તરોતાઝા

પથ્ય-અપથ્ય વિવેક ન રાખો તો આરોગ્ય સલામત ક્યાંથી રહે?

આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક

ભોજન અને આરોગ્યને લાગતો એક સુંદર શ્ર્લોક છે:
વિનાપિ ભેષજં વ્યાધિ: પથ્યાદેવ નિવર્તતે
ન તુ પથ્યવિહીનોયં ભેષજાનાં શતૈરપિ

અર્થાત્ :

માત્ર પથ્યનું પાલન કરવાથી દવા વગર રોગો મટાડી શકાય છે, પરંતુ 100 દવાઓ લીધા પછી પણ જો પથ્યનું પાલન ન કરવામાં આવે તો રોગો મટાડી શકાતા નથી. જેમને રોગોની સારવાર માટે આયુર્વેદ પર ભરોસો ન હોય, તે લોકો પણ જાણતા હશે કે એલોપેથીમાં પણ અનેકવાર ડોક્ટર પણ દવાની સાથે યોગ્ય આહાર લેવાની સલાહ આપે છે. તેથી જ આપણે ત્યાં પુરાતન કાળથી કહેવાય છે કે, પથ્ય-અપથ્યની આપણને જાણકારી હોવી જોઈએ.

પહેલાના સમયમાં આપણા ઘરની માતાઓને આ બાબતની ઊંડી જાણકારી હતી. ‘દાદીમાનું વૈદું’ શબ્દ એમ ને એમ નથી આવ્યો… જોકે હવેના લોકોમાં એ જાણકારી રહી નથી અને આધુનિકતાના ચક્કરમાં બહાર ખવાતા ખાદ્ય પદાર્થોમાં વિરુદ્ધ આહારોની ભરમાર હોય છે. ચાઈનીઝ, જાપાનીઝ, થાઈ જેવા અનેક પ્રકારના ભોજનોમાં વિરુદ્ધ આહારો એક અથવા બીજી રીતે પીરસતા હોય છે. અહી આપણે આવા કેટલાક સામાન્ય વિરુદ્ધ આહારો વિશે જાણીએ,જેમકે …

લીલા પાંદડાવાળા શાકભાજી ખાધા પછી દૂધ પીવાનું ટાળવું જોઈએ. ખાટી વસ્તુઓ દૂધ સાથે મેળ ખાતી નથી….મધ ક્યારેય ગરમ કરીને વાપરવું ન જોઈએ… રાત્રે દહીંનું સેવન કરવું, ગરમ ચા કે કોફી પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવું અને દસ દિવસથી વધુ સમય માટે પિત્તળના વાસણમાં રાખેલા ઘીને ફરીથી ગરમ કરવાનું ટાળવું.

દૂધ અને કેળા સાથે વધુ માત્રામાં લેવામાં આવે તો કફકારક છે….દૂધમાં ફળો નાખીને બનાવેલો ફ્રૂટ સલાડ પણ વિરુદ્ધ આહાર ગણાય છે. આજ રીતે દૂધ અને ગોળનું મિશ્રણ વિરુદ્ધ આહાર ગણાય છે… પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું સેવન સાથે ન કરવું જોઈએ, કેમકે એ બંને એકબીજાના પાચનમાં બાધા ઉત્પન્ન કરે છે. અર્થાત બ્રેડ, અનાજ અને કેકની સાથે મેવા, માંસ અને પનીરનું સેવન ન કરાય, પણ આપણે સેન્ડવિચમાં પનીર નાખીને ખાઈએ છીએ.

આજ રીતે, ડુંગળી અને દૂધ ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. ડુંગળી સાથે દૂધ ખાવાથી ત્વચાની વિવિધ સ્થિતિઓ, જેમ કે દાદ, ખંજવાળ અને ખરજવું થવાનું જોખમ વધી શકે છે. તેવી રીતે દૂધ સાથે દહીંનું સેવન પણ ન કરવું જોઈએ. દૂધ અને દહીંમાં અલગ અલગ ગુણધર્મ છે, તેથી તેનું એકસાથે સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું એકસાથે સેવન કરવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે.

વાત, પિત્ત અને કફમાં જે દોષના જે ગુણ હોય, તેવા સમાન ગુણવાળો આહાર લેવાથી તે દોષમાં વૃદ્ધિ થાય છે એમ આયુર્વેદ કહે છે. ઉદાહરણ તરીકે, કફ દોષનો ગુણ ગુરુ, એટલે કે પચવામાં વધુ સમય લે છે. શીત, સ્થિર, સ્નિગ્ધ, મધુર અને ચીકણાં પદાર્થો. જેવા કે મીઠાઈ, કેળા, માખણ, ઘી વગેરેનો અધિક ઉપયોગ કફ દોષમાં વૃદ્ધિ કરે છે.

તેને કારણે કઈ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે? તેના વિશે આયુર્વેદ કહે છે કે, વધારે ઊંઘ આવવી, આળસ, શરીર ભારે લાગવું, અપચન, મંદાગ્નિ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

પીત્ત દોષનો ગુણ ઉષ્ણ-તીક્ષ્ણ છે. તેથી ખાટાં, તીખા અને જંકફૂડ કહેવાય તેવા પદાર્થો ખાવાથી તેની વૃદ્ધિ થાય છે. વધુ પરસેવો થવો, દુર્ગંધયુક્ત પરસેવો, છાતી કે પેટમાં બળતરા થવી જેવી વ્યાધિ થાય છે.

વાત દોષનો ગુણ રૂક્ષ છે. કાચા મૂળા, જાંબુ, કારેલાં, વટાણા, ચણા, અડદ અને મસૂર વાત દોષ વધારે છે. તેને કારણે હાથ-પગની ત્વચા રૂક્ષ થવી અને ફાટવી, મોઢાનો સ્વાદ બગડી જવો, ત્વચાનો વર્ણ શ્યામ થવો, આંખ, કાન કે કમરમાં દુખાવો થવો જેવી. વ્યાધિઓ વાત દોષ દર્શાવે છે.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસઃ ઋતુ પરિવર્તનની આરોગ્ય પર કેવી કેવી અસર થાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button