મોજની ખોજઃ ઘરડા ઘરમાં શોભે…. ઘરડાઘરમાં નઈ!

- સુભાષ ઠાકર
અલ્યા ભાઈ, જગતનો કોઇ પણ ડોહો ખેચી ખેચીને 83-85એ પહોંચે એટલે વડીલમાંથી પાછું નાનું ટેણીયું બની જાય એટલે નવડાવવું-ખવડાવવું પણ પડે એ બધુ કબૂલ, પણ એ વડીલ બાળકને આંગળીથી લાઇટની સ્વીચ દબાવો એમ દાઢી દબાવી ‘અલે માલો બાપલીયો આવતો લે મારો ટીકુડો…’ એવું કાલુ કાલુ બોલી હવામાં ઉછાળી કે ગોદડીમાં સુવાડી રમાડાય નઈ, ને બાબાની જેમ બાપાને તેડી બજારમાં નીકળ્યા તો કેવા ભૂંડા લાગીએ…
માન્યું કે બાપુજીને રમાડવા -હસવાની મજા આવે, પણ જો રોજનું વ્યસન થઇ જાય તો રોજ બાપુજીને રમાડવાનું સેશન ચાલુ કરવું પડે, ઘરના સભ્યોએ વારાફરતી કલાકે કલાકે બાપુજીને રમાડવા હાજર રહેવું પડે… આમાં લોચો એ ખરો કે બાબો એના બાપુ પર ગયો છે એમ કહેવાય, પણ અહીં તો બાપુ એના બાબા પર ગયા છે એવું કીધુ તો ઘરનું વાતાવરણ તંગ થઇ જાય ને બાનું મોઢું જોવા જેવું થઇ જાય…
મારે આજે જગતના તમામ બાપુજીઓને કહેવુ છે કે નાનપણમાં બાળકોને છણકાય છણકાય કર્યું હશે તો દીકરાઓ હવે છણકાવશે. તમારા હાકોટા-છાકોટા બંધ થઇ જશે… શરીરનું વજન ઘટશે ને ઘરમાં પણ વજન નઈ પડે,
તમારો રૂઆબ તમારો વટ ભૂતકાળ બની જશે, આ બધુ બા હતા ત્યાં સુધી બરાબર પણ દીકરા-વહુને ‘આ ટીવી પર કચરો કેમ છે? ટીકુ નિશાળે કેમ નથી ગયો, મને નાસ્તામાં ગાંઠિયાને બદલે સેવ કેમ આપી?’ એવી ખટપટ કરી તો એક દહાડો દીકરો જ બોલશે ‘પ્લીઝ, બાપુજી ખબર પડતી નથી તો ડબડબ ના કરો, વારંવાર કીધુ કે લાઈટ બંધ કરી સૂઈ જાવ, ને તમને ઊંઘ ન આવતી હોય તો અમારી ઊંઘ શું કામ બગાડો છો?’
બિચારા બાપુજી બંધ લાઈટમાં ખુલ્લી આંખે મનોમન બોલ્યા: ‘એય ચંબુની મા, સાંભળે છે? જે દીકરાને બાથી માંડી બધું બોલતા શીખવાડ્યું એ મને ચૂપ રહેવાનું શીખવાડે છે. આપણને ઊંઘ આવતી છતાં ચંબુ વાર્તા સાંભળવાની જીદ કરતો ‘મને લાજાની વાલતા કહોને… પછી પેલી પલીનું શું થયુ?..બાપુ, પેલા કાગડા પાસેથી શિયાળને પુલી મલી?’ તેને ખુશ કરવા સાચા સવાલોના ખોટા જવાબ આપી વાર્તા કહેતા ને નવી નવી વાર્તા શોધતા… મારું શું થશે એનો વિચાર કર્યા વગર તું ચાલી કેમ ગઈ?’ એટલું વિચારી બાપુજી આંસુનો સાથ લઇ સૂઈ ગયા…
બીજા દિવસે ચંબુ બાપુ પાસે આવી બોલ્યો: ‘હાય ડેડ, ડોન્ટ ફિલ બેડ પણ તમે બાના ગયા પછી કેટલીવાર બોલ્યા કે હવે હું તો ખર્યું પાન, પણ પ્રેક્ટિકલી તમે ખરતા નથી તો ડેડ, હવે રીક્વેસ્ટ કે આ બધુ મારા નામે ક્યારે કરો છો?’
‘યસ માય ડીયર સન, પણ સ્ટીલ આઈ એમ નોટ ડેડ, અન્ડરસ્ટેન્ડ?’
‘બાપુજી’ વહુ બોલી ‘આપણી રોજની ટકટકને લીધે સાથે ન રહી શકીએ એથી તમને ‘દીકરાના ઘર’માં મૂકવાનો વિચાર કર્યો છે’
‘અરે વહુબેટા, દીકરાના ઘરમાં તો છું.’
‘શું બાપુજી તમે પણ બહુ ભોળા છો અરે, આ ‘દીકરાનું ઘર’ એ વૃદ્ધાશ્રમનું નામ છે.!’
બાપુજીએ વિચાર્યું કે ધીરે ધીરે ઉંમર અને ઘરવાળા બંને સાથ છોડતા જાય છે. બીજા દિવસે વૃદ્ધાશ્રમમાં મોકલતા ચંબુએ બાપુજીને ત્રણચાર જોડી કપડાં સાથે એક ધોતીજોટો આપ્યો, પણ પુએ એને ફાડીને બેમાંથી એક ધોતી ચંબુને આપી ને ચંબુ ચમક્યો :
‘બાપુજી આ ધોતી..’
‘હા બેટા, તું મારો દીકરો છે એટલે મને જોટો આપ્યો પણ જ્યારે તારો વારો આવશે ત્યારે તારો દીકરો તને એક પણ નઈ આપે ત્યારે કામમાં લાગશે…રાખી લે’ એટલું બોલી બાપુજીએ વૃદ્ધાશ્રમ જવાનો રસ્તો પકડ્યો.
બીજા દિવસે હું ચંબુને મળવા ગયો તો એ બોલ્યો :
‘ઠાકર, બાપુજી સાથે મારા કે ચંપાના સ્વભાવનું મેચિંગ ન થયું એટલે ‘દીકરાનું ઘર’ નામના ઘરડાઘરમાં મૂક્યા. એમનું પેન્સન આવે છે સાત હજાર એમાંથી બે હજાર જમવાના ને એક હજાર ભાડાના આપવાના. ચાર હજાર બચે એ ક્યારે બીમાર પડે તો દવાના… ગમેએમ તોયે પોતાના બાપુજી છે… પણ હવે બહુ નઈ કાઢે.’
‘ચંબુ, એ કાઢે કે ન કાઢે તેં તો ઘરમાંથી કાઢ્યા… યાદ રાખ ‘ઘરડા ઘરમાં શોભે ઘરડાઘરમાં નઈ’ એટલું કહી ને હું નીક્ળી ગયો.
હું મારા ઘરે પહોંચ્યો તો સરોજ બોલી:
‘ખોટું ન લાગે તો મારે તમને એક સરપ્રાઈઝ આપવી છે.’
‘બોલ ’
‘બજારમાં ચંબુના બાપુજી મળેલા એમની વૃદ્ધાશ્રમની દશા સાંભળી મને ખૂબ દુ:ખ થયું એટલે…’
‘એટલે શું?’
‘એટલે હું એમને કાયમ માટે આપણા ઘરે લઇ આવી છું. તમને વાંધો નથી ને? બાજુની રૂમમાં છે’.
બાજુની રૂમમાં બાપુજી ઈશ્વર સામે પ્રાર્થના કરતા હતા:
‘હે પ્રભુ, તું હવે ઉઠાવી લે એનો વાંધો નથી, પણ પછી મારો નપાવટ દીકરો ચંબુ એના ખભા પર મને ન ઉઠાવે એનું ધ્યાન રાખજે.’
બાપુજી આટલું બોલી મારા તરફ વળ્યા ત્યારે આંખમાં નદી બની આવેલા આંસુ ધોધ બની બહાર આવ્યા…મને ભેટી પડ્યા:
‘બેટા, હવે ચંબુની બા પાસે જવાની ઉતાવળ ને ઈચ્છા થઇ છે, બેટા… ‘દુનિયાને કિતના સમજાયા કોન હૈ અપના કોન પરાયા’ પણ હું સમજી જ ન શક્યો. હવે સમજાયું પણ હવે શું? સબ કુછ લુટાકે હોશમેં આયે તો ક્યા હુઆ’ બેટા, તું બીજુ કઈ આપે કે ન આપે પણ અંતમાં મને ખભો આપજે ને જેને મેં બચપણમાં ખભા પર રમાડ્યો એ ખભો ન આપે એનું ધ્યાન રાખજે… રાખીશને?’
હું શું બોલું? શું કહો છો?
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રજ્ઞા એટલે જ્ઞાન પ્રાપ્તિનું મનસાતીત કરણ



