમવર્ક પૂરૂં કરી લઇશ, તો હું તને આઇસ્ક્રીમ લઈ દઇશ…
મમ્મી, તમે માર્કેટ જાઓ ત્યારે મારા માટે એક ચોકલેટ લઈ આવજો…
તું ઘરમાં એકલો રહીશને? તો હું તારા માટે ક્રીમ વાળા બિસ્કીટ લઈ આવીશ. ..

બાળકોને મીઠું ખવડાવવાના આવા અનેક બહાના આપણે પાસે હોય છે. સામાન્ય રીતે બર્થડે કેક પણ બાળકો માટે બહુ ભાવતી વસ્તુ છે. આપણે પેરેન્ટ્સ ઘણી વાર સમજી નથી શકતા કે આરોગ્ય માટે એનર્જી આપતો ગણપણયુક્ત ખોરાક ક્યારે તેમના માટે જોખમી બની જાય છે. વર્ષ 2024માં થયેલા એક અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે, બાળકોને ઓછી ખાંડ આપવાથી તેમનામાં ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે, કારણ કે નાની ઉંમરમાં વધારે ગળ્યું ખવડાવવામાં આવે તો તેમને સ્થૂળતા અને ફેટી લિવર જેવી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. બાળકો માટે તો મીઠાં પીણાં પણ તેમની પાચન પ્રક્રિયા પર ખરાબ અસર કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, પહેલાં આપણા દૈનિક કેલરી સેવનમાં ગળ્યા પદાર્થમાંથી મળતી કેલરીનું પ્રમાણ 10 ટકા સુધી યોગ્ય માનવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રમાણ ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે. એટલે કે, જો આપણે દરરોજ આપણા આહારમાં 2000 કેલરી લઈએ છીએ, તો આપણે પાંચ ચમચીથી વધુ ખાંડ ન લેવી જોઈએ. આ માત્રા બાળકો અને મોટા બંને માટે છે.

ડબ્લ્યુએચઓ એ એવું પણ સૂચન કર્યું છે કે જો બાળકોમાં મીઠામાંથી લેવાતી કેલરી પાંચ ટકા કરતાં પણ ઓછી રાખવામાં આવે, તો તેમને સ્થૂળતા અને દાંતની સમસ્યાથી રાહત મળી શકે છે. એટલે કે બે વર્ષની ઉંમર પછી બાળકોને દિવસમાં માત્ર બે થી ચાર ચમચી ખાંડ આપવી જોઈએ. તેમાં પણ બાળકો અને મોટા બંનેએ દૂધ અને ફળોમાંથી મળતી કુદરતી ખાંડ જ લેવી જોઈએ અને વધારાની મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

કુદરતી ખાંડનો અર્થ છે દૂધમાં રહેલો લેક્ટોઝ અને ફળોમાં રહેલો ફ્રુક્ટોઝ. ફળોમાંથી ફાઇબર, વિટામિન, ખનિજ અને કાર્બોહાઇડે્રટ મળે છે, જે ઘણી હદ સુધી કેલરીની ઉણપ પૂરી કરે છે. તેથી પેકેજ્ડ જ્યુસ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, બ્રેડ, બિસ્કિટ, સોસ અને હેલ્ધી માનવામાં આવતાં નાના બાળકોના સિરિયલ્સ, ફ્લેવર્ડ યોગર્ટ, ફ્લેવર્ડ મિલ્ક, ન્યુટ્રિશનલ અને એનર્જી ડ્રિંક્સ વગેરેમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોને ઘરની બહાર ખવડાવવા લઈ જાઓ ત્યારે અથવા લગ્ન-પાર્ટી જેવા પ્રસંગોમાં, ખાંડથી બનેલી વસ્તુઓના સેવન પર ખાસ નજર રાખવી જોઈએ.

આઇસ્ક્રીમનું સેવન પણ મહિનામાં માત્ર બે નાના સ્કૂપ સુધી સીમિત રાખવું જોઈએ. માતા-પિતા એ બાળકોને ચોકલેટ્સ, ડોનટ્સ અને મીઠાઇઓ દરરોજ ન આપવી જોઈએ, અઠવાડિયા માં એક કે બે વાર જ આપવી, કારણ કે વધારે ગણપણથી બાળકોમાં એનર્જી લેવલ અચાનક વધી જાય છે, જેના કારણે મૂડ સ્વિંગ, ચીડિયાપણું અને હાઇપરએક્ટિવિટી જેવા વિકારો થઈ શકે છે. બર્થડે પાર્ટીમાં જો બાળક કેક ખાવા માંગે, તો કેક સિવાયની બીજી મીઠી વસ્તુઓથી દૂર રહેવા માટે બાળકને સમજાવવું.

ભારતીય ભોજનમાં મીઠી વસ્તુઓની એટલી વિવિધતા છે કે રંગબેરંગી મીઠાઇઓ જોઈને બાળકોનું મન લલચાઈ જાય છે. આવા સમયે તેમને સ્વીટ્સથી દૂર રાખવા માટે માતા-પિતાએ ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ જો નાની ઉંમરથી જ તેમને શુગર સ્માર્ટ બનાવવામાં આવે, તો આવનારા જીવનમાં અનેક ગંભીર બીમારીઓના જોખમથી તેમને બચાવી શકાય છે.

કઈ ઉંમરે કેટલી ખાંડ આપવી

બાળકોને બે વર્ષની ઉંમર પહેલાં માતાના દૂધમાંથી મળતી કુદરતી મીઠાસ પૂરતી હોય છે. આ મીઠાસ લેક્ટોઝ દ્વારા મળે છે. જો બાળકને ઉપરનું દૂધ આપો અને શરૂઆતથી જ ખાંડ વગર દૂધ આપશો, તો આગળ જતા દાંતમાં કેવિટી જેવી સમસ્યાઓથી બચાવી શકાશે. 2 થી 18 વર્ષની ઉંમરના બાળકોને દિવસમાં 2 થી 4 ચમચી ખાંડ પૂરતી છે. 18 વર્ષ પછી દિવસમાં પાંચ ચમચીથી વધારે ખાંડ ન લેવી જોઈએ. શું તમને ખબર છે કે 330 મિલીલીટર કોલાની એક કેનમાં 7 થી 9 ચમચી ખાંડ હોય છે.

60 ગ્રામની એક મધ્યમ ચોકલેટ બ્રાઉનીના પીસમાં પાંચ થી સાત ચમચી ખાંડ હોય છે. 250 મિલીલીટર રેડીમેડ જ્યુસમાં પાંચ થી છ ચમચી ખાંડ હોય છે. જો તમે આ જ્યુસ ઘરે બનાવો તો ખાંડ ઓછી કરી શકો છો, પરંતુ પેકેજ્ડ જ્યુસમાં ફ્રુક્ટોઝ સાથે વધારાની ખાંડ પણ હોય છે, જે લોહીમાં શુગરનું સ્તર વધારે છે. 150 ગ્રામ ફ્લેવર્ડ યોગર્ટના એક કપમાં 4 થી 6 ચમચી સુધી ખાંડ હોય છે. ફળ, દૂધ, દહીં અને છાશમાં રહેલી ગળાશ કુદરતી હોય છે. જે ખાદ્ય પદાર્થોમાં અલગથી ખાંડ ઉમેરવામાં આવે છે, તે બાળકોના આરોગ્ય માટે વધુ જોખમી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button