આહારથી આરોગ્ય સુધીઃ માઇગ્રેનની સમસ્યાઓ…

- ડૉ. હર્ષા છાડવા
આજના આધુનિક અને ફાસ્ટ યુગમાં લગભગ બધી જ વયની વ્યક્તિઓમાં માથાનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. તેમાં માઇગ્રેન એ એક પ્રકારનો માથાનો દુ:ખાવો છે, જે વારંવાર થાય છે જેને આધાશીશી અને સેફા લાલ્જીયા તરીકે પણ ઓળખાય છે. આ સમસ્યા કોઇ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. આ એક ખાસ પ્રકારની સમસ્યા છે. જેમાં લોકોને ગંભીર માથાનો દુખાવો જે માથાની એકબાજુ થાય છે. આ દુખાવો ભારે અને અસહનીય છે. જે નર્વસ સિસ્ટમને કમજોર કરતો રોગ છે. જે તણાવ પ્રકારનો અથવા કલ્સ્ટર માથાના દુખાવા તરીકે થાય છે.
માઇગ્રેન એ મગજના ફિઝિયોલોજિકલ બદલાવને કારણે આવતી પરિસ્થિતિ છે. આનાં અનેક કારણો છે, ઘણાં વ્યક્તિને ધુમાડો લાગવાથી, તીવ્ર ગંધથી, તાપમાં ફરવાથી, વાયુ પ્રકોપ, ભેજવાળી જગ્યાથી, દિવસમાં અધિક ઊંઘવાથી, અધિક રડવાથી, વધુ પડતો વ્યાયામ કરવાથી પણ મુખ્ય કારણોમાં જોઇએ તો અપ્રાકૃતિક આહારના કારણે, ફ્રીઝમાં વધુ દિવસ રાખેલો ખોરાક, વનસ્પતિ ઘીમાં બનતી વસ્તુઓ જેવી કે બ્રેડ બિસ્કિટ, આઇસક્રીમ, બટર ટોસ (રસ્ક) ચીપ્સ, વધુ પડતા મસાલેદાર વાનગી, ચાઇનીઝ ફૂડ, વધુ પડતા અપ્રાકૃતિક નમકવાળી વસ્તુઓ, વધુ પડતી મીઠાઇઓના સેવનથી પાચનક્રિયા પર ભાર આવે છે. જેથી ઊબકા-ઊલટી, શરદી થાય છે કે એસીડીટી વધી જવાથી માથું થોડા થોડા દિવસો પછી દુ:ખે છે તેને જ માઇગ્રેન કહેવાય છે.
અન્ય કારણોમાં કાઉન્ટર દવાઓ (જે પોતાની મેળે જ લોકો લેતાં હોય છે) કિડની, હાર્ટ, ડાયાબિટીસ કે આર્થરાઇટીસ જેવી ઘણી બીમારીની દવાઓને કારણે પણ માઇગ્રેનનો દુખાવો થાય છે. માઇગ્રેન દુખાવો એ ઘણાંને અમુક સમયના અંતરે થતો હોય છે. ઘણીવાર આંખના પ્રેશર વધી જવાને કારણે પણ થાય છે. કાન સાફ કરવા માટે વપરાતા સોલ્યુશનને કારણે પણ માઇગ્રેન જેવો દુખાવો થાય છે. સર્જરી પછી ઘણી દુખાવાની દવાઓની સાઇડઇફેકટથી પણ માઇગ્રેન દુખાવો થાય છે.
માથાની ટોપીમાં જે પટ્ટીઓ પ્લાસ્ટિક કે રબરની હોય છે. તેના ઘર્ષણને કારણે પણ દુખાવો થાય છે. સ્ત્રીઓ વધુ પડતા કે રેગ્યુલર કોસ્મેટીકના વપરાશને કારણે તેમ જ આલ્કોહોલીક પરફયુમ સનસ્ક્રીન લોશન બોડી સ્પ્રેના કારણે થાય છે. બાળકો જો ચુંઇગમ વધારે ચાવતા હોય તેનાથી પણ માઇગ્રેન થવાની શકયતા રહે છે. ચહા, કોફી, ચોકલેટ, કેફીન પીણા એ મુખ્ય કારણ છે માઇગ્રેનનું.
માઇગ્રેનની શરૂઆત ધીમા-ધીમા માથાના દુખાવાથી થાય છે. પછી તે ભારે અને પીડાદાયક થાય છે. શરૂઆતમાં જ આના કારણ જાણી તેનો ઉપચાર કરવો જરૂરી છે. દવા લઇને પણ મટતો નથી. તેનું મૂળ કારણ જ દૂર કરવું જોઇએ. મૂળ કારણ દૂર ન થાય તો તે કાયમી થોડા દિવસે દુખાવો થાય છે.
માઇગ્રેનની દવાઓનું વધુ પડતું કે કાયમી સેવનથી ક્રોનીક માઇગ્રેન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ વધી જાય છે. એસ્પિરિન, આઇવ્યુમોફેન અને નેપ્રોકસનના વધુ પડતા ઉપયોગથી કિડનીની સમસ્યાઓ થાય છે. એસિટામિનોફેમ મોટી માત્રામાં લેવાથી લીવરની તકલીફ કે નુકસાન થાય છે.
જયારે પેઇનકિલર્સનો લાંબા સમય સુધીનો ઉપયોગ કરવામાં આવે છે અને જયારે દવા બંધ થઇ જાય છે. ત્યારે માઇગ્રેનનો દુખાવો ફરી ફરી થઇ શકે છે. જેને રીબાઉન્ડ માથાનો દુખાવો તરીકે ઓળખવામાં આવે છે. ડાયહાઇડ્રોગોટા-માઇન જેવી દવાઓના ઉપયોગથી રક્તવાહિનનું સંકોચન થાય છે.
ઘણી કેલ્શ્યિમ માટેની દવાઓ પણ માઇગ્રેનનું કારણ બને છે. અન્ય બીમારીની દવાઓ કેલ્શ્યિમ ચેનલને નુકસાન પહોંચાડે છે કે તેને બ્લોક કરી નાખે છે. ત્યારે તેની સાઇડ ઇફેક્ટને લીધે પણ માથાનો દુખાવો રહે છે. જાણી લો કે માઇગ્રેન કોઇપણ પ્રકારનું હોય તે થવાના કારણ ખરાબ ખાન-પાન અને કોઇ તણાવનું કારણ જ દૂર કરવું. દવાઓ થોડા વખત માટે જ સારું કરી શકે છે અને ખરાબ આડઅસર કરે છે.
અન્ય કારણો એલર્જી કાન અને નાકમાં સતત ચેપ, નાકની વિકૃતિ, સાઇનસની સર્જરી ધ્રૂમપાન, હૂકા લેવાની આદત વગેરે કારણો હોઇ શકે. આજકાલ સ્ત્રીઓની પાર્ટીમાં હૂકા પાર્ટીનું ચલણ છે. ટીનએજર છોકરીઓ પણ ધૂમ્રપાન કરે છે તેને ફેશનનું એક અંગ ગણે છે. સાથે સાથે બહારનું ખાન-પાનના કારણે તેઓ પહેલા માથાના દુખાવાની ફરિયાદ કરે છે અને દવાઓ લઇને બીજી બીમારીને નોતરે છે.
કારણ વગર ઉજાગરાના કારણ ઊંઘ જરૂર પૂરતી નથી લેવાતી ત્યારે પાચન ખરાબ થાય છે. પાચન બરાબર ન થતાં ગેસની વ્યાધિ શરૂ થાય છે તે માથાના દુખાવો પછી ધીરે ધીરે માઇગ્રેનમાં પરિવર્તિત થાય છે. નશાકારક પીણાને લીધે પણ પાચન બગડે છે.
માઇગ્રેન સામાન્ય કારણથી થતું હોય તો તે ઠંડા પાણીની ટ્રિટમેન્ટથી દૂર કરી શકાય છે. બરફ ઘસવો જે જગ્યાએ માથામાં દુખાવો થાય છે. બરફ અનુકૂળ ન આવે તો ઠંડા પાણીનો નેપકીન માથા પર રાખવો થોડી જ મિનિટોમાં સુધાર થઇ જાય છે. થોડા દિવસ ઠંડા પાણીનો નેપકીન પેટ ઉપર રાખવો જેથી પાચનમાં સુધારો થાય.
માઇગ્રેનની સમસ્યામાં જો નબળાઇ ઊબકા-ઊલટી, મૂંઝવણ, દૃષ્ટિમાં ફેરફાર, સંવેદનાના વેગમાં ફેરફાર થાય, તાવ, સ્વાદ ખરાબ થવો, ચહેરા પર સોજો, પેટ અપસેટ ત્યારે ચિકિત્સક પાસે સલાહ લેવી જરૂરી બને છે.
માઇગ્રેન માટે ખોરાકમાં સુધાર બહુ જરૂરી છે. માઇગ્રેન માટે સફરજનનું સુપ ઉકાળો લઇ શકાય છે. ફુદીનાનો જયૂસ બનાવી લેવો. તુલસીનો કાઢો લઇ શકાય. લવિંગનો કાઢો એ ઉત્તમ છે. લવિંગમાં ઓકિસજન લગભગ ત્રણ લાખ ચાલીસ હજાર જેટલું છે. (એટલે કે તેની ઓ. આર. એસી વેલ્યૂ) જે ઝડપથી કામ કરે છે. લીંબુ પણ લેવું જેથી ગેસનું શમન થાય છે.
ઊલટીથી રાહત મેળવવા મોઢામાં બરફ રાખવો. અલગ અલગ ફળના રસના ગોલા બનાવી ચૂસવા જેથી જલદીથી રાહત મળે છે. વનસ્પતિ ઘીથી બનતી બધી જ ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ બિલકુલ બંધ કરવો રિફાઇન્ડ તેલથી બનતા ફરસાણ પણ સંદતર બંધ કરવાં.
શરીરની કોઇ અન્ય વ્યાધિ જેવી કે આયર્નની ઓછપ, હિમોગ્લોબીનનો ઘટાડો, નબળાઇ હોય ત્યારે પણ માથાનો દુખાવો રહે છે. આ બધા માટે ભીંડાનો ઉપયોગ કરવો. ભીંડાને પાણીમાં તોડીને નાખવા લગભગ ચારથી પાંચ કલાક પલાળી રાખવા હાથથી ચોળી ગાળીને પાણી પીવું. વિટામિન-સી જેમાં હોય જેમ કે આમળા, પેરૂ, સંતરા, પપનસ તે સારા પ્રમાણમાં લેવા.
કોઇ પણ જાતના નુસખા પર આધાર રાખવો તે બહુ વ્યાજબી નથી. ખાન-પાનનું સુયોજિત કરવાથી જ તકલીફો દૂર થાય છે. ધીમું ધીમું સંગીત સાંભળીને પણ માઇગ્રેન દૂર થાય છે. રાગ ભૈરવી સાંભળીને દર્દમાં રાહત મળે છે.
આપણ વાંચો: આરોગ્ય પ્લસઃ ઊંઘ છે એક જીવનરક્ષક જરૂરિયાત