ડાયાબીટીસ: આ ખતરનાક રોગનાં કારણ શું?
આ મોટાભાગને પજવતો-મૂંઝવતા રોગ વિશે આપણે અત્યાર સુધીમાં સવિસ્તર જાણ્યું હવે આગળ …

આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ડાયાબિટીસ રોગ આજે વિશ્વવ્યાપી હોવા છતાં વ્યક્તિ પોતાને તે રોગ કયા કારણથી થયો છે, તે તપાસીને નાબૂદ કરવાને બદલે માત્ર દવાઓના બાહ્ય ઉપચારો દ્વારા તેને નિયંત્રિત રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતો હોય છે. આપણે જેટલા કુદરતના નિયમોને ઉલ્લંઘીને પોતાની ઇચ્છાઓ મુજબ જીવીએ તેટલા જ આવા ભયંકર રોગના શિકાર બનીએ છીએ. મોટા ભાગે ડાયાબિટીસ આપણી ખરાબ જીવનશૈલી અને કચરા જેવા આહારની પસંદગીના કારણે જ થતો
હોય છે.
જીવનશૈલી
તણાવ :
આમેય આપણે સામાન્ય પરિસ્થિતિમાં પણ ખૂબ જ તણાવ, ભય અને ડીપ્રેશનમાં આવી જઈએ છીએ. આપણે જેટલા હર્ષ-શોક, રાગ-દ્વેષ આદિક દ્વંદોમાં અને ચિંતા, ઈર્ષ્યા, હરીફાઈ, ઈત્યાદિમાં જીવીએ તેટલા આ રોગને જલદીથી આમંત્રણ આપીએ છીએ. તેમજ લાંબા સમયનો તણાવ શરીરમાં નિશ્ચિતપણે ડાયાબિટીસ ઉત્પન્ન કરે છે.
અપર્યાપ્ત ઊંઘ :
માત્ર 10 દિવસની સતત અપર્યાપ્ત ઊંઘના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે.
બેઠાડું જીવન:
જમેલો ખોરાક પચી જાય એટલો શારીરિક શ્રમ તો દરેક વ્યક્તિના જીવનમાં હોવો જ જોઈએ. પરંતુ જે લોકો આળસ
કે સમયના અભાવે શારીરિક શ્રમ નથી કરતા, તેઓ આનો શિકાર જલદી બનતા હોય છે.
આહાર:
મોટા ભાગે આપણા સહુની માન્યતા એવી હોય છે કે, ગળ્યું અને ઘીવાળું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણ સાચી નથી. ભુખ વગર જમવું, પ્રમાણ કરતાં વધુ જમવું, રાત્રે મોડે જમવું, વિદ્ધ આહાર જમવો – આ બધી કુટેવો પાચનતંત્રને કાયમી મંદ કરે છે. અને અંતે મંદ પાચનશક્તિ ડાયાબિટીસ થવાનું કારણ બને છે.
અન્ય કારણ
– મેદસ્વિતા
– બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલ
– હૃદયરોગો અને ડાયાબીટીસને પરસ્પર સંબંધ છે. જે લોકોને હૃદયરોગ હોય તેમને ડાયાબિટીસ થવાની અને જેને ડાયાબિટીસ હોય તેમને હૃદયરોગ થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે.
– ઉંમર
35 વર્ષની ઉંમર પછી આ રોગની સંભાવના વધી જાય છે.
– વ્યસન
તમાકુ, ધૂમ્રપાન અને દારૂૂ જેવા વ્યસનોને કારણે ડાયાબિટીસ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
– વારસાગત
જો પરિવારમાંથી કોઈને પણ ડાયાબિટીસ હોય તો અન્ય સભ્યોને ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. કેમ જે, તેમને આ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તેમને તો નાની ઉંમરથી જ ઉપર જણાવેલ ડાયાબિટીસ થવાનાં કારણોથી બચતા રહેવું જોઈએ.
ડાયાબિટીસમાં આહાર-વિહાર
– ઓછી કેલેરીવાળો, માપસરનો અને પચવામાં હળવો ખોરાક લેવો.
– ફળો-લીલા શાકભાજી તથા કડવા પદાર્થો હિતકર સમજીને વધુ પમાણમાં લેવા.
– દૂધની બનાવટોથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું.
– ગળ્યાં તથા વધુ ચરબીવાળા પદાર્થો ખૂબ જ ઓછાં લેવાં. તેમ જ ખજૂર, શેરડી, દ્રાક્ષ વગેરે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવા.-
– ડાયાબિટીસ થવાનું એક મુખ્ય કારણ છે:
– અનિયમિત જીવનશૈલી: જો કસરતો અને યોગ્ય આહારમાં ધ્યાન આપવામાં આવે, તો આ રોગ થવાની શક્યતા 50% ઘટી જાય છે માટે ચાલવું, જોગિંગ કરવું, તરવું વગેરે કસરતો રોજ કમસે કમ 30 મિનિટ સુધી કરવી. તેમજ યોગાસનો અને પ્રાણાયામો નિયમિતપણે કરવા.
– તમાકુ, ધૂમ્રપાન, દારૂ આદિ વ્યસનોનો ત્યાગ કરવો.
જો દર્દી ઉપરોક્ત વિવેક ન રાખી શકે તો પરિવારજનોએ દર્દીનું હિત ઈચ્છીને આહાર-વિહારના વિવેકનું પાલન કરાવવું.
સાવધાની
ડાયાબિટીસના દર્દીઓને ચિકિત્સકો એવી સલાહ આપતા હોય છે કે, જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવું, પણ ભૂખ સહન ન કરવી. પરંતુ આ સલાહની ઓથે દર્દીઓ નીચે મુજબની બે મોટી ભૂલ કરતા હોય છે.
(1) ભૂખ લાગે ત્યારે કેટલું જમવું જોઈએ, તેનો વિવેક ચૂકી જવાય છે. પરિણામે જરૂરિયાત કરતાં વધુ જમેલો ખોરાક પચતો નથી.
(2) વળી, દર્દીઓને તેમની જરૂરિયાતથી વિદ્ધ જીભને પ્રિય એવી ચટપટી વાનગીઓ ખાવાની વધુ ઝંખના રહેતી હોય છે. પરંતુ તેઓએ જીભને આધીન ન થતાં શરીરને હિતકર સફરજન આદિ ફળોનું યોગ્ય માત્રામાં સેવન વધુ કરવું જોઈએ.
તદુપરાંત ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય માત્રામાં ઊંઘ લેવી જોઈએ. થોડાક જ દિવસોની અસંતુલિત ઊંઘ લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારી શકે છે.
ડાયાબિટીસમાં ઉપયોગી ઉપચાર:
1) સવાર-સાંજ મીઠા લીમડાના 10 પાન ચાવીને ખાઈ જવા અને — પાણી પીવું.
2) સવાર-સાંજ અડધી ચમચી હળદરનો પાવડર અને 1 ચમચી આમળાનું ચૂર્ણ ફાકીને પાણી પીવું.
3) રોજ રાત્રે 1 ચમચી મેથી 1 કપ પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને તે પાણી પીવું.
4) કુમળાં કારેલાંના નાના ટુકડા કરી, છાંયડામાં સૂકવી, બારીક ભૂકો કરી, 10 ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
5) પાકા જાંબુના ઠળિયાને સૂકવી, તેનું બારીક ચૂર્ણ બનાવી, 1 ચમચી પાણી સાથે દિવસમાં બે વાર લેવું.
6) 3થી 4 ગ્રામ તજ અને મરીનું ચૂર્ણ રોજ બે વાર ભૂખ્યા પેટે લેવું.
7) રોજ સવાર-સાંજ જમ્યા પછી 4 ગ્રામ આમળાનું ચૂર્ણ 2ગ્રામ હળદરના પાવડર સાથે લેવું.
8) હરડે, બહેડાં, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા ભેગા કરી બારીક ચૂર્ણ કરી 1 ચમચી સવાર-સાંજ પાણીમાં લેવું.
9) 20થી 25 મિ.લી. ગળોનો સ્વરસ નિયમિત પીવો.
10) 10થી 15 નંગ તુલસીના પાન રોજ ચાવવા અથવા તેનો રસ લેવો.
11) 50 ગ્રામ બીલીના પાનનો સ્વરસ નિયમિત પીવો. અઠવાડિયામાં જ શર્કરાનું પ્રમાણ ઘટી જશે.
12) રોજ મધુનાશીની વેલના 3 પાન લેવા.
ખાંડ કે ગોળ-કયું સારું?
પશ્ચિમી સંસ્કૃતિના આગમન પહેલાં ભારતમાં ગોળનો ઉપયોગ ખાંડના પ્રમાણ કરતાં ખૂબ જ વધારે હતો. આપણા પૂર્વજો ગોળનો રોજિંદા આહારમાં ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા, પરંતુ ત્યારબાદ ભારતમાં ગોળની જગ્યાએ ખાંડનો ઘરે ઘરે ઉપયોગ વધવા લાગ્યો. વળી, આજે આપણાં ઘરોમાં ગોળના સ્થાન પર ખાંડ કબજો જમાવી બેઠી છે અને તેના કારણે ખાંડમાંથી ઉત્પન્ન થતી અનેક બીમારીઓ પણ ભારત દેશના લોકોમાં પ્રવેશવા લાગી છે.
આપણે એ નથી જાણતા કે, ખાંડના વધુ ઉપયોગથી આપણા સ્વાસ્થ્યમાં ધરખમ નુકસાન થાય છે. ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી જ બને છે, પરંતુ બંનેની બનાવવાની રીત અલગ હોવાથી બંનેના ફાયદા-નુકસાનમાં પણ ખૂબ જ અંતર રહેલું છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલના દર્દીઓએ આહારમાં ખાંડનો ઉપયોગ નહિવત કરવો જોઈએ. તેના વિકલ્પમાં ગોળનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.
અહીં ખાંડની સરખામણીમાં ગોળના અમુક ફાયદા દર્શાવ્યાં છે.
ખાંડ
પોષકતત્ત્વો: શર્કરા સિવાય કોઈ પણ પોષકતત્ત્વો ખાંડમાં આવતા નથી
પાચન: પાચનશક્તિને નબળી બનાવે છે
ચામડીના રોગો: ખીલ, ગૂમડાં વગેરે રોગ વધારે છે.
ઝેરીતત્ત્વો: લોહીની અંદર ધીરે ધીરે ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધારે છે.
આંખોનું તેજ: વધુ સેવનથી નાની ઉંમરમાં આંખના રોગ ઉત્પન્ન કરે છે.
હાડકાં પર થતી અસર: હાડકાંને કેલ્શિયમ શોષવામાં અવરોધક બને છે, તેથી હાડકાં પોલા કરે છે.
યાદશક્તિ: ઘટાડે છે.
ડીપ્રેશન: શરીરના હોર્મોન્સ અસંતુલિત કરે છે તેથી વધુ સેવનથી ડીપ્રેશન થઈ
શકે છે.
ત્રિદોષ પર થતી અસર: ત્રિદોષકારક
વાત: ખાંડના સેવનથી શરીરમાં વાત અસંતુલિત થઈ શકે છે અને અપચો, કબજિયાત, વા જેવી બીમારીઓ થઈ શકે છે.
પિત્ત:ઘણીવાર આપણે એસિડિટીનું શમન કરવા માટે ખાંડની વાનગીઓ લઈએ છીએ, પરંતુ શરીરને તે ખાંડનું પાચન કરવા માટે વધારે એસિડ ઉત્પન્ન કરવું પડે છે અને તેથી ખાંડ જ એસિડિટીનું કારણ બને છે.
કફ:કફજન્ય બીમારીઓ જેવી કે, શરદી, કફ, ઉધરસ, દમ વગેરે વધારે છે.
ગોળ
પોષકતત્ત્વો: અનેક વિટામિનો, લોહતત્ત્વો અને ખનિજો ગોળમાં આવે છે.
પાચન: પાચનશક્તિને સતેજ બનાવે છે.
ચામડીના રોગો: ચામડીના વિકારો દૂર કરવામાં ફાયદારૂપ છે.
ઝેરીતત્ત્વો: ઝેરી તત્ત્વોને દૂર કરવામાં સહાયક થાય છે.
આંખોનું તેજ: મોટી ઉંમર સુધી પણ આંખના સ્નાયુઓને મજબૂત રાખે છે.
હાડકાં પર થતી અસર: કેલ્શિયમયુક્ત હોવાથી હાડકાં મજબૂત કરે છે.
યાદશક્તિ: જાળવી રાખે છે.
ડીપ્રેશન: શરીરના હોર્મોન્સ સંતુલિત રાખે છે તેથી ડીપ્રેશન ઘટાડે છે.
ત્રિદોષ પર થતી અસર: ત્રિદોષશામક
વાત: શરીરમાં વાયુ ઘટાડે અને અજીર્ણ, કબજિયાત, માથાનો દુ:ખાવો, વા, ગેસ, નબળાં હાડકાં વગેરેમાં ફાયદાકારક છે.
પિત્ત:શરીરમાં પિત્તનું પ્રમાણ ઘટાડે છે. તેથી એસિડિટી, અલ્સર, માઈગ્રેન વગેરે બીમારીમાં ફાયદાકારક થાય છે.
કફ:શરીરમાં ભેગો થયેલ કફ બહાર કાઢવામાં ઉપયોગી થાય છે.
આપણ વાંચો: My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment