તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ તમે નસકોરાં બોલાવો છો… ક્યાંક સ્લીપ એપનિયા તો નથી ને?

રાજેશ યાજ્ઞિક

ઊંઘતી વખતે નસકોરાં બોલતા હોય તેવા આપણી આસપાસ ઘણા લોકો જોવા મળશે. આપણે એવું પણ માનતા હોઈએ છીએ કે નસકોરાં બોલાવનાર વ્યક્તિ તેમની આસપાસ ઊંઘતા લોકોની ઊંઘ બગાડે છે. ખરું ને? પરંતુ સાથે એક બીજું સત્ય એ છે કે, જેમના નસકોરાં બોલતા હોય, એ પોતે પણ સારી ઊંઘ લેતા નથી. જેમની અસર તેમના શરીર અને મન બંને પર પડે છે. તે ઉપરાંત નસકોરાં બોલતા હોય તેવી વ્યક્તિ અન્ય એક વિકારથી પણ પીડાતા હોઈ શકે છે, જેને સ્લીપ એપનિયા કહેવાય છે.

સ્લીપ એપનિયા (Sleep apnea) એક એવી સ્થિતિ છે જેમાં ઊંઘતી વખતે શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે. આવું એક વખત નહીં, પરંતુ વારંવાર થાય છે. આ સ્થિતિ ધરાવતા લોકો જોરથી નસકોરાં બોલાવે છે અને આખી રાત ઊંઘ્યા પછી પણ થાક અનુભવે છે.

ઓક્સિજનનો અભાવ એક સર્વાઇવલ રીફ્લેક્સને સક્રિય કરે છે,જે આપણને શ્વાસ લેવા માટે પૂરતા પ્રમાણમાં જગાડે છે. તે રીફ્લેક્સ આપણને જીવંત રાખે છે, પણ સાથે તે આપણા ઊંઘ ચક્રમાં વિક્ષેપ પણ ઊભો કરે છે.

સ્લીપ એપનિયાના મુખ્ય પ્રકાર

અવરોધક સ્લીપ એપનિયા:

તે OSA તરીકે પણ ઓળખાય છે. આ સામાન્ય પ્રકારનું સ્લીપ એપનિયા ત્યારે થાય છે જ્યારે ગળું સાંકડું થવાથી ફેફસાંમાં હવાનો પ્રવાહ અવરોધાય છે.

સેન્ટ્રલ સ્લીપ એપનિયા:

CSA તરીકે ઓળખાતા આ પ્રકારનો સ્લીપ એપ્નિયા ત્યારે થાય છે જ્યારે મગજ શ્વાસ લેવાનું સંચાલન કરતા સ્નાયુઓને યોગ્ય સંકેતો મોકલતું નથી. અર્થાત, મગજ અપેક્ષા મુજબ શ્વાસને નિયંત્રિત કરતું નથી.

ત્રીજા એક વિચિત્ર પ્રકારમાં સ્લીપ સ્ટડી દ્વારા નિદાન કરવામાં આવેલા અવરોધક સ્લીપ એપનિયાની થેરાપી પ્રાપ્ત કરતી વખતે તેનું રૂપાંતર બીજા, CSAમાં રૂપાંતરિત થાય છે. એટલેકે, ઉલમાંથી ચુલમાં પડવા જેવો ઘાટ થાય.

એક અભ્યાસનો અંદાજ છે કે વિશ્વભરમાં લગભગ 1 અબજ લોકો (30 થી 69 વર્ષની વયના) અવરોધક સ્લીપ એપનિયાથી પીડાય છે. સેન્ટ્રલ સ્લીપ એપ્નિયા પ્રમાણમાં ઓછું સામાન્ય છે, પરંતુ તે દુર્લભ સ્થિતિ નથી.

સ્લીપ એપનિયાનાં લક્ષણ:

અવરોધક સ્લીપ એપ્નિયા અને સેન્ટ્રલ સ્લીપ એપનિયાનાં લક્ષણો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ક્યારેક એ જાણવું મુશ્કેલ હોય છે કે તમને કયા પ્રકારનો સ્લીપ એપ્નિયા છે. સૌથી સામાન્ય લક્ષણોમાં જે સામેલ છે, તે મોટેથી નસકોરાં બોલવા. એવા કિસ્સાઓ જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ બંધ થઈ જાય છે, જેની જાણ બીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવે, ઊંઘ દરમિયાન શ્વાસ ચઢવા જેવી સ્થિતિ, જાગતી વખતે મોં સૂકું હોવું, સવારે માથાનો દુખાવો, ઊંઘવામાં તકલીફ (જેને અનિદ્રા કહેવાય છે), દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ (હાઇપરસોમ્નિયાની સ્થિતિ), જાગૃત અવસ્થા વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ, ચીડિયાપણું.

સ્લીપ એપનિયાનાં જોખમ:

આ સ્થિતિ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. તે માત્ર પુખ્ત વયના લોકોને જ નહીં, બાળકોમાં પણ જોવા મળી શકે છે. સ્લીપ એપનિયાના કારણે કેટલાક આરોગ્યને લગતાં જોખમો ઊભા થઇ શકે છે, જેમકે, હૃદય રોગ, સ્ટ્રોક અથવા બ્લડ પ્રેશરમાં વધારો, કાકડા મોટા થવા, સ્થૂળતા આવવી વગેરે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ જોખમ પણ વધે છે. પુરુષોમાં 50 વર્ષની ઉંમર પહેલાં નિદાન થવાની શક્યતા વધુ હોય છે.

સ્થૂળ વ્યક્તિને સ્લીપ એપનિયાનું જોખમ વધારે હોય છે, પણ તેનો અર્થ એવો નથી કે બીજાને ઓછું જોખમ હોય. કોઈપણ કદ-કાઠીના, કોઈપણ વ્યક્તિને આ સ્થિતિ થઈ શકે છે. ‘અમેરિકન મેડિકલ એસોસિએશન’ના કહેવા મુજબ, નસકોરાં બોલવા એ હંમેશાં નિશાની નથી હોતી. જો નસકોરાં બહુ ઓછા હોય તો પણ તમને ચોક્કસપણે સ્લીપ એપ્નિયા હોઈ શકે છે.

વિવિધ પરીક્ષણ શું દર્શાવે છે?

સ્લીપ એપનિયા માટેના સૌથી સામાન્ય પરીક્ષણોમાં પોલીસોમ્નોગ્રામ સામેલ છે. આ પરીક્ષણ રાત્રે સૂતી વખતે કરવામાં આવે છે. તેમાં વ્યક્તિને એક સેન્સર પહેરાવવામાં આવે છે, જે આપણા હૃદયના ધબકારા, શ્વાસ, લોહીમાં ઓક્સિજનનું સ્તર, મગજના તરંગો અને અન્ય ઘણું બધું મોનિટર કરે છે. સ્લીપ એપનિયા નિદાનની ગંભીરતા નક્કી કરવા માટે નિષ્ણાતો એપનિયા /હાયપોપ્નિયા ઇન્ડેક્સ (એએચઆઈ)નો ઉપયોગ કરે છે. એએચઆઈ એપનિયા (જ્યારે તમે ઊંઘતી વખતે શ્વાસ લેવાનું બંધ કરો છો) અને હાયપોપ્નિયા (હવાના પ્રવાહમાં ઘટાડો) ની ઘટનાઓની સરેરાશ કલાકદીઠ સંખ્યાને માપે છે.

સ્લીપ એપનિયા શરીરમાં ફક્ત એક જ અંગ પૂરતું મર્યાદિત નથી. હકીકતમાં, તે ઘણી અલગ અલગ શરીર પ્રણાલીઓને પણ અસર કરે છે. બે સૌથી વધુ અસરગ્રસ્તોમાં તમારું રુધિરાભિસરણ તંત્ર (હૃદય) અને નર્વસ તંત્ર (મગજ) શામેલ છે.

શું ધ્યાન રાખવું?

પૌષ્ટિક ખોરાક ખાવો અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, ઊંઘની નિયમિતતાનું પાલન કરવું અને સૂતી વખતે ઇલેક્ટ્રોનિક્સ સાધન બંધ રાખવા. ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી કોઈપણ હાલની સ્વાસ્થ્ય સ્થિતિઓની સંભાળ રાખવી. એ પછી કેવો ઈલાજ કરવો જરૂરી છે, તે તબીબો પરીક્ષણ પછી સલાહ આપી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button