તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તીઃ જાણો, દંડ ધૌતિના ફાયદા

ભાણદેવ
પ્રાચીન પદ્ધતિ: દંડ ધૌતિનું જે વર્ણન પ્રાચીન યૌગિક ગ્રંથોમાં મળે છે, તે પ્રમાણમાં કઠિન છે. તેમાં વડની પાતળી સોટી કે કેળના પાનની વચલી સોટી લઇ તેના એક છેડાને દાતણની જેમ ચાવીને તૈયાર કરવામાં આવે છે. પછી આ છેડાને મુખથી અન્નનળીમાં નાખી હોજરી સુધી પહોંચાડવામાં આવે છે. પછી આ દંડનું ચાલન કરી હોજરીને સાફ કરવામાં આવે છે.
અર્વાચીન પદ્ધતિ:
- લગભગ કનિષ્ઠકા આંગળી જેટલી જાડી. અંદરથી પોલી અઢી ફૂટ લાંબી, રબ્બરની નળી લો. નળીના બંને છેડા સારી રીતે ગોળાકાર ઘસેલાં હોય તે આવશ્યક છે. જેથી શરીરના કોઇ ભાગને ઇજા ન થાય. રબ્બર સારી જાતનું અને પ્રમાણમાં મુલાયમ હોય તે આવશ્યક છે.
- ઉપયોગ કરતાં પહેલાં દરેક વખતે નળીને ગરમ પાણીમાં ઉકાળી સ્વચ્છ કરવી.
- નળીનો એક છેડો મુખમાં નાખી ગળામાંથી પસાર કરી અન્નનળીમાં જવા દો. તેને હોજરી સુધી પહોંચાડો. બીજો છેડો હાથમાં રાખો. ગળાની અંદર નાખતી વખતે પ્રારંભમાં કોળિયો ઉતારતા હોઇએ તેવી ક્રિયા કરવાથી સરળતા રહેશે. પ્રારંભમાં તકલીફ પડશે, પરંતુ અભ્યાસથી આ ક્રિયા હસ્તગત કરી શકાય છે.
- નળી હોજરી સુધી, અંદર નાખવાની ક્રિયા હસ્તગત થાય. પછી દંડધૌતિનો ખરો અભ્યાસ શરૂ થશે.
- તપેલામાં સ્વચ્છ, નવસેકું ગરમ પાણી લો. તેમાં થોડું મીઠું ઉમેરો.
- ઊભડક પગે બેસી આશરે ત્રણ-ચાર પ્યાલામાં પાણી ઝડપથી પીઓ.
- પછી તુરત ઊભા થઇને, રબ્બરની નળી હોજરી સુધી પહોંચે તેમ અંદર નાખો.
- નળી અંદર પહોંચી જાય પછી કમરથી વળી આગળ નમો. બંને પગ પહોળા રાખો. શ્વાસ અંદર લો. પેટ અંદર દબાવો. પાણીનો પ્રવાહ નળીમાંથી બહાર આવવા માંડશે. આ પ્રવાહ ચાલુ થાય પછી હલનચલન ન કરવું. પાણી એક ધારું વહેવા દો. પાણીનો પ્રવાહ બંધ થઇ જાય તો નળીને થોડી વધારે અંદર નાખો. ફરીથી શ્વાસ અંદર ભરી પેટ અંદર દબાવો. પાણીનો પ્રવાહ ચાલુ થશે, પાણીનો પ્રવાહ બહાર વહેતો ચાલુ થાય પછી શ્વાસ રોકી રાખવાની જરૂર નથી. શ્વાસોશ્વાસ સામાન્ય ગતિથી ચાલશે.
- આ રીતે બધું પાણી બહાર નીકળી જાય તેવો પ્રયત્ન કરો.
- પછી નળી બહાર કાઢી લો. નળી બહાર કાઢતાં તેની સાથે હોજરીમાંથી ચીકણો પ્રવાહી બહાર આવશે તેને બહાર નીકળવા દો.
- આ ક્રિયા દરમિયાન નીચા નમી નળીનો બહારનો છેડો એવી રીતે પકડી રાખો કે જેથી આ બહારનો છેડો હોજરી કરતાં નીચે રહે.
- આ ક્રિયા ખાલી પેટે જ કરવી જોઇએ.
- નળી અંદર દાખલ કરવાની કળા હસ્તગત ન થાય ત્યાં સુધી પાણી પીવાનો પ્રારંભ ન કરવો.
- બધું પાણી બહાર નીકળી જાય તો ઉત્તમ, પરંતુ તેમ ન થાય અને થોડું પાણી અંદર રહી જાય તો ચિંતા ન કરવી.
- પાણીમાં મીઠું બહુ ન નાખવું.
- શરીર તથા નળીની અવસ્થા બરાબર હોવા છતાં પાણી બહાર ન આવે કે અટકી જાય તો નળીને થોડી અંદર બહાર કરો. પાણીનો પ્રવાહ ચાલુ થઇ જશે. ઘણીવાર કફને કારણે નળીનો માર્ગ બંધ થઇ જવાથી આમ બને છે.
- પ્રારંભમાં અને અંતે નળી ગરમ પાણીથી બરાબર સાફ કરવી અને સાફ જગ્યાએ રાખવી.
- દંડધૌતિથી શું થાય છે ?
- અતિરિક્ત કફ અને પિત્તને બહાર કાઢી શરીરનું ધાતુ સામ્ય જાળવી રાખવામાં ઉપયોગી છે.
- હોજરીમાં જમા થયેલ દૂષિત દ્રવ્યો બહાર કાઢી હોજરીને સ્વચ્છ રાખે છે.
- શરદી, અસ્થમા, એસીટીડી જેવી બીમારીઓમાં રાહત આપે છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ શું છે આ સૂત્રનેતિ?



