દેશનું FDI નહીં, પોતાનું FDI ધ્યાનમાં લેવું…

ગૌરવ મશરૂવાળા
પારિવારિક નાણાકીય લક્ષ્યો વિશે થાણેનાં રાધિકા દેસાઈ નામનાં ગૃહિણી સ્વાનુભવ જણાવતાં કહે છે કે અમે જ્યારથી નાણાકીય લક્ષ્ય પારિવારિક સ્તરે નક્કી કરવા લાગ્યા છીએ ત્યારથી અમને તેમાં ઘણો જ આનંદ આવી રહ્યો છે. કુટુંબના બધા જ સભ્યોને તેમાં સહિયારી મજા આવે છે.
ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેના મારાં વર્ષોના અનુભવના આધારે હું કહી શકું છું કે નાણાકીય આયોજન ફક્ત આંકડાઓ નથી. તેમાં લાગણીઓ પણ વણાયેલી હોય છે. નાણાકીય લક્ષ્યો પણ માત્ર આંકડાઓ નથી. પરિવારનો દરેક સભ્ય જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય એવી એ ઘટના છે. ઘરની દીકરીનાં લગ્નનો પ્રસંગ પણ નાણાકીય લક્ષ્ય જ હોય છે, પરંતુ જ્યારે એ પ્રસંગ ઉજવાય છે ત્યારે શું આપણે નક્કી કરેલા આંકડાનું મહત્ત્વ હોય છે કે પછી તેમાં આપણી લાગણીઓ સંકળાયેલી હોય છે?
એક જાહેરખબરમાં પહેલાં આ સૂત્ર દર્શાવાય છે: ‘એક પિતાનો સૌથી વધુ સુખનો દિવસ અને સૌથી વધુ દુ:ખનો દિવસ એક જ હોય છે.’ ત્યાર બાદ દીકરીનાં લગ્નનું દૃશ્ય દેખાડાય છે.
સંતાનના શિક્ષણ, ઘરની ખરીદી, નિવૃત્તિ, વગેરેમાં પણ આવું જ થતું હોય છે. આપણા જીવનના યાદગાર પ્રસંગોની સાથે ઘણી બધી લાગણી સંકળાયેલી હોય છે. તેમને આંકડાની દૃષ્ટિએ જોવામાં આવે એ વાત તો ગુલાબના ફૂલની ઉંચાઈ, પહોળાઈ, વજન, રંગ, તેના કાંટાની સંખ્યા, કાંટાની તીક્ષ્ણતા, વગેરે લાક્ષણિકતાઓનું વર્ણન કરવા સમાન છે. આ રીતે જ્યારે આંકડાઓની વાત થવા લાગે ત્યારે એ પુષ્પની સુંદરતા તરફ દુર્લક્ષ થઈ જાય છે. એક વાત અહીં સ્વીકારી લઉં કે નાણાકીય લક્ષ્યોને શુષ્ક આંકડાઓ બનાવી દેવાનું પાપ અમે ફાઇનાન્શિયલ પ્લાનરોએ જ કર્યું છે. એક ફાઇનાન્શિયલ પ્લાનર અને એમના ક્લાયન્ટ વચ્ચેનો વાર્તાલાપ કંઈક આવો હોય છે:
ફાઇનાન્શિયલ પ્લાનર:
સાહેબ, તમારી દીકરીનાં લગ્નની નાણાકીય જરૂરિયાત માટે આપણે ત્રણ સ્થિતિના આધારે પ્લાનિંગ કર્યું છે. સૌથી ખરાબ સ્થિતિ, મધ્યમ સ્થિતિ અને ઉત્તમ સ્થિતિ. તમારું આયોજન વળતરના અંદાજિત દર, ફુગાવો અને કરવેરાના પ્રવર્તમાન દરના આધારે કરવામાં આવ્યું છે.
હવે દીકરીનાં લગ્નની ત્રણે સ્થિતિઓની વાત કરીએ.
સૌથી ખરાબ સ્થિતિમાં વરઘોડો તમારા આંગણે આવે ત્યાં સુધી પૂરતાં નાણાં હશે. પછીનો લગ્નનો બીજો ખર્ચ કરવાનું તમારા માટે શક્ય નહીં હોય. મધ્યમ સ્થિતિમાં તમારી પાસે બે ફેરા ફરાય ત્યાર સુધીના પૈસા જમા થઈ ગયા હશે. પછીનો ખર્ચ કરી નહીં શકો.
ક્લાયન્ટ (નિરાશ વદને):
સૌથી સારી સ્થિતિ કઈ?
ફાઇનાન્શિયલ પ્લાનર:
સૌથી સારી સ્થિતિ એ કે તમારી પાસે સંપૂર્ણ લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવાય એટલા પૈસા હશે, પણ દીકરીને વિદાય આપવા માટે આવશ્યક પૈસા નહીં હોય!
આમ તો નાણાકીય લક્ષ્યોમાં સંપૂર્ણ પરિવારની લાગણીઓનો વિચાર કરવામાં આવો જોઈએ. એ કરી લીધા બાદ લક્ષ્ય સુધી પહોંચવાની પ્રવૃત્તિઓ પણ આખો પરિવાર ભેગો મળીને કરે એવો જ વ્યૂહ હોવો જોઈએ. બધાનો સહભાગ તેમાં આવશ્યક છે.
બધા જ સ્વજનોએ ભેગા બેસીને લક્ષ્યની ચર્ચા કરવી જોઈએ, પ્રસંગનું આયોજન કરવું જોઈએ. એ આયોજનમાં નાણાકીય બાબતો પણ આવી જાય. આમ, નાણાકીયથી માંડીને બધી જ રીતે આખો પ્રસંગ પારિવારિક સ્તરે ઉજવાવો જોઈએ.
આયોજન થઈ ગયા બાદ નાણાં ક્યાંથી આવશે તેનો વિચાર થવો જોઈએ. શું પરિવારમાં આવનારી આવકમાંથી ખર્ચ નીકળશે કે પછી રોકાણો પાકશે તેમાંથી નીકળશે કે પછી પરિવારે નાણાં ઉછીનાં લેવાં પડશે? એ પ્રશ્નોની ચર્ચા કરીને જવાબ નક્કી કરવા જોઈએ. શક્ય છે કે લગ્નના પ્રસંગને હજી ઘણી વાર હોય. એવી સ્થિતિમાં પહેલેથી જ તેને અનુલક્ષીને રોકાણ શરૂ કરવામાં આવી શકે છે. કદાચ સ્વજનોએ પોતાના કેટલાક ખર્ચ પર કાબૂ મૂકી દેવો પડે એવું પણ બની શકે. ખર્ચ પર કાબૂ મૂકવાથી એ પ્રસંગ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ ઘણી વધી જાય છે.
શ્રીમતી શર્માનો દાખલો અહીં જોવા જેવો છે. એમણે મને પોતાની દીકરી દીપ્તિનાં શિક્ષણ માટેના આયોજન વખતે કહ્યું હતું, ‘ગૌરવ, ઈચ્છા છે, પણ મારે નવો મોબાઇલ હમણાં લેવો નથી. હું છ મહિના પછી લઈશ. આપણે પહેલાં દીપ્તિના ભણતરનો ખર્ચ ક્યાંથી કાઢવો તેનો વિચાર કરી લઈએ. મારી પાસે પૂરતા પૈસા ભેગા થઈ જશે પછી મારા મનને શાંતિ વળશે. પછીથી તો હું ગમે ત્યારે મનગમતા મોડેલનો ફોન લઈ શકીશ.’
હવે જ્યારે પણ FDI ની વાત કરો ત્યારે MY FDI નો એટલે કે MY FAMILY’S DESICION TO INVEST નો વિચાર કરવો. તમારા દેશમાં કેટલું FDI(ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) આવે છે એના કરતાં વધારે અગત્યનો મુદ્દો તમારા પરિવારનું MY FDI છે.
આ પણ વાંચો….MY GDP એટલે શું?