આમળા ઈમ્યુનિટી બૂસ્ટર

વિશેષઃખુશ્બુ મુલાણી ઠક્કર
શિયાળામાં જે ખાવા પીવાની મજા આવે તે કોઈ પણ ઋતુમાં આવતી નથી. શિયાળામાં જેટલી વસ્તુઓ ખાઓ તેટલું તમને આખા વર્ષ માટે તાકાત મળી રહે છે. આમળા એ એનું પરફેક્ટ ઉદાહરણ છે. આમળા ખાઓ કે પછી તેનો જ્યુસ બનાવીને પીવો, બન્ને તેટલા જ ગુણકારી છે. શિયાળામાં રોજ એક કે બે આમળા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, કારણ કે તેમાં નારંગી કરતાં 20 ગણું વધુ વિટામિન ઈ હોય છે.
શરદી-ઉધરસ, ખાંસી જેવી સામાન્ય બીમારીઓથી બચાવે છે અને શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે. પાચનતંત્ર સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. ત્વચા ચમકદાર બનાવે છે અને વાળને પ્રીમેચ્યોર ગ્રે થતા અટકાવે છે. હૃદય માટે ફાયદાકારક છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. વજન નિયંત્રણમાં મદદ કરે છે. આમળાને તમે કાચું ખાઈ શકો છો, રસ બનાવીને પી શકો છો, મુરબ્બો, અથાણું કે કેન્ડી તરીકે લઈ શકો છો. શિયાળો એટલે આમળાનો સમય દરરોજ થોડુંક લો અને સ્વસ્થ રહો. ચાલો જાણીએ આમળાનું કઈ કઈ રીતે સેવન કરી શકાય.
આમળા જ્યુસની પાંચ અલગ-અલગ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી આપેલ છે. આ બધી રેસિપી ઈમ્યુનિટી બુસ્ટ કરે છે, શરદી-ઉધરસથી બચાવે છે અને વિટામિન ઈથી ભરપૂર છે. મુંબઈના ઠંડા દિવસોમાં સવારે ખાલી પેટ પીવા માટે પરફેક્ટ છે. દરેક રેસિપી 2 ગ્લાસ માટે છે.
ક્લાસિક આમળા-આદું જ્યુસ (સિમ્પલ ઈમ્યુનિટી બુસ્ટર)
સામગ્રી: 8-10 તાજા આમળા (બી કાઢીને ટુકડા કરેલા) ,
1 ઇંચ આદુંનો ટુકડો,
1 ચમચી લીંબુનો રસ,
ચપટી સિંધવ મીઠું અથવા કાળું મીઠું,
એક-દોઢ કપ પાણી
રીત: આમળા, આદું અને પાણીને મિક્સરમાં બરાબર ગ્રાઇન્ડ કરો. ગાળી લો, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને હલાવો. ઠંડું પીરસો. (આદું શરીરને ગરમ રાખે છે અને પાચન સુધારે છે.)
આમળા-લીલી હળદર-આદું ડિટોક્સ જ્યુસ (એન્ટી-ઇન્ફ્લેમેટરી)
સામગ્રી : 6-8 આમળા 1 ઇંચ લીલી હળદર (અથવા અડધી ચમચી પાઉડર) અડધો ઇંચ આદું 4-5 કાળી મરીના દાણા
ચપટી મીઠું
1 કપ પાણી
1 ચમચી મધ અથવા ગોળ (વૈકલ્પિક)
રીત: બધું મિક્સરમાં પીસીને ગાળો. મધ ઉમેરીને પીઓ.
(શિયાળામાં સોજા અને ઠંડીથી થતી તકલીફમાં ખૂબ ફાયદો.)
મસાલેદાર આમળા-ફુદીનો જ્યુસ (ચટપટો ટેસ્ટ)
સામગ્રી: 8 આમળા
10-12 ફુદીનાના પાન
અડધી ચમચી જીરું પાવડર
ચપટી સંચળ અને મરી પાવડર
1 ચમચી લીંબુનો રસ
દોઢ કપ પાણી
રીત: આમળા, ફુદીના અને પાણીને બ્લેન્ડ કરો. ગાળીને મસાલા અને લીંબુ ઉમેરો. બરફ સાથે પીઓ. (ઠંડા દિવસોમાં તાજગી આપે છે અને પાચન માટે સારું.)
આમળા-લીંબુ-મધ જ્યુસ (સ્વીટ એન્ડ સૉર)
સામગ્રી: 6-8 આમળા
2 ચમચી મધ અથવા ગોળ
1-2 લીંબુનો રસ
ચપટી કાળું મીઠું
1 કપ પાણી
રીત: આમળાને પીસીને ગાળો, પછી બધું મિક્સ કરીને હલાવો. ઠંડું પીવો. (વજન ઘટાડવા અને સ્કિન ગ્લો માટે બેસ્ટ, મધ ગળાને આરામ આપે છે.)
સુપર ઈમ્યુનિટી આમળા શોટ (કોન્સન્ટ્રેટેડ રોજ 1 નાનો ગ્લાસ)
સામગ્રી: 6 આમળા
અડધો ઇંચ આદું
1 ઇંચ લીલી હળદર
4-5 કાળી મરી દાણા
6-8 કઢીપત્તાના પાન
ચપટી મીઠું
અડધો કપ પાણી
રીત: બધું બ્લેન્ડ કરીને ગાળી લો. ખાલી પેટ 30-50 એમએલ. પીઓ.



