ફાઈનાન્સના ફંડાઃ પાવર ઑફ ઍટર્ની વિશે આ જરૂર જાણી લો… | મુંબઈ સમાચાર
તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ પાવર ઑફ ઍટર્ની વિશે આ જરૂર જાણી લો…

  • મિતાલી મહેતા

આ અગાઉ આપણે વસિયતનામું અને એસ્ટેટ પ્લાનિંગ વચ્ચેનો તફાવત જોયો અને તેને લગતી કેટલીક ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજે એસ્ટેટ પ્લાનિંગની કેટલીક રીત વિશે વિગતવાર વાત કરીએ, જેમકે…

એસ્ટેટ પ્લાનિંગનાં બે પાસાં હોય છે. એક, વહીવટી પાસું અને બે, નાણાકીય પાસું. વહીવટી પાસામાં અલગ અલગ પ્રકારની ડીડ તથા અન્ય દસ્તાવેજોનો અને અલગ અલગ સ્ટેમ્પ ડ્યૂટી તથા કરવેરાની ચુકવણીનો સમાવેશ થાય છે, જ્યારે નાણાકીય પાસામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને વારસાનું પ્લાનિંગ સામેલ હોય છે.

તેમાં વિવિધ ઍસેટ્સમાં કરાયેલા રોકાણની વહેંચણી, નોમિનેશન, વગેરેનો સમાવેશ થાય છે. એસ્ટેટ પ્લાનિંગ કરવા માટે વસિયતનામું, પ્રોબેટ, પાવર ઑફ ઍટર્ની, ટ્રસ્ટ અને ગિફ્ટ એ બધા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. વસિયત અને પ્રોબેટ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. આજે આપણે પાવર ઑફ ઍટર્નીની માહિતી મેળવીએ…

પાવર ઑફ ઍટર્ની

કોઈ એક વ્યક્તિની મિલકત, નાણાકીય બાબતો, તબીબી સેવા તથા અન્ય હેતુસર નિર્ણય લેવાનો બીજી નિયુક્ત વ્યક્તિને અધિકાર આપવામાં આવે એને ‘પાવર ઑફ ઍટર્ની’ કહે છે. પાવર ઑફ ઍટર્ની બનાવનાર વ્યક્તિને ‘પ્રિન્સિપાલ’ કહેવાય છે અને પ્રિન્સિપાલ પોતાના વતી નિર્ણયો લેવા માટે જેમની નિમણૂક કરે એમને ઍટર્ની ઇન ફેક્ટ/ઍજન્ટ કહેવાય છે.

એસ્ટેટ પ્લાનિંગમાં પાવર ઑફ ઍટર્નીનું ઘણું મહત્ત્વ હોય છે. જોકે, એના વિશે ગેરસમજો પણ ઘણી છે. બિઝનેસના અને બીજા કોમર્શિયલ વ્યવહારો વધતાં જાય ત્યારે તમારા વતી નિર્ણયો લેવા માટે બીજી કોઈ સક્ષમ વ્યક્તિ તૈયાર હોય એ અગત્યનું બની જાય છે. ઘણા લોકો પાવર ઑફ ઍટર્ની અને વિલ કે પ્રોબેટની ભેળસેળ કરી દેતા હોય છે.

વાસ્તવમાં પાવર ઑફ ઍટર્ની અને વિલ એ બન્ને અલગ અલગ દસ્તાવેજ છે. વસિયતનામું વ્યક્તિના મૃત્યુ પછી જ અમલી બને છે, જ્યારે પાવર ઑફ ઍટર્ની વ્યક્તિના જીવતે જીવ અમલમાં આવે છે. ટેક્નિકલી દૃષ્ટિએ જોઈએ તો, એ બન્ને વસ્તુઓ એકબીજાના વિકલ્પ નહીં, પણ એકબીજાની પૂરક છે.

ભારતમાં પાવર ઑફ ઍટર્ની

ભારતમાં પાવર ઑફ ઍટર્ની ઍક્ટ, 1882 હેઠળ પાવર ઑફ ઍટર્નીનું કામકાજ ચાલે છે. આ કાયદાની કલમ 1એ મુજબ પાવર ઑફ ઍટર્નીમાં કોઈ એક નિશ્ર્ચિત વ્યક્તિને આ દસ્તાવેજ બનાવનાર વ્યક્તિ વતી નિર્ણયો લેવાનો અધિકાર હોય છે.

પાવર ઑફ ઍટર્ની ઍક્ટ અને ઇન્ડિયન કોન્ટ્રેક્ટ ઍક્ટ, 1872 એ બન્ને અલગ અલગ છે, પરંતુ પાવર ઑફ ઍટર્નીના દસ્તાવેજના મૂળભૂત સિદ્ધાંતોને કારણે એને ઇન્ડિયન કોન્ટ્રેક્ટ ઍક્ટની અનેક જોગવાઈઓ લાગુ પડે છે.

પાવર ઑફ ઍટર્નીની જરૂર કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થા, બીમારી, અનુભવની કમી કે બીજા કોઈ કારણસર પોતાનાં અંગત, કાનૂની અને બિઝનેસનાં કામકાજ સંભાળવા સક્ષમ ન હોય એવા વખતે પાવર ઑફ ઍટર્ની કરાવવા વિશે વિચાર કરી શકાય. પોતાના વેપાર-ધંધા, રોજગાર, ઍસેટ્સ, વગેરેને લગતાં કામકાજ કરવા માટે તમને કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર પડે અને તમારા વતી કામ કરવા કોઈ વ્યક્તિ સક્ષમ હોય ત્યારે એમને પાવર ઑફ ઍટર્ની તરીકેના અધિકાર આપી શકો છો.

પાવર ઑફ ઍટર્નીના પ્રકાર

પાવર ઑફ ઍટર્નીના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે: જનરલ પાવર ઑફ ઍટર્ની, સ્પેશિયલ પાવર ઑફ ઍટર્ની અને ડ્યુરેબલ પાવર ઑફ ઍટર્ની.

જનરલ પાવર ઑફ ઍટર્ની:

જનરલ પાવર ઑફ ઍટર્નીમાં પ્રિન્સિપાલે પોતાના વતી અમુક કાર્યો કરવા માટે સર્વાધિકાર આપ્યા હોય છે. સર્વાધિકારનો અર્થ એ થાય છે કે પ્રિન્સિપાલે કોઈ મર્યાદિત પ્રમાણમાં નહીં, પરંતુ બધા પ્રકારના અધિકાર આપ્યા હોય છે. આવા સ્વરૂપના અધિકાર આપવા માટેનું લખાણ તૈયાર કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. એમાં કોઈ વિષય નિશ્ર્ચિત રીતે લખવો જોઈએ નહીં.

દાખલા તરીકે અંકિત પટેલની સંસ્થામાં મેનેજર તરીકે પ્રસાદ શાહ કામ કરે છે. પટેલે શાહને પોતાની બિઝનેસ ચલાવવા માટેના જનરલ પાવર ઑફ ઍટર્ની આપ્યા છે. કંપનીના સરળ વહીવટ માટે શાહને કોઈ પણ કામ કરવા માટેનો અધિકાર હોય છે. તેમાં બેન્ક અકાઉન્ટ ખોલાવવાથી માંડીને બિઝનેસના તમામ વ્યવહારો માટેનાં પેમેન્ટ કરવાનો સમાવેશ થાય છે.

સ્પેશિયલ પાવર ઑફ ઍટર્ની:

આ પ્રકારમાં ઍજન્ટની નિમણૂક કરવાનું લખવાની સાથે સાથે એમને કયા કામનો કેટલો અધિકાર છે એની પણ નોંધ કરવામાં આવે છે. પ્રિન્સિપાલે નક્કી કરેલાં નિશ્ર્ચિત કાનૂની કે નાણાકીય નિર્ણયો લેવા માટે નિશ્ર્ચિત અધિકાર આપવામાં આવે છે, જેમકે કોઈ એક પ્રોપર્ટીનું વેચાણ કરીને એનું ટાઇટલ થર્ડ પાર્ટીને કન્વીન કરવાના નિશ્ચિત કાર્ય માટે આપવામાં આવતો પાવર ઑફ ઍટર્ની. પ્રોપર્ટી વેચાઈને એનું કન્વેયન્સ થઈ જાય એટલે એ પાવર ઑફ ઍટર્ની આપોઆપ ખતમ થઈ જાય છે.

પ્રિન્સિપાલ આવાં અલગ અલગ કાર્યો માટે અલગ અલગ પાવર ઑફ ઍટર્ની બનાવી શકે છે અથવા એક જ ઍજન્ટને અલગ અલગ કાર્યો કરવા માટેનો અધિકાર આપવા એક અથવા વધુ પાવર ઑફ ઍટર્ની બનાવી શકે છે.

અલગ અલગ કોન્ટ્રેક્ટ કરવા, પર્સનલ પ્રોપર્ટીના વ્યવહારો કરવા, નાણાકીય અને કરવેરાને લગતી બાબતોનો વહીવટ કરવો, પોતાના ઘર અને આરોગ્ય સેવા બાબતેની અલગ અલગ ફરજો બજાવવી, વગેરે જેવાં કાર્યો માટે એક અથવા વધુ પાવર ઑફ ઍટર્ની બનાવી શકાય છે.

ડ્યુરેબલ પાવર ઑફ ઍટર્ની:

ડ્યુરેબલ શબ્દ પરથી જ ખયાલ આવે છે કે આ પાવર ઑફ ઍટર્ની લાંબા ગાળા માટેનો હોય છે. જો પ્રિન્સિપાલના મૃત્યુ પહેલાં રદ કરવામાં આવે નહીં તો એ એમના મૃત્યુ સુધી લાગુ રહે છે. પ્રિન્સિપાલ શારીરિક રીતે અક્ષમ થઈ જાય તોપણ એમના મૃત્યુ સુધી આ પાવર ઑફ ઍટર્ની લાગુ રહે છે. જોકે, પ્રિન્સિપાલ માનસિક રીતે અક્ષમ થઈ જાય તો આ પાવર ઑફ ઍટર્ની રદ થઈ જાય છે.

આપણ વાંચો:  આપણું FII કોણ કહેવાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button