વિશેષઃ ચોમાસામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો… | મુંબઈ સમાચાર
તરોતાઝા

વિશેષઃ ચોમાસામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો…

-રાજકુમાર ‘દિનકર’

વરસાદની મોસમ આવતાં જ આપણે ખોરાકમાં ઘણા બદલાવ લાવવા પડે છે. સતત વરસાદને કારણે ખાદ્ય પદાર્થ જલદીથી ખરાબ થઈ સડવા મંડે છે. ફળ અને શાકભાજીમાં બેકટેરિયા ઝડપથી વધવા માંડે છે. વરસાદની મોસમ પોતાની સાથે ઘણી ગંભીર બીમારીઓને લઈને આવે છે. માટે જ ડોકટરો પણ ખાવામાં ધ્યાન રાખવાની સલાહ આપે છે. વરસાદમાં વિટામિન્સ અને મિનરલથી ભરપૂર શાકભાજી પણ ખરાબ મોસમને કારણ નુકસાનકારક સાબિત થાય છે. ઘણાં એવા શાકભાજી છે જેમાં બેકટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે અને જો તેમનું સેવન કરીએ તો પાચન અને પેટ સંબંધી બીમારીઓ થાય છે. વિવિધ હેલ્થ એક્સપર્ટને અનુસાર કયા એવા શાકભાજી છે જે જલદી ખરાબ થઈ જાય અને તે ખાવાથી આપણી તબિયત બગડી શકે.

લીલા શાકભાજી

વરસાદના દિવસોમાં પાલક,મેથી, વિવિધ પ્રકારનાં લીલા શાકભાજી, કોથમીર, ફુદીના, લેટીસ જેવા લીલા શાકભાજીમાં વધુ પડતો ભેજ હોવાને કારણે તેમાં બેક્ટેરિયા થાય છે તેથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આમાંથી ઘણાં શાકભાજીમાં વરસાદમાં કીટાણુઓ થઈ જાય છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે આ શાકભાજી ગંદા થાય છે અને ગમે તેટલા સાફ કરવા છતાં પણ તેમાં બેક્ટેરિયા મોજૂદ જ હોય છે. તેથી જ વરસાદના દિવસોમાં લીલા શાકભાજી ખાવામાં સાવચેતી રાખવી જોઈએ.

ફણગાવેલા અનાજ

કોઈ પણ કઠોળને ફણગાવવા માટે તેને 8 થી 10 કલાક પલાળવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં લાંબા સમય સુધી અનાજ પણીના સંપર્કમાં આવવાથી અને હવામાં ભેજ હોવાને કારણે ફણગાવેલા અનાજ જલદીથી સડવા લાગે છે. આમાં ફુગ થવાનું જોખમ વધી જાય છે. જો આને કાચા ખાવામાં આવે તો ઈન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે અને જો ફણગાવેલા અનાજ ખાવા જ હોય તો થોડા રાંધીને ખાવા.

મશરુમ

વરસાદની મોસમમાં મશરુમ ખાવાથી સાવચેતી રાખવી જોઈએ. ફણગાવેલા અનાજની જેમ જ મશરુમને ભેજવાળા વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. એમાં પહેલાથી જ બેક્ટેરિયા હોય છે. હવામાં ભેજ હોવાને કારણે જલદી ખરાબ થઈ જાય છે અને તેનો કલર પણ બદલાઈ જાય છે. આને ખાવાથી પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

દરિયાઈ ખાદ્ય માછલી

વરસાદની મોસમમાં માછલી ખાવાથી બચવું જોઈએ કારણકે, આ સમય તેમના પ્રજનનનો હોય છે અને ફૂડ પોઈઝનિંગનું જોખમ હોય છે. વરસાદની મોસમમાં નદીઓના પાણી પ્રદૂષિત હોવાને કારણે માછલીઓના શરીર પર ગંદગી સંચિત થાય છે. આવામાં આ માછલીઓનું સેવમ કરવાથી હેલ્થને પણ નુકસાન થઈ શકે છે.

દહીં છાશ

વરસાદની મોસમમાં સતત દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ કારણકે, આમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે અને આયુર્વેદમાં તો વરસાદમાં દહીં ખાવાની મનાઈ જ છે. આમાં પહેલેથી જ બેકટેરિયા હોય છે. આનાથી અપચો, ગેસ એટલે કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

સલાડ

આમ તો સલાડ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડોકટર જમતાં પહેલા એક બાઉલ ભરીને સલાડ ખાવાની સલાહ આપે છે જેથી વધારે પેટ સલાડથી ભરાઈ જાય, પરંતુ સલાડમાં વપરાતી કાકડી, ગાજર, મૂળા, બીટ જેવી કાચી વસ્તુઓ, કાપેલા ફળ, શાકભાજી , પાંદડાવાળા સલાડની શાકભાજી આ બધામાં જ કીટાણુ થવાની સંભાવના હોય છે. વરસાદને કારણે આ અંદરથી ખરાબ થવાથી સડી જાય છે. ભેજના કારણે આમાં પાણી ભરાઈ જાય છે. ભલે બહારથી ખરાબ ન લાગે પરંતુ આને ખાવાથી ઈંન્ફેકશનનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો…વિશેષઃ હેલ્ધી ફૂડ કે જંક ફૂડઃ શાળાઓની કેન્ટીન હવે મેન્યુ બદલી નાખ્યું છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button