ફાઈનાન્સના ફંડા : હાઇન્ડસાઇટ બાયસ `મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…' | મુંબઈ સમાચાર

ફાઈનાન્સના ફંડા : હાઇન્ડસાઇટ બાયસ `મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…’

  • મિતાલી મહેતા બિહેવિયરલ ફાઇનાન્સ વિષયમાં અગાઉ એન્કરિગ બાયસ અને ક્નફર્મેશન બાયસ વિશે વાત કર્યા બાદ આજે આપણે `હાઇન્ડસાઇટ બાયસ’ વિશે વાત કરીશું.

ગુજરાતીમાં એક ઉક્તિ છે : વિધવા થયા પછીનું ડહાપણ' અર્થાત્‌‍ કોઈ ઘટના બની ગયા પછી કે પરિસ્થિતિ સર્જાયા બાદ માણસને વાસ્તવિકતા સમજાય છે. અંગ્રેજીમાં એનેહાઇન્ડસાઇટ’ કહે છે.

બિહેવિયરલ ફાઇનાન્સ વિષયમાં આ હાઇન્ડસાઇટ બાયસ' નામે એક પૂર્વગ્રહ જાણીતો છે. હાઇન્ડસાઇટ બાયસમાં એમ કહેવાનું તાત્પર્ય છે કે લોકો અમુક પરિણામ આવશે એવું અનુમાન કરવાની પોતાની ક્ષમતા વિશે વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે, જેમકેમને તો પહેલેથી ખબર હતી કે આવું થશે’ અથવા `હું તો પહેલેથી જ કહેતો હતો…’ એવાં વિધાન આપણને અવારનવાર સાંભળવા મળતાં હોય છે તેની પાછળ હાઇન્ડસાઇટ બાયસ જવાબદાર હોય છે.

કદાચ ક્યારેક પરિણામ વિશે અનુમાન લગાડી શકાય, પરંતુ ચોક્કસ શું થવાનું છે એ કોઈ જ જાણતું નથી.આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ…

લગભગ દરેક વ્યક્તિએ સુપ્રસિદ્ધ ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ત્રાદમસ વિશે સાંભળ્યું જ હોય છે. એમણે કરેલી અનેક ભવિષ્યવાણીની વાતો પણ પ્રખ્યાત છે. એમણે લંડનમાં લાગનારી પ્રચંડ આગ, ફ્રાન્સની ક્રાંતિ, હિરોશિમા અને નાગાસાકી પરના અણુબોમ્બના ધડાકા જેવા કેટલાંક બનાવોની આગાહી કરી હોવાનું કહેવાય છે. આજે પણ કોઈ મોટી કણાંતિકા સર્જાય ત્યારે લોકો એને નોસ્ત્રાદમસની આગાહી ગણાવી દેતા હોય છે. આમ છતાં, કોઈ વ્યક્તિ પહેલેથી કહેતી નથી કે અમુક ઘટના આ વખતે બનવાની છે. ઘટના બની ગયા પછી એને આગાહીઓ સાથે સાંકળી દેવામાં આવે છે.

હવે બીજું ઉદાહરણ લઈએ: મારા માટે તો આ શર્ટ લકી છે...' કેમારા માટે આ રંગ લકી છે….’ એવું પણ ઘણી વાર ઘણા લોકોના મોંઢે સાંભળવા મળે છે. આથી જ એ લોકો પોતાનું લકી શર્ટ પહેરીને અથવા લકી રંગની વસ્તુ લઈને પરીક્ષા આપવા જાય છે. ક્યારેક જો એવું શક્ય બને નહીં તો મનમાં ખટકો રહી જાય. હકીકતમાં, પરીક્ષાના માર્ક્સ દરેક વ્યક્તિના લકી રંગના આધારે જ મળતા હોત તો અત્યારે કોઈ વ્યક્તિ નાપાસ થતી જ ન હોત.!

વિશ્વભરમાં કોરોના વાઈરસ ફેલાયો ત્યારે વૈશ્વિક સ્તરે શેરબજારોમાં મોટો ઘટાડો થયો હતો. એ વલણ જોઈને મોટાભાગના લોકોએ આગાહી કરી કે ભારતીય શેરબજારમાં પણ કડાકો બોલાશે. ભારતમાં કોવિડના દરદીઓની સંખ્યામાં ઝડપી વધારો થવાને પગલે લોકડાઉન લાગું કરાયું ત્યારે શેરબજાર પડ્યું પણ ખં. એ જોઈને લોકો પોતાના દાવાને સાચો ગણાવવા લાગ્યા, પરંતુ હકીકત એ પણ છે કે બજાર થોડા જ વખતમાં એટલું બધું વધી ગયું કે ઘણા લોકોએ એમાં ભરપૂર કમાણી પણ કરી લીધી. બજાર નવી ઉંચાઈએ પણ પહોંચી ગયું. બજાર ઉપર ગયું ત્યારે બીજા લોકો કહેવા લાગ્યાઅમે તો પહેલેથી જ કહ્યું હતું કે બજાર ઊંચે ચડશે…!’

આ પણ વાંચો:ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં કન્ફર્મેશન બાયસ એટલે શું?

શેરબજાર ઉપર-નીચે થાય એ તો એનો ક્રમ છે. આથી બજાર નીચે જશે અથવા ઉપર જશે એવું કહેનાર વ્યક્તિ એક વખત તો સાચી પડે જ છે. જોકે, ચોક્કસ કયા દિવસે ઉપર જશે અને કયા દિવસે નીચે જશે એની ભવિષ્યવાણી કોઈ કરી શકતું નથી.

હાઇન્ડસાઇટ બાયસથી કેવી રીતે છૂટકારો મેળવવો?

1) ભવિષ્ય વિશે ચોક્કસ આગાહી કરવાનું શક્ય નથી. પોતાની ભવિષ્યવાણી સાચી પડશે એવું જો તમને લાગતું હોય તો એ જ વખતે તમે કરેલી ભવિષ્યવાણીથી વિપરીત ભવિષ્યવાણી કરનાર વ્યક્તિને પણ એવું જ લાગતું હોય છે.
તમારા બન્નેમાંથી કોઈક તો ખોટું પડવાનું જ છે.

2) તમારા વિચારોના આધારે નહીં, પણ આંકડાઓના આધારે નક્કી કરો કે શું બની શકે છે.

3) જો તમે કોઈ આગાહી કરો અને એ સાચી પડે તો તેના આધારે બાકીની વસ્તુઓમાં ફેરફાર કરવા લાગી જવું નહીં.
તમે અથવા સામેવાળી વ્યક્તિ સાચી પડે એવી 50-50 ટકા શક્યતા હંમેશાં રહેતી જ હોય છે. ક્યારેક તમે સાચા પડો, ક્યારેક બીજો માણસ સાચો પડે.

4) કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં એની કાર્યયોજના તૈયાર હોવી જોઈએ. તમારાં કાર્યના સંભવિત પરિણામ વિશે અંદાજ બાંધવા માટે આંકડાઓનો અથવા નિષ્ણાતની સલાહનો આધાર લેવો. આ રીતે તમે ભવિષ્યવાણી કરવાના પોતાના આડેધડ વિચારોને કાબૂમાં રાખી શકશો.

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં… એન્કરિંગ બાયસ એ મોટો પૂર્વગ્રહ છે!

Back to top button