આરોગ્ય એક્સપ્રેસ: વારંવાર અનુભવો છો ઝણઝણાટી?

-તો ચેક કરાવી લો… તમને આ રોગ હોઈ શકે છે!
- રાજેશ યાજ્ઞિક
આપણે લાંબા સમયથી એકજ અવસ્થામાં ઊભા રહીએ કે બેઠા રહીએ, અથવા ઘણીવાર એકજ અવસ્થામાં સૂતા રહીએ તો પણ આપણને લાહીનું પરિભ્રમણ થંભી ગયું હોય તેવી ઝણઝણાટીનો અનુભવ થાય છે. આપણે સામાન્ય ભાષામાં તેને ખાલી ચડી ગઈ તેમ કહીએ છીએ. કેટલીકવાર આવો અનુભવ એ સિવાય પણ થતો રહે છે.
હાથ કે પગમાં ઝણઝણાટ, નિષ્ક્રિયતા અથવા સોય ભોંકાયાની લાગણી દરેક વ્યક્તિ ક્યારેક તો અનુભવે જ છે. મોટાભાગે આપણે તેને ગંભીરતાથી નથી લેતા. આપણા માટે તે એક સંકેત છે કે કોઈ અંગ, ઊંઘમાં, છે અને તમારે સ્થાન બદલવાની અથવા ફરવાની જરૂર છે. પરંતુ જ્યારે આ અનુભવ દૂર થતો નથી અથવા વારંવાર થાય છે, ત્યારે તે એક મહત્વપૂર્ણ તબીબી સ્થિતિનું લક્ષણ હોઈ શકે
છે. આ સ્થિતિને પેરેસ્થેસિયા (Paresthesia) તરીકે ઓળખવામાં આવે છે.
પેરેસ્થેસિય એ કળતર, બળતરા, ખંજવાળ અથવા ઝણઝણાટ, સોય ભોંકાયાની લાગણી અથવા તમારી ત્વચા પર અથવા તેની નીચે નિષ્ક્રિયતા આવવાની સંવેદના માટેનો ટેકિનકલ શબ્દ છે. તે તમારા શરીરની કોઈ ચોક્કસ જગ્યાએ અથવા સમગ્ર શરીર પરનાં સ્થળોને અસર કરી શકે છે, કોઈપણ બાહ્ય કારણ કે ચેતવણી વિના. સામાન્ય રીતે, પેરેસ્થેસિયા પીડારહિત અને બિન-હાનિકારક હોય છે. આ બહુ સામાન્ય અનુભવ છે. તે ફક્ત તમારા શરીરની સામાન્ય કામગીરીનું પ્રતિબિંબ છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, પેરેસ્થેસિયા તબીબી સમસ્યાનો સંકેત આપી શકે છે.
પેરેસ્થેસિયાના પ્રકાર:
પેરેસ્થેસિયાનાં બે મુખ્ય સ્વરૂપો છે:
ક્ષણિક: આ વધુ સામાન્ય પ્રકાર છે. જેમ નામ સૂચવે છે, તે લાંબા સમય સુધી ચાલતો નથી. ઉદાહરણ તરીકે, જો તમે ખૂબ લાંબા સમય સુધી બેઠા હો તો તમારા પગમાં થોડી કળતર અથવા ઝણઝણાટીની લાગણી થઈ શકે છે. એકવાર તમે તમારા પગને લંબાવી લો, પછી લાગણી સામાન્ય થઈ જશે.
સતત (ક્રોનિક): આ સ્થિતિમાં પેરેસ્થેસિયા રહે છે અને દૂર થતું નથી. તે સામાન્ય રીતે એવી સમસ્યાઓનું લક્ષણ છે જેને તબીબી સહાયની જરૂર પડી શકે છે. કાર્પલ ટનલ સિન્ડ્રોમ અથવા ક્યુબિટલ ટનલ સિન્ડ્રોમ જેવી સ્થિતિઓ છે જેનાથી ક્રોનિક પેરેસ્થેસિયા થઈ શકે છે. રક્ત પરિભ્રમણના અભાવ અથવા ચેતાને નુકસાનને કારણે સતત પેરેસ્થેસિયા પણ થઈ શકે છે, જે બંને ઘણીવાર વધુ ગંભીર હોય છે.
શું હોઈ શકે કારણો?
ક્ષણિક પેરેસ્થેસિયાના કારણો તો આપણે ઉપર જોયા. ક્યારેક અચાનક આપણો હાથ કે પગ ક્યાંક અથડાય ત્યારે પણ આપણે ઝણઝણાટી અનુભવીએ છીએ. આ બહુ સામાન્ય છે અને ગંભીર નથી. પણ કાયમી પેરેસ્થેસિયાનાં કારણો ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
નર્વસ સિસ્ટમનાં કારણો: મગજની ગાંઠ અથવા રક્તસ્ત્રાવ, માથામાં ઈજા અથવા આઘાત, પેરિફેરલ ન્યુરોપથી, સ્ટ્રોક જેવાં કારણો તેમાં સામેલ છે.
મેટાબોલિક અને અંત:સ્ત્રાવી કારણો: મેટાબોલિક અને અંત:સ્ત્રાવી કારણોમાં વિટામિનની ઉણપ, ચોક્કસ હોર્મોન્સને અસર કરતી પરિસ્થિતિઓ વગેરેનો સમાવેશ થાય છે.
ડાયાબિટીસ-સંબંધિત ન્યુરોપથી (ચેતા નુકસાન), ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, હાયપોગ્લાયકેમિઆ, હાયપો-પેરાથાઇરોઇડિઝમ, મેનોપોઝ, કે વિટામિન બીની ઊણપ જેવા કારણો હોઈ શકે.
ચેપી રોગો: એન્સેફાલીટીસ, મેનિન્જાઇટિસ, રક્તપિત્ત, એચઆઈવી, સિફિલિસ અને કેટલાક અન્ય ચેપી રોગો પણ પેરેસ્થેસિયાનું કારણ બની શકે છે.
તે ઉપરાંત કેટલાક ટોક્સિન્સ (ઝેરી તત્ત્વો)ના કારણે પણ અસર થઇ શકે છે, જેવા કે આલ્કોહોલ, કાર્બન મોનોક્સાઇડ, સીસું, વગેરે.
ઘણીવાર ગર્ભવતી સ્ત્રીઓ પણ પેરેસ્થેસિયા અનુભવી શકે, તો કેટલીક દવાઓની અસર રૂપે પણ તે થઇ શકે. આ ઉપરાંત પણ ઘણાં કારણો છે.
કોને જોખમ વધારે છે?
કેટલાક લોકોને અન્ય કરતાં પેરેસ્થેસિયા થવાનું જોખમ વધારે હોય છે. જેમકે, સ્થૂળ, થાઇરોઇડથી પીડાતા, ડાયાબિટીઝ ધરાવતા, રુમેટોઇડ આર્થરાઇટિસ ધરાવતા લોકોને પણ તે થવાની શક્યતા વધુ છે. લાંબો સમયથી જેમને પથારીવશ રહેવું પડ્યું હોય તેમને આ સમસ્યા સતાવી શકે છે. ઉપરાંત આજના જમાનામાં શરીરના અંગનું એકજ પ્રકારનું સતત હલનચલન કરનાર; જેમકે જે લોકોને એવી નોકરીઓ અથવા શોખ હોય છે જેમાં હાથ, કોણી અથવા પગને વારંવાર હલનચલન કરવાની જરૂર પડે છે તેમને પેરેસ્થેસિયા થવાનું જોખમ વધારે હોય છે. તેમાં કોમ્પ્યુટર પર સતત ટાઈપ કરતા કે મોબાઈલ પર સતત આંગળીઓ ચલાવતા લોકો પણ આવી ગયા!
ઉપચાર શું કરી શકાય?
ક્ષણિક પેરેસ્થેસિયાના કિસ્સામાં તો કોઈ ક્ષણિક પેરેસ્થેસિયાના કિસ્સામાં તો કોઈ ઉપચાર કરવાની જરૂૂર પડતી નથી. પણ સતત થતી તકલીફમાં તબીબ કારણ જાણીને તે
મુજબ તેનો ઉપચાર સૂચવી શકે છે. મહત્વની વાત એ છે કે આપણને આ તકલીફ ક્યારેક થાય છે કે વારંવાર તેની આપણે જાગૃતપણે નોંધ લઈએ.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસઃ તમને પણ લાગે છે શિયાળામાં વીજળીનો ઝટકો? ….તો આટલું જાણી લો…



