આહારથી આરોગ્ય સુધી : સ્વસ્થ રહેવા તહેવારોની ઉજવણી જરૂરી…

-ડૉ. હર્ષા છાડવા
એક સમય હતો કે, ભારતીય સંસ્કૃતિમાં, દરરોજ કોઈને કોઈ તહેવાર મનાવાતો, આખું વર્ષ તહેવારો મનાવવાને કારણે જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે. માટે જ તહેવારોનું અધિક મહત્ત્વ હતું. આપણી સંસ્કૃતિ એ સંપૂર્ણ ઉત્સવ પ્રેમી છે. ખેતર ખેડવાથી લઈ વાવણી અને લણણી સુધી વિવિધ તહેવારો, ઉત્સવો મનાવતા હતા. આજે પણ આપણે ઉત્સવ મનાવીએ છીએ, પરંતુ તેમાં લાગણીને અને મૂળ વાતને ધ્યાન નથી અપાતું. ફોટા પાડવા, સારા કપડાંનો દેખાવ વધી ગયો છે. તહેવારો મનાવવાના મૂળમાં સ્વાસ્થ્ય જળવાતું હતું. તહેવારો નથી મનાવી શકતા તેના બીજા પણ કારણો છે. સમયનો અભાવ, તહેવાર મનાવવાની જાણકારી નથી. આર્થિક ઉપાજન માટે ઘરથી દૂર, સાધનોની કમી જેવાં કારણોને લીધે તહેવાર મનાવવામાં નથી આવતાં.
તહેવારોની બહુ મોટી ઉજવણીની જરૂરિયાત નથી. તેમાં વપરાતી સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ, કે ખાદ્ય-પદાર્થનો ઉપયોગ કરી સ્વાસ્થ્યને ઠીક રાખી શકાય છે જેથી ઉમંગ, ઉત્સાહ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે. જીવન આનંદમય બનાવી શકાય. આ આજની યુવા પેઢી માટે ખૂબ જરૂરી છે ભણતરનો બોજ અને પછી કામકાજનો બોજ શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે. આપણી સંસ્કૃતિમાં પાછા લાવવા ઘણા લોકો મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી: વ્યસન ન હોવા છતાં પણ વ્યસનને લગતી બીમારી થવાના કારણ…
ચોમાસાના દિવસો એટલે આધ્યાત્મિક સફર ચાલુ થાય. તહેવારો ક્રમબધ આવે છે. સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે ચાતુર્માસ મહત્ત્વનું છે આમાં આવતા તહેવારો શરીરમાં ઉમંગ અને ઉત્સાહ ભરી દે છે. લોકો સાથે હળવા-મળવા મળે છે.
વર્ષાઋતુની શરૂઆતમાં આવતા તહેવાર એટલે મોળાકાત, ગૌરીવ્રત, દિવાસો, જયાપાર્વતી, નાગપંચમી, શીતળા સાતમ, ગોકુળ અષ્ટમ વગેરે તહેવારો સ્વાસ્થ્યને લગતા તહેવાર છે. મોળાકાત એ નાની બાળાઓ કરે છે જેમાં પાંચ દિવસના વ્રત છે જેમાં મીઠા વગરનું ભોજન લેવામાં આવે છે. પાંચમના દિવસે જ્વારા રોપવામાં આવે છે. અગિયારસથી પૂનમ સુધીનો તહેવાર છે, જેમાં મોરશની ભાજી ખાવામાં આવે છે. સાથે દહીંનો ઉપયોગ થાય છે. મોરશની ભાજી એ થાઈરોઈડની ભાજી પણ કહેવાય છે. થોડી નમકીન છે. સમુદ્રની આસપાસ ઊગે છે, જેમાં ભરપૂર માત્રામાં આયોડિન છે. ઓમેગા છે. એન્ટિઓક્સિડેન્ટ છે. ઉચ્ચ પ્રકારનું કેલ્શિયમ છે. તહેવારમાં આનો વપરાશ થાય છે જેથી ભવિષ્યમાં થાઈરોઈડ ન થાય. આ વ્રત પાંચ વર્ષ ચાલે છે. જે શરીરમાં આયોડિનની માત્રા જાળવી રાખે છે. વ્રત ન પણ કરતાં હોઈ તો પણ આ ભાજીનો ઉપયોગ મુઠિયા, પરોઠા, રાયતું કે શાક બનાવી ખાઈ શકાય છે જેથી આયોડિન મળી રહે. થાઈરોઈડની સમસ્યાવાળાઆને ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આ ભાજી લૂણી ભાજી, ડુંગર ભાજી જેવાં અન્ય નામો પણ છે. આ ભાજી બહુ થોડો જ સમય મળે છે. ફૂલકાજળી કે જયાપાર્વતી વ્રતમાં પણ નમકનો ત્યાગ હોય છે. જેમાં જ્વારાનો રસ, ફળો, દૂધનો ઉપયોગ થાય છે, જેથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. દિવાસો વ્રતમાં પણ નમકનો ત્યાગ એકટાણુંથી કે ઉપવાસથી કરે છે. નમકના ત્યાગને કારણે શરીરમાં સોડિયમની માત્રા પર કાબૂ થવાનો છે. સોડિયમ વધી જવાથી બી.પી., સોજા કે કિડનીની સમસ્યાઓ થાય છે. આ વ્રતો અને ખાવાપીવાના નિયમને કારણે શરીરમાં સુખાકારી જળવાય છે.
ભારત ખેતી પ્રધાન દેશ છે જે જમીનથી જોડાયેલા છે સર્પ કે નાગનું રહેવાનું જમીન છે. ખેતી વરસાદમાં થાય છે તેથી સર્પ કે નાગ અંદરની જમીનમાંથી બહાર આવે છે તેમાં વિષ હોય છે તેથી લોકોને ડર કે ભય લાગે છે. આ ડરથી મુક્તિ માટે નાગપંચમ ઉજવાય છે. સર્પ કે નાગ પણ આપણા મિત્ર જેવા છે. શરીરમાં ઝેરી તત્ત્વોનો નાશ પમાડવા માટે નાગપાંચમ તહેવાર ઉજવાય છે તે દિવસે લોકો એકટાણું કરે છે. વિવિધ પ્રકારની કુલર, દૂધ અને ભીંજવેલા મગનો ઉપયોગ કરે છે. લગભગ ઠંડું ભોજન ખાય છે, ફળોનો પણ ઉપયોગ કરે છે. આ ભોજનથી શરીરમાંનો ટોક્સિન નીકળી જાય છે.
શીતળા સાતમમાં પણ ઠંડું ભોજન કરવાની પ્રથા છે. જેમાં આગલા દિવસે બનાવેલું ભોજન લેવામાં
આવે છે. જેના કારણે શરીરમાં વિટામિન-બી-12 ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ઢેબરા જે દહીં નાખીને બને છે. છાસવાળી રાબ જે વિટામિન બી-12થી ભરપૂર છે. મીઠી રોટલી, કુલેર, નાળિયેરનો ઉપયોગ થાય છે, જે લગભગ આખા ભારતમાં ઉજવાય છે જેને બાસોદા પણ કહેવાય છે. આ તહેવાર એટલે વિટામીનની ખામી દૂર કરવાનો તહેવાર છે. આ તહેવાર ઉત્તર ભારતમાં દરેક મહિનાની સાતમે ઉજવાય છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : ચોમાસામાં સ્વસ્થ રહેવા હર્બલ કાઢા અપનાવો…
શ્રાવણ મહિનામાં લોકો ઘણાં વ્રત કરે છે. શ્રાવણ મહિનામાં ઘણા ફળ ખાઈને કરે છે. ઘણાં લોકો ફક્ત ફરાળી વસ્તુઓ ખાઈને કરે છે. ફક્ત સૂરણ (આખો મહિનો ફક્ત સૂરણ જ ખાવું) ખાઈને પણ લોકો વ્રત કરે છે. સૂરણની મેડિકલ પ્રોપર્ટી ઘણીય છે. જે પાઈલ્સની બીમારી જલદી ઠીક કરી દે છે. ડોપામાઈનનું સ્તર જાળવી રાખે છે. નવરાત્રિમાં ઘણા ફક્ત ફળ ખાઈને કે એકટાણું કરે છે. દિવાળીના દિવસોમાં મીઠાઈની તો મોજ. આમ આપણા ભારતમાં ચાતુર્માસ એટલે શરીરનું સ્વાસ્થ્ય જાળવવું તે. જૈનો પણ ઉપવાસ કે એકટાણા કરે છે જે શરીરના સ્વાસ્થ્યને લગતા છે. વિટામિન અને ખનિજ શરીરમાં જળવાઈ રહે છે. કદાચ ઉપવાસ કે એકટાણાં ન થાય પણ ચોમાસામાં મળતી ભાજીઓ અને ફળો ઉપયોગ કરવો જરૂરી છે.
ચોમાસામાં ખાપરા ભાજી, ટાકળા ભાજી, ભોરંગી તુપકડી, પોઈભાજી જેવી ભાજીનો ઉપયોગ કરવો જોઈએ. પાણીચી ભાજી કે વોટર ક્રસ આ ભાજી પણ થાઈરોઈડને દૂર કરે છે. દવાની જરૂર પડતી નથી. ભારંગી ભાજી ડાયાબિટીસ પર ખૂબ જ કારગર છે. ડાયાબિટીસવાળાને પગ સડવાની સમસ્યા રહે છે ત્યારે આ ભારંગી ખૂબ જ ઉપયોગી છે. મહારાષ્ટ્રના ઘણા ગામોમાં આ ભાજીને પૂજામાં સ્થાન આપ્યું છે. આ બધી ભાજી ચોમાસામાં જ મળે છે.