ફાઈનાન્સના ફંડાઃ એસ્ટેટ પ્લાનિંગ ને વસિયતનામા વચ્ચે શું તફાવત?
તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ એસ્ટેટ પ્લાનિંગ ને વસિયતનામા વચ્ચે શું તફાવત?

મિતાલી મહેતા

આજકાલ આપણે વસિયતનામા વિશે વાત કરી…તેની સાથે જોડાયેલો એક વિષય એસ્ટેટ પ્લાનિંગનો છે. આજે તેની વાત કરીએ..

એક પેઢી બીજી પેઢીને પોતાની ઍસેટ્સની સોંપણી કરે એને એસ્ટેટ પ્લાનિંગ કહેવાય. ન કરે નારાયણ ને પોતે અક્ષમ બની જાય એ સંજોગોમાં અને પોતાનું મૃત્યુ થાય એ સ્થિતિમાં પોતાની એસ્ટેટના વહીવટ અને તેના નિકાલ માટેની વ્યવસ્થા એસ્ટેટ પ્લાનિંગની પ્રક્રિયામાં કરવામાં આવે છે.

એસ્ટેટ પ્લાનિંગ સ્વેચ્છાએ થતું કામ છે. મિલકત, કાર, નાણાકીય રોકાણો, વગેરે ઍસેટ્સ પોતાના ગયા પછી અથવા પોતે અક્ષમ બની જવાની સ્થિતિમાં કોને અને કેટલા પ્રમાણમાં આપવી એ નક્કી કરવાનું કામ એસ્ટેટ પ્લાનિંગ દ્વારા થાય છે.

અહીં નોંધવું ઘટે કે એસ્ટેટ પ્લાનિંગ એક જ વખતમાં થઈ જનારું કામ નથી. એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેની સમીક્ષા નિયમિત સમયાંતરે કરવાની હોય છે અને જીવનમાં અથવા દેશના કાયદાઓમાં થતા ફેરફારો અનુસાર તેમાં પરિવર્તન કરવું પડતું હોય છે.

વસિયતનામું-એસ્ટેટ પ્લાનિંગ વચ્ચે તફાવત
એસ્ટેટ પ્લાનિંગ વિશે વાત કરીએ ત્યારે સહજ રીતે વસિયતનામું યાદ આવી જાય. આથી અહીં એ બન્ને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવો જરૂરી છે. એ બન્નેનો ઉદ્દેશ્ય લગભગ સમાન છે, પરંતુ અર્થ વેગળા છે. વસિયતનામું એસ્ટેટ પ્લાનિંગનો જ એક ભાગ છે. આમ, એસ્ટેટ પ્લાનિંગ વસિયતનામું બનાવવા ઉપરાંત બીજી અનેક બાબતને આવરી લે છે.

એ બન્ને વચ્ચેનો મોટો તફાવત એ છે કે વસિયતનામું ટેસ્ટેટરના અવસાન પછી જ લાગુ પડે છે, જ્યારે એસ્ટેટ પ્લાનિંગ એના રચયિતાની હયાતિમાં પણ લાગુ પડી શકે છે. તેનું કારણ એ છે કે એસ્ટેટ પ્લાનિંગમાં વ્યક્તિ અક્ષમ થઈ જાય એ સ્થિતિને પણ આવરી લેવામાં આવે છે.

આમ વસિયતનામું એક કાનૂની દસ્તાવેજ છે, જ્યારે એસ્ટેટ પ્લાનમાં અનેક કાનૂની દસ્તાવેજો આવી જાય છે, જેમ કે ટ્રસ્ટ, ગિફ્ટ ડીડ, પાવર ઑફ ઍટર્ની, વગેરે. વસિયતનામામાં જે વસ્તુઓ આવરી લેવાઈ ન હોય એ બધી જ એસ્ટેટ પ્લાનમાં આવી જાય છે. વળી, એસ્ટેટ પ્લાનિંગ કાનૂની દસ્તાવેજો સિવાયની પણ અનેક બાબતોને આવરી લે છે.

એસ્ટેટ પ્લાનિંગ કરનાર વ્યક્તિ જીવંત હોય, પરંતુ શારીરિક રીતે અક્ષમ થઈ જાય ત્યારે એમના આરોગ્યને લગતા નિર્ણયો કોણ લેશે એ પણ પ્લાનમાં નક્કી કરેલું હોય છે. મૃત્યુ બાદ ઍસેટ્સની વહેંચણી કેવી રીતે થશે એ બાબત પણ તેમાં આવી જાય છે.

કોઈ વ્યક્તિ વસિયતનામું બનાવ્યા વગર અવસાન પામે તો…

જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય કોઈ વ્યક્તિ એમની મિલકતની વહેંચણી એમને લાગુ પડતા સક્સેશન લો એટલે કે વારસા કાયદાની જોગવાઈઓ મુજબ કરવામાં આવે છે.

ભારતમાં હિન્દુ, શીખ અને જૈન ધર્મના લોકોને હિન્દુ સક્સેશન ઍક્ટ, 1956 લાગુ પડે છે. મુસ્લિમોને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) ઍપ્લિકેશન ઍક્ટ, 1937 અને ખ્રિસ્તીઓ, પારસીઓ તથા યહૂદીઓને ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925 લાગુ પડે છે.

જ્યારે આ કાયદાઓ અનુસાર ઍસેટ્સની વહેંચણી કરવામાં આવે ત્યારે વ્યક્તિએ પોતાની રીતે કરી હોય એ પ્રમાણે વહેંચણી થતી નથી. આથી નાણાકીય આયોજન કરવામાં આવે ત્યારે એસ્ટેટ પ્લાનિંગ પણ કરી લેવું જોઈએ.

એસ્ટેટ પ્લાનિંગનો હેતુ

એસ્ટેટ પ્લાનિંગ કરવાનો હેતુ પોતાની ઈચ્છા મુજબ પરિવારજનોમાં મિલકતની વહેંચણી કરવાનો હોય છે. કાયદા મુજબ થાય એના કરતાં પોતાની ઈચ્છા અનુસાર વહેંચણી થાય એ કોઈને પણ વધારે ગમે. અહીં એસ્ટેટ પ્લાનિંગ કરવા પાછળના અમુક ઉદ્દેશ દર્શાવવામાં આવ્યા છે, જેમકે…

1) વાદવિવાદ ને વિલંબને ટાળવા માટે: ઍસેટ્સની વહેંચણી લાભાર્થીઓમાં કોઈ પણ વાદવિવાદ કે વિલંબ વગર કરી શકાય એ માટે વૈધ એસ્ટેટ પ્લાનિંગ આવશ્યક છે. તમારાં સ્વજનોનાં હિત એમાં સચવાઈ જાય છે. તમારી ગેરહાજરીમાં સ્વજનોએ કોઈ પણ રીતે સહન કરવું પડે નહીં એ સુનિશ્ચિત કરવા માટે એસ્ટેટ પ્લાનિંગ કરવામાં આવે છે. એ સારી રીતે થયું હોય તો પરિવારજનો વચ્ચે કોઈ મતભેદ કે કડવાશને અવકાશ રહેતો નથી.

2) પોતાની ઈચ્છા અનુસારની ફાળવણી કરવા માટે: તમે જાતે જ એસ્ટેટ પ્લાનિંગ કરી જાઓ તો કાયદો વચ્ચે લાવવો પડતો નથી. તમે પોતાને પસંદ હોય એ રીતે એસ્ટેટની વહેંચણી કરી શકો છો. જે વ્યક્તિ વિશ્વાસુ અને સક્ષમ હોય એને તમે પોતાના હાથે જ કારભાર સોંપતા હોય એ પ્રકારનું આ કાર્ય છે.

તમારા અવસાન પછી સંપત્તિની કાળજી કોણ લેશે, નાણાંનું સંચાલન કોણ કરશે અને બાકીના પરિવારજનોને કેટલા પ્રમાણમાં વહેંચણી કરવામાં આવશે એ બધું તમે જાતે જ નક્કી કરી શકો છો. કોઈને વધુ જરૂર છે એવું તમને લાગે તો તમે એમના માટે વધારે ફાળવણી કરી શકો છો.

3) કરવેરાની બચત કરવા માટે: એસ્ટેટ પ્લાનિંગ કરી દેવાથી તમારાં સ્વજનો વાદવિવાદથી બચી જવા ઉપરાંત કરવેરાની બચત પણ કરી શકે છે. એસ્ટેટના કરવેરાની આકારણી મૃતક વ્યક્તિ માટે થાય છે અને તેના આધારે જ ચુકવણી કરવાની હોય છે, જ્યારે કાયદા મુજબ વહેંચણી થાય ત્યારે ઇનહેરિટન્સ ટેક્સ લાગુ પડે છે અને તેની ચુકવણી લાભાર્થીઓએ કરવાની હોય છે.

એસ્ટેટ પ્લાનિંગ અનુસાર ઍસેટ્સની ટ્રાન્સફર થાય તો સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાંથી બચી જવાય છે. જોકે, અહીં નોંધવું ઘટે કે ભારતમાં હાલ એસ્ટેટ ટેક્સ અને ઇનહેરિટન્સ ટેક્સ લાગુ પડતા નથી. આવકવેરા ધારો કહે છે કે વસિયતનામા અનુસાર અથવા વારસામાં અથવા કરદાતાના મૃત્યુના સંજોગોમાં સ્થાવર કે જંગમ મિલકત પ્રાપ્ત થાય તો તેને કરવેરામાંથી મુક્ત ગણવામાં આવે છે.

જાણવા જેવું….

ભારતમાં 1985 પહેલાં ઇનહેરિટન્સ ટેક્સ લાગુ હતો. પહેલાંના દિવસોમાં હોલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીની રચના કરવેરા ભર્યા વગર એસ્ટેટ વારસદારોને મળે એવી પ્રોડક્ટ તરીકે જ કરવામાં આવી હતી. ઇનહેરિટન્સ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો એની પહેલાં મિલકતના મૂલ્યના 10થી 85 ટકા સુધીની રકમ જેટલો કરવેરો લાગુ થતો હતો.

આટલો મોટો કરવેરો ચૂકવવો ન પડે એ માટે લોકોએ હોલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનું શરૂ કર્યું હતું. લોકો આ પોલિસી દ્વારા પોતાનાં નાણાં વારસદારોને મળે એવી જોગવાઈ કરતા હતા.

વારસો આપવા માટેનો બીજો એક વિકલ્પ સંયુક્ત માલિકીનો છે. તમારી હયાતિમાં તમે આઇધર ઓર સર્વાઇવર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

એસ્ટેટ પ્લાનિંગ વિશેની વધુ કેટલીક વાતો હવે પછીના પખવાડિયે કરીશું….

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા: વસિયતનામું ક્યારે કાયદેસર ગણાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button