આરોગ્ય એક્સપ્રેસઃ વાળનું સૌંદર્ય હરી લેતો રોગ: એલોપેસિયા એરિયાટા...
તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ વાળનું સૌંદર્ય હરી લેતો રોગ: એલોપેસિયા એરિયાટા…

રાજેશ યાજ્ઞિક

કહેવાય છે કે વ્યક્તિના સૌંદર્યમાં વાળ સૌથી વધુ મહત્ત્વના હોય છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ… તેથી વાળને લગતી કોઈ સમસ્યા હોય તો લોકો થોડા તણાવમાં આવી જાય છે. આમ તો, આપણા વાળ કેવા છે અને કેવા રહે છે તેનો આધાર ઘણા પરિબળો પર હોય છે. વાળ ખરવા એ પણ એક કુદરતી પ્રક્રિયા છે. વાળ ખરવા ઉપર આપણે અલગથી ચર્ચા કરીશું, પણ આજે આપણે વાળને લગતા એક રોગ એલોપેસીયા એરિયાટા વિશે વાત કરીએ.

આ એલોપેસીયા એરિયાટા એક સ્વયંપ્રતિરક્ષા (ઓટો ઇમ્યુન) રોગ છે, જે તમારા શરીર પર ગમે ત્યાં ચકામાંની જેમ વાળ ખરે છે, પરંતુ તે સામાન્ય રીતે તમારા માથા (ખોપરી ઉપરની ચામડી) ને આવરી લેતી ત્વચા પરના વાળને અસર કરે છે.

‘એલોપેસીયા’ એ વાળ ખરવા અથવા ટાલ પડવા માટેનો તબીબી શબ્દ છે અને ‘એરિયાટા’નો અર્થ એ છે કે તે નાના, રેન્ડમ વિસ્તારોમાં (ચકામાંની જેમ) થાય છે.
એલોપેસીયા એરિયાટાના ઘણા જુદા જુદા વર્ગીકરણ છે.

એલોપેસીયા એરિયાટા ટોટાલિસ:
માથાના બધા વાળ ખરી જાય તે

એલોપેસીયા એરિયાટા યુનિવર્સલિસ:
માથાના વાળ અને શરીરના બધા વાળ ખરી જાય તે.

ડિફ્યુઝ એલોપેસીયા એરિયાટા:
વાળ ચકામાં જેવા પેચમાં ખરી પડવાને બદલે પાતળા થઈ રહ્યા હોય.

ઓફિયાસિસ એલોપેસીયા એરિયાટા:
ખોપરી પર નીચેના ભાગ (ઓસીપીટોટેમ્પોરલ સ્કાલ્પ) તરફ વાળનો એક પટ્ટો ખરી જાય.

એલોપેસીયા એરિયાટાના લક્ષણો શું હોય છે?
આમ તો મુખ્ય અને ઘણીવાર એકમાત્ર લક્ષણ વાળ ખરવાનું છે. એ સિવાય, ખોપરી ઉપરની ચામડી અથવા શરીરના અન્ય ભાગો પર નાના ટાલના ચકામાં, વાળ એક જગ્યાએ પાછા ઉગે છે અને બીજી જગ્યાએ ખરી પડે છે. થોડા સમયમાં ઘણા વાળના ગુચ્છા ખરી પડવા, ઠંડા વાતાવરણમાં વાળ વધુ ખરવા લાગે છે અને આંગળીઓ અને પગના નખ લાલ, બરડ અને ખાડાવાળા થઈ જાય છે.

આ રોગ થવાનું કારણ?

એલોપેસીયા એરિયાટા એ એક સામાન્ય સ્વયંપ્રતિરક્ષા ત્વચા રોગ છે. જો તમને સ્વયંપ્રતિરક્ષા રોગ હોય, તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ તમારા શરીરની સ્વસ્થ પેશીઓને ખતરનાક વિદેશી આક્રમણકારો જેવાકે- બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી અથવા ફૂગ સમજી લે છે, અને તેમના પર હુમલો કરવાનું શરૂ કરે છે. જે રોગનું કારણ બને છે.

એવું માનવામાં આવે છે કે વિશ્વભરમાં 16 કરોડ લોકો એલોપેસીયા એરિયાટાથી પીડાય છે. 80 ટકા થી વધુ લોકોને 40 વર્ષની ઉંમર પહેલાં રોગના ચિન્હો દેખાવા લાગે છે, અને 40 ટકા લોકોમાં તો 20 વર્ષની ઉંમર સુધીમાં જ લક્ષણો દેખાય છે. આશરે 20 ટકા કેસ બાળકોમાં પણ જોવા મળે છે. જે લોકોને એલોપેસીયા એરિયાટા હોય છે તેમાંથી 5 ટકા લોકોને એલોપેસીયા એરિયાટા ટોટાલિસ હોય છે, અને 1 ટકા લોકોને એલોપેસીયા એરિયાટા યુનિવર્સલિસ હોય છે.

કોને થઇ શકે આ રોગ?

પરિવારમાં એલોપેસીયા એરિયાટાનો ઇતિહાસ હોય તો આ રોગ થવાની શક્યતા વધુ, તમને અથવા તમારા પરિવારના સભ્યોને ડાયાબિટીસ, લ્યુપસ અથવા થાઇરોઇડ રોગ સહિત કોપી સ્વયંપ્રતિરક્ષા વિકાર પહેલાથી હોય તો પણ આ રોગ થઇ શકે છે. કેટલાક અભ્યાસ એમ પણ કહે છે કે મોસમી એલર્જીથી પીડાતા લોકો પણ આ રોગનો શિકાર બની શકે છે.

રોગ મટી શકે છે?

એલોપેસીયા એરિયાટાનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, પરંતુ તેની સારવાર કરી શકાય છે અને વાળ પાછા ઉગી શકે છે. કેટલાક લોકોના વાળ પાછા ઉગે છે પણ પછીથી ફરી ખરી પડે છે. અન્ય લોકોના વાળ પાછા ઉગે છે અને ફરી ક્યારેય ખરી પડતા નથી.

એલોપેસીયા એરિયાટાનો દરેક કેસ અનોખો હોય છે. એને અટકાવવાનો કોઈ રસ્તો નથી. સારવાર તમારા લક્ષણો ઘટાડી શકે છે. જો તમને એલોપેસીયા એરિયાટા હોય, તો તે જીવનમાં વારંવાર આવી શકે છે અને જઈ શકે છે.

શું ધ્યાન રાખી શકાય?

ઈલાજ શું કરી શકાય તે વિશે નિષ્ણાત તબીબની સલાહ જ લેવી જોઈએ, પણ અન્ય કેટલીક અંગત સંભાળ લઇ શકાય છે. સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ. જેલ, મૌસ, પાઉડર અને સ્પ્રે વાળ ખરતા છુપાવવામાં અને વોલ્યુમ ઉમેરવામાં મદદ કરી શકે છે.

કસ્ટમ-મેઇડ વિગ પણ લોકો વાપરે છે જે માથા પર સંપૂર્ણ રીતે ફિટ થાય. કેટલાક લોકો વાળ ખરતા છુપાવવા માટે માથું અથવા શરીરના અન્ય ભાગોને શેવ કરવાનું પસંદ કરે છે. જો તમારી પાંપણો કે ભમરના વાળને અસર થઇ હોય તો કૃત્રિમ અથવા માનવ વાળના ભમર અથવા પાંપણો પણ લોકો વાપરે છે.

-અને જે પરિસ્થિતિ પ્રયત્ન છતાં ટાળી શકાય તેવી ન હોય તેના વિશે મન પર બોજ કે તાણ રાખીને જીવવાના બદલે તેનો સ્વીકાર કરીને, જીવનને હસતા હસતા જીવવું સૌથી શ્રેષ્ઠ છે. આમ પણ આ રોગ એવો તો નથી જેનાથી જીવન જીવવું જ અકારું થઇ પડે. તેથી જે નથી તેને બદલે જે છે તેને માણીએ.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસઃ ત્વચાનો રંગ બદલી નાખતો રોગ વિટિલિગો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button