વજન ન વધારો, સાવધાન… | મુંબઈ સમાચાર

વજન ન વધારો, સાવધાન…

આરોગ્ય એક્સપ્રેસ: તમારું વજન વધારે છે કે તમે સ્થૂળ છો? સાબદા રહેજો, સ્થૂળતા એક ક્રોનિક અને જટિલ રોગ છે.

  • રાજેશ યાજ્ઞિક

કોઈનું ભરેલું શરીર જોઈને આપણે એમ કહીએ કે આ તો ખાધેપીધે સુખી ઘરના વ્યક્તિ છે… પણ ભરાવદાર શરીર દરેક વખતે સુખની નિશાની હોય એવું જરૂરી નથી. તબીબી ભાષામાં એને ઓબેસિટી એટલે કે સ્થૂળતા-મેદસ્વિતા સાથે પણ સંબંધ હોઈ શકે છે. ‘વિશ્વ આરોગ્ય સંગઠન’

(ડબ્લ્યુએચઓ) પણ સ્થૂળતાને એક રોગ તરીકે ઘોષિત કરી ચૂક્યું છે. થોડા મહિના પહેલાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરમાં દેશના યુવાનો, બાળકોમાં વધતી જતી આ ઓબેસિટી- મેદસ્વિતા તરફ વિશેષ ધ્યાન દોર્યું હતું ,

ઓબેસિટીની વ્યાખ્યા કરતા આ વિશ્વ સ્તરનું આરોગ્ય સંગઠન કહે છે ‘સ્થૂળતા એ એક ક્રોનિક જટિલ રોગ છે, જે વધુ પડતી ચરબીના થર દ્વારા વ્યાખ્યાયિત થાય છે…એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.’

અહીં બે મહત્ત્વની નોંધવા લાયક વાત છે કે વિશ્વ આરોગ્ય સંગઠન આ રોગને ક્રોનિક અને જટિલ પણ કહે છે.

ક્રોનિક રોગ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, જે રોગ 1 વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલે છે અને સતત તબીબી સહાયની જરૂર પડે છે અથવા દૈનિક જીવનની પ્રવૃત્તિઓને મર્યાદિત કરે છે અથવા બંને સ્થિતિ હોય. સ્થૂળતાને જટિલ તરીકે ઓળખાવી છે. તેનો અર્થ એ છે કે, જે મોટાભાગે જનીનો અને પર્યાવરણીય પરિબળોને કારણે થાય છે.

જટિલ રોગોમાં આનુવંશિક ઘટક હોવાથી તે પરિવારમાં ફેલાતા જોઈ શકાય છે, પરંતુ પેટર્ન ખૂબ સ્પષ્ટ ન પણ હોય.

2022માં, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના 2.5 અબજ પુખ્ત વયના લોકો વધુ વજનવાળા હતા, જેમાં 890 મિલિયન એટલે કે 89 કરોડથી વધુ પુખ્ત વયના લોકો સ્થૂળ હતા. તેમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના 43% પુખ્ત વયના લોકો (43% પુરુષો અને 44% સ્ત્રીઓ)નો સમાવેશ થાય છે. આ આંકડા ટકાવારીની દ્રષ્ટિએ તો ચોંકાવનારા છે જ, પણ 1990ના આંકડા સાથે સરખામણી કરીએ તો લગભગ 20%નો વધારો પણ દર્શાવે છે, જ્યારે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના 25% પુખ્ત વયના લોકો વધુ વજનવાળા હતા.

બાળકોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ નાનુસુનું નથી. 2024 માં, પાંચ વર્ષથી ઓછી ઉંમરના અંદાજે 3.5 કરોડ બાળકો વધુ વજનવાળાં હતાં.

‘વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન’ દ્વારા 2017માં થયેલા એક સર્વેક્ષણ અને સંશોધનમાં સ્થૂળતાનાં કારણો મુજબ, સ્થૂળતા માટે ખોરાક મુખ્ય એજન્ટ છે, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો બીજા ક્રમે છે. પશ્ર્ચિમી આહારમાં સ્વાદિષ્ટ, ઓછી કિંમતના, અનુકૂળ ખોરાક વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ ખોરાક મગજના કહેવાતા આનંદ કેન્દ્રોને સક્રિય કરી શકે છે અને ખાવાથી આનંદદાયક અનુભવ કરાવે છે. ઉપરાંત, ઓછી ઊંઘ, અંત:સ્ત્રાવી વિક્ષેપકો (જેને ઓબેસોજેન્સ પણ કહેવાય છે), આનુવંશિકતા અને આંતર-પેઢી અસરો, માતા- પિતાની મોટી ઉંમર, ચોક્કસ દવાઓ અને ધૂમ્રપાન કરનારા જ્યારે તેને ઓછું કરવા લાગે જેવા વિવિધ પરિબળો પણ અસર કરે છે.

આ ઉપરાંત, પ્રારંભિક તબક્કામાં વધારાનું વજન અને ચરબીના સંચયને ઓળખવા માટે અસરકારક આરોગ્ય પ્રણાલીનો અભાવ સ્થૂળતાનો વ્યાપ વધારી રહ્યો છે.

આમ જુઓ તો વધારે વજન હોવા અને સ્થૂળ હોવા વચ્ચે ભારે પાતળી ભેદ રેખા છે. ઉદાહરણ તરીકે, પુખ્ત વયના લોકો માટે, ‘ડબ્લ્યુએચઓ’ વધુ વજન અને સ્થૂળતાનો ભેદ બતાવતા કહે છે, વધુ વજન એટલે 25 અથવા તેનાથી વધુ ઇખઈં (બોડી માસ ઈન્ડેક્સ) અને સ્થૂળતા એટલે 30 અથવા તેનાથી વધુ ઇખઈં. નોંધનીય છે કે, સ્થૂળતા ટાઇપ ટુ ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે, તે હાડકાના સ્વાસ્થ્ય અને પ્રજનનને અસર કરી શકે છે, તે ચોક્કસ કેન્સરનું જોખમ વધારે છે. સ્થૂળતા જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરે છે, જેમ કે ઊંઘવું અથવા હલનચલન કરવું. પ્રમાણ કરતાં વધુ ઇખઈંને કારણે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, ડાયાબિટીસ, કેન્સર, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, ક્રોનિક શ્વસન રોગો અને પાચન વિકૃતિઓ જેવા બિન-ચેપી રોગોથી 2021-22માં અંદાજિત 3.7 મિલિયન મૃત્યુ થયા. બાળપણ અને કિશોરાવસ્થામાં જો બાળકો સ્થૂળ હોય તો એમના આરોગ્ય પર ભવિષ્યમાં આવી અસર દેખાવાનું જોખમ વધી જાય છે.

થોડાં વર્ષો પહેલાં સ્થૂળતાને પૈસાદારોનો રોગ માનવામાં આવતો હતો. જેમ આપણે ત્યાં ડાયાબિટીસને પણ રાજરોગ કહેતા એવી રીતે. જોકે હવે તો ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોમાં પણ સ્થૂળતાના દરમાં ઝડપી વધારો સમસ્યા બની રહ્યો છે.
સ્થૂળતાની આવી સમસ્યાઓનો સામનો કરવા કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે, જેમકે પ્રોસેસ્ડ ફૂડમાં ચરબી, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવું- ખાતરી કરવી કે સ્વસ્થ અને પૌષ્ટિક પદાર્થો બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ અને પોસાય તેવા હોય- ખાંડ, મીઠું અને ચરબીવાળા ખોરાકના માર્કેટિંગ પર પ્રતિબંધ મૂકવો, ખાસ કરીને બાળકો અને કિશોરો માટે બનાવાયેલો ખોરાક અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવી તથા કાર્યસ્થળ પર નિયમિત શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું.

આ સાથે, બાળકોનું વજન ઓછું છે કે વધારે તે ધ્યાનમાં લીધા વિના, આરોગ્યપ્રદ આહાર, શારીરિક પ્રવૃત્તિ, તે બેઠાડુ ન બની જાય અને ઊંઘની પેટર્ન યોગ્ય હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્ક્રીન સમય મર્યાદિત કરો. ખાંડવાળા મીઠા પીણાં અને ઊર્જાથી ભરપૂર ખોરાકનો વપરાશ મર્યાદિત કરો અને અન્ય સ્વસ્થ ખાવાની વર્તણૂકોને પ્રોત્સાહન આપો. આ બધાની સાથે રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ વધારવા પર ભાર આપો.

આપણ વાંચો:  વીમાની રૂમ રેન્ટની લિમિટ કેટલી હોય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button