વૃદ્ધત્વ રોકવા માટે જરૂરી છે કોલેજન પ્રોટીન

- આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
આપણા શરીર માટે અનિવાર્ય પોષક તત્ત્વ એટલે પ્રોટીન છે, જે ત્વચા, વાળ અને સ્નાયુઓના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. જે શરીરના વિકાસ કોષોના નિર્માણ અને વિવિધ શારીરિક કાર્યો માટે આની ભૂમિકા મહત્ત્વની છે. શરીરના કોષોને સુધારવા કે નવા બનાવવા માટે આહારમાં લગભગ આઠ ગ્રામ જેટલું પ્રોટીન આવશ્યક છે. જે મજબૂત હાડકાં, સ્નાયુ પાચન ઉત્સેચકો (એન્ઝાઇમ) હાર્મોનના નિર્માણ એન્ટી બોડી (જે શરીરને ચેપ સામે રક્ષણ આપે). ઓકિસજનના પરિવહન માટે, વિટામિન-એ સાથે સંયોજન કરીને સ્વસ્થ દૃષ્ટિમાં મદદ કરે છે. પ્રોટીનની ઊણપને કારણે શરીરનો બાહ્ય વિકાસ અટકી જાય છે. તેમ જ વિવિધ રોગોને સાજો કરવામાં મુશ્કેલી પડે છે. તેમ જ પ્રોટીન શરીરમાં વધી જતા કીડનીને નુકસાન પહોંચે છે. તેમ જ વધુ પડતું પ્રોટીન શરીરમાં કેલ્શ્યિમની ઊણપનું કારણ બની શકે છે. વધારાનું પ્રોટીન ન પચવાની નિશાનીઓ ગેસ, અપચો, અને એસિડીટી જેવી વ્યાધિઓ થાય છે.
સ્વસ્થ ત્વચા કે વૃદ્ધત્વના ચિહ્નો, કરચલીઓ, ત્વચા ઢીલી પડતી સમસ્યાઓને અટકાવવા કોલેજન પ્રોટીન ખૂબ જ જરૂરિયાત હોય છે. કોલેજન એક માળખાકીય પ્રોટીન છે. જે માનવ શરીર ઉત્પન્ન કરે છે. તેમાં એમિનો એસિડ ગ્લાયસીન, પ્રોલાઇન અને હાઇડ્રોકસી પોલીન હોય છે. આની ઊણપથી વૃદ્ધત્વ જલદી આવે છે.
કોલેજન હાડકાંને પણ મજબૂત કરે છે. હાડકાં માટે બિલ્ડિંગ બ્લોક છે જે હાડકાંને નબળા પડતા અટકાવે છે. તેમ જ ત્વચાને મજબૂત બનાવી દે છે. જેથી વૃદ્ધત્વ કે કરચલીઓ જલદી ન આવે. વાળ અને નખ માટે એક સ્તર તૈયાર કરે છે. જેથી તે મજબૂત રહે. કોલેજન વિના રક્તવાહિનીઓ લચીલી બનતી નથી. લચીલી બનાવવા કોલેજન પ્રોટીનની આવશ્યકતા છે. જેથી સાંધાના દુખાવા થતાં નથી. કોલેજન લગભગ ત્રીસ ટકા જેટલું પ્રોટીન બનાવે છે. ઉંમર વધતાં શરીરમાં કોલેજનનું ઉત્પાદન ઘટે છે. જેથી ચાલીસની ઉંમર પછી હાડકાં નબળા પડે. વાળ ખરવા લાગે, ત્વચા ઢીલી પડવા લાગે છે. આ પ્રોટીન સમપ્રમાણમાં પહેલેથી લેવું જરૂરી છે. વ્યાધિઓ આવ્યા પછી તે વ્યવસ્થિત થતાં ઘણો સમય લાગી જાય છે.
આહારમાં કોલેજનનું સ્તર વધારવા માટે વિટામિન-એ, સિવાય ઝીંક અને લ્યૂટીન જેવા તત્ત્વોની જરૂર પડે છે. આની માટે યોગ્ય આહારનું આયોજન ઉપયોગી છે. સપ્લિમેન્ટની આવશ્યકતા નથી, સપ્લિમેન્ટના કારણે ઘણીવાર આડઅસર જોવા મળે છે. જે બીજી વ્યાધિઓને વધારી દે છે. એન્ટિ-એજિંગ કોલેજન માટે પ્રોટીન પાઉડર લોકો લેતાં હોય છે. તેની માટેની ગોળીઓ તેમ જ લિક્વિડ ડ્રીંક પણ મળે છે જે નુકસાનકારક સાબિત થયા છે. આડઅસર ઓછી છે પણ તે શરીરને બીમાર રાખે છે. જેમ કે ચક્કર આવવા, માથાનો દુખાવો, ઝાડા થવા વગેરે. બજારમાં અનેક પ્રકારની બ્રાન્ડ અને વિકલ્પ છે જે ઘણાં મોંઘા છે. સારા પરિણામની આશા ઓછી છે. શરૂઆતથી પ્રાકૃતિક ખોરાક જ લેવો જરૂરી છે. બજારમાં મળતા પ્રોટીન પાઉડર પ્રોટીન શેકને કોફીમાં મેળવી લેતાં લોકોને પરિણામ દુ:ખદાયી આવ્યા છે. બજારમાં પ્રોટીનના શેકની બોલબાલા છે. જેના કારણે લોકો ભરમાઇ જાય છે.
આહારમાં સાકરનું પ્રમાણ વધી જતાં તે એડવાન્સ ગ્લાઇકેશન એન્ડ પ્રોડક્ટ બની જતાં તે પ્રોટીનના અણુઓને નુકસાન પહોંચાડે છે. જેથી ત્વચા સૂકી અને ભંગુર બની જાય છે. કેફેનવાળી વસ્તુઓ જેવી કે ચહા, કોફી, ચોકલેટ કે અન્ય ડ્રિન્ક ઇલાસ્ટિનને નુકસાન કરી દે છે તેથી કરચલીઓ જલદી આવી જાય છે. નિકોટીન (જે ચહા-કોફીમાં વપરાય) ત્વચાની રક્તવાહિનીઓને સંકુચિત કરી નાખે. જેથી ઓકિસજન અને પોષક તત્ત્વોનો પ્રવાહ અટકી જાય છે. આના કારણે સાંધાઓમાં તકલીફ આવે છે. કોલેજની ઉણપ કે સ્પલિમેન્ટને કારણે સ્વાભાવિક રુપથી તેનું સ્તર ઓછું થાય અને વ્યાધિઓ દેખાવા માંડે. વધુ પડતો સૂર્ય પ્રકાશથી પણ કોલેજનની ઊણપ થાય છે.
સ્ત્રીઓ પોતાની ત્વચા અને વાળને સુંદર બનાવી રાખવા જાતજાતના પ્રોડક્ટ્સ વાપરતી હોય છે. ઘણા ક્રીમો અને લેપો લગાડતી હોય છે. વાળ માટે ઘણાંય શેમ્પુ બદલે છે. નટ, નટીઓની જાહેરાત જોઇ તે વસ્તુઓનો ઉપયોગ કરે છે. ત્વચાને ગોરી રાખવાના ક્રીમો તેમ જ સનસ્ક્રીન લોશનનો વપરાશ ખૂબ જ વધ્યો છે. જેના કારણે વાળ અને ત્વચાનું મોટું નુકસાન બે-ચાર વર્ષમાં જ દેખાય છે. વાળ લગભગ નાની ઉંમરમાં જ સફેદ થઇ જાય છે. ત્વચા પર કાળા ડાઘ દેખાય છે. હાર્મોનની વ્યાધિઓ મોટા પ્રમાણમાં દેખાય છે. જેથી નાની ઉંમરે થાક જણાય છે. ચિડાચિડાપણું વધી જાય છે. થોડુ જ કામ કરતાં માથાનો દુખાવો થાય છે. પીસીઓડીની વ્યાધિ લગભગ ટીનએજરોમાં દેખાય છે. પુરુષોમાં પણ નાની વયમાં ટાલ (ટકલ) પડી જાય છે. ઘણા યુવાનોના વાળ સંપૂર્ણ સફેદ થઇ જાય છે. નાની ઉંમરમાં જ આંખોની વ્યાધિ અને ચશ્માં આવી જાય છે. રિફાઇન્ડ ખાદ્ય-પદાર્થ અને કેફેનવાળા ખાદ્ય પદાર્થ, વધુ પડતા સ્પાઇસી પદાર્થ ટાળવા જોઇએ. પ્રોટીન યુક્ત આહારની માત્રા સિમિત પ્રમાણમાં લેવી જોઇએ.
કોલેજન પ્રોટીન યુક્ત આહાર લેવા જોઇએ. જેમ કે લીલા પાંદડાવાળી ભાજી, કેલ, પાલક, બીકચોય લેટયુસ, વોટરક્રેસ (પાણીચી ભાજી) મોરરા ભાજી, ટાકળા, ખટીચૂક ભાજી, અંબાડી ભાજી, પોઇ ખાખરા ભાજી, ફલાવરના પાન જેવી પાંદડાવાળી ભાજી એ પ્રોટીનનો સ્રોત છે.
વિટામિન-સી વાળો આહાર, પપનસ, સંતરા, સંતરાની છાલનું શાક, આમળા, પરપોટા (યલોબેરી) અલ્હાબાદીર પેરુ (લાલ હોય છે) દેશી પેરુ બીમલી, સ્ટારફૂટ, (કમરૂખ), બ્લેક બેરી, બ્લુ બેરી, ચણીયા મણીયા બોરુ, ઉન્નાબ (એક જાતના બોર) સુરતી બોર (સૂકાબોર) ગ્રીન એપલ, ઝીંક અને કોપર માટે બધા જાતના સુકામેવા લેવા જોઇએ.
પ્રોટીન માટે આપણી પાસે દાળોનો ભંડાર છે. લીલા વટાણાની દાળ, લીલી તુવેરની દાળ, શકકરીયા (સ્વીટ પોટેટો) ત્વચાને નિખાર આપે છે. પરપલ (સુરતી કંદ) ત્વચાને મજબૂતી આપે છે. કાચા લીલા ટમેટા, સિમલા મરચા, કાકડી, ગાજર, મદ્રાસ કાકડી જેવી શાકભાજી ત્વચા અને વાળનું સૌદર્ય વધારે છે.
ત્વચામાં કરચલી પડે તે પહેલા વાળ ખરે તેથી પહેલાં જ આહારમાં સુધારો લાવવો જરૂરી છે. એક વીસ વર્ષની યુવતીના વાળ લગભગ બધા જ ખરી ગયા હતા. તે વધુ પડતું જંકફૂડ, સોસ (કેચજી) વધુ લેતી. તેમ જ પાતળા થવાની દવાને કારણે વાળ બધા જ ખરી ગયા હતા. યોગ્ય વિટામિન-સી વાળો આહાર લેતા બે વર્ષ પછી તેણીના વાળ પાછા આવ્યા. સંતરાની છાલનું શાક ખૂબ જ કામ આવ્યું. માલ્ટા (સંતરા જેવું) આની છાલનું શાક પ્રોટીન અને વિટામિન -સીથી ભરપૂર છે. છાલ ફેંકવી નહી આનો ઉપયોગ શાક બનાવી કે ચટણી બનાવી લઇ શકાય છે.
આપણ વાંચો: સ્વાદસભર વાલમાં સમાયેલાં છે અનેક પોષક ગુણ…