સ્વર્ગવાસી થયા વગરનું સ્વર્ગ!

મોજની ખોજ -સુભાષ ઠાકર
‘ચંબુ અંકલ, આ પેપરમાં તમારી સિંગાપોર-મલેશિયા જવાની જાહેરખબર વાંચી. બોલો રિટર્નનો શું ભાવ રાખ્યો છે?’ ‘વૈકુંઠ ટ્રાવેલ’ના મેનેજર ચંબુલાલને સરોજે પૂછ્યું.‘જુઓ ભાભી, આખું રિટર્ન પેકેજ પર હેડ એક લાખની આસપાસ, સમજાવું’
‘એ પછી. પહેલાં તમે મારી વાત સમજો. મને શરદીનો કોઠો છે એટલે મને નોન એસી ફલાઇટ જોઈએ ને સિંગાપુર જો ટ્રેન જતી હોય તો એ પણ ચાલે, આપણને કઈ ફ્લાઇટનો મોહ નથી અને બીજું, આપણે મોજ કરવા જવાનું હોય તો મહારાજનું શું કામ છે? કથા થોડી કરવાની છે?’ ‘અરે ભાભી, આ મહારાજ એટલે પોતાનો રસોઇયો, પોતાના હાથે રોજ અલગ અલગ સરસ વાનગી.’ ‘સોરી અંકલ નો નીડ. અમે તો ઘરેથી જ તેર દિવસના થેપલા, છુંદો, ગોળકેરી, ફાફડા, જલેબી લઈને આવીએ ને કહેતા હો તો આખી ફ્લાઇટના બધા પ્રવાસીઓ માટે પણ લઈ આવું બસ.!
તમે અવાજ કરો બોસ, ને ભાવમાં જે ઓછા થાય એ કરી આપો. આપણે તમને હજી બીજી ટૂરમાં ખટાઈ આપીશું. હમણાં જે આપું એ પ્રેમથી લઈ લેજો. બરાબર?’(દસ સેક્ધડ પછી) ‘અરે, તમે પ્રાણીસંગ્રહાલયના પાંજરામાં વાંદરીને જોતા હો એમ મારી સામે ટગર ટગર શું જોઈ રહ્યા છો?’ ‘અરે, તમે સમજતા કેમ નથી, તમારે સિદ્ધપુર જવું છે કે સિંગાપુર?’ ‘અરે, માત્ર હું જ સમજુ છું એ તમે કેમ સમજતા નથી? હવે રડમસ થયા વગર આખું પેકેજ સમજાવો’ ‘અરે, પર હેડ એક લાખ રિટર્ન ને ક્રૂઝ સાથે જવું હોય તો એ રીતે સમજાવું’ ‘ક્રૂઝ સાથે? ના ભાઈ ના, હું ઈઝ ક્રૂઝ?’ સરોજ બોલી ‘ન જાન ન પહેચાન મૈ તેરા મહેમાન.
અમે અમારી દીકરી રુચિ સાથે જવું છે. કોઈ ક્રૂઝ બ્રુઝને તો અમે ઓળખતા પણ નથી ને’… ‘પ્લીઝ, તમે ઝાટકા ઉપર ઝાટકા ન આપો. હવે હું પોક મૂકીને રડી પડીશ તમને ક્રૂઝની સૂઝ નથી? ક્રૂઝ એટલે પ્રવાસના છેલ્લા ત્રણ દિવસ તેર માળની જાયન્ટ સ્ટીમરમાં યાદગાર દરિયાઈ સફર. ફાઇવ સ્ટાર જેવી સગવડ. એક અનોખો અનુભવ, અનોખી અનુભૂતિ. થિયેટર- માર્કેટ, સ્વિમિંગ પુલ, જિમ અરે, ડાન્સ બાર…તેર દિવસ ચિંતા મુક્ત, તમને થશે કે સાચું સુખ પિયરિયામાં કે સાસરિયામાં નથી, પણ અહીં છે. અહીં છે અહીં છે! ઇન શોર્ટ જાણે આખું સ્વર્ગ પૃથ્વી ઉપર!’
‘વાઆઉઉ.. આખું સ્વર્ગ પૃથ્વી પર? યુ મીન્સ જીવતાજીવત સ્વર્ગવાસી’ સરોજ તો એક ફૂટ ટેનિસ દડાની જેમ ઊછળી ને પછી સ્પ્રિંગવાળી ખુરશીના કારણે ફરી અડધો ફૂટ ઓટોમેટિકલી ઊછળી. મોઢામાં આખો લાડવો આવી ગયો હોય એમ હરખમાં ને હરખમાં અચાનક રોમેન્ટિક મૂડમાં બાફ્યું: ‘ચંબુ ડાર્લિંગ, સોરી…એકદમ વેરી સોરી… ચંબુઅંકલ, રિયલી યુ આર ગ્રેટ, યુ આર જિનિયસ’ પછી ચંબુલાલના બંને ગાલ પર હળવી ચીમટી ભરી કાનમાં ધીરેથી બોલી ‘આ મારો ગગો મારી સાથે ન હોત તો બે ચાર બકીઓ તમારા ગાલ પર ચોંટાડી દીધી હોત.’ આટલું સાંભળતા તો ચંબુલાલની આંખોના ડોળા સરકસમાં આવતા મોતના કૂવામાં ફરતા ફટફટિયાની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યા:
‘અરે ભાભી..’ ‘અરે ભાભી ગઈ તેલ પીવા. મેં આમને (મને) કેટલીવાર કીધું રોજ કેટલા લોકો સ્વર્ગે જાય છે તો ચાલોને, આપણે એક આંટો મારી આવીએ. પણ માને? પોતે બે વાર સિરિયસ બીમાર હતા ત્યારે બોલેલા કે હું બે વાર સ્વર્ગના દરવાજે ટકોરા મારી પાછો આવ્યો છું, મને થયું કે દરવાજો ખૂલવાની થોડી તો રાહ જોવી હતી, પણ પાછા ફર્યા તો આપણું નસીબ’ પછી કબૂતરની જેમ સોરી કબૂતરીની જેમ મારી તરફ ડોકી ફેરવી બોલી :
‘આ જુઓ, તમે તો કહેતા હતા કે શરીર છોડ્યા વગર સ્વર્ગે જવાતું નથી ને શરીર સાથે સ્વર્ગ જવું શક્ય નથી. આ વખતે ટકોરા માર્યા વગર જ આ ચંબુઅંકલે સ્વર્ગના દરવાજા ખોલી આપ્યા છે. એટલે મારું મરવાનું કેન્સલ હવે મારી સ્વર્ગની આઈ મીન ક્રૂઝમાં જવાની મજા ન બગાડતા. હવે બધા આપણા સગાઓ ને કુંભમેળામાં ડૂબી ગયેલા બધા ક્રૂઝમાં જ મળશે. સમજ્યા?’
ચંબુલાલનો ચહેરો નજીકના કોઈ સ્વજનનો સ્વર્ગવાસ થયો હોય એવો થઈ ગયો. હનુમાન ચાલીસાનો પાઠ કરતી હોય એવી સરોજની અવિરત વાણીથી મારી પણ અંદરથી ખચકી. મનમાં થયુ કે મારી ગગીના હોઠ પર લિપસ્ટિકના બદલે ફેવિકોલ ચોંટાડી એના ઉપર જ ચાર પાંચ જાડી સ્ટેપલર પિન મારી મજબૂત પ્લાસ્ટર લગાડી એની બોલતી જ બંધ કરી દઉં. ‘વિચારીને ફોન કરીએ’ એટલું બોલી અમે નીકળી ગયા. અમે ઘરે પહોંચ્યા ત્યાં મારી ગગી તાડૂકી :‘અરે તમે તો વર છો કે વરુ? આ ચંબુલાલની ઓફિસમાં મોતિયો ઉતરાવ્યા પછી પહેલી વાર આંખ ખોલતા દર્દીની જેમ મારી સામે શેના ટગર ટગર ડોળા કાઢતા હતા?’
‘ડોળા કાઢતો નહોતો પણ ડોળા કાઢીને તારા હાથમાં મૂકી દેવાનું વિચારતો હતો. દેખવુંય નઇ ને દાઝવુંય નઇ.’ ‘પણ એવું તો શું દેખ્યું ને ક્યાં દાઝ્યા?’ ‘મને પૂછે છે? હે, મારી ગજગામિની’ હું રડમસ થઇ ગયો ‘તું જ કહે તારી સાથે લગ્ન કરવા સિવાય જીવનમાં કોઈ ગંભીર ભૂલ કરી છે? હે અજ્ઞાની જીવ, નથી તને ક્રૂઝની સૂઝ કે નથી સ્વર્ગની ગતાગમ. આ ચંબુલાલે જરાક કીધું કે ક્રૂઝમાં જાણે આખું સ્વર્ગ પૃથ્વી …એમાં તો મંડી પડી, આપણે જઈએ. તે જવાની જીદ પકડી પણ તે સ્વર્ગ જોયું છે? ના. ચંબુલાલે જોયું છે? ના. અલ્યા વાચક તમે જોયું છે? બોલો ના. જે ગયા એણે આવી કીધું કે કેવું છે? ના. આટલા બધા ના ની સામે તારી શેની હા થાય છે? અરે, સ્વર્ગ – નરકની બધી કલ્પના છે. તારું તન અને મન ખુશ રહે, સંતોષી રહે એ સ્વર્ગ જ છે! સંસારની જાળ જંજાળમાંથી મુક્તિ મળે એ સ્વર્ગવાસી થયા વગરનું સ્વર્ગ જ છે, સમજી?’. શું કહો છો?