તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ NRI માટે પાવર ઑફ ઍટર્નીનું કેટલું મહત્ત્વ?

  • મિતાલી મહેતા

આપણે કાનૂની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ એટલે કે પાવર ઑફ ઍટર્ની વિશે વાત કરી રહ્યા છીએ. આ દસ્તાવેજને લગતી કાનૂની આવશ્યકતાઓ, ઍટર્ની ઇન ફેક્ટની મર્યાદાઓ તથા અધિકારો અને તેના વિશેના બીજા કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ. આજે આપણે NRI એટલે કે બિનરહીશ ભારતીયો માટે આ દસ્તાવેજ કેવી રીતે મહત્ત્વનો છે એની વાત કરીશું.

ફક્ત ભારતની અંદર જ નહીં, વિદેશમાં રહેતા ભારતીયો માટે પણ પાવર ઑફ ઍટર્નીનું ઘણું મહત્ત્વ છે. વિદેશમાં રહીને ભારતમાં ઍસેટ્સનો વહીવટ કરાવવાનું સામાન્ય સંજોગોમાં મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં પાવર ઑફ ઍટર્ની ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.

બીજું, ક્યારેક દેશના અલગ અલગ ભાગોમાં ઍસેટ્સ પથરાયેલી હોય અને બધે પહોંચી વળવાનું શક્ય ન હોય ત્યારે બિનરહીશ ભારતીયોને આ દસ્તાવેજ બનાવવાનું ઘણું ઉપયોગી થઈ પડે છે. બિનરહીશ ભારતીયો એક અથવા વધુ ઍજન્ટોને પાવર ઑફ ઍટર્ની આપી શકે છે. ઍજન્ટોને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં રિયલ એસ્ટેટનું વેચાણ કરવું, એ લીઝ પર આપવી અથવા મોર્ગેજ કરવી, એ બધાનો સમાવેશ થાય છે.

બેન્કો અને વીમા કંપનીઓ સાથેનાં કામકાજ પણ નિયુક્ત કરેલા એજન્ટ કરી શકે છે. બિનરહીશ ભારતીય ભારતમાં આવે ત્યારે આવી પાવર ઑફ ઍટર્ની કરાવવી જોઈએ. પોતે ભારતીય ભારતમાં હાજર હોય ત્યારે એ જાતે પાવર ઑફ ઍટર્ની બનાવડાવી શકે છે.

તેના માટે એમણે સૌથી પહેલાં પાવર ઑફ ઍટર્નીનો વિષય નક્કી કરવાનો રહે છે. તેના આધારે દસ્તાવેજનો મુદ્દો બનાવીને પૂરતી રકમના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર એ ઉતારવો પડે છે. ત્યાર બાદ કાનૂની પ્રતિનિધિઓને તથા બે સાક્ષીને લઈને સબ-રજિસ્ટ્રારની ઑફિસે જઈને એ પાવર ઑફ ઍટર્ની રજિસ્ટર કરાવી શકે છે. આ વખતે દરેક વ્યક્તિએ પોતાની પાસે વૈધ ઓળખપત્ર રાખવું જરૂરી હોય છે.

સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં ગયેલી વ્યક્તિઓની સહી કરાવવી, તસવીરો લેવી અને ફિંગરપ્રિન્ટ લેવી, વગેરે ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવે છે. પાવર ઑફ ઍટર્નીના રજિસ્ટ્રેશન માટે આવશ્યક ફીની ચુકવણી પણ ત્યાં કરવાની હોય છે.

આ ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ તમે પાવર ઑફ ઍટર્નીની રજિસ્ટર્ડ કોપી સબ-રજિસ્ટ્રારની ઑફિસમાંથી કહ્યું હોય એ તારીખે જઈને લાવી શકો છો. સામાન્ય રીતે પાવર ઑફ ઍટર્નીનું રજિસ્ટ્રેશન કરવામાં બેથી ત્રણ કામકાજી દિવસ જેટલો સમય નીકળી જાય છે.

હવે ધારી લો કે બિનરહીશ ભારતીય ભારતમાં ન હોય ત્યારે પાવર ઑફ ઍટર્ની કરાવવી હોય તો?

તમે બિનરહીશ ભારતીય છો અને નજીકના ભવિષ્યમાં ભારત આવો એવી શક્યતા ઓછી હોય તો પણ તમે જે દેશમાં વસવાટ કરતા હો એ દેશમાંની ભારતીય કોન્સ્યુલેટ અર્થાત્ રાજદૂતાવાસ મારફતે ભારતમાં પાવર ઑફ ઍટર્ની કરાવી શકો છો.

ભારતની બહાર રહીને પાવર ઑફ ઍટર્ની કરાવવાના બે રસ્તા છે:

લીગલાઇઝેશન:

જે નોટરી કે ન્યાયમૂર્તિની સામે પાવર ઑફ ઍટર્ની કરાવવામાં આવી હોય એમની સહીને ભારતીય રાજદૂતાવાસના અધિકૃત પ્રતિનિધિ પાસે ઑથેન્ટિકેટ કરાવવાની હોય છે. ડિપ્લોમેટિક ઍન્ડ ક્ધસ્યુલર ઑફિસર્સ (ઓથ્સ ઍન્ડ ફીસ) ઍક્ટ, 1948ની કલમ 3 મુજબ આવી રીતે ઑથેન્ટિકેટ કરાવાયેલી નોટરીને જ વૈધ નોટરી ગણવામાં આવે છે.

આવી પાવર ઑફ ઍટર્ની કરતી વખતે એના પર સ્ટેમ્પિંગની જરૂર પડતી નથી. જોકે, ભારતમાં એની પ્રાપ્તિ થયાના ત્રણ મહિનાની અંદર સ્ટેમ્પિંગ કરાવવું જરૂરી બને છે. ઇન્ડિયન સ્ટેમ્પ ઍક્ટ, 1899ના પરિચ્છેદ 1 સાથે કલમ 2(17)ને ધ્યાનમાં લેતાં એને સ્ટેમ્પ ડ્યૂટી લાગુ પડે છે. ભારતમાં રજિસ્ટ્રેશન કરાવતી વખતે આ ડ્યૂટી ભરવાની હોય છે.

અપોસ્ટિલાઇઝેશન:

આ એક પ્રકારનું એટેસ્ટેશન છે, જેની મદદથી અમુક નિર્ધારિત સ્વરૂપમાં હોય એ દસ્તાવેજો હેગ ક્ધવેન્શન, 1961નો હિસ્સો હોય એવા તમામ દેશમાં સ્વીકાર્ય બને છે. આ પ્રક્રિયાને ‘સુપર-લીગલાઇઝેશન’ પણ કહે છે. અપોસ્ટિલ સર્ટિફિકેટ દસ્તાવેજ પર સહી/સિક્કા કરીને એને ઑથેન્ટિકેટ કરે છે અને એને પુષ્ટિ આપે છે. જોકે, જે કરાર/ખત કરવામાં આવ્યો હોય એ ઇન્ડિયન રજિસ્ટ્રેશન ઍક્ટ, 1908 અને પાવર ઑફ ઍટર્ની ઍક્ટ, 1882 જેવા ભારતીય કાયદા મુજબ પણ હોવો જોઈએ. તેના માટે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવવી પડે છે.

પ્રોપર્ટીના માલિકો એક કરતાં વધારે હોય એ સંજોગોમાં પાવર ઑફ ઍટર્ની કોઈ પ્રોપર્ટીમાં એક કરતાં વધુ માલિકો હોય ત્યારે બધા માલિકો કોઈ વ્યવહાર કરવા માટે એક જ સમયે, એક જ સ્થળે ભેગા થાય એવું ઘણું મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં એક વ્યક્તિને પાવર ઑફ ઍટર્ની આપી દેવાથી કામ સહેલું બને છે. આ પાવર ઑફ ઍટર્નીની મદદથી ઍજન્ટ એકલા હાથે તમામ માલિકો વતી વ્યવહાર પૂરો કરી શકે છે.

આપણ વાંચો:  MY AGM – My Annual Goal (Planning) Meeting….

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button