અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ | મુંબઈ સમાચાર
તરોતાઝા

અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ

  • સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

હાલમાં બજારમાં તાજા-તાજા ‘જમરૂખ’ કે ‘અમૃતફળ’ મળી રહ્યા છે. જામફળને સંસ્કૃતમાં ‘અમૃતફળ’ કહેવામાં આવે છે. ભારતનાં પ્રત્યેક રાજ્યમાં જામફળનો સ્વાદ થોડો અલગ અલગ હોય છે. ક્યાંક થોડા રસદાર મીઠાશ પડતાં હોય છે. તો વળી ક્યાંક દેખાવમાં મોટા પરંતુ સ્વાદમાં તુરા જોવા મળે છે. વળી જામફળ ખાવાનો શોખ અલગ અલગ જોવા મળે છે. કેટલાંક લોકોને થોડાં પાકેલાં જામફળ ખાવાનું પસંદ હોય છે. તો વળી કેટલાંક લોકો કાચા જામફળને ખાવાનું પસંદ કરે છે. રેકડીમાંથી જામફળ લઈએ તો તેઓ ‘દૃઢબીજમ’ને કાપીને તેની ઉપર ખાસ મસાલો બનાવીને છાંટે છે. જેને કારણે તે વધુ સ્વાદિષ્ટ બની જાય છે. કેટલાંકને જામફળનું શાક અત્યંત પસંદ હોય છે. તો વળી કેટલાંકને જામફળની ચટણી કે જામફળનો મોજીતો.

સૌથી વધુ જામફળના શોખીન વાનર હોય છે. રહેણાંક વિસ્તારમાં, જો તેમણે જામફળના ઝાડ ઉપર જામફળ જોયાં કે તરત જ તે તોડીને ખાઈ લે છે. પક્ષીની વાત કરીએ તો પોપટને જામફળ અત્યંત પ્રિય હોય છે. બનારસમાં જમરૂખને અમૃત નામથી જ ઓળખવામાં આવે છે. જામફળને ભારતની વિવિધ ભાષામાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં અમરૂદ, તેલુગુમાં ઈત્તાજમ કે જમાકાયા, તમિળમાં કોય્યા, સેગપુ, સેગાપ્પૂગોયા, મરાઠીમાં જમ્બા, સંસ્કૃતમાં અમૃતફળ, બિહી, દૃઢબીજમ, બંગાળીમાં ગોએચી, કે પિયારા, ગુજરાતીમાં જમરૂખ કે જામફળ વગેરે નામે ઓળખવામાં આવે છે.

જમરૂખ માટે એવું કહેવાય છે કે તે ખિસ્સાને પરવડે તેવું હોવાની સાથે પ્રત્યેક મોસમમાં સરળતાથી મળી રહે છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. અમૃતફળનું વૈજ્ઞાનિક નામ ‘સાઈડિયમ ગુવાવા’ છે. જમરૂખની ખાસ વાત એટલે કે તે ગરમ આબોહવા ધરાવતાં પ્રદેશમાં ઊગે છે. ચોમાસામાં તથા શિયાળામાં તેનો મબલખ પાક મળે છે. મૂળ તે દક્ષિણ અમેરિકાના ગરમ પ્રદેશમાં ઉગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ લગભગ 17મી સદીમાં પોર્ટુગલ દ્વારા તેને ભારતમાં લાવવામાં આવ્યું હતું.

દૃઢબીજમ ફળ તથા તેના પાનનો ઉપયોગ આરોગ્યની કાળજી લેવા માટે કરવામાં આવે છે. ભારત, ચીન તથા મેક્સિકો વગેરે દેશોમાં જામફળના પાનનો કાઢો બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ પેટની તકલીફમાં કરવામાં આવે છે. વાગ્યું હોય કે ઘાને ઝડપથી રૂઝ આવે, તે માટે તેના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો વિશ્ર્વના પ્રત્યેક દેશમાં સરળતાથી તેની ખેતી થવા લાગી છે. ભારતમાં સૌથી વધુ અમૃતનો પાક ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં થાય છે. જમરૂખ બહારથી લીલું અથવા પીળા રગંનું જોવા મળે છે. અંદરના ગરનો રંગ સફેદ તેમજ લાલ હોય છે. હવે તો જામફળ બીજ વગરના કે ઓછા બીજવાળા બજારમાં મળે છે.

એવું કહેવાય છે કે જામફળમાં સંતરાથી પણ વધુ વિટામિન સી હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.

શેકેલા જામફળની ચટણી
1 નંગ મોટું જામફળ, 4-5 નંગ લીલા મરચાં, 1 નાનો ટુકડો આદું, 1 મોટું બાઉલ કોથમીર, 12-15 ફુદીનાના પાન, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી લીંબુનો રસ.

બનાવવાની રીત : સૌ પ્રથમ જામફળની ઉપર તેલ લગાવી દો, તેની ઉપર નાના નાના કાપ કરી દેવા. ગેસ ઉપર રિંગણ શેકીએ તેમ શેકી લેવું. થોડું ઠંડું થાય ત્યારબાદ ઉપરથી શેકાયેલી કાળી છાલ કાઢી લેવી. હવે એક મિક્સર જારમાં કાપેલું જામફળ, કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુંનો ટુકડો સ્વાદાનુસાર મીઠું તથા લીંબુનો રસ ભેળવીને વાટી લેવું . જામફળની આ ચટણી સ્વાદિષ્ટ બને છે. તેને પરાઠા, થેપલાં, ઢોકળા, સમોસા કે દાળવડા સાથે પીરસી શકાય છે.

નિયમિત જામફળ ખાવાથી થતાં સ્વાસ્થ્ય લાભ

પેટની સમસ્યામાં લાભકારી

જામફળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેથી કબજિયાતની સમસ્યા ધરાવતી વ્યક્તિ માટે ગુણકારી ગણાય છે. તો વળી જામફળના પાનનો કાઢો બનાવીને પીવાથી પેટમાં વારંવાર ચૂક આવવાની તકલીફથી છૂટકારો મેળવી શકાય છે.

ડાયાબિટીસની તકલીફમાં લાભકારી

જામફળનું સેવન ડાયાબિટીસની સમસ્યા ધરાવતાં દર્દી માટે લાભકારી ગણાય છે. કેમ કે તેમાં શર્કરાની માત્રા ઓછી હોવાની સાથે ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. આયુર્વેદ મુજબ જામફળની સાથે તેનાં પાન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક ગણાય છે. જામફળના પાનનો કાઢો પીવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી

જામફળમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ફાઈબર લોહીમાં રહેલાં ખરાબ કૉલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેને કારણે હૃદય રોગના ખતરાથી બચી શકાય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી

અમૃતફળમાં કૅલરીની માત્રા ઘણી ઓછી છે. જેથી તેનું
સેવન કરવાથી વજન વધવાના ડરથી બચી શકાય છે. તેથી
જ વજન પ્રત્યે સજાગ વ્યક્તિ માટે જામફળનું સેવન કરવું
હિતાવહ છે.

ત્વચાની તંદુરસ્તી જાળવવા માટે લાભકારક

જામફળમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા વિટામિન-સીનું પ્રમાણ વધુ હોય છે. જે ત્વચાને માટે અતિ આવશ્યક ગણાય છે. અનેક વખત યોગ્ય પોષણ શરીરને ના મળવાથી ત્વચા સૂકી બની જાય છે. જેને કારણે ત્વચા ઉપર કરચલી દેખાવા લાગે છે. ક્યારેક ચહેરા ઉપર ખીલનું પ્રમાણ વધી જાય છે. તો ક્યારેક શરીરના વિવિધ ભાગ ઉપરની ત્વચામાં કાળા ડાઘ દેખાવા લાગે છે. જો ઉપરોક્ત સમસ્યાથી બચવું હોય તો વિટામિન સી તથા ઍન્ટિ-ઓક્સિડન્ટ યુક્ત ભોજન નિયમિત લેવું જોઈએ. જામફળનું સેવન તે માટે યોગ્ય ઉપાય ગણી શકાય. જામફળને ખાવાની અન્ય રીતમાં તેને બહારથી શેકીને ખાવાથી તેનો સ્વાદ બહેતરીન આવે છે.

આંખો માટે ગુણકારી

જામફળમાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં હોવાથી આંખો માટે અત્યંત ગુણકારી ગણાય છે. જામફળને સગડી ઉપર શેકીને ખાવાથી આંખોની રોશની વધે છે. વળી આંખોને લગતી અન્ય તકલીફમાં રાહત અપાવે છે.

હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી

જામફળ શેકેલું હોય કે શેક્યા વગરનું હોય તેના માવામાં ફોસ્ફરસ, કૅલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે. જે હાડકાંની મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે. ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાથી બચાવે છે. વળી હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે.

જામફળનો શીરો, જામફળની કૅક, જામફળનું શાક, જામફળની ચટણી,જામફળનો જામ, જામફળની ચૉકલેટ તથા જામફળનો જ્યૂસ, જામફળનો મોજીતો જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે.

આપણ વાંચો:  પ્લોટ 16 – પ્રકરણ -1

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button