
- મિતાલી મહેતા
જેમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડતું નથી એવા વ્યક્તિગત કરદાતાઓ માટે કરવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે 31મી જુલાઈ હોય છે (જે આ વર્ષ માટે 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે). જેમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડતું હોય છે એમના માટેની છેલ્લી તારીખ 31મી ઑક્ટોબર છે. આ તારીખો દર વર્ષે લગભગ સમાન હોવા છતાં લોકો પહેલેથી તૈયારીઓ કરતા નથી અને છેલ્લી ઘડીએ રિટર્ન ફાઇલ કરાવવા માટે દોડાદોડ કરતા હોય છે.
આવા સમયે આવક વેરાનું રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો તેને પગલે આવક વેરા ખાતું દંડ કરી શકે છે અથવા તો ટૅક્સ નોટિસ મોકલી શકે છે. સામાન્ય રીતે જોવા મળતી ભૂલ તરફ વાંચકોનું ધ્યાન દોરવા માટે આ લેખ વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
એસેસમેન્ટ વર્ષની પસંદગીમાં ભૂલ:
આવક વેરાનું રિટર્ન ભરતી વખતે અથવા કરવેરા કે વ્યાજ કે દંડ ભરતી વખતે લોકો એસેસમેન્ટ વર્ષ ખોટું પસંદ કરી લેતા હોય છે. આવક જે વર્ષની હોય એને નાણાકીય વર્ષ કહેવાય અને જે વર્ષે એ આવક પરના કરવેરાની આકારણી થાય એને એસેસમેન્ટ વર્ષ કહેવાય છે. 31 જુલાઈ, 2025 (હવે 15 સપ્ટેમ્બર, 2025) સુધીમાં રિટર્ન ભરવા માટેનું નાણાકીય વર્ષ 1 એપ્રિલ, 2024થી 31 માર્ચ, 2025 સુધીનું છે અને એસેસમેન્ટ વર્ષ 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 સુધીનું છે. અહીં ઘણા લોકો ભૂલ કરી બેસે છે માટે એસેસમેન્ટ વર્ષની પસંદગી કરવામાં ધ્યાન રાખવું આવશ્યક છે.
આવકવેરાના રિટર્નના ફોર્મની પસંદગીમાં ભૂલ:
આવક વેરાના રિટર્નનાં અલગ અલગ ફોર્મ અલગ અલગ પ્રકારની આવક ધરાવતા લોકો માટે હોય છે. દાખલા તરીકે જે રહેવાસી ભારતીય નાગરિકોની કુલ આવક 50 લાખ રૂપિયા સુધીની હોય અને આવકમાં પગારની આવક, એક ઘર દ્વારા થતી આવક, અન્ય સ્રોતોમાંથી થતી આવક તથા કૃષિની આવક સામેલ હોય એમણે ‘આઇટીઆર 1’ નામનું રિટર્ન ભરવાનું હોય છે. ઉપરોકત જણાવ્યું એ આવક ઉપરાંત કેપિટલ ગેનની આવક પણ હોય તો ‘આઇટીઆર 1’ને બદલે ‘આઇટીઆર 2’ નામનું ફોર્મ ભરવું પડે છે.
જે વ્યક્તિઓ અને એચયુએફ (હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી)ને બિઝનેસ કે પ્રોફેશનના નફા કે લાભની આવક થતી હોય એમણે ‘આઇટીઆર 3’ ફોર્મ ભરવાનું હોય છે.
જો તમે ખોટું ફોર્મ ભર્યું હોય તો આવક વેરા અધિકારી એ રિટર્નને ડિફેક્ટિવ (ખામીભર્યું) ગણાવે છે. આ સ્થિતિમાં કરદાતાએ આવક વેરા ખાતા પાસેથી મળેલી નોટિસમાં જણાવાયેલી સમયમર્યાદામાં સુધારેલું રિટર્ન ભરવું પડે છે.
વ્યક્તિગત માહિતી આપવામાં થતી ભૂલ:
આવક વેરાનું રિટર્ન ભરતી વખતે વ્યક્તિગત માહિતી પણ સાચેસાચી આપવાની હોય છે. રિટર્નમાં પેન નંબર, ઈ-મેઇલ આઇડી, વ્યક્તિગત કરદાતા હોય તો જન્મતારીખ અને બિઝનેસ હોય તો બિઝનેસ સ્થાપ્યાની તારીખ, બૅન્ક અકાઉન્ટની વિગતો, આઇએફએસસી, એ બધી માહિતી સાચી હોવી જરૂરી છે. પ્રથમ દૃષ્ટિએ ગંભીર નહીં લાગતી આ ભૂલોને લીધે રિફંડ મળવામાં વિલંબ થઈ શકે છે- કરવેરાના સત્તાવાળાઓ રિટર્નને અમાન્ય કરી શકે છે અને દંડ કે વ્યાજ પણ લાગુ પડી શકે છે. દાખલા તરીકે બેન્ક અકાઉન્ટની માહિતીમાં ભૂલ હોય તો રિફંડ એમાં જમા થઈ શકતું નથી.
બધા જ પ્રકારની આવક જાહેર નહીં કરવાની ભૂલ:
રિટર્નમાં બધા જ પ્રકારની એટલે કે બધા જ સ્રોતમાંથી મળેલી આવકની માહિતી જણાવવી જરૂરી છે. પગારદાર વ્યક્તિને જો પ્રોપર્ટીની ભાડાની આવક આવતી હોય, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ મળતું હોય કે ઈક્વિટી શેર પર ડિવિડંડ મળ્યું હોય તો એ બધાની નોંધ રિટર્નમાં કરવાની હોય છે. ઘણા કરદાતાઓ એવું ધારી લે છે કે એક્ઝેમ્પ્ટ આવકની નોંધ રિટર્નમાં કરવાની ન હોય, પરંતુ હકીકતમાં દરેક આવકની નોંધ રિટર્નમાં કરવાની હોય છે.
ફોર્મ 26એએસમાં દેખાતી વિગતોની ચકાસણી નહીં કરવાની ભૂલ :
આવક વેરાનું રિટર્ન ભરતાં પહેલાં કરદાતાએ પોતાનું ફોર્મ 26એએસ ડાઉનલોડ કરી લેવું જોઈએ. આ ફોર્મમાં કરદાતાની આવક, તેના પર કપાયેલો ટીડીએસ, ઍડવાન્સ ટૅક્સ અને/અથવા સેલ્ફ એસેસમેન્ટ ટૅક્સ એ બધાની નોંધ હોય છે. પગારદાર કરદાતાએ માલિક પાસેથી મળેલા ફોર્મ 16 અને ફોર્મ 26એએસમાં દેખાતી માહિતી એ બન્નેને સરખાવીને ક્યાંય કોઈ ભૂલ હોય તો આવશ્યક ફેરફાર કરાવી લેવો જોઈએ.
આપણ વાંચો: આરોગ્ય પ્લસ : નિરોગી જીવનના ત્રણ સ્થંભ…
રિટર્ન ભરી લીધા બાદ એનું વેરિફિકેશન નહીં કરાવવાની ભૂલ:
અહીં ખાસ જણાવવાનું કે આવક વેરા રિટર્ન ભરી લેવાથી કામ પતી જતું નથી. એનું વેરિફિકેશન કરાવવાનું હોય છે. કરદાતાને રિટર્ન વેરિફાય કરાવવા માટે રિટર્ન ફાઇલ કર્યા બાદના 120 દિવસનો સમય આપવામાં આવે છે. વેરિફિકેશન કરાવવાના વિકલ્પ આ પ્રમાણે છે:
1) આધાર ઓટીપી મારફતે ઈ-વેરિફિકેશન
2) ઇન્ટરનેટ બૅન્કિંગ સર્વિસીસ મારફતે ઈ-વેરિફિકેશન
3) ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મારફતે ઈ-વેરિફિકેશન
4) આવક વેરા રિટર્નનું જે એક્નોલેજમેન્ટ મળ્યું હોય એની ફિઝિકલ કોપી બેંગલૂરુના સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં મોકલવી.
આશા છે કે આ સાથેની માહિતી આ વખતનું તથા હવે પછીનાં વર્ષનાં રિટર્ન ભરતી વખતે તમને ઉપયોગી નીવડશે…..