તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ પાવર ઑફ ઍટર્ની આ મહત્ત્વના મુદ્દા પણ ચૂકશો નહીં…

મિતાલી મહેતા

પાવર ઑફ ઍટર્નીની રચના જે હેતુસર કરવામાં આવી હોય એના માટે જરૂરી તમામ અધિકાર આવી જાય એ મતલબનું જ લખાણ એમાં હોવું જોઈએ અને એ મુજબ જ એનું અર્થઘટન થવું જોઈએ. આથી જે લખવામાં આવ્યા હોય એના સિવાયના કોઈ વધારાના અધિકાર અપાયા હોવાનું માની લેવું જોઈએ નહીં. આથી આ દસ્તાવેજનું અર્થઘટન સ્પષ્ટ અને ચુસ્તપણે કરવામાં આવવું જોઈએ.

ઉદાહરણ તરીકે, જો પાવર ઑફ ઍટર્નીમાં ‘રાઇટ ટુ લીઝ’ લખવામાં આવ્યું હોય તો ફક્ત લીઝ પર આપવાના અધિકાર તરીકે જ એની ગણતરી થવી જોઈએ. એને ‘રાઇટ ટુ સેલ’ એટલે કે વેચાણના અધિકારમાં ખપાવી લેવાય નહીં. ઍજન્ટે ખુદ એને આપવામાં આવેલા કાર્યક્ષેત્રની અંદર રહેવું જરૂરી છે. એ પોતાના અધિકાર બહારના કોઈ પગલાં દ્વારા પ્રિન્સિપાલને એના બંધનમાં લાવી શકે નહીં.

અહીં ખાસ ઉમેરવાનું રહ્યું કે બિનરહીશ ભારતીયને ઍજન્ટના ફ્રોડ બદલ જવાબદાર ગણી શકાય નહીં અને એમની વિરુદ્ધ કાનૂની ખટલો કરી શકાય નહીં. હા, જો ફ્રોડ એમની મિલીભગતથી કરવામાં આવ્યો છે એવું પુરવાર થાય તો એમની સામે કેસ થઈ શકે છે.

પાવર ઑફ ઍટર્ની કયારે રદ કરી શકાય?

આ એક અગત્યનો દસ્તાવેજ છે. ક્યારેક પાવર ઑફ ઍટર્ની રદ કરાવવાની પણ જરૂર પડે. જો પ્રિન્સિપાલને એર્વું લાગે કે ઍજન્ટ એને આપવામાં આવેલા અધિકારનો દુરુપયોગ કરી રહ્યો છે અથવા પોતાને સોંપવામાં આવેલી ફરજ બરાબર નિભાવી શકતો નથી ત્યારે એ સ્વેચ્છાએ પાવર ઑફ ઍટર્ની રદ કરાવી શકે છે.

પોતાની ઍસેટ્સનું અને પોતાના હિતનું ધ્યાન રાખવા એ ખુદ સમર્થ છે એવું પ્રિન્સિપાલને લાગે ત્યારે પણ એ પોતાના જીવનકાળ દરમિયાન પાવર ઑફ ઍટર્ની રદ કરાવી શકે છે.

હા, પ્રિન્સિપાલનું મૃત્યુ થાય અથવા એ માનસિક સંતુલન ગુમાવી બેસે કે પછી એની નાદારી જાહેર થાય એ સંજોગોમાં પણ એ રદ થઈ શકે છે.

જો સ્પેશિયલ પાવર ઑફ ઍટર્ની કરાવવામાં આવી હોય તો સ્પેશિયલ એટલે કે નિશ્ર્ચિત કાર્ય પૂરું થઈ જાય એટલે એ આપોઆપ તરત જ રદ થઈ જાય છે.

પ્રિન્સિપાલ અને ઍજન્ટની પરસ્પર નક્કી થયેલી શરતો અનુસાર પણ પાવર ઑફ ઍટર્ની રદ થઈ શકે છે. જે રીતે એ કરાર કરવામાં આવ્યો હોય એ જ રીતે એ રદ પણ કરવામાં આવે છે, અર્થાત્ પાવર ઑફ ઍટર્નીનું સબ-રજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો પ્રિન્સિપાલે એ જ ઑફિસમાં જઈને એ રદ કરાવવાની હોય છે.

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા: આપવામાં આવેલા પાવર કરતાં એજન્ટ વધુ અધિકારનો ઉપયોગ કરી શકે નહીં…

અહીં જણાવવું રહ્યું કે પાવર ઑફ ઍટર્ની રદ કરાવ્યા વિશે ઍજન્ટ તથા તમામ સંબંધિત પાર્ટીઓને એની જાણ કરવામાં આવવી જોઈએ. જો એ દસ્તાવેજ રદ થવાને કારણે અનેક લોકોનાં હિતને અસર થવાની હોય તો સ્થાનિક અખબારમાં એની જાહેરખબર પણ છપાવવી જોઈએ. પાવર ઑફ ઍટર્ની રદ કરાવ્યાની નોટિસ સામાન્ય જનતાના ધ્યાનમાં આવે એ રીતે સંબંધિત પ્રોપર્ટી પર લગાડવી જોઈએ.

અગત્યનો મુદ્દો
પાવર ઑફ ઍટર્ની અત્યંત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે એ તો હવે આપ જાણી ગયા છો. એની સાથે સંકળાયેલાં જોખમોની પણ જાણકારી હોવી ઘટે.

પ્રિન્સિપાલ કોઈ ઍજન્ટને પાવર ઑફ ઍટર્ની આપે છે ત્યારે એ પોતાના નામે તમામ કાર્યો અને વ્યવહારો કરવાનો ઍજન્ટને અધિકાર આપે છે. તેનો અર્થ એ થયો કે ઍજન્ટને પ્રિન્સિપાલના તમામ કાનૂની અધિકારો મળે છે અને તેથી ઍજન્ટનાં કાર્યોને પ્રિન્સિપાલનાં કાર્યો ગણવામાં આવશે. કાયદામાં Qui facit per alium facit per se નામનો એક સિદ્ધાંત છે, જેનો અર્થ એ થાય છે કે બીજી કોઈ વ્યક્તિ મારફતે કામ કરે તો એ એમણે પોતે જ કરેલું કાર્ય ગણાય.

આ જ કારણ છે કે પાવર ઑફ ઍટર્ની જો યોગ્ય વ્યક્તિને આપવામાં આવી ન હોય તો એ ખૂબ જ જોખમી બની શકે છે. પોતાને આપવામાં આવેલા અધિકારની ઉપર જઈને ઍજન્ટ કોઈ કામ કરે તો પ્રિન્સિપાલને એ બંધનકારક નહીં ગણાય અથવા એમના પર કોઈ કાનૂની ખટલો નહીં ભરી શકાય અથવા એમને જવાબદાર ગણી નહીં શકાય એવી દલીલ થઈ શકે છે. આમ છતાં પોતાનાં હિતનું ધ્યાન રાખવાની દરેકની જવાબદારી હોય છે. આથી જ પાવર ઑફ ઍટર્નીના અધિકાર નિશ્ર્ચિત કરીને દસ્તાવેજ બનાવવામાં આવે તો ઍજન્ટ બીજી કોઈ રીતે દુરુપયોગ કરી શકતા નથી.

ઍજન્ટને અમર્યાદિત સત્તા આપવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે, જેમકે…

શ્રીમાન કુમારે શ્રીમાન રાજનને ઍજન્ટ બનાવ્યા અને પોતાના તમામ બેન્કિંગ વ્યવહારોનો અધિકાર આપી દીધો. આ સ્થિતિમાં ઍજન્ટને બેન્કિંગને લગતા તમામ વ્યવહારો કરવાનો અધિકાર મળે છે. એ એજન્ટ રાજન પેલા શ્રીમાન કુમારના નામે લોન લઈને કોઈ વસ્તુ ખરીદી શકે છે.

પાવર ઑફ ઍટર્ની હેઠળ મળેલા અધિકારનો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ કરવાનું ઍજન્ટ માટે સહેલું હોવાથી પ્રિન્સિપાલે પૂરતી કાળજી રાખીને જ યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવી. ઍજન્ટના કામકાજ પર નજર રાખવા માટે કોઈ ત્રીજી વ્યક્તિને અમુક અધિકાર આપીને પ્રિન્સિપાલ પાવર ઑફ ઍટર્નીનો દુરુપયોગ થતો અટકાવી શકે છે.

ટૂંકમાં, વિશ્વસનીય વ્યક્તિને જ ઍજન્ટ બનાવવા, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની સમસ્યાઓ કે ગૂંચ ઊભી ન થાય.

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડાઃ NRI માટે પાવર ઑફ ઍટર્નીનું કેટલું મહત્ત્વ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button