સ્વાસ્થ્ય સુધા: પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતો સૂકોમેવો એટલે જ જરદાળુ

- શ્રીલેખા યાજ્ઞિક
જરદાળુ આ સૂકામેવામાં આરોગ્ય સંબંધિત અનેક લાભ સમાયેલાં છે. શિયાળાની શરૂઆત થાય તેની સાથે લગભગ બધા જ ઘરમાં વ્યક્તિદીઠ સૂકામેવાનો ભાગ તૈયાર કરવામાં આવતો હોય છે.
સૂકામેવામાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક
લાભો સમાયેલાં છે. કાજુ – દ્રાક્ષ અખરોટ – જરદાળુ ખાવાની મજા શબ્દોમાં વર્ણવવી અઘરી છે. અન્ય સૂકામેવાની સરખામણીમાં જરદાળુના લાભ વિશે ઘણી જ ઓછી જાણકારી આપણને હોય છે. જરદાળુની ખાસ વાત એટલે તેને કાચું
ફળ સ્વરૂપે તેમજ સૂકામેવા તરીકે ખાઈ શકાય છે.
આયુર્વેદમાં જરદાળુનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય સંહિતામાં અન્ય સૂકામેવા જેવા કે બદામ, અખરોટ, પિસ્તા, ખારેક સાથે જરદાળુનો ઉલ્લેખ જોવા મળે છે.
જરદાળુનેે અન્ય ભાષામાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં ઉરમાણ, હિન્દીમાં જરદાલુ, ચિલૂ કે ખુબાની, ગુજરાતીમાં જરદાલુ કે જરદાળુ કાશ્મીરમાં ગરદાલૂ, નેપાળીમાં ખુર્પાની, અરબીમાં બિનકફક કે કિશાનિશ, પર્શિયનમાં મિશ-મિશ તરીકે ઓળખવામાં આવે છે.
ખુબાનીમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, નિયાસીન, પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે.બિટાકેરોટીન તથા કૈરોટીનૉઈડની માત્રા ભરપૂર સમાયેલી હોય છે.
આંખોની તંદુરસ્તી માટે અત્યંત લાભકારી ગણાય છે. જરદાલુ માટે એવું કહેવાય છે કે તેને સૂકવીને ખાવાથી તેના લાભ બમણાં મળે છે. ભારતમાં જરદાલુનો પાક મુખ્યત્વે ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં લગભગ 3 હજાર ફૂટની ઊંચાઈવાળા સ્થળે મબલખ પ્રમાણમાં કરવામાં આવે છે.
જરદાળુના આરોગ્યવર્ધક લાભ
આંખોની તંદુરસ્તી માટે ગુણકારી
જરદાલુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સમાયેલું હોય છે. જે આંખોની તંદુરસ્તી માટે લાભકારક ગણાય છે. જરદાળુનું સેવન નિયમિત રૂપે કરવાથી આંખોની રોશની વધે છે. ઝામરની સમસ્યાથી બચી શકાય છે.
પાચનતંત્ર મજબૂત બનાવે છે
જરદાલુમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્નની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. તેથી તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. કબજિયાતની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે જરદાલુ કે આલુનું સેવન ગુણકારી ગણાય છે. આલુમાં સમાયેલું ફાઈબર પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે. ભોજન પચાવવામાં મદદ કરે છે. ત્રણ નંગ જરદાલુમાં 5 ગ્રામ ફાઈબરની માત્રા એટલે કે દિવસની 20 ટકા જરૂરિયાત મળી રહે છે.
સગર્ભાવસ્થામાં લાભકારક
સગર્ભાવસ્થામાં ગર્ભવતી સ્ત્રીને ખાસ પ્રકારનો સૂકોમેવો, ફળ કે શાકભાજીની સાથે વિવિધ ચટપટી વાનગી ખાવાની ઈચ્છા થતી હોય છે. વળી થોડી-થોડી વારમાં ભૂખ લાગી જતી હોય છે. ક્યારેક મીઠી વસ્તુ તો ક્યારેક ખાટ્ટી તો ક્યારેક તીખું ખાવાનું મન થાય છે. આવા સંજોગોમાં સૂકામેવામાં ખાસ જરદાલુનું સેવન કરવું હિતાવહ છે. જે શરીરમાં નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થામાં શરીરને આયર્નની ખાસ જરૂર હોય છે. તે માટે નિષ્ણાત ડૉક્ટરો આયર્નથી ભરપૂર આહાર લેવાની સલાહ આપતાં હોય છે. જરદાલુના સેવન થકી દિવસની 10 ટકા આયર્નની આવશ્યક્તા પૂર્ણ કરી શકાય છે.
ત્વચાની તંદુરસ્તી -ચમક વધારવામાં ગુણકારી
નાનું અમથું સાનેરી રંગ ધરાવતાં જરદાલુનું સેવન કરવાથી ત્વચાની ચમક વધારવામાં મદદ મળે છે. ત્વચામાં કરચલી કે સૂકી થવાની ફરિયાદને દૂર કરવામાં મદદ મળે છે. આલુમાં વિટામિન એ તથા વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી છે. જરદાલુના સેવન થકી શરીરને પર્યાપ્ત માત્રામાં વિટામિન સી તથા વિટામિન ઈ મળી રહે છે. જેથી શરીર તેમજ ત્વચાને યૂવી કિરણોથી બચવામાં મદદ મળે છે. કરચલીની સમસ્યાથી બચી શકાય છે. સૂકા જરદાલુમાં વધુ માત્રામાં આયર્ન ફાઈબર તથા ઍન્ટિઓક્સિડન્ટ સમાયેલું હોય છે. મીઠા-મધુરા શ્રેષ્ઠ જરદાળુ ભારતમાં લડાખમાં મબલખ પ્રમાણમાં પાકે છે. દુબઈના લોકો લડાખી જરદાળુની મીઠાશના દીવાના હોય છે. મીઠાશની સાથે દેખાવમાં જરદાળુ આકર્ષક હોય છે. લડાખમાં લગભગ 4-5 જાતના જરદાળુની ખેતી થાય છે. તેમાંથી સૌથી વધુ મીઠાશ ધરાવતાં સોનેરી જરદાળુની માગ દુબઈ તથા ગલ્ફ દેશોમાં મોટા પાયે જોવા મળે છે.
ડાયાબિટીસમાં લાભકારી
જરદાળુમાં કૅલરી તથા કાર્બોહાઈડ્રેટસ્ની માત્રા ઓછી હોય છે. એક જરદાલુમાં 17 કૅલરી તથા 4 ગ્રામ કાર્બોહાઈડ્રેટસ્ સમાયેલું હોય છે. વળી જરદાલુમાં સમાયેલું ફાઈબર ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વિટામિન ઈ તથા ઍન્ટિઑક્સિડન્ટ લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, સૂકામેવાની વાત કરીએ તો જરદાલુનો ગ્સાઈસેમિક ઈન્ડેક્સ 30 ટકા હોય છે. જેથી સૂકો મેવામાં જરદાળુનું સેવન ઉત્તમ ગણી શકાય. (ગ્લાઈસેમિક ઈન્ડેક્સ દ્વારા જાણી શકાય છે કે વિવિધ ખાદ્ય પદાર્થ રક્ત શર્કરાને કઈ રીતે પ્રભાવતિ કરે છે. ખાદ્ય વસ્તુને 0-100ની વચ્ચે તેના ગ્લુકૉઝના પ્રભાવને આધારે નંબર આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ હોય તેવી ખાદ્ય-સામગ્રીને ખાવાથી લોહીમાં શર્કરાની માત્રા ઝડપથી વધે છે. તો ઓછો જીઆઈ ઈન્ડેક્સ ધરાવતી ખાદ્ય-સામગ્રીનો ઉપયોગ કરવાથી લોહીમાં ગ્લુકૉઝની માત્રા ધીમે ધીમે વધે છે.)(55 જીઆઈ ઓછી ગણાય, 56-69 મધ્યમ, 70થી વધુ જીઆઈ ઉચ્ચ સ્તર દર્શાવે છે.)
જરદાળુ ડિલાઈટ
સામગ્રી: 200 ગ્રામ જરદાળુ, 200 ગ્રામ ખાંડ, 1 વાટકી મિલ્કમૅડ, 1 વાટકી ફ્રેશ ક્રિમ, 1 લિટર દૂધ, 4 ચમચી કર્સ્ટડ પાઉડર, 2 ટીપાં વૅનિલા ઍસેન્સ, 1 નાની ચમચી એલચી-જાયફળનો પાઉડર, 6 નંગ વૅનિલા કૅકની સ્લાઈસ, બદામ-પિસ્તાની કતરણ સજાવટ માટે
બનાવાવની રીત: સૌ પ્રથમ જરદાળુને બરાબર સાફ કરી લેવાં. ત્યારબાદ તેને 7-8 કલાક પાણીમાં પલાળીને રાખવા. બીજે દિવસે તેને બાફી લેવાં. જરદાળુના બીજ કાઢી લેવાં. હવે જરદાળુને અધકચરાં વાટી લેવાં. તેને એક કડાઈમાં કાઢીને ધીમા તાપે પકાવવું. 200 ગ્રામ ખાંડ ઉમેરવી. પાણી ન રહે તેમજ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવવું. ઠંડું થાય ત્યારબાદ તેમાં વૅનિલા એસેન્સ ભેળવવું. અન્ય તપેલીમાં દૂધને ગરમ કરવાં મૂકવું. તેમાં 4 ચમચી કસ્ટર્ડ પાઉડરને ં ઓગાળીને ધીમે ધીમે ભેળવતાં જવું. ગાંઠા ના પડે તેનો ખ્યાલ રાખવો. કસ્ટર્ડ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં મિલ્કમૅડ, ફ્રેશ ક્રિમ, એલચી જાયફળનો પાઉડર ભેળવવો. હવે એક લાંબા બાઉલમાં વેનિલા કૅકની સ્લાઈસ ગોઠવવી. તેની ઉપર કસ્ટર્ડ વાળું દૂધ મૂકવું. તેની ઉપર જરદાળુનાં ઘટ્ટ મિશ્રણને ગોઠવવું. તેની ઉપર ઠંડુ કસ્ટર્ડવાળું દૂધ ગોઠવવું. ઉપરથી જરદાળુની મીઠાઈ જે જામ જેવી ઘટ્ટ હશે તે ગોઠવવી. બદામ-પિસ્તાની કતરણ સજાવીને ફ્રિઝમાં ઠંડી કરીને સ્વાદિષ્ટ ‘જરદાળુ ડિલાઈટ’નો આનંદ માણવો.
જરદાળુની ખેતી
જરદાળુનો છોડ એક વખત રોપ્યા બાદ 50-60 વર્ષ સુધી ફળ આપતાં રહે છે. વળી એક ઝાડમાંથી લગભગ 80 કિલો ફળ મળી રહે છે. જરદાળુના ફળ પીળા, સફેદ, કાળા, ગુલાબી તથા કથ્થઈ રંગના જોવા મળે છે. બદામ જેવા આકારનો નાનો બી તેમાં હોય છે. પરંતુ તેનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. જરદાળુમાંથી મીઠાઈની સાથે જામ, જ્યૂસ, જેલી તથા ચટણી બનાવી શકાય છે. સમશીતોષ્ણ તથા શીતોષ્ણ હવામાન જરદાળુ માટે યોગ્ય ગણાય છે.
મોટે ભાગે જરદાળુને સૂકામેવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જરદાળુનો ઉપયોગ કરીને ખાસ પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે. લગ્ન પ્રસંગ હોય કે જન્મદિવસ પ્રત્યેક શુભ પ્રસંગમાં ‘જરદાળુ ડિલાઈટ કે જરદાળુ કા મીઠા’નામની સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવામાં આવતી હોય છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે દૂધ-મલાઈનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.



