તરોતાઝા

લક્ષ્મી ને સરસ્વતીનો સંગમ

ગૌરવ મશરૂવાળા

જો આપણી પાસે ફક્ત લક્ષ્મી હશે તો આપણને અહંકારી બનતાં વાર નહીં લાગે. અલબત્ત, લક્ષ્મીની સાથે સરસ્વતીનોય વાસ હશે તો આપણામાં શાલીનતા અને ઠાવકાપણું આપોઆપ આવી જશે. ધનદોલત ત્યાં જ લાંબો સમય ટકે છે જ્યાં સંપત્તિની સાથે વિદ્યા અને શાણપણ પણ અસ્તિત્વ ધરાવતાં હોય.

આપણાં શાસ્ત્રોમાં લક્ષ્મી અને સરસ્વતી બન્નેને શક્તિનાં સ્વરૂપ કહ્યાં છે. જો આપણી પાસે માત્ર સરસ્વતી (જ્ઞાન) હશે, પણ લક્ષ્મી (સંપત્તિ) નહીં હોય તો આપણે જીવનની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે પણ સંઘર્ષ કરવો પડશે. સામે પક્ષે, માત્ર પૈસા હશે અને સરસ્વતી નહીં હોય તો આપણામાં ઘમંડ, અહમ, ઉદ્ધતાઈ વગેરે જેવા દુગુર્ણો આવી જશે જેના કારણે લાંબા ગાળે લક્ષ્મીજી નારાજ થઈને આપણને ત્યજીને જતાં રહેશે.

કમનસીબે, આજના જમાનામાં પૈસાની ભૂખ એટલી તીવ્ર થઈ ગઈ છે કે શિક્ષણ મેળવવા પાછળનો હેતુ પણ વિદ્યા પ્રાપ્ત કરીને જીવનને વધારે અર્થપૂર્ણ બનાવવાનો નહીં, બલકે માત્ર ને માત્ર નાણાં કમાવા માટેનો જ બની રહ્યો છે. આને લીધે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લોકો સારી ડિગ્રીઓ સારો રોજગાર મેળવવાના આશય માટે મેળવે છે. સારો રોજગાર એટલે? જેમાંથી સારા પૈસા મળે, તે.

આજે શિક્ષણ વેચી શકાય એવી જણસ બની ગઈ છે અને તેથી શિક્ષણને એક ધંધા તરીકે જોવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન તેઓ વિદ્યાર્થીઓને કઈ કક્ષાનું જ્ઞાન તેમ જ નીતિમૂલ્યો પૂરાં પાડે છે તેના આધારે નહીં, બલકે વિદ્યાર્થીને કેવી અને ક્યાં નોકરી અપાવી શકે છે તેના પરથી થાય છે. જે શિક્ષણસંસ્થાઓ વિદ્યાર્થીઓને ઊંચા પગારવાળી નોકરીઓ અપાવી શકે છે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી વધુ ઊંચી ફી વસૂલ કરી શકે છે.

આવી શિક્ષણસંસ્થાઓ ઘણું કરીને વિદ્યાર્થીઓને જ્ઞાન નહીં પણ નાણાં કમાવામાં મદદ મળે તે માટેનાં કૌશલ્યો જ શીખવે છે. આને કારણે આપણે સમાજમાં એવી અનેક વ્યક્તિઓ જોઈએ છીએ જે ઊંચી ડિગ્રી મેળવીને સારાં એવાં નાણાં તો કમાઈ જાણે છે, પરંતુ જીવનમાં અન્ય પાસાઓમાં તેમણે ભારે સંઘર્ષ કરવો પડે છે. તેમની પાસે નાણાં કમાવાની આવડત તો હોય છે પણ જીવન સુંદર રીતે જીવવા માટે જરૂરી એવું ડહાપણ નથી હોતું.

આદર્શ સ્થિતિ તો એ છે કે સારી શિક્ષણસંસ્થાઓએ વિદ્યાર્થીઓના સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ થાય તે રીતે તાલીમ આપવી જોઈએ કે જેથી તેઓ જીવનમાં આવનારા દરેક પ્રકારના પડકારોનો હિંમત તેમ જ આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે.

એક સમય હતો જ્યારે શિક્ષકને ગામની સૌથી સન્માનનીય વ્યક્તિ ગણવામાં આવતા. આજે શ્રીમંત માણસને લાગે છે કે ભણતર તો ખરીદી શકાય એવી વસ્તુ છે. આથી તેનો નજરિયો જ બદલાઈ ગયો છે. આ બદલાયેલા અભિગમે બાળકોની વિચારપ્રક્રિયા પણ બદલી નાખી છે.

વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે ઉદ્ધતાઈથી વર્તતા હોય અને બદસલૂકી કરતા હોય એવાં ઉદાહરણો અવારનવાર જોવા મળે છે. શિક્ષકો પણ નાણાંની જાળમાં અટવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ પર ખાનગી ટ્યુશન રાખવાનું દબાણ લાવીને અને કૉચિંગ ક્લાસીસ શરૂ કરીને તેઓ પણ પૈસા કમાવાની દોડમાં સામેલ થઈ ગયા છે.

ખેર, બીજાઓ પર દોષારોપણ કરવાને બદલે આપણે આપણી અંદર ઝાંકવું જોઈએ. આપણે જ્યારે કોઈને `બિગ શોટ’ અથવા તો મોટો માણસ કહીએ છીએ ત્યારે તે પાછળનો ભાવાર્થ શું હોય છે? શું આપણે એમ કહેવા માગતા હોઈએ છીએ કે એ માણસ ખૂબ પૈસાદાર છે કે એ ખાસ આવડત ધરાવે છે કે પછી એનું વ્યક્તિત્વ સંતુલિત અને ભાવશાળી છે? આપણે ક્યારેક એમ પણ કહેતા હોઈએ છીએ કે ફલાણી વ્યક્તિ જીવનમાં સુખી છે. ખરેખર શું મતલબ હોય છે આ પ્રકારના વિધાનનો? શું આપણે એની સંપત્તિ અને આવકની વાત કરીએ છીએ કે એની વિશિષ્ટતાઓનો સંદર્ભ જોઈએ છીએ?

આપણા ધર્મગ્રંથોમાં સરસ્વતી અને લક્ષ્મીનો દેવી તરીકે ઉલ્લેખ કરાયો છે. તેમાં એવું ક્યાંય કહેવાયું નથી કે એક કરતાં બીજી દેવી ચડિયાતી છે. આપણા જીવનમાં બન્નેનું સહઅસ્તિત્વ જરૂરી છે. બન્ને દેવી શક્તિનું પ્રતીક છે. એવી શક્તિ જેના થકી આપણે સમાજ તેમ જ ખુદનું કલ્યાણ કરી શકીએ અને ખુદ્દારીથી જીવી શકીએ.

આ પણ વાંચો…એકલી આર્થિક સંપત્તિ હાનિકારક નીવડે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button