ફોકસઃ ધારીએ તો નાની જગ્યામાં પણ સાધન વગર કસરત કરી શકાય

- વિવેક કુમાર
હાલના સમયમાં બધા જ પોતાના કામના હિસાબે વ્યસ્ત હોય છે. એ પછી વર્ક ફ્રોમ હોમ હોય, ઓફિસનું બિઝી સ્કેડ્યુલ હોેય કે પછી કોઈ બિઝનેસ મીટિંગ હોય. તમારું નાનું ઘર હોય કે વધારે પડતા ગર્મી અને વરસાદને કારણે જો ઘરની બહાર નીકળવાની ઈચ્છા ન થતી હોય તો તમે ઘરની અંદર રહીને પણ તમારા કસરતના રુટિનને બ્રેક આપ્યા વગર પણ કરી શકો.
દોરડા કૂદવા: દોરડા કૂદવા એ એક એવી કસરત છે જ્યાં તમારા આખા શરીરની ઊર્જામાં વૃધ્ધિ થાય છે. દોરડા કૂદવાથી જલદીથી પરસેવો થાય છે. આમાં ઘરની બહાર જવાની જરૂર જ નથી. માત્ર એક રસ્સીની મદદ વડે આ કસરત ઘરમાં રહીને જ થઈ શકે.
જંપ સ્કવોટ્સ: સૌથી નાની જગ્યામાં પણ જંપ સ્કવોટ્સ થઈ શકે. આ કસરતમાં તમારા પગને તમારા શોલ્ડરની પહોળાઈમાં રાખી ઊભા રહેવાનું હોય છે. છાતીને બહાર રાખવી. તમારા હીપ્સ પર ઝૂકીને તમારા ધૂંટણને વાળવા અને તમારા શરીરને સ્કવોટ પોઝિશનમાં નીચે કરવું અને પીઠ સીધી રાખવી.
પુશઅપ્સ: આ એક એવું વ્યાયામ છે જેના માટે કોઈ ખાસ ઉપકરણની જરૂર નથી. આ કસરત છાતીની માંસપેશીઓની મજબૂતી આપે છે. આ કસરતમાં માથું નીચે નાખી સૂવું, હાથની હથેળી નીચે તરફ રાખવી અને શોલ્ડરની પહોળાઈ જેટલું અંતર રાખવું.
ત્યાર બાદ પોતાના હાથ અને પગના તળિયા પર પોતાનો ભાર આપતા પોતાના બાવડાઓથી પોતાના શરીરને ધીરે ધીરે ઊંચકવું. પંજાને આગળ રાખવા અને ગોઠણ વાળવા, હાથને 90 ડિગ્રીમાં વાળી જમીનને સમાંતર રાખવા અને પછી પોતાના હાથને આગળની તરફ ધકેલીને સીધા કરવા. આ કસરત 15 વખત કરવી.
માઉન્ટેન ક્લાઈંબર્સ: જો તમે જોરદાર કાર્ડિયો વર્કઆઉટ કરવા માગો છો તો માઉન્ટેન કલાઈંબર્સ એક સારી એકસરસાઈઝ છે. આ કસરત કરવા માટે સૌથી પહેલા પુશઅપ્સની પોઝિશનમાં આવવું. ત્યારબાદ પગને દાદરા ચડતા હોય તે રીતે કરવા. આ કસરત લગભગ 1 મિનિટ સુધી કરવી વચ્ચે 30 સેક્ધડનો બ્રેક લઈ ફરી પાછું કરવું.
સુપરમેન: આ કસરત ખૂબ જ જલ્દી રિઝલ્ટ આપવાવાળો વ્યાયામ છે જે શરીરને મજબૂત બનાવે છે. આ કસરત માટે ચટાઈ પર મોઢું ઊંધુ રાખી સૂઈ જવું અને પોતાના હાથ માથાની ઉપર રાખવા. ત્યાર બાદ જમણા હાથ અને ડાબા પગને જમીનથી લગભગ 4 કે 5 ઈંચ જેટલા 5 સેક્ધડ સુધી ઉપર રાખવા. ત્યાર બાદ ડાબા હાથ અને જમણા પગને હવામાં 5 સેક્ધડ સુધી રાખવા.
બટ કિક્સ: બટ કિક્સ એટલે કે, એક જ જગ્યા પર દોડવું. આમાં ગોઠણને ઉપર લેવા કરતાં એડીઓને પાછળની સાઈડ ઉપાડવાની હોય છે. આ કસરતમાં હાથને બગલમાં જ રાખવા. તમને ફાવે તેમ કસરતની ઝડપ વધારવી.
આપણ વાંચો: આરોગ્ય પ્લસઃ આત્માની બારી આંખ: આંખને પજવતી અમુક બીમારી…