એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી

- ભરત ભારદ્વાજ
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી આઠ ટેસ્ટમાંથી ભારત સાત હાર્યું હતું અને એક મેચ ડ્રો રહી હતી તેથી ભારતની જીતની કોઈને આશા નહોતી પણ શુભમન ગિલની યુવા ટીમે બીજી ટીમો નહોતી કરી શકી એ કરીને ઈતિહાસ રચી દીધો. 58 વર્ષમાં બર્મિંગગમમાં પોતાનો પહેલો વિજય નોંધાવીને ભારતે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર તો કરી જ પણ પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટો વિજય પણ મેળવ્યો. ભારતે અગાઉ 1986માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે 279 રને મેળવેલી જીત રનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી જીત હતી. હવે બર્મિંગગમની જીત અત્યાર સુધીની સૌથી મોટી જીત બની છે.
ભારતની જીત એ રીતે મહત્ત્વની છે કે, ભારત એકદમ તરોતાજા અને યુવા ખેલાડીઓની બની ટીમની તાકાત પર જીત્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્ત થયા પછી ભારતીય બેટિંગનું શું થશે એવા નિસાસા નખાતા હતા પણ શુભમન ગિલ, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે, કોઈના વિના કશું અટકતું નથી. વિરાટ અને રોહિત હતા ત્યારે નહોતી મળી એવી જબરદસ્ત જીત ભારતે મેળવી છે. રોહિત અને વિરાટ જતાં ઝાડ પડ્યું ને જગા થઈ એવી હાલત છે.
બર્મિંગગમની જીત એ રીતે પણ મહત્ત્વની છે કે ભારતે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડને પછાડ્યું છે. બુમરાહ ભારતીય બોલિંગનો કર્ણધાર છે અને અત્યારે જ નહીં પણ ભારતીય ક્રિકેટ ઈતિહાસના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે તેમાં બેમત નથી. છેલ્લા કેટલાંક વરસોથી તો વિદેશની ધરતી પર બુમરાહ જ ભારતને જીતાડતો રહ્યો છે પણ આ વખતે બુમરાહની ગેરહાજરીમાં ભારત જીત્યું એ મોટી વાત છે. ભારત માટે આ સારો સંકેત છે કેમ કે બુમરાહ વિના ભારત જીતી શકે તો બૂમરાહ હોય તો ભારત વર્લ્ડ ચેમ્પિયન પણ બની શકે.
ભારતીયોની માનસિકતા ટીમ સ્પિરિટની નહીં પણ વ્યક્તિગત જશ ખાટવાની ને આપવાની છે. બર્મિંગગમની જીતમાં પણ એ જ માનસિકતા બતાવીને શુભમન ગિલને હીરો બનાવીને સૌ તેના પર વરસી રહ્યા છે પણ આ જીત માત્ર શુભમન ગિલની નથી.
બીજી ટેસ્ટમાં ગિલે જોરદાર રમત બતાવી અને બધા ઇંગ્લિશ બોલરો ગિલ સામે લાચાર થઈ ગયા તેમાં બેમત નથી. ગિલે પહેલી ઇનિંગમાં 387 બોલમાં 269 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં વધુ આક્રમક બેટિંગ કરીને 162 બોલમાં 161 રન બનાવ્યા.
ગિલે મેચમાં 43 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા એ જોતાં 238 રન તો બાઉન્ડ્રીથી જ કર્યા છે. ટેસ્ટ મેચના હિસાબે આ આક્રમક બેટિંગ કહેવાય તેથી ગિલને વખાણવો જ પડે. એક ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ને કુલ મળીને 430 રન ખડકવા એ નાની વાત નથી જ તેથી ગિલ ભારતની જીતનો હીરો છે જ પણ ગિલને ટીમના બીજા ખેલાડીઓનો પણ એવો જ સાથ મળ્યો એ ના ભૂલવું જોઈએ.
નીતિશ કુમાર રેડ્ડી બંને ઈનિંગ્સમાં ના ચાલ્યો પણ એ સિવાયના બધા ખેલાડીઓએ કંઈ ને કંઈ યોગદાન આપ્યું જ છે. રવિન્દ્ર જાડેજાએ બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારીને ભારતને મોટો સ્કોર ખડકવામાં મદદ કરેલી. યશસ્વી જયસ્વાલે પહેલી ઈનિંગમાં તો કે.એલ. રાહુલ ને રિષભ પંતે બીજી ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. જાડેજા બાપુએ તો બંને ઈનિંગ્સમાં થઈને 150 રન ફટકાર્યા તો યશસ્વીએ 115 રન ફટકાર્યા. પંતે પણ 90 રન કર્યા છે. કરુણ નાયર અને વોશિંગ્ટન સુંદરે પણ બંને ઈનિંગ્સમાં મળીને ફિફ્ટી પ્લસ રન કર્યા છે. ગિલની બેટિંગ અવિસ્મરણિય છે તેમાં શંકા નથી પણ બીજા બેટ્સમેનના યોગદાનને પણ નજરઅંદાજ ના કરી શકાય.
ભારત પહેલી ટેસ્ટમાં સારી બેટિંગ છતાં હારેલું કેમ કે કેચ છોડીને ઈંગ્લેન્ડના ખેલાડીઓને જીવતદાનોની હારમાળા સર્જી દીધેલી. બીજી ટેસ્ટમાં ભારતની ફીલ્ડિંગ પણ સારી રહી અને બોલિંગ પણ સારી રહી. મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે જાન રેડીને બોલિંગ કરી તેમાં બેમત નથી એ જોતાં શુભમન ગિલ જેટલું યોગદાન તેમનું પણ છે. આકાશ દીપે 10 અને સિરાજે સાત વિકેટો લીધી એ જોતાં ઈંગ્લેન્ડની 20માંથી 17 વિકેટો તો આ બંને જ લઈ ગયા.
પહેલી ઈનિંગમાં બેટિંગ માટે સ્વર્ગ સમાન પીચ સિરાજે ઇંગ્લેન્ડની 70 રન આપીને 6 વિકેટ લીધી હતી. સિરાજનું યોગદાન એ રીતે મહત્વનું કે, ઈંગ્લેન્ડના લોઅર ઓર્ડરને ધરાશાયી કરી દીધું. હેરી બ્રુક અને જેમી સ્મિથે 303 રનની તોતિંગ ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને ઉગાર્યું પછી ઈંગ્લેન્ડ ભારતના સ્કોરની લગોલગ પહોંચી જશે એવું લાગતું હતું કેમ કે આક્રમક બેટિંગ કરતો જેમી સ્મિથ ઊભો હતો. સિરાજે સામો છેડો ખાલી કરી નાખીને જેમી સ્મિથને તક જ ન આપી. 387 રને બ્રુક આઉટ થયો પછી બીજા 20 રનના ઉમેરામાં ઈંગ્લેન્ડની ટીમ સમેટાઈ ગઈ તેનો યશ સિરાજને જતો હતો. સિરાજે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં પણ એક વિકેટ લીધી. ઓપનર ક્રાઉલીને આઉટ કરીને ઈંગ્લેન્ડના પતનની શરૂઆત જ સિરાજે કરી હતી.
આકાશ દીપનું યોગદાન પણ મોટું છે કેમ કે આકાશ દીપ તો રિપ્લેસમેન્ટ બોલર હતો. આકાશને પહેલી ટેસ્ટમાં તક મળી ન હતી કેમ કે જસપ્રિત બુમરાહ ટીમમાં હતો. આ વખતે બુમરાહને આરામ અપાતાં આકાશને તક મળી ને બંને ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરીને આકાશે આ તક બેઉ હાથે ઝડપી લીધી. પહેલી ઇનિંગ્સમાં આકાશ દીપે 88 રન આપીને ચાર વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગ્સમાં 99 રન આપીને 6 વિકેટ લીધી હતી. આકાશ આ પહેલાં સાત ટેસ્ટમાં 15 વિકેટો લઈને સામાન્ય બોલર સાબિત થયેલો પણ આ વખતે આકાશ દીપે પોતાની સીમ મૂવમેન્ટથી ઇંગ્લેન્ડના બેટ્સમેનને હતપ્રભ કરી દીધા. નવા બોલથી બંને ઇનિંગ્સમાં ભારતીય ટીમને સફળતા અપાવીને આકાશે સાબિત કર્યું કે, બુમરાહના સાથી બનવાની તેનામાં ક્ષમતા છે.
આપણ વાંચો: ફોકસ પ્લસ : બીમાર પડ્યા બાદ જ સમજાય છે સ્વાસ્થ્યનું મહત્ત્વ…
ભારત હવે ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સમાં રમવાનું છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત પૂરા જુસ્સા સાથે ઉતરશે તેમાં શંકા નથી. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અત્યાર સુધીમાં 19 ટેસ્ટ રમ્યું છે અને તેમાંથી માત્ર 3 ટેસ્ટ જીતી છે જ્યારે 12 હાર્યું છે.
જો કે ભારત માટે હકારાત્મક વાત એ છે કે ભારતે લોર્ડ્સ પર છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી બે ટેસ્ટ જીતી છે. હવે બર્મિંગગમની જીતનો જુસ્સો ઉમેરાયો છે એ જોતાં ભારત આ સિલસિલો આગળ ધપાવીને સિરીઝમાં સરસાઈ મેળવી શકે છે.